નેગેટિવિટી એમ જ ફૂટી નીકળે છે અને પોઝિટિવીટી પેદા કરવી પડે છે?!

- તારી અને મારી વાત-હંસલ ભચેચ
- જીવનના દરેક અનુભવને પોઝિટિવ કે નેગેટિવ, સફળતા કે નિષ્ફળતા, સુખ કે દુ:ખ, અપાર કે અભાવ વગેરે વિરોધી બાબત તરીકે વર્ગીકૃત કરતા રહેવું એ આપણી વૈચારિક નબળાઈ છે
જ્યા રે કોઈ બાબતમાં તમારી તરફ આંગળી ચીંધાય તો તે સમયે તમે શું કરો ?! મોટાભાગે તમે એ બાબત કે એને સંલગ્ન તમારા વ્યવાહરને વ્યાજબી કે ઉચિત ઠેરવવામાં લાગી પડો. તમે સાચી-ખોટી દલીલો કરો કે જેથી ચીંધાયેલી આંગળી પાછી વળે અથવા તમે એ બાબતે યોગ્ય ઠરો. હવે એથી ઉલટું, જ્યારે કોઈ બાબતમાં અન્ય વ્યક્તિ તરફ આંગળી ચીંધાય તો તે સમયે તમે શું કરો ?! મોટાભાગે તમે એના વ્યવહાર અંગે નિર્ણાયત્મક બનીને ન્યાય તોળવા બેસી જાવ. અહીં તમે પહેલા એક નિર્ણય પર આવી જાવ છો અને પછી એ વ્યક્તિને નહીં પણ તમારા નિર્ણયને વ્યાજબી ઠેરવવા દલીલો કરો છો. પોતાની બાબતમાં વકીલ અને અન્યની બાબતમાં તટસ્થ કે દ્રષ્ટા બનીને રહેવું એ આપણા સ્વભાવમાં નથી, આપણે વકીલ કે જજ બનીને જ રહેતા હોઈએ છીએ. ઘણી વ્યક્તિઓ પોતે તટસ્થ હોવાનો ભાવ ઉત્પન્ન કરવામાં હોંશિયાર હોય છે, પરંતુ મનમાં તે ખુલાસાઓ કે અભિપ્રાયોની પોટલી બાંધીને બેસતા હોય છે અને યોગ્ય સમયે કે આડકતરી રીતે પોટલી ખોલતાં રહેતા હોય છે.
તટસ્થ કે દ્રષ્ટા ભાવમાં રહેવું એ આપણો સ્વભાવ નથી, એ તો સતત મહાવરો કરીને કેળવવી પડે તેવી આવડત કે કળા છે. માણસના મનને તટસ્થ કે દ્રષ્ટા બનીને રહેવામાં બે બાબતો અડચણરૂપ છે. એક, આપણી વિચારસરણી બાય ડિફોલ્ટ જ દ્વૈતવાદી છે, આપણા માટે દરેક વાતની ઓછામાં ઓછી બીજી એક બાજુ તો હોય છે જ અને આપણે જાગ્રત કે અજાગ્રત સ્તરે, મોટાભાગે અજાગ્રત સ્તરે બેમાંથી એક બાજુની પસંદગીમાં અટવાયેલા જ રહેતા હોઈએ છીએ. બીજી બાબત, આપણી વૈચારિક નબળાઈ છે કે આપણે ડયુઆલિટી (દ્વૈત)ને બે બાજુ તરીકે જોઈએ છીએ પરંતુ એક જ રેખાના બે છેડા તરીકે નહીં. બે અંત્યબિંદુઓની વચ્ચે ક્યાંક રહેવાને બદલે મોટાભાગે આપણે અંત્યબિંદુઓ કે છેડા ઉપર જ રહેતા હોઈએ છીએ. સરવાળે, જીવન આપણે કરેલી પસંદગીઓનું પરિણામ બનીને જ રહી જતું હોય છે અને એમાં કંઈ ખોટું પણ નથી. પરંતુ સમસ્યા એ ઊભી થાય છે કે આપણે દરેક બાબતમાં નિર્ણયાત્મક કે જજમેન્ટલ બનતા જઈએ છીએ. જાગ્રત કે અજાગ્રત સ્તરે આપણે સતત પસંદગીઓના દબાણમાં રહીએ છીએ અને આ દબાણ આપણી વિચારસરણીને આકાર આપે છે. કોઈપણ વ્યક્તિને આવતા વિચારોને આપણે મુખ્યત્વે બે પ્રકારમાં વહેંચી શકીએ, સ્વૈસ્છિક અને અનૈચ્છિક, વોલન્ટરી અને ઇન્વોલન્ટરી, ઇચ્છા મુજબના અને આપમેળે ઉત્પન્ન થતાં રહેતા આપણે કોઈપણ કાર્ય કરતી વખતે, આયોજન કરતી વખતે કે કોઈપણ બાબતને મૂલવતી વખતે સ્વૈચ્છિક વિચારો કરતા હોઈએ છીએ. બાકીના સમયમાં અથવા ક્યારેક સ્વૈચ્છિક વિચારોના બેકગ્રાઉન્ડમાં અનૈચ્છિક વિચારો પણ સાથેસાથે ઉપન્ન થતાં રહેતા હોય છે. મગજ જ્યારે સક્રિયપણે કામમાં ના હોય ત્યારે મોટા ભાગે વિચારો આપમેળે ઉભા થતાં રહેતા હોય છે. આપમેળે ઉભા થતાં આ ઓટોમેટિક વિચારો પુનરાવર્તિત (એકના એક), નકારાત્મક, ચિંતા કરાવનારા, ભય પેદા કરનારા, દિવાસ્વપ્ન બતાવતાં, ભવિષ્યનું આયોજન કરનારા કે ભૂતકાળને ચગળાવનારા હોય છે. આપમેળે પેદા થતાં વિચારો મહદ્અંશે નેગેટિવ અને મનને અશાંત-ઉચાટમાં રાખનારા હોય છે. તેથી જ લોકો વધુ પડતા વિચારો કે ઓવરથિંકિંગથી ત્રાસી જતા હોય છે. આપણે આ બાબતથી એટલા ટેવાઈ ગયા છીએ કે કોઈ વ્યક્તિ આપમેળે ઉત્પન્ન થતાં વિચારોથી પોતાની મસ્તીમાં રહેતી હોય એવું કલ્પી જ ના શકીએ અને કોઇ એવું મળી આવે તો આપણે એના માનસિક સંતુલન પર સંદેહ કરવા માંડીએ !
વિચારોની બાબતમાં આપણું મન નકારાત્મક તરફ ઝૂકેલું કેમ રહે છે ?! નેગેટિવ વિચારો જેટલા પોઝિટિવ વિચારો સાહજિક કેમ નથી હોતા ?! શા માટે નેગેટિવિટી એમ જ ફૂટી નીકળે છે અને પોઝિટિવીટી પેદા કરવી પડે છે ?! જવાબ છે આપણું અચેતન મન, આપણા મનનું ગોડાઉન જેમાં આપણી અગણિત ઇચ્છાઓ, લાગણીઓ, અનુભવો, માન્યતાઓ, ભૂતકાળ વગેરે દબાઈને પડેલું છે. આ બધી જ બાબતો ત્યાં મેં ઉપર જણાવેલી વૈચારિક નબળાઈને કારણે સારી અને ખરાબ, આનંદદાયક અને દુ:ખદાયક, ઈચ્છિત અને અનિસ્છિત તરીકે વર્ગીકૃત થઈને પડી છે. બત્રીસીમાં એક દાંત પડી ગયો હોય તો જીભ ત્યાં જ ફર્યા કરે છે, એકનો અભાવ બાકીના એકત્રીસ દાંતની હાજરી છતાં પીડે છે, એમ આપણા વિચારોમાં નેગેટિવિટી તરફ આપણું ધ્યાન વધુ રહે છે અને આપણે બીજી બધી પોઝિટિવિટીને અવગણીને પીડાતા રહીએ છીએ. અભાવ અને અગવડ આપણને જેટલું દુ:ખ આપે છે કે જેટલી અપૂર્ણતાનો અનુભવ કરાવે છે, તેટલું સુખ કે તેટલી પૂર્ણતાનો અનુભવ પ્રાપ્તિ કે સગવડ નથી કરાવી શકતી. જીવનના દરેક અનુભવને પોઝિટિવ કે નેગેટિવ, સફળતા કે નિષ્ફળતા, સુખ કે દુ:ખ, અપાર કે અભાવ વગેરે વિરોધી બાબત તરીકે વર્ગીકૃત કરતા રહેવું એ આપણી આ બાબતોને એક સિક્કાની બે બાજુ તરીકે જોવાની વિચારસરણીને કારણે છે. આપણું મન પસંદગી કરવા મજબૂર છે, જ્યાં પસંદગી છે ત્યાં જસ્ટિફિકેશન છે અને જ્યાં જસ્ટિફિકેશન છે, નિર્ણયાત્મકતા છે ત્યાં તટસ્થ કે દ્રષ્ટા રહેવું અઘરુ છે.
વિચારોની બાબતમાં જો તમે દ્રષ્ટાભાવ કે તટસ્થતા કેળવવા માંગતા હોવ તો નેગેટિવ-પોઝિટિવ, નિષ્ફળતા-સફળતા, દુ:ખ-સુખ વગેરેના આ ચક્કરમાંથી બહાર આવવું પડશે, જ્યાં સુધી આ ચક્કરમાં હશો ત્યાં સુધી દરેક નાની-મોટી નેગેટિવિટી-નિષ્ફળતા તમને નિસહાયતા અને વ્યક્તિ તરીકે અપૂર્ણતાનો અનુભવ કરાવતી રહેશે. તમે અસલામતી, આંતરિત સંઘર્ષ અને અશાંતિ અનુભવતા રહેશો. નકારાત્મક વિચારો તમારી સમસ્યા નથી, તમારા મનની નિર્ણાયાત્મક વૃત્તિ-જજમેન્ટલ એટિટયૂડ તમારી સમસ્યા છે. દ્વૈત પૈકી કોઈ એકની પસંદગી તેનું મૂળ છે. કોઈપણ બાબતને સિક્કા તરીકે વિચારવાને બદલે રેખા તરીકે વિચારવાનો અભિગમ તમને આવી નિર્ણયાત્મકતા કે પસંદગીથી દૂર લઈ જાય છે, તટસ્થતા કેળવવામાં મદદરૂપ થાય છે. જો નેગેટિવ અને પોઝિટિવને કોઈ એક જ બાબતના બે વિચારો છેડા તરીકે જોવાની દ્રષ્ટિ તમે કેળવી શકો તો નકારાત્મકતા તમને એટલી નહીં પીડે તે નક્કી. પરંતુ, આ દ્રષ્ટિ કેળવવા માઈન્ડકુલનેસ અને ચોઈસલેસનેસનો સતત મહાવરો કરતા રહેવું પડશે.
પૂર્ણવિરામ
નકારાત્મક વિચારોનો ઉપાય હકારાત્મક વિચારો નથી, પરંતુ નકારાત્મક વિચારો પ્રત્યે જાગૃતિ અને દ્રષ્ટાભાવ કેળવવાનો છે.




