Shatdal

સંબંધોનું નેટવર્કે

By GS Team
22 Sep 20265 mins read
સંબંધોનું નેટવર્કે
  • વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર
  • માતાએ સ્મિત સાથે જવાબ આપ્યો, 'માતા પાસે માફી માંગવાની જરૂર પડતી નથી. માતા તો સંતાનને જન્મ પહેલાંથી જ માફ કરીને બેઠી હોય છે.'

શ હેરના જૂના બજારના એક ખૂણામાં અશોકની નાનકડી મોબાઇલ રિપેરીંગની દુકાન હતી. દુકાનના બોર્ડ પર લખેલું હતું- 'અશોક મોબાઇલ કેર - ગ્રાહકનો વિશ્વાસ જ અમારી ઓળખ.'
દુકાન મોટી નહોતી, પણ ત્યાં આવનાર દરેક વ્યક્તિને લાગતું કે અહીં માત્ર મોબાઇલ નહીં, માણસાઈ પણ રિપેર થાય છે. અશોકનો સ્વભાવ એવો હતો કે ગ્રાહકનો ફોન સુધારતાં પહેલાં તે તેના ચહેરા પર લખાયેલી ચિંતા વાંચી લેતો.
એક સાંજે બજારમાં સામાન્ય શાંતિ હતી. બહાર વરસાદ પછીની ભીની માટીની સુગંધ ફેલાઈ હતી. અશોક એક યુવાનનો મોબાઇલ રીપેર કરી રહ્યો હતો, ત્યાં જ દરવાજા પાસે લાકડીનો હળવો અવાજ સંભળાયો.
સફેદ સાડીમાં સજ્જ, ચાંદી જેવા વાળ અને ચહેરા પર વર્ર્ષોની તપસ્યાનું તેજ ધરાવતી એક વૃદ્ધા અંદર આવી. 'બેટા…' તેમનો અવાજ કંપી રહ્યો હતો, 'જરા જોઈ આપ. આ મારો મોબાઇલ બગડી ગયો લાગે છે. ઘણા દિવસથી મારા દીકરા સાથે વાત જ થતી નથી.'
અશોકે તરત ખુરશી આગળ ધકેલી. 'માજી, પહેલાં બેસો. પછી જોઈએ.'
વૃદ્ધા બેસી ગયા, પણ તેમની આંખો વારંવાર ફોન પર જ અટકી જતી. જાણે ફોન નહીં, પોતાના દીકરાનો ચહેરો શોધી રહી હોય. અશોકે ફોન હાથમાં લીધો. બધું બરાબર હતું. બેટરી, સિમ, નેટવર્ક-ક્યાંય ખામી નહોતી.
તેણે હળવેથી પૂછયું, 'માજી, આપનો દીકરો ક્યાં રહે છે?'
'અમેરિકામાં… એક જ દીકરો છે મારો આદિ. પહેલાં રોજ ફોન કરતો. હવે ઘણા દિવસથી મારો ફોન જ નથી ઉપાડતો. મને લાગ્યું કે મારો મોબાઇલ ખરાબ થઈ ગયો હશે.' છેલ્લું વાક્ય બોલતાં તેમની આંખો ભીની થઈ ગઈ.
અશોકના હૃદયમાં કંઈક સ્પર્શી ગયું. અનુભવથી તેને સમજાઈ ગયું કે ઘણી વખત સમસ્યા ફોનમાં નહીં, સંબંધોમાં હોય છે. 'માજી, તેનો નંબર આપશો?'
વૃદ્ધાએ કંપતા હાથથી જૂની ડાયરી ખોલી. તેમાં ખૂબ જ સાચવીને લખેલો નંબર હતો.
અશોક અંદરના રૂમમાં ગયો અને પોતાના ફોન પરથી નંબર જોડયો. થોડા સમય પછી સામે અવાજ આવ્યો. 'હેલો… આદિ
બોલું છું.'
'હું અશોક. તમારી માના મોબાઇલ વિશે વાત કરવી હતી.'
'હા, કહો.' આદિએ પૂછયું. અશોકે સીધો પ્રશ્ન કર્યો. 'તમે તમારી માનો નંબર બ્લોક કર્યો છે?'
સામે એકદમ શાંતિ છવાઈ ગઈ. થોડી ક્ષણો પછી ભારે શ્વાસ સાથે જવાબ આવ્યો.
'હા… કર્યો છે.'આદિએ જવાબ આપ્યો. અશોકે પણ સામે પૂછયું 'પણ કેમ?'
આદિનો અવાજ હવે થાકેલો હતો. 'મારી પત્ની અને માનો એકબીજા સાથે મનમેળ નથી. મા વારંવાર અમેરિકા આવવાની જીદ કરે. ઘરે મતભેદ થાય. ઓફિસનું ટેન્શન અલગ. આખરે મેં નંબર બ્લોક કરી દીધો.' આદિ એક જ શ્વાસે બોલી ગયો.
અશોકે આંખો મીંચી. 'તમને ખબર છે? તમારી મા રોજ તમને ફોન કરે છે. તેમને લાગે છે કે તેમનો મોબાઇલ ખરાબ થઈ ગયો છે. તેઓ આજે પણ તમને દોષ નથી આપતા.'
સામેથી કોઈ જવાબ ન આવ્યો. થોડી વાર પછી અશોકે ધીમેથી કહ્યું, 'એક વાત વધુ કહું? કદાચ મોડું થઈ જાય એ પહેલાં સાંભળો.'
'શું?' આદિએ પ્રશ્ન કર્યો.
'તમારી મા વારંવાર કહે છે કે બંગલો વેચીને બધું દાનમાં આપી દેશે. હવે તેમને કોઈની જરૂર નથી એવું માને છે.' આ સાંભળતાં જ આદિ ગભરાઈ ગયો.
'શું? ના… હું હમણાં જ ફોન કરું છું - આદિએ તરત જ કહ્યું. અશોકે ફોન મૂકી દીધો.
થોડા જ પળોમાં માજીના ફોનમાં રિંગ વાગી. માજીના ધૂ્રજતા હાથથી ફોન ઊંચકાયો. 'હેલો…?'
'મા…' માત્ર એક શબ્દ. પણ એ શબ્દમાં વર્ષોની તરસ, પસ્તાવો અને પ્રેમ સમાઈ ગયો હતો.
માજીની આંખોમાંથી આંસુઓની ધાર વહેવા લાગી.
'આદિ… બેટા! તું કેમ છે ? હું રોજ ફોન કરતી હતી. મને લાગતું હતું મારો ફોન જ બગડી ગયો હશે.' સામેથી રડવાનો અવાજ આવ્યો.
'મા… ફોન નહીં… હું બગડી ગયો હતો.' આ શબ્દો સાંભળીને અશોકની આંખો પણ ભીની થઈ ગઈ.
માતાએ ધીમેથી કહ્યું, 'દીકરા, માણસ ભૂલ કરે તો ચાલે. પરંતુ સંબંધો તૂટે નહીં એ જોવાનું.'
આદિ પસ્તાવા સાથે બોલ્યો, 'મા, મને માફ કરી દો.'
માતાએ સ્મિત સાથે જવાબ આપ્યો, 'માતા પાસે માફી માંગવાની જરૂર પડતી નથી. માતા તો સંતાનને જન્મ પહેલાંથી જ માફ કરીને બેઠી હોય છે.'
એક અઠવાડિયા પછી આદિ ભારત આવ્યો. ઘરના દરવાજા પર ઊભેલી માતાને જોઈ તે દોડી ગયો. વર્ષો પછી બંને એકબીજાને ભેટયા. એ ક્ષણે શબ્દોની જરૂર નહોતી. બે હૃદય વાત કરી રહ્યાં હતાં.
ઘરમાં પ્રવેશ્યા પછી આદિએ માતાના પગે માથું મૂક્યું. 'મા, મેં બહુ મોટી ભૂલ કરી.'
માતાએ માથા પર હાથ ફેરવ્યો. 'ભૂલથી મોટું કોઈ નથી, બેટા. પરંતુ ભૂલ સ્વીકારી લે તેનાથી મોટો માણસ પણ કોઈ નથી.'
થોડા દિવસોમાં આદિએ પોતાની પત્ની નિશા સાથે લાંબી વાત કરી. નિશાએ પણ સ્વીકાર્યું, 'મમ્મીને સમજવાના બદલે હું તેમને બદલવા માંગતી હતી.' માતાએ હસીને કહ્યું, 'ઘર જીતવું હોય તો દલીલ નહીં, દિલ જોઈએ.'
ધીમે-ધીમે ઘરમાં પ્રેમ પાછો ફર્યો. થોડા મહિના પછી માજી અમેરિકા ગયા.
સાંજે પૌત્રોને રામાયણ અને મહાભારતની વાર્તાઓ સંભળાવતા, સવારે ભજન ગાતા અને આખા ઘરને પોતાના સ્નેહથી ભરી દેતા. એક દિવસ આદિ ભારત આવ્યો અને સીધો અશોકની દુકાને પહોંચ્યો. 'અશોકભાઈ, તમે મોબાઇલ નહીં, મારું જીવન સુધાર્યું છે. આપનો આભાર માનું એટલો ઓછો છે.'
અશોક હસ્યો. 'ના ભાઈ… મેં તો માત્ર એક નંબર જોડયો હતો. બાકી તો માતાના આશીર્વાદે તમારું હૃદય જોડયું.' આદિએ પૂછયું, 'તમને કેવી રીતે સમજાયું કે ફોનમાં ખામી નહોતી?'
અશોકે દુકાનની બહાર નજર કરતાં કહ્યું, 'વીસ વર્ષથી મોબાઇલ સુધારું છું. હવે સમજાઈ ગયું છે કે દરેક 'સ્વિચ ઑફ' થયેલો ફોન ખરાબ નથી હોતો. ઘણા ફોનમાં જે નેટવર્ક હોય છે, પણ તે સંબંધોમાં નથી હોતું.'
થોડી ક્ષણ મૌન રહ્યું. પછી તેણે ઉમેર્યું, 'યાદ રાખજો… દુનિયામાં કોઈપણ નંબર ફરી મળી શકે, કોઈપણ ફોન ફરી ખરીદી શકાય, પરંતુ માતાનો નંબર જો હંમેશા માટે બંધ થઈ જાય, તો પછી આખી જિંદગી પસ્તાવા સિવાય કઈ ન રહે.' આદિની આંખો ફરી ભીની થઈ ગઈ.
તે દિવસે અશોકની દુકાનમાંથી એક ગ્રાહક નહીં, એક સારો દીકરો બહાર નીકળ્યો.
અને દુકાનની બહાર લખેલું વાક્ય જાણે જીવંત થઈ ગયું-
અહીં મોબાઇલ નહીં, સંબંધો પણ જોડાય છે.'
લાસ્ટ સ્ટ્રોેક :
મોબાઇલનું નેટવર્ક ગુમાવીએ તો થોડા સમય માટે સંપર્ક તૂટે છે, પરંતુ સંબંધોનું નેટવર્ક ગુમાવીએ તો આખું જીવન ગુમાવવું પડે છે. માતા-પિતાનો પ્રેમ ઈશ્વરની સૌથી મોટી ભેટ છે. તેઓ જીવતાં હોય ત્યાં સુધી તેમને સમય, સન્માન અને સ્નેહ આપવો એ જ સાચી સફળતા અને સાચો ધર્મ છે.