મેસેજ ડિલીટ થાય છે, લાગણીઓ નહીં

- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ
- એકબીજાને સમજો અને જ્યાં જરૂરી હોય ત્યાં એક પગલું પાછળ હટો કારણ કે સંબંધ જીતવા કરતાં સંબંધ સાચવવો વધુ મહત્ત્વનો છે
જ માનો હવે ડિજિટલ મેક-અપ અને ડિજિટલ બ્રેક-અપનો છે. સંબંધો હવે માત્ર દિલથી નહીં, પણ મોબાઇલના સ્ક્રીન પરથી પણ શરૂ થાય છે અને ક્યારેક એક ક્લિકમાં પૂરા થઈ જાય છે. પ્રેમીને બ્લોક કરી શકાય, ફોટા ડિલીટ કરી શકાય, ચેટ ડિલીટ કરી શકાય, નંબર કાઢી શકાય અને સોશિયલ મીડિયામાં અનફોલો પણ કરી શકાય. પરંતુ દિલ અને દિમાગમાંથી કોઈ વ્યક્તિને ડિલીટ કરવા માટેનું બટન હજી સુધી શોધાયું નથી.
આજના સમયમાં સંબંધ તોડવો કદાચ પહેલાં કરતાં સહેલો બન્યો છે, પરંતુ સંબંધ સાચવવો એટલો જ મુશ્કેલ બન્યો છે. એક નાની ગેરસમજ, એક ખોટું વાક્ય, એક જવાબ મોડો મળવો, કોઈની પોસ્ટ પર કરેલી એક કોમેન્ટ કે કોઈનો મેસેજ 'સીન'કરીને જવાબ ન આપવો-આટલી નાની બાબતો ક્યારેક બે નજીકના માણસો વચ્ચે મોટું અંતર ઊભું કરી દે છે.
ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપ-બધે બ્લોક કરી શકાય છે. પરંતુ મનમાં રહેલી વ્યક્તિને કેવી રીતે બ્લોક કરશો?
સ્ટેટસ દેખાતા બંધ થઈ જાય છે, પણ આંખો હજુ એ જ નામ શોધે છે. પ્રોફાઇલ ફોટો દેખાતો નથી, પણ યાદોમાં એ જ ચહેરો દેખાય છે. ચેટ ડિલીટ થઈ જાય છે, પરંતુ મનમાં થયેલી વાતચીત ચાલુ જ રહે છે. મોબાઇલમાંથી નંબર કાઢી નાખવાથી સંબંધની યાદો થોડા જ સમયમાં કાઢી શકાતી નથી.
આ વાત સમજવા માટે આપણા આસપાસના લોકોના જીવનમાં થોડી નજર કરીએ.
વાત છે પિતાથી નારાજ થયેલા પુત્ર પ્રથમેશની. પ્રથમેશ પોતાના પિતાની સાથે કોઈ એક મુદ્દે ગંભીર રીતે નારાજ થયો. પિતાએ ગુસ્સામાં તેને કેટલાક કડવા શબ્દો કહી દીધા. દીકરાએ પણ ગુસ્સામાં ઘર છોડયું અને નક્કી કર્યું કે હવે પિતા સાથે કોઈ સંબંધ રાખવાનો નથી.
તેણે ફોનમાં પિતાનો નંબર બ્લોક કરી દીધો. વોટ્સએપ પર બ્લોક, સોશિયલ મીડિયા પર બ્લોક અને વાતચીત સંપૂર્ણ બંધ. બહારથી લાગતું હતું કે સંબંધ પૂરો થઈ ગયો. પરંતુ થોડા દિવસો પછી તેને પિતાની એક જૂની તસવીર મળી. બાળપણમાં પિતા તેને ખભા પર બેસાડીને મેળામાં લઈ ગયા હતા. ફોટો જોઈને તેની આંખોમાં આંસુ આવી ગયા. ત્યારે તેને સમજાયું-તે પિતાને ડિલીટ કરવા માંગતો હતો, પરંતુ પિતાની સાથે જોડાયેલી પોતાની આખી જિંદગી કેવી રીતે ડિલીટ કરશે?
ઘણા સંબંધોમાં સમસ્યા પ્રેમની ગેરહાજરી નથી હોતી, સમસ્યા હોય છે અહંકારની હાજરી. ક્યારેક એક વ્યક્તિ કહેવાની રાહ જુએ છે- 'તું ફોન કેમ નથી કરતો?' અને બીજી વ્યક્તિ રાહ જુએ છે- 'પહેલા તે ફોન કરે.' અને આ 'પહેલા કોણ?'ની રમત મહિનાઓ સુધી ચાલે છે. પરંતુ સંબંધોમાં ઘણી વાર જીત એમાં નથી કે કોણ પહેલું ઝૂક્યું. સાચી જીત એ છે કે સંબંધ બચી ગયો.
પતિ-પત્ની વચ્ચેનો પણ નાનામોટા ઝગડા થતા રહે છે. એક દંપતીમાં રોજિંદા જીવનની સામાન્ય બાબત પર ઝઘડો થયો. પત્નીને લાગ્યું કે પતિ તેની લાગણીઓને સમજતા નથી. પતિને લાગ્યું કે પત્ની નાની બાબતોને મોટી બનાવે છે. બંનેએ વાત કરવાનું બંધ કર્યું. એક જ ઘરમાં રહેતા હતા, પરંતુ એકબીજા સાથે વાત નહોતા કરતા. ડાઇનિંગ ટેબલ પર બે વ્યક્તિઓ બેઠા હતા, પણ વચ્ચે જાણે અદ્રશ્ય દિવાલ હતી.
આવી સ્થિતિને આપણે ઘણી વાર 'સાઇલન્ટ ટ્રીટમેન્ટ'કહીએ છીએ. પરંતુ લાંબુ મૌન સંબંધ માટે ઘણી વાર શબ્દોથી પણ વધારે નુકસાનકારક બને છે. એક રાત્રે પતિએ માત્ર એટલું કહ્યું- 'આપણે બંને એક બીજા પર ગુસ્સામાં છીએ. પરંતુ હું નથી ઇચ્છતો કે આ ઝઘડો આપણા સંબંધ કરતાં મોટો બની જાય.' એટલું સાંભળતાં જ પત્નીની આંખોમાં આંસુ આવી ગયા. સમસ્યા એ જ હતી. પરિસ્થિતિ પણ એ જ હતી. પરંતુ દ્રષ્ટિકોણ બદલાઈ ગયો. ક્યારેક સંબંધ બચાવવા માટે મોટી ફિલોસોફીની જરૂર નથી પડતી. માત્ર એક વાક્ય પૂરતું હોય છે- 'ચાલ, વાત કરીએ.'
ઉન્મેશ અને પ્રતિક બે વર્ષો જૂના મિત્રો હતા. તેઓ બાળપણથી સાથે હતા. અભ્યાસ, નોકરી, લગ્ન-જીવનના દરેક તબક્કામાં તેઓ એકબીજાની સાથે રહ્યા. પરંતુ એક વ્યવસાયિક નિર્ણયને કારણે બંને વચ્ચે ગેરસમજ થઈ. એકને લાગ્યું કે બીજા મિત્રએ તેની સાથે દગો કર્યો છે. વાતચીત બંધ થઈ ગઈ. વર્ષો પસાર થઈ ગયા. બંનેના જીવનમાં ઘણું બદલાઈ ગયું, પરંતુ અંદરથી બંનેને એકબીજાની ખોટ લાગતી રહી.
એક દિવસ ઉન્મેશને ખબર પડી કે પ્રતિક ગંભીર મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે. જૂનો ગુસ્સો ક્યાંક પાછળ રહી ગયો. તેણે ફોન કર્યો. સામે થોડા સમય સુધી મૌન રહ્યું. પછી માત્ર એક જ વાક્ય આવ્યું- 'આટલા વર્ષો પછી ફોન કર્યો?'. જવાબ હતો- 'હા. કદાચ બહુ મોડો કર્યો.'
ક્યારેક સંબંધો તૂટતા નથી, માત્ર તેમના પર અહંકારની ધૂળ જામી જાય છે. એક સાચો ફોન, એક મુલાકાત અથવા એક 'માફ કરજે' એ ધૂળ સાફ કરી શકે છે.
માતા અને દીકરીના સંબંધો પણ ઘણી વાર ઉબડ ખાબડ રસ્તાઓ ઉપરથી પસાર થાય છે. એક દીકરીને લાગતું હતું કે તેની માતા તેને હંમેશાં રોકે છે - ટોકે છે, તેની પસંદગીઓને સમજતી નથી અને તેની સ્વતંત્રતામાં દખલ કરે છે. ગુસ્સામાં તેણે માતા સાથે વાતચીત ઓછી કરી દીધી. માતાને પણ લાગ્યું કે દીકરી હવે મોટી થઈ ગઈ છે અને તેને પોતાની જરૂર નથી. બંને પોત પોતાની જગ્યાએ સાચા હતા-પણ બંને એકબીજાની લાગણી સમજવામાં નિષ્ફળ રહ્યા હતા. એક દિવસ દીકરીને સમજાયું કે માતાની દરેક ચિંતા પાછળ નિયંત્રણ નહીં, પરંતુ ભય હતો-'મારી દીકરીને કોઈ નુકસાન તો નહિ થઈ જાય ને?'
અને માતાને સમજાયું કે દીકરીને દરેક નિર્ણયમાં સલાહ નહીં, ક્યારેક માત્ર વિશ્વાસ જોઈએ છે.
આ સમજણ પછી બંને વચ્ચેનો સંબંધ બદલાઈ ગયો. ઘણા સંબંધોમાં આપણે વ્યક્તિને બદલવાની જરૂર હોતી નથી પણ તેના વર્તન પાછળ રહેલી તેની લાગણી સમજવાની જરૂર હોય છે.
હોસ્પિટલમાં લાંબા સમયથી દાખલ થયેલા એક દર્દીની વાત કહું એક વ્યક્તિ લાંબા સમયથી પોતાના પરિવારના એક સભ્ય સાથે નાની બાબતને લઈને બોલતો નહોતો. બંને વચ્ચે વર્ષોથી અબોલા હતા. બંને માનતા હતા કે ભૂલ બીજાની છે.
એક દિવસ અચાનક પરિવારના એક સભ્યને હોસ્પિટલમાં દાખલ કરવો પડયો. હોસ્પિટલના રૂમની બહાર ઊભા રહીને તેને એક જ વિચાર આવ્યો- 'જો આજે કંઈ અનિચ્છનીય થઈ જાય તો?' એ ક્ષણે વર્ષો જૂનો ગુસ્સો નાનો લાગ્યો. તેણે રૂમમાં જઈને હાથ પકડયો અને કહ્યું- 'ચાલ, જે થયું એ ભૂલી જઈએ.'
ક્યારેક જીવન આપણને એવી પરિસ્થિતિ સુધી લઈ જાય છે જ્યાં સમજાય છે કે આપણે જે બાબતને વર્ષોથી ખૂબ મોટી માનતા હતા, તે ખરેખર એટલી મોટી હતી જ નહીં. જીવન ખૂબ ટૂંકું છે. સંબંધો બહુ કીંમતી છે.
સંબંધોમાં સૌથી મોટો શત્રુ કોણ? ઘણા લોકો કહેશે-ગેરસમજ. પરંતુ ગેરસમજ કરતાં મોટો શત્રુ છે અહંકાર. 'હું કેમ ફોન કરું?' 'પહેલા એ માફી માગે.' 'મેં કંઈ ખોટું કર્યું જ નથી.' 'મને શું જરૂર છે?' આ વાક્યો ઘણી વાર સંબંધોના અંતની શરૂઆત બને છે. ક્યારેક આપણે સાચા હોઈએ છીએ, પરંતુ સાચા હોવાની કિંમત તરીકે સંબંધ ગુમાવી બેસીએ છીએ.
પ્રશ્ન એ નથી કે કોણ સાચું હતું. પરંતુ પ્રશ્ન એ છે કે શું સંબંધ બચાવવાથી પણ વધારે મહત્વ કોણ સાચું અને કોણ ખોટું એ હતું? દરેક સંબંધમાં મતભેદ થશે. પતિ-પત્ની વચ્ચે થશે, માતા-પિતા અને સંતાનો વચ્ચે થશે, મિત્રો વચ્ચે થશે, ભાઈ-બહેન વચ્ચે થશે. મતભેદ સંબંધની નિષ્ફળતા નથી. મતભેદ પછી વાતચીત બંધ કરી દેવી-એ સંબંધ માટે જોખમી છે.
રીસામણાં ડિજિટલ હોઈ શકે, પરંતુ મનામણાં તો દિલથી જ થાય. એક નાનું 'મિસ યુ' ક્યારેક બધા બ્લોક તોડી નાખે છે. એક સાચું 'માફ કરજે' વર્ષોનું અંતર ઓછું કરી શકે છે. એક 'તું કેમ છે?' એવી વ્યક્તિને ફરી જીવનમાં પાછી લાવી શકે છે જેને આપણે ગુમાવી દીધી હતી.
પરંતુ ક્યારેક એક શંકા આખો સંબંધ તોડી નાખે છે. આથી સંબંધોમાં શંકા કરતાં સંવાદને વધારે જગ્યા આપવી જોઈએ. કોઈ મેસેજનો જવાબ મોડો આવ્યો એટલે વ્યક્તિ બદલાઈ ગઈ એવું જરૂરી નથી. કોઈ ફોન ન ઉઠાવે એટલે તે આપણાથી દૂર થઈ ગયો હોય એવું જરૂરી નથી. સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ ન કરવી એટલે જીવનમાં કોઈ સમસ્યા છે એવું પણ જરૂરી નથી.
ડિજિટલ દુનિયાએ આપણને ઝડપથી નિષ્કર્ષ પર પહોંચવાની ટેવ પાડી છે. પરંતુ સંબંધો માટે ધીરજ જોઈએ. કારણ મેસેજ ડિલીટ કરી શકાય છે, લાગણીઓ નહીં. આપણે ફોટો કાઢી શકીએ છીએ, પરંતુ તેની સાથે જોડાયેલી યાદ કેવી રીતે કાઢીશું? નંબર બ્લોક કરી શકીએ છીએ, પરંતુ હૃદયમાં રહેલા સંબંધને કેવી રીતે બ્લોક કરીશું? સોશિયલ મીડિયા પરથી કોઈને અનફોલો કરી શકીએ છીએ, પરંતુ જીવનની યાદોમાંથી કેવી રીતે અનફોલો કરીશું?
એટલે જ સંબંધોમાં કોઈ વાદ-વિવાદ એટલો ન લંબાવો કે તેનો છેડો જ ન મળે. સ્વજનથી છેડો ફાડવો સહેલો છે, પરંતુ તૂટેલો છેડો ફરી સાંધવો ક્યારેક અશક્ય બની જાય છે. જેના વગર ચાલતું નથી, એના વગર ચલાવવાનો પ્રયત્ન કરવા કરતાં ક્યારેક એને મનાવી લેવું વધુ સમજદારી છે. અને જો ભૂલ આપણી હોય તો પોતે માની જવું-એમાં હાર નથી, પરિપક્વતા છે. સંબંધમાં ક્યારેક ઝૂકવું પડે છે. પરંતુ યાદ રાખવું જોઈએ-ઝાડ પવનમાં એટલા માટે ટકે છે કે તે થોડું ઝૂકે છે. જે બિલકુલ ઝૂકતું નથી, તે ઘણી વાર તૂટી જાય છે.
આજના ડિજિટલ યુગમાં આપણે 'ડિલીટ', 'બ્લોક', 'અનફોલો' અને 'અનફ્રેન્ડ' ખૂબ ઝડપથી શીખી ગયા છીએ. હવે કદાચ આપણને 'સમજવું', 'સાંભળવું', 'માફ કરવું', 'મનાવવું' અને 'સંબંધ સાચવવો' પણ એટલું જ ઝડપથી શીખવાની જરૂર છે. કારણ કે અંતે જીવનમાં સૌથી કિંમતી વસ્તુ મોંઘો ફોન નથી, મોટી કાર નથી, સોશિયલ મીડિયાના હજારો ફોલોઅર્સ પણ નથી. સૌથી કિંમતી છે-એ લોકો, જેમને આપણે દિલથી પોતાના કહી શકીએ. એટલે આજે કોઈ પોતાના માણસ સાથે અબોલા હોય તો એક વાર વિચારજો. તમારે ખરેખર સંબંધનો અંત જોઈએ છે? કે માત્ર સંઘર્ષનો અંત?
જો જવાબ બીજો હોય, તો કદાચ આજે જ એક નાનો મેસેજ મોકલી દો- 'ચાલ, જે થયું એ થયું… વાત કરીએ.' કદાચ મેસેજ મોકલ્યા પછી સ્ક્રીન પર માત્ર બે ટિક આવશે. પણ કદાચ એ બે ટિકની પાછળ એક તૂટેલો સંબંધ ફરી જીવંત થઈ જશે. કારણ કે-
મેસેજ ડિલીટ થાય છે, લાગણીઓ નહીં.
સંબંધો બ્લોક થાય છે, યાદો નહીં.
અને અહંકાર જીતે છે ત્યારે ઘણી વાર માણસ જીતે છે, પણ સંબંધ હારી જાય છે.
ન્યુરોગ્રાફ
મેસેજ ડિલીટ થાય છે, લાગણીઓ નહીં… એટલે બ્લોક કરતાં પહેલાં એક વાર બોલી લો-કદાચ એક નાની વાતચીત, એક મોટો સંબંધ બચાવી લે.




