Shatdal

ભારતની પ્રથમ બ્રહ્મવેદિની મહિલા નંદિની

By GS Team
1 Sep 20266 mins read
ભારતની પ્રથમ બ્રહ્મવેદિની મહિલા નંદિની
  • વામા-વિશ્વ- અનુરાધા દેરાસરી
  • ભારતમાં આશરે કુલ ૧૬૦૦ થી ૨૦૦૦ જેટલી મહિલા પુરોહિતો છે

આજથી દસ વર્ષ પહેલાંની વાત છે.
બંગાળમાં એક લગ્ન થઈ રહ્યાં હતાં. બંગાળી લગ્ન થતા હતા તે તો સામાન્ય ઘટના છે. લગ્ન કરાવનાર વ્યક્તિઓ અસામાન્ય અને આશ્ચર્યમાં મૂકાઈ જાય તેવી વ્યક્તિઓ હતી. આ પુરોહીતો, લગ્ન કરાવનાર પુરુષ પુરોહીતો ન હતા, તે બે મહિલા પુરોહીતો હતી.
બે મિનિટ માટે કદાચ, આંખો પલકવાનું પણ ભૂલી જાય કારણ કે, બંગાળ જેવા જૂનવાણી રીવાજોના રાજ્યમાં, મહિલા પુરોહીતો ? આંખો ધોકા તો નથી ખાતી ને ?
ના, ના આ સત્ય હકીકતની શરૂઆત હતી.
પુરુષોના, તેમાં ખાસ કરીને બ્રાહ્મણોના વર્ચસ્વવાળા પુરોહીતોના વ્યવસાયમાં બે સ્ત્રીઓએ પ્રવેશ કર્યો હતો અને એક નવી શરૂઆતનો ડંકો વગાડયો હતો.
લગ્નમાં સૌ સ્તબ્ધ હતા, બંગાળી સમાજ જ સ્તબ્ધ હતો. આ બે બંગાળી મહીલા પુરોહીતો એટલે ભારતની પ્રથમ મહિલા પુરોહિત ડૉ.નંદીની ભૌમિક અને રૂમાદીદી.
ડૉ.નંદીની ભૌમિક સંસ્કૃતના સ્કોલર અને પ્રોફેસર, ભારતીય વેદોના અભ્યાસી આઈડોલોજીસ્ટ, ભારતીય ઈતિહાસ વિદ, નાટ્ટકાર અને કલાકાર. રૂમાદીદી ડૉ.નંદીનીની જ સંસ્કૃત યુનિવર્સિટી ડીપાર્ટમેન્ટ બેચ મેટ એટલે સંસ્કૃત સ્કોલર.
ડૉ.નંદિની કોલેજમાં સંસ્કૃત શીખવે. કલકત્તાની બ્રેબોન કોલેજમાં તેમના પ્રોફેસર ગૌરી ધરમપાલ પાસે રૂમાદીદી ને ડૉ.નંદીની ભણેલા. આ પ્રોફેસર ગૌરી બહેન વેદોના પ્રખર અભ્યાસી. તેમણે વેદોના શ્લોકો અને મંત્રોનો ખૂબ ઊંડાણ પૂર્વક અભ્યાસ કરેલો. તેમાંથી બંગાળી લગ્નો માટે સ્ત્રીઓ પુરોહીત તરીકે કામ કરી શકે, તેમ માટે અકે સાદી અને સરળ મંત્રોને શ્લોકોની શ્રેણી બતાવી અને ડૉ.નંદીનીને રૂમા સમથી પ્રસ્તાવ મૂક્યો કે, તમે બે જણા મહિલા પુરોહીતગીરી શરૂ કરો અને આ મારી સંસ્કૃત સરળ લગ્નની મંત્રોચ્ચારની શ્રેણી દ્વારા બંગાળી લગ્નો કરાવવાની શરૂઆત કરો.
ડૉં.નંદીની નાનપણથી કંઈક નવું અને કઈંક બધા કરતા હઠકે, કરવાની મનોવૃત્તિ ધરાવતા. તેઓ પણ આઈડીઓલોજીસ્ટ હતા આથી વેદોનો ઊંડો અભ્યાસ કરી રહ્યા હતા. તેમને પણ આ વિચાર તો આવ્યો જ હતો કે, 'સ્ત્રીઓ કેમ પુરોહીત ના બની શકે, કયા વેદમાં લખ્યું છે કે બ્રાહ્મણ પુરુષ જ તે પૂજા વિધિઓ અને જાણે ભાવતું તું ને વૈદે કહ્યા જેવી વાત થઈ.'
તેમની મોટી દીકરીના લગ્ન નજીકના સમયમાં આવતા હતા, આથી તેમણે નક્કી કર્યું કે, દીકરીના બંગાળી લગ્નમાં, વિધિ કરાવવા, પુરુષ બ્રાહ્મણ પુરોહીતો નહિ, તે પોતે અને રૂમાદીદી મહિલા પુરોહીતો તરીકે બેસશે. અને આ ઘરના આંગણાના પ્રસંગથી ડૉ. નદીની અને રૂમાદીદીએ, ગૌરી ધરમપાલે બનાવેલી લગ્નની શ્લોકની સરળ સ્ક્રીપ્ટ શ્રેણીથી પુરોહીત ગીરીની શરૂઆત કરી.
ભારતમાં બ્રાહ્મણ પુરોહીતોની વ્યવસાયિક સીલીંગમાં તીરાડ પડી. તે તૂટી અને મહિલાઓએ આ વ્યસાયમાં પ્રવેશ કર્યો.
ડૉ.નંદીની ભૌમિક કહે છે કે : 'સામાન્ય રીતે લગ્નમાં સાદું બંગાળી ધોતીયું ઝભ્ભો પહેરેલા બ્રાહ્મણ પુરોહીતોને જોવા ટેવાયેલી લોકોની આંખોએ મારી દીકરીનાં લગ્નમાં ભારે સાડી ઘરેણાં પહેરેલી બે સ્ત્રીઓને લગ્નો મંત્રોચ્ચાર કરી, કરાવતી જોઈ સૌના આશ્ચર્યનો પાર ન હતો, પણ મારી અને રૂમાદીદીની મહિલા પુરોહીત તરીકેની શરૂઆત હતી.'
ડૉ.નંદીની ભારતીય વેદોના ઊંડા અભ્યાસી રહી ચૂક્યા છે. જ્યારે તેમના પ્રોફેસર ગૌરી ધરમપાલે આ લગ્ન કરાવવાની મહિલા પુરોહીત તરીકેની શરૂઆત કરવાની વાત કરી, ત્યારે ડૉ.નંદીનીએ આ વિષયમાં, વેદોનો ઊંડો અભ્યાસ કર્યો, અને તારણ કાઢ્યું કે, ''ભારતીય વેદોમાં ક્યાંય એવો ઉલ્લેખ નથી કે, સ્ત્રીઓ મહિલા પુરોહીતના બની શકે. કે ધાર્મિક શ્લોકો, સ્ત્રોતો, ઉચ્ચારી પૂજા વિધિ ના કરી શકે. ઋગ્વેદમાં ખાસ નોંધ છે કે, ગાર્ગી, લોપામુ, મૈત્રયી જેવી ઋષિકાઓ પૂજાવિધિ કરાવતી, યજ્ઞાો પણ કરાવતી. તેઓ સંસ્કૃત ભાષાના પ્રખર વિદૂષીઓ હતા. ધાર્મિક રીતે પુરોહીતો તરીકે પુરુષ કે સ્ત્રીનો કોઈ ભેદભાવન હતો. તેઓ બ્રાહ્મવેદીનીઓ કહેવાતી. એ પછી મધ્યયુગનો અંધશ્રદ્ધાનો અંધકાર યુગ આવ્યો. તેમાં સ્ત્રીઓને ધરતી ચાર દીવાલોમાં પૂરી, રૂઢિચુસ્ત અને સમાજે ઘડેલી રૂઢિચુસ્ત બેડીઓ પહેરાવવામાં આવી અને પુરોહીત તરીકે બ્રહ્મપુરુષો જ હોય તે માન્યતા દ્રઢ કરાવી.
ડૉ.નંદીની એ વેદોના આ ઊંડા અભ્યાસ પછીના તારણ પછી ભારતના પ્રથમ બ્રહ્મવેદનીસ, પુરોહીત બન્યાં. દીકરીના લગ્ન કરાવ્યા પછી ડૉ. નંદીનીને રૂમાદીદીને એક કે બે લગ્નના કોનટેક મળ્યાં પણ પછી તે અટકી ગયા.
પણ આ તો ડૉ. નંદીની ભૌમિક હતા. સુધારાવાદી, આશાવાદી અને કોઈપણ મુશ્કેલ વ્હેણની સામે તરતારી મહિલા તેમણે ફરી લગ્નોના શ્લોકો અને સ્તોત્રોનો અભ્યાસ કર્યો અને તેને ફરી વધુ સારી ભાષામાં સરળ બનાવી બંગાળી અને અંગ્રેજીમાં અનુવાદ કર્યો અને પોતાના મંત્રોને સ્તોત્રોની લગ્ન કરાવવાતી સ્ક્રીપ્ટ બનાવી. જેમાં કેટલાક સુધારા કર્યા.
સૌથી મોટા સુધારામાં 'કન્યાદાન' એ વિધિ જ કાઢી નાખી. એ અંગે સમજૂતી આપતા તેમણે કહ્યું કે, 'આપણા વેદોમાં લગ્નો અંગેની જે વિધિઓ છે તેમાં બે જ વિધિ છે, પાણીગ્રહણ (હસ્તમેળાપ)ને સપ્તપદી. (સાતફેરા) કન્યાદાન એ મધ્યમયુગની અંધશ્રદ્ધાના અંધકારની દેન છે માટે એ જરૂરી જ નથી.
બીજો સુધારો એ કર્યો કે, લગ્નમાં હંમેશા બ્રાહ્મણ પુરોહીત અને પુરુષવર જ બધી વિધિઓ કરે છે, કન્યાતો ફક્ત હાથ જ અડકાડે છે, તેને બદલે વર અને કન્યા બન્ને સરખા વિધિમાં ભાગ લે તેવી રચના કરી.
ત્રીજો સુધારો એ કર્યો કે, મહિલા પુરોહિત તરીકે બ્રાહ્મણ કન્યા જ કાર્ય કરી શકે તેવું નહિ, પરંતુ જેને આ લગ્નની વિધિના ને પૂજાની વિધિના સંસ્કૃત શ્લોકો, મંત્રોને સ્ત્રોત્રો આવડતા હોય તે મહિલા પુરોહીત બની શકે. ઉપરાંત તેમણે લગ્ન કરાવતા સમયે રવિન્દ્રનાથ ઠાકુરના લગ્ન અંગેના બંગાળી ગીતોને તે પ્રમાણેના સંગીતનો પણ સમાવેશ કર્યો અને બીજી બે બંગાળી મહિલાઓનો સાથ લીધો અને 'શુભમસ્તુ' નામની પોતાનું મહિલા પુરોહિત ઓર્ગેનાઈઝેશન બનાવ્યું. અને કલકત્તા અને બંગાળના સમાજમાં લગ્ન વિધિ, ગૃહપ્રવેશ, શ્રાદ્ધવિધિ અને બાળકનું પ્રથમ ભોજન કરાવે તેવી જાહેરત કરી.
પરંતુ પુરુષોનો જ પુરોહિત તરીકે જોવાવાળા જૂનવાણી ને અંધશ્રદ્ધાવાળા સમાજમાં તેમને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડયો.
પુરુષોને જ પુરોહીત તરીકે જોવાવાળો બંગાળી સમાજ સ્ત્રીઓને પુરોહીત તરીકે સ્વીકારવા તૈયાર જ ન હતો. ખૂબ બધી ટીકાઓ, ટોણા, સ્ત્રીઓ માસિક આવે એટલે પવિત્ર ના ગણાય વગેરે વગેરે પ્રશ્નો ઊભા કરી, ડૉ. નૈતિકતા અને આત્મવિશ્વાસ તોડવા પ્રયત્ન કર્યો, પરંતુ ચારે બંગાળી મહિલા પુરોહિતોએ પોતાની નૈતિકતા (મોરલ) અને આત્મવિશ્વાસ ટકાવી રાખ્યાં. આ ટીકાકારોને ટોણા મારવામાં વધારે સ્ત્રીઓ હતી જેનો ભાવ હતો, આ સ્ત્રીઓ બંગાળી સમાજનું નામ લજવે છે, ઘણા કુતુહલવશ આવતા પણ પછી અવિશ્વાસ દર્શાવી બોલાવતા નહિ. છેલ્લો સામાજિક વિરોધનો દાખલો આપતા ડૉ.નંદીની કહે છે કે, 'બંગાળી સમાજને સમજાવતા મને દસ વર્ષ લાગ્યા. હવે બધા અમને મહિલા પુરોહિત તરીકે આવકારે છે. પરંતુ ૨૦૨૩થી મેં કાલીપૂજા અને દુર્ગાપૂજા કરાવવાનું શરૂ કર્યું. તો ઘણાએ ધમકી આપી કે કાલીપૂજા સ્ત્રીઓ ના કરાવી શકે, તમારું કંઈ ખરાબ થશે, અપશુકન થશે વગેરે. પરંતુ મેં આંખ આડા કાન કર્યા અને આજે ૨૦૨૫ આખું વર્ષ મારું બુક રહ્યું છે અને ૨૦૨૬ પણ લગભગ બુકીંગ ફુલ છે. અમે ઘણી પ્રેક્ટીસ કરીએ છીએ. બન્ને બાજુના કુટુંબ, સાસરીને પીયરનો અને ખાસ કરીને પતિ અને બે દીકરીઓનો સપોર્ટ રહ્યાં છે જેથી હું કામ કરી શકી, કરી રહી છું ને કરતી રહીશ.'
ભારે સાડીઓને શણગાર સજ્જ મહિલા પુરોહીતો ડૉ.ંનંદીની ભૌમિક, રૂમાદીદી અને અન્ય બે મહિલાઓ ૧૦ વર્ષમાં ૪૦ લગ્નો અને અન્ય વિધિઓ કરાવી ચૂક્યા છે. આજે શુભમ્સ્તુમાં ૧૬ મહિલાપુરોહીતો કામ કરે છે.
આનંદની વાત એ છે કે આધુનીક સમયે કરવટ બદલી છે ને આખા ભારતમાં કુલ ૧૬૦૦ થી ૨૦૦૦ મહિલા પુરોહીતો છે.