મહેરાન ગઢ - દ્રષ્ટિ ઉદ્ગ્રીવ - વૈવિધ્ય અખૂટ

- રસવલ્લરી-સુધા ભટ્ટ
એશિયાનો ઉત્તમ લશ્કરી કિલ્લો ભવ્ય ઊંચા-પહોળા રાજદ્વારો
ભારતના રાજસ્થાનના જોધપુરનો મહેરાનગઢ કિલ્લો એક વિશાળ ઐતિહાસિક મિલન સ્થળ છે. એની વિશિષ્ટ પ્રકારની વાસ્તુકલા એ જ એની વિશેષતા અને ખાસિયત છે. આ દિલચસ્પ સ્થળ રસિકોને પંદરમી શતાબ્દીની સેર કરાવે. જેવો મહાકાય પર્વત, એવો વિશાળ કિલ્લો અને એ કિલ્લાના અંગ ઉપાંગ જેવાં એનાં ભવ્યતમ દ્વારો-જે સૌથી લોકપ્રિય છે. પાંચસો વર્ષોની વિકાસ યાત્રાના સાક્ષી એવા એના સાત દ્વારો સતત- આજ સુધી વિકસતા રહ્યા છે. સત્તરમી સદી આવતામાં તો મહારાજા અજિતસિંહજી, તખ્તસિંહજીઅને હનવંતસિંહજીએ એનો દિલથી કાયાકલ્પ પણ કરાવ્યો. અહીંના સાત દ્વારોમાં જયપોલી દ્વારનું સ્થાન લોકહૈયે છે. એની સ્થાપત્ય કળા પણ અન્ય દ્વારો સાથે આગે કદમ કરતી રહી. અન્ય કલાત્મક - સુંદર દ્વારો છે. વિકટરી ગેટ, ફતેહ ગેટ, ભૈરોં ગેટ, ડેઢ કાંગ્રા ગેટ, માર્ટી ગેટ, અને લોહાગેટ મૂળ રાજસ્થાનાની સ્થાપત્ય શૈલીમાં સતત નવી શૈલીઓ જોડાતી ગઇ. ભારતના સૌથી વધુ સુસજ્જ કિલ્લોઓમાંનો એક - એવો સચવાયેલો આ દસ્તાવેજ છે. એની ઝીણવટભરી વિગતવાર નકશી-કોતરણી ગૉથિક શૈલીના બારી-બારણાં ઝરૂખા સાથે માનવંતી લાગ છે. ત્યાં સુધી કે કિલ્લાની અગાશીના ભાગમાં અને કઠેડાની બાંધણી પણ અત્યંત સુરૂચિપૂર્ણ છે. મોંઘેરા રેશમી સાળુની કિનાર અનેતેના પાલવમાં જે નજાકત છલકાતી લાગે તે આ કિલ્લાની બહારની દીવાલ ઉપરના સ્થાપત્ય શિલ્પોમાં પ્રતિબિંબિત થતી. અનુભવાય. પેલા દ્વારો ઉપરના ખીલ્લા અને કડાની જેમ કંઈ કેટલાય બુટ્ટા ભીંતનો શણગાર બને.
આ ગઢ કહેવાતો ભાકુર ચેરિયા - પક્ષીઓનો પર્વત
મહેરાનગઢની બાહરી ભીંતની નીચેથી કરેલી પ્રદક્ષિણા અત્યંત રોચક અને દિલભર છે. ગૉથિક બારીબારણાં એવાં અલંકૃત છે કે તેમાં ચોરસ, ષટ્કોણ આદિ આકારની ગેલેરીઓ છે. તેની નીચે નાનાં નાનાં મદલ કાનના લટકણિયાની જેમ લટકે - અને પાછી ભાત જરા રંગ બદલે. એ નાનકા મદલિયાને ટેકો કરે થોડા તંદુરસ્ત મદલોની હાર. એમાં ફૂલ, પત્તી, વલ્લરીનાં તેજયુક્ત વર્ણ ઝગમગે. વળી પરસાળ ત્રણ-ચાર માળ સુધી પ્રસરેલી દેખાય. ફરી પેલા મદલનો ઝૂલતો, ઝૂકતો ખેલ આરંભાય અને એમ બસ કંઈ કેટલીય આવી હારો… કિલ્લાની દીવાલના બહારના ભાગ પરના નીચે પહોળા અને પછી સાંકડા થતા જતા ગોળ સ્તંભોનો આધાર લઈને ઝૂલતી લાગે. જાણે અનુભવી, સાધન-સંપન્ન દાદાજીના ખભા ઉપર ત્રીજી પેઢીનો વારસો ન વળગ્યો હોય ! અને હા, જેટલી લાસ્યયુક્ત ડિઝાઈનો એટલી જ ભૌમિતિક ભાત પણ ! વળી, ચોરસ સ્તંભો પણ મસમોટી દીવાલે ટેકો બનીને ચડતી લાગે ! એક કોર લશ્કરી થાણાં અને માંહ્યલી કોર કલાભોજનનાં ભાણાં !કિલ્લાની મથરાવટીએ કતારબંધ કાળીભમ્મર તોપોના મુખમાં કાળો મસ વૈભવી ગોળો કઠેડાની ભાત પછવાડે દાંત કાઢતો હોય. એને દુશ્મન દેખાય.. દુશ્મનને એનાં દર્શન દુષ્કર !! નવી ટેકનોલોજી અને સવલતને ધ્યાને રાખીને કરાયેલી 'લિફ્ટ' ની સગવડનો ફાયદો ઉઠાવીને ઘડીવારમાં કિલ્લાને મથાળે આવેલ મહેલો, ઓરડાઓ અને સંગ્રહસ્થાનોને નિહાળીએ તો ઉષાની સંધ્યા થઈ જાય એવડા મોટા મહેરાનગઢ કિલ્લાની અંદરના ભાગે રમણ કરીએ ! પર્યટકોને આકર્ષે એવા મહેલો આપણી રાહ જુએ છે - કવચિત્ તેઓ કાયાકલ્પ કરીને મ્યુઝિયમ બની જાય છે. મીતી મહલ, ફૂલ મહલ, શીશ મહલ, દૌલતખાના આપણી દૌલત છે - વિરાસત છે.
ઊંચી ઊંચી દીવાલો પર ત્રિસ્તરીય ઝરોખા-જોડાજોડ બાંધણી
કિલ્લાની કોટની રાંગને અડીને ઊભેલા બુરજો પાસે પણ કલાત્મક વારસો છે જેણે ખૂણિયા સાચવી લીધા છે. હવે આંતરિક નઝારા પામવા અને માપવા જઈએ તો પ્રત્યેક મહેલના શાનદાર ઓરડાઓમાં લાજવાબ સ્થાપત્ય શૈલીનાં દર્શન થાય. તદુપરાંત એના યથાયોગ્ય ઉપયોગમાં રાજાશાહી ઠાઠની અસર વરતાય. મોતીમહેલ રાજા સૂરસિંહે બનાવડાવ્યો. દીવાલો પર ભરચક ભૌમિતિક ભાત અને લાલિત્યપૂર્ણ પ્રસંગકથા દ્રશ્યો અંકાયેલા મળે. ઓરડામાં સ્તંભો વળાંકદાર અને ચિત્રો કુદરતી સૌંદર્યથી ભરપૂર માણવા મળે. રંગબેરંગી અલંકૃત લઘુચિત્રો અને ભૌમિતિક ભાત ઉપરાંત 'ટ્રી ઑફ લાઇફ' મહેલોની શોભા બની રહ્યાં છે. પ્રત્યેક ટાઇલ એક સુવાંગ કલાકૃતિ હોય જેમાં વિવિધ ડિઝાઇનની ઝાંખી થાય. એ સૌંદર્ય હજી બરકરાર રહ્યું છે એનો સૌને આનંદ થાય. સોનેરી રંગનો બહુવિધ પ્રયોગ કુદરતી તત્ત્વોમાં થાય - જયાં આકારોનો પાર ન હોય ! ચમકદાર છત, છોપર જાજમ અને કાચની બારીઓના રંગની શાહી આભા આદર્શ મહેલની ઝાંખી કરાવે ! વિશિષ્ટ જાળીદાર બારીઓ માટે પ્રસિધ્ધ એવા જનાનાં મહેલને મહારાજા તખતસિંહે બનાવડાવ્યા. રંગીન શીશમહેલ બેહદ આકર્ષક છે. દર્પણના ટુકડાઓની જટિલ ભાત ભાવકોને સ્પર્શી જાય. આ આંતરિક ખજાનામાં કેલિડોસ્કોપની ભાત લાગે. ફૂલમહેલનું નિર્માણ મહારાજા અભયસિંહે કરાવેલું. દીપક મહલ, મોતીમહેલ અને તખ્ત વિલાસનું આંતરિક આયોજન અદ્ભુત છે જેમાં છત, છો પર તો ચિત્રાંકન ખરાં જ, પરંતુ ફર્શ પર બિછાવેલી જાજમ પણ ચિત્રિત છે ! સરદાર વિલાસમાં કાષ્ઠ કોતરણીના સુંદરતમ નમૂનાઓ છે. સોનાના પડવાળી લાકડી પરની નકશી અને બારી બારણાંની નકશીદાર કલાકૃતિઓને હાથીદાંત, લાખ અને રંગથી ભવ્યરૂપે સજાવેલા છે. મહેલ સંકુલના ઓરડાઓના બહુઆયામી ઉપયોગો થઈ રહ્યા છે.: લસરકો :
મહેરાનગઢ કિલ્લામાં પ્રાચીનતાની ગરવાઇ છે. તે જૂનો નહિ-જાજરમાન દીસે છે. અનુભવોનો પિંડ છે એ અને રાજાશાહીનો ગુરુ પણ. સદાય તે ઉન્નત મસ્તકે, ટટ્ટાર તાજગીસભર ઊભો રહે !!
સ્થાપત્ય શૈલી-રજપૂતાના, મુઘલ અને અન્ય ભારતીય શૈલીઓનાં મિશ્રણ
રાજવીઓના વિચારો અનેકલાકારોના હાથની કળાના સંગમ સમી નવી નવી શૈલીઓથી સજ્જ એવું એક સંગ્રહાલય પણ અહીં મૌજુદ છે. તેની ભિન્ન ભિન્ન દીર્ઘાઓ - વીથિકાઓનું વળગણ રસિકોને જરૂર થાય. હૌદાગેલેરીમાં હાથીના આસનોનો ઉત્કૃષ્ટ સંગ્રહ છે. ઐતિહાસિક, સાંસ્કૃતિક- એવી હાથીની છટાઓ છે અહીં - જેમાં શાહજહાઁકા સૌદા સૌથી અનમોલ છે. આ સંગ્રહ દેશનો સર્વશ્રેષ્ઠ સંગ્રહ છે. પાલકી ગેલેરી. અહીં વિવિધ સામગ્રીઓથી બનેલી પાલખીઓ છે જે શાહી પરિવારમાં વપરાતી જુદાં જુદાં આવરણોવાળી લાકડાની, ધાતુની, કપડાની કલાત્મક પાલખીઓની સજાવટમાં સોનું, કીમતી પથ્થર, હાથીદાંત, રત્નો વપરાયેલા. દૌલતખાના ગેલેરીમાં મુઘલ અને રાજપૂત કળાની લલિતકલાઓનો સંગ્રહ છે. વસ્ત્ર, શસ્ત્ર, પાઘડી, પાંડુલિપિ, તલવાર, તંબુ અને ભરતકામવાળા તંબુની પડદા જેવી દુર્લભ વસ્તુઓ એમાં છે. વસ્ત્ર ગેલેરીમાં શાહી તંબુના બહેતરીન નમૂના છે. રંગીન જાજમ, સમૃધ્ધ ભરતકામ, મખમલ અને કલાત્મક અન્ય કૃતિઓ છે અહીં જે શાહી આવાસોની શોભા વધારતી. શસ્ત્ર ગેલેરીમાં સૈન્ય માટે વપરાતા કવચ, હેલ્મેટ, તલવાર, અન્ય ઉપકરણો અને ચામડાની અલંકૃત જણસો છે. રાજાશાહી જીવનમાં મુખ્ય એવાં રત્ન, મોતી, સોના ચાંદીના આભૂષણો ઠેરઠેર દેખાય એતો અલગ. ચિત્ર ગેલેરી - અહીં મારવાડ શૈલીની લઘુચિત્ર કળામાં વિષય આધારિત મુદ્દા દેખાય છે. શાહી જીવનશૈલીનાં જીવંત રૂપો ભીંત ચિત્રોમાં સમાયાં છે - જેના રૂપ, રંગ હજુ બળુકાં અને સ્પષ્ટ લાગે છે. એમાં વિવિધ વિષયોને આવરી લેવાયાં છે. આપણી આવી કળાભક્તિ અમર રહો ! મહેલનો મોનોગ્રામ પણ સૂચક !




