Shatdal

સંસાર અને મૃત્યુથી ઉગરી શકાય !

By GS Team
1 Sep 20262 mins read
સંસાર અને મૃત્યુથી ઉગરી શકાય !
  • ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ

ચા લતી ચક્કી (ઘંટી) એ સંત કબીરના ચિત્તમાં તીવ્ર મનોમંથન જગાડયું. યુવાવસ્થામાં કબીર સદ્ગુરૂચરણે બેસીને આત્મજ્ઞાન કરતા હતા અને એ આત્મજ્ઞાનના પરિણામે સંત કબીરના જીવનમાં વૈરાગ્યભાવનાનો પ્રબળ ઉદય થયો.
એક બાજુ હૃદયમાં વૈરાગ્યભાવ અને બીજી બાજુ જગતના માનવીની વ્યથાજનક સ્થિતિ. આ વિચારોના કારણે સંતની આંખમાં આંસુની ધારા વહેવા લાગી.
સંત કબીરે જોયું કે મુઠ્ઠીમાં ઘઉં લઈને ઘંટીમાં નાંખવામાં આવતા હતા અને ઘંટીના બે પડ વચ્ચે ઘઉંના એ દાણા પિસાઈને લોટ બની જતા હતા. સંત કબીરના મનમાં ચિંતન ચાલ્યું કે આ ઘઉં દળવાની ઘંટી ફરે છે એમ માનવી પણ સંસારચક્રમાં પિસાતો રહે છે. ઓહ ! આ સંસારમાં કેટલાય અબુધ અજ્ઞાની લોકો આ જ રીતે પિસાય છે ને !
એમાંથી વળી એવો એક નવો વિચાર જન્મ્યો કે આ ઘઉંના દાણા ચક્કીમાં પિસાય છે, એમ માણસ મૃત્યુની ચક્કીમાં પિસાય છે. મૃત્યુ પછી કશું બાકી રહે છે ખરું ?
સદ્ગુરૂ કબીરની વેદનાને પામી ગયા. અજ્ઞાની જીવોની દયનીય હાલત કબીરની આંખોમાં આંસુ સર્જે છે તે જોયું. શું આ મૃત્યુનું અવિરત ચાલતું ચક્ર પ્રત્યેક માનવીને કેવું ગ્રસી રહ્યું છે ! એમાંથી કોઈ મુક્તિ ખરી ? કોઈ બચાવનો માર્ગ ખરો ? કે પછી આ જીવનમાં ઘંટીના બે પડ વચ્ચે પિસાઈ પિસાઈને મૃત્યુ જ પામવાનું.
ગુરૂદેવે ઘંટીનું ઉપરનું પડ ઊંચક્યું અને કબીરને કહ્યું,
'જુઓ, આ ઘંટીના લોખંડના ખીલાની આસપાસ ઘઉંના દાણા છે અને તે અખંડ છે. બીજા દાણા પિસાઈને લોટ થઈ ગયા, પણ આ દાણા એવા ને એવા અક્ષત છે. સમજ્યા.'
ગુરૂએ વાતનો મર્મ પ્રગટ કરતાં કહ્યું, 'સંસારનું ચક્ર અને મોતનો ક્રમ તો ચાલતો જ રહે છે, પણ એનાથી ડરવાનું શું ? જે સત્ય પ્રભુના અમર કેન્દ્રમાં છે, એને દુનિયાની કોઈ પણ શક્તિ પીસી શકતી નથી.'
એ દિવસે સંત કબીરે અનુભવ્યું કે જીવનના કેન્દ્રમાં જો પ્રભુ હોય, તો ન તો સંસારની વિટંબણા કશું કરી શકે છે કે ન તો મૃત્યુ !