જેન ઝી અને જનઆંદોલન : પક ગઈ હૈ આદતેં બાતોં સે સર હોગી નહીં... કોઈ હંગામા કરો ઐસે ગુજર હોગી નહીં !

- અનાવૃત-જય વસાવડા
- મિમ રચવા એમની સૃષ્ટિ છે. એ અખબાર વાંચતા નથી કે ટીવી જોતા નથી. હ્યુમર ને સ્ટેન્ડ અપ કોમેડીમાં પોતાના ફેમિલી બાબતે રોસ્ટ પણ એ હસતા હસતા કરે છે તો નેતાઓ શી વિસાતમાં ?
'લો ગો મેં ગુસ્સા બહુત હૈ, આજમાઈએ મત !'
વેન્સ્ડે ફિલ્મમાં નસીરુદ્દીન શાહ આ સંવાદ બોલે છે, ત્યારે હજુ એમને એન્ટી નેશનલનું પ્રમાણપત્ર ફાડી નહોતું દેવાયું. એ ફિલ્મમાં આ વાત ત્રાસવાદના સંદર્ભે છે. ને સાચે જ લોકોને એ બાબતે નિષ્ક્રિય અને નમાલી લાગતી સરકાર માટે ભારોભાર આક્રોશ હતો. ૨૬/૧૧ મુંબઈ એટેક પછી ગૃહ મંત્રી શિવરાજ પાટીલ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખના રાજીનામાં પડી ગયા હતા. ધીરે ધીરે એમાં આરટીઆઈ અને મેઈન સ્ટ્રીમ મીડિયાને લીધે કરપ્શનની કઠણાઈ ઉઘાડી થવા લાગી. ત્યારે પણ રસ્તો તો એ જ ગાંધીજીના સત્યાગ્રહનો જ લેવો પડેલો. ગાંધીજીએ એકથી વધુ વાર લેખિતમાં કહ્યું છે કે સત્ય ખાતર અહિંસાના મુદ્દે હું થોડું જતું કરી શકું એમ છું !
તો, એ રીતે જ જંતર મંતરમાં નીટના પેપર લીક માટે કોક્રોચ જનતા પાર્ટીના આહવનથી થોડા યુવાઓ એકઠા થયા પણ એમાં સોનમ વાંગચૂકના આવવાથી બિનરાજકીય ઉપવાસ (ગાંધી અગેઇન !)ને મોમેન્ટમ મળતું ગયું ને ધીમે ધીમે શરૂઆતમાં હેન્ડલ કરીને આસાનીથી ઉકેલી શકાયો હોત એવા મામલે ભીડનું ઘોડાપૂર બેહિસાબ વધતું ગયું. આટલું મોટું ટોળું હોય એમાં થોડા તોફાનીઓ હોય જ ને થોડા પોલિટીકલ પ્યાદાં ઘુસી પણ જાય. પણ જે રીતે શરૂઆતમાં સંયમ રાખ્યા બાદ અચાનક પોલીસ દ્વારા એમને બેફામ ઝૂડવામાં આવ્યા એ અરેરાટીભર્યા દ્રશ્યો કાઉન્ટર પ્રોડકટીવ નીકળ્યા. પછી મામલો બેકાબૂ થતા રોકવા એક્શન લેવાયા, મંત્રીઓએ પારણા કરાવ્યા, વડાપ્રધાને સીધી રીલ બનાવી ને શિક્ષણમંત્રીએ (ના) રાજીનામું આપ્યું. ને હાલ પુરતું ચીઝના ઠામમાં ચીઝ પડી ગયું.
પણ દેખીતી રીતે નીટ પેપર લિક માટે આક્રોશિત થયેલી જનતામાં બીજા પરિબળોનો સરવાળો પણ હતો. કોઈ રાતોરાત કહેવતો મોંઘો શુદ્ધ પેટ્રોલનો ઓપ્શન ગણતરીની જગ્યાએ આપી ધરાર ઇથેનોલ મિક્સ કરવાથી અકળાયેલું હતું તો કોઈ મોંઘવારીથી. કોઈ ખેડૂતના પ્રશ્નો માટે પીડાતું હતું તો કોઈ વધતા જતા બોટ ઉંધી પડવાથી આગ લાગવા કે પુલ તુટવા જેવા અકસ્માતોથી. કોઈને ડોલરના ભાવની બળતરા હતી તો કોઈને અમેરિકા સામે વિદેશનીતિમાં ઉઘાડી શરણાગતિની. એક આખો વર્ગ હજુ યુજીસી એક્ટના ઉધામાથી નારાજ છે, અને એકને જે રામમંદિર આંદોલન માટે અનેકે જીવ આપી દીધા એમાં ફાળાની ચોરીથી. એમાં જે વિગતવાર સમજે છે એ નાગરિકતાના પ્રમાણપત્રથી લઈને પ્રદૂષિત હવા સુધી ચિંતા કરે. અરવલ્લીની પહાડીઓથી લઇ આંદામાનના પ્રોજેક્ટ સુધીના એકધારા વન વે નિર્ણયો એને જોહુકમી લાગે. ને બધાની ઉપરવટ ભ્રષ્ટાચાર તો બેશુમાર છે જ. બે ઘડી પબ્લિક ટ્રાન્સપોર્ટના સ્ટંટ કરી બધા નેતાઓ ગાડીના કાફ્લે ફરી ગોઠવાઈ ગયા એ પ્રજાને ટેક્ન ફોર ગ્રાન્ટેડ લેવા તરફ રોષ તો
થાય ને.
સમસ્યાઓ નવી નથી. પહેલા પણ હતી, દરેક દેશોમાં પણ હોય. બધાને કોઈ સરકાર ઉકેલી ના શકે. પણ એના માટેના પ્રયાસ તો દેખાવા જોઈએ ને. એને બદલે વાતે વાતે કોંગ્રેસમાં આમ હતું કહેવું એ કોઈ જવાબદારી નથી. એમાં સંતોષ નહોતો તો લોકોએ લાંબા ગાળાની જનમટીપની જેમ એને ઘરભેગી કરી. હવે માત્ર એની જોડે સરખામણી એ ઉકેલ થોડો છે ? દરેક વાતમાં નેહરુ ને ગાંધીને લઇ આવવાની વાતનો ને દરેક સાચી વાત ઉઠાવનાર દેશના ફરિયાદીને વધુ બોલે તો એન્ટી નેશનલના સર્ટિફિકેટ ફાડવાની વાતની પણ લિમિટ હોય ધીરેધીરે એ બચાવ પણ ઘસાઈ જાય. મનમોહન દેસાઈની લોસ્ટ એન્ડ ફાઉન્ડ મસાલા ફોર્મ્યુલા બ્લોકબસ્ટર હતી. પણ સમય જતા લોકો કંટાળ્યા ને નવી પેઢી આવી મેકરની ને અતિરેકમાં એમની એ જ જૂની સ્ટાઈલની ગંગા જમુના સરસ્વતી અને પછી તૂફાન અમિતાભ બચ્ચન હોવા છતાં પીટાઈ ગઈ ! દેશની ઈકોનોમી એમ પણ અમેરિકા કહે એમ કરતી હોય ને રૂપિયો ગગડતો હોય એમાં કોણ અસ્થિર કરવા પણ ખોટું ફંડ ખર્ચે ?
એક જડસુ વર્ગ એવો છે કે જેને સવારથી સાંજ સુધી હિંદુ મુસ્લિમ, લવ જેહાદ, સનાતન ખતરે મેં હૈ ટાઈપના નેરેટીવની કિક આવે છે, કોઈ લોજીક કે ફેક્ટ ચકાસ્યા વિના. પણ બીજા ઘણા ને શિક્ષણથી સ્વાસ્થ્ય સુધીના પ્રશ્નો નડે છે. સૌથી વધુ આત્મહત્યા યુવાઓની ભારતમાં થાય છે. પણ કોઈના પેટનું પાણી હલતું નથી. ડ્રગ્સનો પગપેસારો વધી રહ્યો છે. જેન ઝીને રિઝાવવા ઇન્સ્ટાગ્રામ પર ફોકસ કરવાની વાત છે પણ તદ્દન સેન્સલેસ સેન્સરશિપથી એમને ગમતી ફિલ્મોના કે શોના કન્ટેન્ટ કાપી નાખવામાં આવે છે, કે એમના લવ મેરેજ પર પણ સરકાર દખલ કરે છે, એમાં એમની કમાન છટકેલી છે એ કેટલા નેતાઓ જાણવાની કોશિશ કરે છે. દરેક જગ્યાએ ગૌતમ ગંભીરની જેમ પરફોર્મન્સ થતું હોય એ પણ બગાડી નાખતા ને આડેધડ વર્તતા મળતિયા લોકો લાગવગથી ગોઠવાઈ ગયા છે. પ્રધાનજી શિક્ષણ ખાતું છોડીને ગયા પણ એમણે જે એક જ વિચારધારાના આયન રેન્ડના શબ્દોમાં સેકન્ડ ગ્રેડ મિડીયોકર લોકોની શિક્ષણમાં ઉચ્ચ આસને ઉન્નતિ કરાવીને ક્વોલીફાઈડ મેરિટ સાઈડમાં રાખ્યું એ થોડું જતું
રહેવાનું છે ?
પણ આપણને કોમેડિયનના જોકથી લાગણી દૂભવીને જોકર જેવા કાર્ટૂનો સહન કરી લેવાની ટેવ પડી ગઈ છે. એકાઉન્ટેબિલીટી શબ્દ જ રાતોરાત કરોડપતિ થઇ જતા જનતાના સેવકોને એલિયન લાગે છે ! હવે તો આમ પણ બીજા કોઈ ચૂંટાઈને લોકોના હિતમાં વિરોધપક્ષનો અવાજ બનવા જાય તો પણ એ સામ, દામ, દંડ, ભેદથી પાટલી બદલાવી નાખે છે. મતદારો મતદાનમાં જે કરે એ, પાછળથી આમે પાર્ટી ફરી જવાની એવી હતાશા આવી ગઈ છે.
તરત નહી પણ હળવે હળવે એકધારી નાગરિકોમાં આ બધી અકળામણ ભેગી થતી હતી, એમાં આવી ગઈ એના વતી હૈયાવરાળ કાઢતી જેન ઝી ! યાને ૧૯૯૭થી ૨૦૧૨ વચ્ચે જન્મેલી પેઢી !
યાદ છે ૨૦૧૯માં સીએએ પ્રોટેસ્ટ વખતે ક્રિકેટના દાદા સૌરવ ગાંગુલીની ૧૮ વર્ષની દીકરી સનાએ ખુશવંત સિંહના પુસ્તકનું એક પાનું સોશ્યલ મીડિયા પર શેર કરેલું. ત્યારે પણ બંગાળની ચૂંટણી બાકી હતી. સનાને પોલિટિક્સમાં ખબર ના પડે હજુ નાની છે કહી સૌરવ ગાંગુલીએ વાત વાળી લીધી હતી. મિલેનિયાલ ગણાતી આગલી પેઢી આમ જ સ્વાર્થ માટે કે સલામતી માટે શક્ય એટલી મૌન રહેતા શીખી છે. પણ આ વખતે જાણે કુદરતે પડખું ફેરવ્યું હોય એમ એ મૌન તૂટી ગયું. મૂળ તો સબળા પદ પર નબળા વ્યક્તિત્વો ગોઠવવાની હરીફાઈમાં સીજેઆઇ સાહેબના મુખમાંથી કોક્રોચ શબ્દ સરી પડયો, એ જુદા સંદર્ભે હતી એ ખુલાસો કરી વાત વાળવાની કોશોશ થઇ. પણ સેંકડો ફેક ન્યુઝ બીજાઓનો બદનક્ષી કરતા ફેલાઈ જાય છે, એટલી ઝડપે સત્ય નથી ફેલાતું એનો કવિન્યાય આમાં પણ લાગુ પડયો. ને અચાનક કોર્સ બહારનું એવું આંદોલન આવી ગયું જેના માટે રાજનીતિ પૂરી તૈયાર નહોતી !
આ એ જ પેઢી છે, જે વર્ષ ૨૦૧૪ની આસપાસ છઠ્ઠી-સાતમી ધોરણથી લઈને કોલેજ સુધીની વયની હતી. જે સમયે દેશમાં નવી સરકાર બની, તે જ સમયે સોશિયલ મીડિયા પણ અભૂતપૂર્વ ગતિથી લોકોના જીવનનો હિસ્સો બની રહ્યું હતું. આ એ જ સમય હતો જ્યારે આ બાળકોનું વ્યક્તિત્વ અને વિચારસરણી વિકસી રહી હતી. એમને કોંગ્રેસ કે અન્ય સરકાર તો રેટ્રો લાગે. એટલે એ નેરેટીવ પહેલા પણ આમ હતું માટે હજુ આમ રહે એમાં શું વાંધો વાળું એમની સામે બુઠ્ઠું થઇ જાય છે. અગાઉ પણ નાગરિક હિતમાં સાચી ફરિયાદો કરનાર અવાજો તો હતા જ. પણ એકલા પડી જતા. અમુક મનોબળ મક્કમ કરીને લડી લેતા.
પણ મોટા ભાગે એમના દર્દની કહાની ઉપર સુધી પહોંચતી જ નહિ. કારણ કે વચ્ચે આખી એક બની બેઠેલી ટપોરી ટ્રોલિયાઓની ટણકટોળકી ગેંગની જેમ તૂટી પડતી. કોઈ પણ બૌદ્ધિક હોય કે સ્ત્રી હોય કોઈ જાતની આમન્યા શરમ વિના છેલ્લા પાટલાની ગંદી ગાળોનો વરસાદ વરસાવતી. દેશભક્તિનો સુવાંગ ઠેકો એમની પાસે હોય એમ બીજાને દેશ્દ્રીહી કે ફોરેન એજન્ટ જાહેર કરતી. રોજ જગતની જાસુસી સંસ્થઓ એમને ઘેર આવી રિપોર્ટ કરતી હોય એવી ખાનગી કોન્સપિરસી થિયરીઝ ટોપ સિક્રેટનું લલ્લુલેબલ આપી ઉલ્લુ બનાવવા જાહેરમાં ફેરવતી. ફેકટરીમાંથી આવેલા એકસરખા મેસેજીઝ ચોંટાડી કોઈ જરાક ક્યાંક સાચી વાત કરે ભૂલ બતાવે કે સરકારી તંત્રની ખામી કે ભ્રષ્ટાચારની વાત કરે તો એને હિંદુ ધર્મ માટે જ નાલાયક ઠેરવીને રાષ્ટ્રના નામે પક્ષની ભક્તિ કરતી એ ટોળીઓને લીધે કેટલાય લોકો થાકીહારીને ચૂપ થઇ ગયા. લોકશાહીમાં સરકાર જનતા ચૂંટે, પણ અહીં તો આ ધરાર ફોલ્ડર સરકાર માટે ફેવરેબલ જનતા ચૂંટયા કરતા હોય એવો ઘાટ હતો !
એન્ટર જેન ઝી. એમણે સોશ્યલ મીડિયામાં સક્રિય એવા આ ફોલ્ડરો પાસેથી જોયું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી માટે પણ ગપ્પા બેધડક મારી શકાય. એમને ગાલીચ ગાળો આપી શકાય. પૂર્વ વડાપ્રધાનોને દેશના દુશ્મનોની જેમ ગાળો આપી શકાય. આમ પણ આ જનરેશન એવી છે જેમને માટે ગાળો આપોપાપ કોમેડી શો હોય કે વેબ સિરીઝ એક વિરામચિહ્ન જેવી અભિવ્યક્તિ છે. એમના ફ્રસ્ટ્રેશન કે જોય બેઉ માટે એ ગાળોનો ઉપયોગ કરે છે. આ એમની પેઢીની જબાન છે જેમાં સ્ત્રી પુરુષના ભેદ નથી. મોબાઈલ ઇન્ટરનેટ આપણે શીખવા પડયા છે , એમને ધાવણમાં મળ્યા છે. મિમ રચવા એમની સૃષ્ટિ છે. એ અખબાર વાંચતા નથી કે ટીવી જોતા નથી. હ્યુમર ને સ્ટેન્ડ અપ કોમેડીમાં પોતાના ફેમિલી બાબતે રોસ્ટ પણ એ હસતા હસતા કરે છે તો નેતાઓ શી વિસાતમાં ?
જો આ આંદોલનની કમાન મિલેનિયલ્સના હાથમાં હોત, તો પોલીસને બદલે ઝોમ્બી ટ્રોલિયાઓ એમને ચીન પાકિસ્તાનના તો શું નરકમાંથી આવેલા રાક્ષસ સાબિત કરી દેત. પણ આ આંદોલનની કમાન જેન ઝી પાસે હતી. જેણે પેદા થતાંની સાથે જ હાથમાં ફોન પકડી લીધો હતો. જેમણે વાઈરલ કરવા માટે ઇન્સ્ટાગ્રામના અલ્ગોરિધમ સાથે ખૂબ પ્રયોગો કર્યા અને સફળ પણ થયા. તેમને ન તો કેમેરા સામે આવવામાં કોઈ સંકોચ થતો હતો કે ન તો પોતાના કન્ટેન્ટ સાથે કોઈ પણ પ્રયોગ કરવામાં ડર લાગતો હતો. વાઈરલ થવાની ઘેલછામાં તેમણે નવા-નવા શબ્દોની શોધ કરી. રીલ જેટલી નાની, તેટલી વધારે સફળ, એટલા માટે તેમણે શબ્દો અને વિચારો સાથે એવી ક્રિએટિવ રમત રમી કે દોઢ કલાકની કહાણી દોઢ મિનિટમાં કહી દીધી. આ જ ફન ક્રિએટિવિટી તેમની તાકાત બની. બોરિંગ લાંબા લાંબા મેસેજ સામે જનોઈવઢ કટાક્ષ કરતા પ્લેકાર્ડ એમનું અસ્ત્ર બની ગયા !
ટ્રોલગેન્ગના હથિયારો ઘસાયેલા અને જૂના હતા, જે હંમેશાં કાવતરાંની આસપાસ જ ફરતા રહેતા હતા. પણ લોકોને રસમાં બાંધીને રાખી શકે તેવી ક્રિએટિવિટી નહોતી. આ પેટર્ન મિલેનિયલ્સ અને તેનાથી પહેલાની જેન એક્સ પેઢી પર કારગર સાબિત થતી હતી. એમનામાં શરમ અને સંકોચ પણ વધુ હતો. પણ જેન ઝી તો બેશરમ હતી. એમને કશું ગુમાવવાનું નહોતું. 'મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી મને પાનખરની બીક ના બતાવો' એમના માટે હકીકત હતું. એમનું ભાવિ અંધકારમય લાગતું હતું એટલે તો એ પ્રોટેસ્ટ કરવા નીકળેલા. એમને ફ્યુચરની શું બીક લાગે. આવક પણ એવી હતી નહિ ને કરીઅર બનતી નથી, બેકારી છે એ તો ફરિયાદ હતી. સામાજિક શરમનું એમણે ફીંડલું વાળી દીધેલું. એ જોતજોતામાં નેતાઓ સામે ડઝનેક કન્ટેન્ટ બનાવીને વાઈરલ કરી દેતા. તેમનું એક સ્લોગન કે થોડી સેકન્ડોનું સેકન્ડનું કન્ટેન્ટ એટલું બધું આકર્ષક હતું કે લોકો તેને સ્કિપ જ ન કરી શકે અને હસતાં-હસતાં તેમના ફેન થઈ જાય. નફરત કરતા હાસ્યનું ચૂંબક મોટું છે. એમનાં પર જે આક્ષેપ મૂકો એની એ કોમેડી કરી નાખતા હતા.
ટોચ ઉપરના નેતાઓ મેચ્યોર હોય છે. ઘણું પચાવી જાય જાહેર જીવનમાં ઘણું હસી કાઢે. લોકો વચ્ચે ને લોકો સાથે કામ લેવાની એમની ઘડાયેલી આદત હોય. એટલે તો મોહન ભાગવત જેવા વરિષ્ઠ પણ જેન ઝીને વખોડવાને બદલે એમની સાથે સંવાદ કરવની હિમાયત કરે. પીએમ મોદી સાહેબ એમને ફ્રેન્ડઝ કહી રીલ બનાવે. પણ એવી પરિપક્વતા વિનાના પક્ષભગત સાઈબરફોલ્ડર ચીડાય કે તરત ત્યારે ગાળો પર ઉતરી આવે. ચારિત્ર્ય હનન કરે. સેક્સને ખરાબ બતાવી હુમલા કરે. રાબેતા મુજબ એમણે ડ્રેસને ટાર્ગેટ કર્યો, છોકરીઓ માટે ગંદા શબ્દોનો ઉપયોગ કર્યો. જ્યાં સભ્ય માણસો સંકોચ અનુભવી પાછા હટી જતા હોય, ત્યાં જેન ઝીએ એમને એમની જ ભાષામાં ખદેડયા. પોતાના કેરેક્ટરના કાજી થનાર પર એમણે નેતાઓની ઈમેજ પર જોક બનાવી પ્રતિકાર કર્યો. એમાં એ મર્યાદા ચૂક્યા અમુક જગ્યાએ. પણ તમે કોઈ પોતાના શિક્ષણ માટે લડવા આવેલી છોકરીને આપઘાત કરે એમ સાવ હલકી ચીતરવા જાવ તો કોઈક વાર સામી ફૂંક લાગી જાય. એમાં ઈમેજનું ધોવાણ થાય એ કોઈ રાજકીય પક્ષને પોસાય નહિ.
આ આંદોલનનો એક ફાયદો એ થયો છે કે ભણેલી ને કંઈક સમજવા માંગતી, અત્યાર સુધી મોબાઈલ ક્રેઝી લાગતી જેન ઝીની આબરૂ વધી ગઈ. બધા સારા તો લોકો અયોધ્યમાં પણ નહોતા ને દ્વારકામાં પણ નહોતા. પણ મોટા ભાગની વાત થાય છે. બાકી બળાત્કારી પેરોલ પર છૂટે કે કેમેરા સામે લાંચ લેતા પકડાયેલ વ્યક્તિ મુખ્યમંત્રી થઇ જાય કે કામગીરીમાં
સરિયામ નિષ્ફળ રાજકારણી વાણીવિલાસ કરે ત્યારે એમને એક અક્ષર વિવેક જાળવવાનો કહી ના શકતા લોકો અચાનક યુવા પેઢીના સંસ્કારના કાજી થઇ બેઠા છે અત્યારે ! પણ હવે કદાચ પેરન્ટસને સમજાવવા લાગ્યું છે કે જેન ઝી સાથે ટકરાવવામાં નહીં, પરંતુ તેમની સાથે તાલ મિલાવીને ચાલવામાં જ સમજદારી છે. આ લોકો લકીરના ફકીર નથી કે તમે વ્હોટ્સએપનું જ્ઞાન પીરસીને તેમને મૂર્ખ બનાવી દેશો. આ જાતિ અને ધર્મની દીવાલો તોડીને આગળ વધનારી પેઢી છે, આ ખરેખર નવું ભારત છે. આવતીકાલના આ જ વોટર્સ છે.
આજના અને આ જ ક્ષણમાં જીવતી આ પેઢીમાં જો ફક્ત ૧૬ થી ૧૮ વર્ષના કિશોરો અને યુવાનોની વાત કરીએ તો તેમની સંખ્યા દેશમાં લગભગ આઠ કરોડ છે. અને, આટલી જ સંખ્યા દેશમાં ૭૦ વર્ષ આસપાસના એ વડીલોની છે, જેમાંના મોટાભાગના વોટ્સએપ યુનિવર્સિટીમાં 'ભણી' રહ્યા છે, અને તેમના ફોરવર્ડ્સ તેમના પરિવારોને પણ 'ભણાવી' રહ્યા છે. હવે સમસ્યા એ છે કે વડીલો પછીની તરતની પેઢી નોકરીમાં મસ્ત છે. તેણે પૂરી ભણતર જ એટલા માટે કર્યું હતું કે બસ એક સરસ નોકરી ધંધો સેટ થાય. સારો માણસ બનવું એ તેમના માટે માત્ર એક જુમલો છે.
પણ જેન ઝીને ગરિમા ભલે ના સમજાતી હોય, માણસાઈ સમજાય છે. એ ખરા અર્થમાં ઝોલા ઉઠા કે ચલ દિયે ટાઈપ અલગારી છે. આ પેઢી પાસે એવો કોઈ 'ફિલ્ટર' નથી, જે મિલેનિયલ્સ પાસે હતા. આ આગામી પેઢી મુક્ત છે. આપણે જે બાબતો બામુશ્કેલ વિચારી જ શકતા હતા, તેને આ પેઢી બેધડક કહી દે છે અને તેનાથી તેઓ 'એમ્બેરેસ્ડ' નથી થતા. એટલે કે તેઓ ઇતિહાસ-વંચિત છે. ભૂતકાળનો બોજ આપણને ઘરડા બનાવી દે છે ! જેન ઝી એક 'કોમિકલ યુનિવર્સ'માં જીવે છે. એમને માટે કશું પરમ પવિત્ર નથી. એ ઘણું વાંચે છે. તમને નામ પણ ખબર ના હોય એવું. પણ વ્યક્ત થોડું કરે છે. સેક્સની એને કોઈ શરમ જ નથી. પોર્ન એમના માટે અછૂત નથી. રિલેશનની વાત ખુલીને કરે છે. બ્રેક અપ કરી નવા બાંધે છે. વડીલોએ એમના મા બાપમાં જે સામાજિક-શિષ્ટાચારને ભારે પરિશ્રમથી રોપ્યો હતો, તેનાથી તેઓ મુક્ત છે અને ટોટલ ગ્લોબલ છે. એમના વર્ડસ પર આખો એક અલગ લેખ થાય. એમને મોટેરા ડીલૂલૂ યાને ભરમમાં જીવતા ( ડીસઇલ્યુઝન્ડ) ને ડેસ્પો ( અધીરા, ડેસ્પેરેરેટ) લાગે છે. નિષ્ફળ લોકો એલ પ્લસ રેશિયો ( લૂઝર પ્લસ ) લાગે છે એ ઝટ તૂટે છે. ઈમોશનલ પેઈન અનુભવે છે. વ્યસની બને છે કે આપઘાત કરે છે કારણ કે સંવેદનશીલ છે. એમની પાસે ઊંડાઈ નથી, ધૈર્ય નથી. એ ખામી ગણો તો સાહસ અને સપના છે, કળા અને કલ્પના છે. એ ખૂબી છે. એમને સમજવા માટે એમને ખુલવા દેવા પડે.
વીર દાસે એક વાર કહેલું કે દેશપ્રેમી દેશને પ્રેમ કરે છે પણ રાષ્ટ્રવાદી દેશના નામે ખુદના અહંને પ્રેમ કરે છે. જેન ઝીને આ નથી ગમતું. એટલે એ જાતિ, ધર્મ, રાષ્ટ્રના નામે અત્યારે તો મેનિપ્યુલેટ થયા વિના ખુદને કોક્રોચ ઠેરવી દે છે. કાલ માટે દિલ્હી અભી દૂર હૈ !
એ એક જગ્યાએ એકબીજાની છેડતી વિના કે અપરાધ વિના એકઠા થયા પોતાના સવાલ માટે એ એમની જીત છે. અકારણ કે એકલા ઉપવાસ કરવા નીકળેલા ગંગાપુત્રો જી. ડી. અગરવાલ કે નિગમાનંદની તો મદમાં કોઈએ નોંધ પણ નહોતી લીધી. સત્તાનો રથ જમીન પર ઉતારવો જરૂરી છે તો એ હવાને બદલે લોકોની તકલીફો સુધી પહોંચે ! એક ધન્યવાદ આ જેન ઝીણા માતા પિતાને અમુક ખફા હશે, પણ ખાસ તો ઘણી મમ્મીઓ કે જેમણે એમના દીકરા દીકરી આવા ઘડયા કે એ પારદર્શક અને દંભમુક્ત રહ્યા. અને જેમને નચિકેતાના વારસદાર બનવાની લાયકાત બતાવો કે સવાલ પૂછવા એ સનાતન ભારતમાં શિક્ષણ હતું ! ( શીર્ષક : દુષ્યંતકુમાર )
ઝિંગ થિંગ
એવી સિફતથી રંગી દીધાં છે પાંદડાં,
જોશે જે એ સમજશે વન તંદુરસ્ત છે!
કિલ્લો ભલે ઊભો હો મજબૂત એમનેમ,
કિલ્લા ઉપર મુકેલો વિશ્વાસ ધ્વસ્ત છે!
(અનિલ ચાવડા)









