લવ લેંગ્વેજ: પ્રેમ ભાષા

- શબ્દસંહિતા-પરેશ વ્યાસ
- શબ્દો કરતાં કામ વધુ બોલે છે. ઘરકામમાં મદદ કરવી, રસોઈ બનાવવી અથવા સાથીનો કોઈ ભાર ઓછો કરવો- એ ય પ્રેમની અભિવ્યક્તિ છે.
સ માચાર છે કે મેરિયમ વેબ્સ્ટર્સ ડિક્સનરીએ ૧૪૦૦ નવીન શબ્દો ઉમેર્યા. જે પૈકી 'લૂક્સમેક્સિંગ' અને 'પેરાસોશિયલ' જેવા સોશિયલ મીડિયાના શબ્દો, 'અનકેની વેલી' અને 'એજીઆઇ'(આર્ટિફિસિઅલ જનરલ ઇન્ટેલિજન્સ) જેવા ટેક્નોલોજીના શબ્દો, 'કફિંગ સીઝન' અને 'સન્ડે સ્કેરી' જેવા રોજિંદી જીવનશૈલીના શબ્દો સામેલ થયા. આ પૈકી આજનો શબ્દ છે લવ લેંગ્વેજ (Love Language). ગુજરાતી લેક્સિક્ન અનુસાર લેંગ્વેજ એટલે ભાષા, બોલી, માનવબોલી, વાણી, બોલ, વચન, ભાષા કે ભાષણની શૈલી. લેંગ્વેજ શબ્દ અહીં લાક્ષાણિક અર્થમાં છે. જેમ અલગ-અલગ દેશોની ભાષાઓ અલગ હોય છે, તેમ પ્રેમ વ્યક્ત કરવાની અને તેને અનુભવવાની ભાષા પણ વ્યક્તિ પ્રમાણે અલગ હોઈ શકે. જો હું મારા સાથીની 'લવ લેંગ્વેજ' નથી જાણતો તો મારો પ્રેમ એના સુધી સાચી રીતે પહોંચી શકતો નથી.
'લવ' એટલે ઉષ્માભરી લાગણી, પ્રેમ, વહાલ, સ્નેહ, પ્રણય, અભિરુચિ, આસક્તિ, કામેચ્છા, શોખ, પ્રેયસી, પ્રિયકર, પ્રેમપાત્ર વ્યક્તિ, જાતીય આવેશ, મજાનો માણસ કે વસ્તુ. ટેનિસ જેવી રમતમાં લવનો અર્થ શૂન્ય થાય. ગુજરાતી શબ્દ 'લવ'નો એક અર્થ લવારો, બકબકાટ પણ થાય! પણ અહીં શૂન્ય કે લવારો અર્થ કરવો નહીં. લવ ઇઝ વેસ્ટ ઓફ ટાઇમ! લાગે તો પણ… ભગવદ્ગોમંડલ અનુસાર, પ્રેમ અને સ્નેહનાં અર્થમાં 'લવ' અધિકૃત ગુજરાતી શબ્દ છે. ઇંગ્લિશ શબ્દ 'લવ' સંસ્કૃત શબ્દ ।ઢપ્િેં। એટલે કે 'લાલસા કરવી', 'આકર્ષાવું' કે 'તીવ્ર ઈચ્છા રાખવી' પરથી આવ્યો છે. સંસ્કૃત શબ્દ લ્યગ્ એટલે 'તીવ્ર ઇચ્છા કે આકર્ષણ' પણ સમય જતા લોભ શબ્દનો અર્થ ગુજરાતીમાં લાલચ કે કંજૂસાઇ થયો. અમને લાગે છે કે લવમાં લોભ કરવો ગુનો તો નથી!
જ્યારે 'પ્રેમ' અને 'ભાષા' સાથે આવે ત્યારે એ પ્રેમ વ્યક્ત કરવાની રીત દર્શાવે છે. સને ૧૯૯૨માં મેરેજ કાઉન્સેલર ડો. ગેરી ચેપમેનએ પોતાના અનુભવોને આધારે એક પુસ્તક લખ્યું: 'પ્રેમની ૫ ભાષાઓ : તમારા જીવનસાથી પ્રત્યે હૃદયપૂર્વકની પ્રતિબદ્ધતા કેવી રીતે વ્યક્ત કરવી.' લવ લેંગ્વેજની પાંચ અભિવ્યક્તિઓ છે.
૧. પ્રોત્સાહક શબ્દો એમ કે વખાણ, પ્રશંસા કરતા કે પ્રોત્સાહન આપતા શબ્દો સાથીદારને સાંભળવા ગમે છે. 'હું તને પ્રેમ કરું છું' અથવા 'તેં આ કામ ખૂબ સરસ કર્યું'. પ્રેમ મનોમન ગોંધી રાખવા કરતા પ્રદર્શિત કરતા રહેવું. હરીન્દ્ર દવેની પંક્તિ 'પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા'. યાદ આવો છો તો એવું કહી દેવું. સારું લાગે.
૨. ગુણવત્તાયુક્ત સમય અર્થાંત સાથી સાથે પૂરતો અને એકાગ્ર સમય વિતાવવો. ફોન કે અન્ય કોઈ વિક્ષેપ વિના અલકમલકની વાતો કરવી. માધવ રામાનુજની પંક્તિ 'પાસપાસે તો ય કેટલાં જોજન દૂરનો આપણો વાસ'- જેવું ન જ થવા દેવાય.
૩. ભેટ સોગાદ લેવીદેવી. અહીં ભેટ મોંઘીદાટ જ જોઇએ, એવું નથી. ભેટની કિંમત નહીં, પણ તેની પાછળનો વિચાર મહત્વનો છે. ભેટ એ વાતનું પ્રતીક છે કે સાથીદાર તેમના વિશે વિચારી રહ્યો/રહી છે. અમૃત ઘાયલની પંક્તિ 'તમોને ભેટ ધરવા ભર જવાની લઇને આવ્યો છું; મજા લાંબી અને રાતો મજાની લઇને આવ્યો છું'.
૪. સાથીદાર માટે કામ કરવું. શબ્દો કરતાં કામ વધુ બોલે છે. ઘરકામમાં મદદ કરવી, રસોઈ બનાવવી અથવા સાથીનો કોઈ ભાર ઓછો કરવો- એ ય પ્રેમની અભિવ્યક્તિ છે. સુરેશ દલાલની પંક્તિ- 'મસાલા ચા અને ગરમ ગરમ નાસ્તો, ડોસી ડોસાનો કેવો ખ્યાલ કરે છે! એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે!'
૫. શારીરિક સ્પર્શ એટલે સાથીનો હાથ પકડવો, આલિંગન, ચુંબન કે નજીક બેસવું-એ પ્રેમ અનુભવવાની સૌથી સશક્ત રીત છે. અડવું એટલે દરેક વખતે સેક્સની જ વાત હોય, એવો આશય નથી. હરીશ મીનાશ્રુની પંક્તિ- 'ચુંબન ને આલિંગનસોતાં પિયુ માગ્યા પાતળિયા રે, પીધા પીધા પીધા તે રસ અરસપરસના પીધા રે'.
ટૂંક્માં, જલેબીનો સ્વાદ, વાહ!; ચાલો તમે લોટ બાંધો અને હું તળું; તારે માટે સ્પેશ્યલ જલેબી ને ગાંઠિયા લૈ આવ્યો; જો તું ખાઇ લે પછી હું પ્લેટ સાફ કરી દઉં અને ચાલ, ગળે મળ જેમ જલેબી ને ગાંઠિયા…કેવી સરસ વાત! પણ… એક હરણ કવિ હતું. હરણીને આમ જ પ્રેમ ભરેલી વાત કરતું, હરણી સાથે ક્વોલિટી ટાઇમ ગુજારતું, ઓર્ગેનિક ઘાસની ભેટ આપતું, હરણીની તૃષાતૃપ્તિ માટે મિનરલ વોટર ભરી આપતું અને હરણીને આલિંગન કરતું. એક દિવસ એણે હરણીને કહી દીધું કે તારી નજરનું તીર મારા દિલને વીંધીને આરપાર નીકળી ગયું છે. આ કાવ્યપંક્તિ ઝાડ પર બેઠેલાં વાંદરાએ સાંભળી અને એણે 'શિકારી આવ્યો, શિકારી આવ્યો'- એવી બૂમરાણ મચાવી. હરણાંઓનાં આખા ટોળામાં અફતરાતફરી મચી ગઇ અને એમા પેલો કવિ હરણ ચગદાઇ ગયો. પ્રેક્ટિકલ અનુભવ કાંઇક જુદા ય હોઇ શકે! પ્રેમની ભાષાને વાદે ચઢીને પત્નીની રસોઇનાં વખાણ કરો તો પત્ની રીસાય કે આજે ખાવાનું પાડોશીને ત્યાંથી આવ્યું છે એટલે; મારા હાથનું તો આને ભાવતું જ નથી. અને ફોન ટીવી બાજુ પર મૂકીને ક્વોલિટી ટાઇમ વીતાવવાની તજવીજમાં પતિદેવને પત્નીનાં પિયરનાં વખાણ અને સાસરિયાંની બદબોઇનુ વિસ્તૃત વર્ણન સાંભળવા મળે. આના કરતા તો સોશિયલ મીડિયાનાં રીલ્સ સારા હતા. અને ભૂલેચૂકે જો પતિ ભેટ લઇ આવે તો તરત જ સાંભળવું પડે કે તમને કાંઇ આવડતું જ નથી. આટલું મોઘું? અને પછી બદલાવવાનું અને ઉપરથી વધારે મોંઘુ લેવું પડે. પતિ પત્નીને મદદ કરવા કચરાં પોતાં કરે તો ટીકા થાય કે આ પલંગ નીચે તો ધૂળ રહી ગઇ છે. ચૂમવાનું ઇજન કરો તો પત્ની ગળે વળગી પડે, છોડે નહીં પછી ભલે ઉનાળાની બપોર હોય અને લાઇટ જતી રહી હોય તો પણ! આ તો પતિની વાત થઇ. આવું જ પત્ની કરે તો પતિ એની પર શંકા કરે. માટે…. પ્રેમની ભાષા અલબત્ત શીખવી પણ અમલ કરો ત્યારે સમય સંજોગ અનુસાર વર્તવું. હેં ને?
શબ્દશેષ
' પ્રેમની ભાષા એક જ, સાથે મળીને ખડખડાટ હસતાં રહેવું'
- અજ્ઞાત




