Shatdal
પ્રોબાયોટિક્સ વિષે આટલું જાણો
By GS Team
30 Jun 20263 mins read

- આરોગ્ય સંપદા-વિસ્મય ઠાકર
શરીરમાં સકારાત્મક જીવાણુની ઉપસ્થિતિને કારણે એન્ઝાઈમ બનવાની પ્રક્રિયાને વેગ મળે છે. જે પરોક્ષ રીતે હાઈબ્લડપ્રેશર અને કોલેસ્ટેરોલને નિયંત્રણમાં લાવવા મદદરૂપ થાય છે
પ્રોબાયોટિક એટલે શું ?
લેટિન ભાષામાં 'PRO' નો અર્થ 'ને માટે' અને ગ્રીક ભાષામાં 'BIOS' એટલે 'જીવન'. આમ પ્રોબાયોટિકનો અર્થ થાય 'જીવન માટે' - 'FOR LIFE'. જીવન માટે જરૂરી એવા આ પ્રોબાયોટિક્સ એક પ્રકારના સૂક્ષ્મ સજીવ રચના ધરાવતા માઈક્રોઓર્ગેનિઝમ છે. મોઢાથી શરૂ કરી અન્નનળી, જઠર, આંતરડા અને મળદ્વાર સુધી આખો પાચનમાર્ગ ચારસોથી વધુ પ્રકારના આવા સૂક્ષ્મ જીવોનું નિવાસસ્થાન છે. આ જીવોની સંખ્યા કરોડોમાં છે. શરીરમાં બે પ્રકારના સૂક્ષ્મ જીવાણુઓ છે - સકારાત્મક 'અસર બતાવનાર અને રોગોત્પાદક. પ્રોબાયોટિક્સ એ શરીરમાં સકારાત્મક અસર બતાવતા માઈક્રોબ્સ (જીવાણુ) છે.'
વીસમી સદીમાં સૂક્ષ્મ જીવોની શરીર પર થતી અસરોના સંશોધન માટે જેમને નોબેલ પુરસ્કાર મળ્યો હતો તે રશિયન વિજ્ઞાની એલી મેશ્નિકૉફ પ્રોબાયોટિક વિચારના પ્રણેતા કહેવાય છે.
લેક્ટોબેસિલસ (પચાસથી વધુ જાતના), બિફીડો બેક્ટેરિયા (ત્રીસથી વધુ જાતના), સેકેરોમાઇસીસ બૉઉલેર્ડી, સ્ટ્રેપ્ટોકોક્સ થર્મોપીલસ, એન્ટિરોકોક્સ ફીસીયમ અને લ્યુકોનોસ્ટોક જેવાં વિવિધ જીવાણુઓ પ્રોબાયોટિક્સ સ્વરૂપે કામગીરી બજાવે છે.
પ્રોબાયોટિક્સથી શરીરને શું ફાયદા થાય છે ?
સમગ્ર પાચનક્રિયા સુગ્રથીત થાય છે. તે અંતર્ગત કેલ્શિયમ અને મેગ્નએશિયસ જેવાં ખનીજો તથા ફૉલિક એસિડ, નિઆસીન (Vit. B3) પાઇરિડોક્સિન (Vit.B6) અને બાયોટીન જેવાં વિટામીન B નું નિર્માણ અને અવશોષણ સુપેરે થાય છે. આપણે ગમે તેટલી પર્પાપ્ત માત્રામાં પોષણમુક્ત આહાર લેતાં હોઈએ, પણ આંતરડામાં તેના નિર્માણ અને અવશોષણની ક્રિયા ખોરવાય તો આપણને પૂરતી માત્રામાં પોષણ ન મળે. આંતરડામાં રહેલાં સકારાત્મક જીવાણુઓ ખોરાકને તેની અંતિમ પચનિય અવસ્થા સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. પ્રોટિન જેવાં જટીલ પદાર્થો અને કાર્બોહાયડ્રેટના વિઘટનનું કાર્ય પણ તેમને આભારી છે.
સકારાત્મક જીવાણુનું બીજું એક મહત્ત્વનું કામ છે રોગોત્પાદક જીવાણુઓ સામે લડત આપી તેમની વૃદ્ધિ અટકાવવાનું. આવી કાર્યદક્ષતાથી શરીરમાં ચેપ ફેલાવનાર રોગોત્પાદક નકારાત્મક બેક્ટેરિઆ નષ્ટ થતાં મૂત્રમાર્ગ અને શ્વસનતંત્રને લગતાં ચેપ (ઇન્ફેકશન) થવાની શક્યતા ઘટે છે. ઑટોઇમ્યુન સિસ્ટમ સુધરતાં રૂમેટૉઇડ આર્થરાઇટીસ અને ખરજવાથી લઇ કંઇક કેટલાય એલર્જીજન્ય રોગોમાં ફાયદો
જણાય છે.
શરીરમાં સકારાત્મક જીવાણુની ઉપસ્થિતિને કારણે એન્ઝાઈમ બનવાની પ્રક્રિયાને વેગ મળે છે. જે પરોક્ષ રીતે હાઈબ્લડપ્રેશર અને કોલેસ્ટેરોલને નિયંત્રણમાં લાવવા મદદરૂપ થાય છે.
એન્ટિબાયોટિક દવાઓ લેવાને કારણે થતી આડઅસરોને લીધે થતાં ઝાડા, પેટની ચૂંક, અશક્તિ અને ભૂખનાશ જેવાં લક્ષણો પર પ્રોબાયોટિક્સ ત્વરિત રાહત આપે છે. આંતરડાનો સોજો (COLITIS) ને કારણે થતાં ઝાડા પર પ્રોબાયોટિક્સ રામબાણ ઔષધિનું કામ કરે છે.
લેક્ટોઝ ઇન્ટોલરન્ટ (દૂધના પ્રોટિન પચાવવા અસક્ષમ) વ્યક્તિને દૂધ કે દૂધની બનાવટો લેતાની સાથે જ પેટમાં ચૂંક, ઉબકા અને ઝાડા થઇ જતાં હોય છે. તો કેટલીક વ્યક્તિઓમાં સ્ટ્રેસ (તનાવ)ને કારણે રહેતાં IBS (IRRITABLE BOWEL SYNDROME) અંતર્ગત દિવસમાં વારંવાર હાજત માટે જવું પડતું હોય છે. આવી વ્યક્તિઓ માટે પ્રોબાયોટિક્સ ઔષધિની ગરજ સારે તેવું કામ કરે છે.
આહારરૂપે પ્રોબાયોટિક્સ લઇ શકાય ?
દૂધમાંથી દહીં બનવાની પ્રક્રિયામાં લેક્ટોબેસિલસ નામંના બેક્ટેરિયા પ્રોબાયોટિક્સ સ્વરૂપે રહેલાં છે. દહીં એક ઉત્તમ કુદરતી પ્રોબાયોટિક છે. સારી રીતે જામી તૈયાર થયેલ, વધુ પડતું ખાટું ન હોય એવા દહીંને બપોરના આહારમાં સ્થાન આપી શકાય. ગાય કે બકરીના દૂધમાંથી બનાવેલ દહીં સર્વથા શ્રેષ્ઠ છે. સાંજ પછી દહીંનો ઉપયોગ કરવો નહિ.
આ ઉપરાંત યિસ્ટના ઉપયોગથી આથવણ લાવી બનાવવામાં આવતી વાનગીઓ, અથાણા, આથેલાં શાકભાજી, ચીઝ અને ડાર્ક ચોકલેટનો આહારમાં પ્રોબાયોટિક્સ તરીકે ઉપયોગ કરી શકાય.
સકારાત્મક જીવાણુને કલ્ચર (સંવર્ધન) કરી ખોરાક સાથે મેળવી 'પ્રોબાયોટિક ફૂડ પ્રોડક્ટ'નું ચલણ આજે વિશ્વસ્તરે વધી રહ્યું છે. ICMR (INDIAN COUNCIL MEDICAL RESEARCH) ની અનુમતિથી હવે ભારતમાં પ્રોબાયોટિક ખાદ્યો ઉપલબ્ધ થયાં છે. બજારૂ પ્રોબાયોટિક્સ ખાદ્યનું વધુ પડતું સેવન શરીરને નુકસાન કરી શકે તેવી નોંધ પણ લેવાઈ છે.
આ બધાને અંતે કુદરતી રીતે પ્રાપ્ય એવા ઉત્તમ પ્રોબાયોટિક દહીં અને અહીં નિર્દેષ કરેલ વાનગીઓના સેવનનો લાભ લઇ સ્વાસ્થ્ય પ્રાપ્તિ કરવી યોગ્ય ગણાય.









