'તમે 40 પૈસા વધારે આપશો તો મરી નથી જવાના...'

- યુપીઆઈ પર ચાર્જ લગાડીને જેટલા પૈસા ભેગા કરશે એના કરતાં ડબલ નાણું તો એક દિવસના સરકારી તાયફામાં ઉડાડી દેશે.
જી, બિલકુલ. ડો. અશોક લાહિરી, કે જે પશ્ચિમ બંગાળના બેલુરઘાટમાંથી ચૂંટાઈ આવેલા ભાજપના એમએલએ છે અને ભૂતપૂર્વ ચીફ ઇકોનોમિસ્ટ એડવાઇઝર રહી ચૂક્યા છે, તેઓ અમુક યુપીઆઈ ટ્રાન્ઝેક્શન્સ પર લાગુ થનાર ૦.૪ ટકા ટકા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર)નો બચાવ કરતા રીતસર બોલ્યા હતા કે, 'જો તમે ૧૦૦ રૂપિયા દીઠ ૪૦ પૈસા વધારાના આપશો, અને તે પણ મોટા ટ્રાન્ઝેક્શન્સ માટે… તો શું તમે મરી જવાના?' આ પ્રકારની શબ્દાવલિ સાંભળીને જનતાનો ગુસ્સો ફૂટવો વ્યાજબી હતો. વિવાદના મૂળમાં છે સરકારે કરેલી ઘોષણા, કે ૧૫ ઓક્ટોબરથી ગ્રાહક અને વેપારી વચ્ચે જીપી, પેટીએમ પ્રકારના યુપીઆઈ (યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ) દ્વારા થતાં બે હજાર કરતાં વધારે રૂપિયાના ટ્રાન્ઝેક્શન પર ૦.૪ ટકાનો એમડીઆર લાગશે. આ વધારાનો ચાર્જ ગ્રાહકે નહીં, પણ વેપારીએ ભોગવવો પડશે. જનતા દેખીતી રીતે જ નાખુશ છે…
સંસદસભ્યો, ધારાસભ્યો વગેરે જો પેન્શન, મેડિકલ અલાઉન્સ, ટ્રાવેલિંગ અલાઉન્સ, ડિસ્કાઉન્ટેડ રેટમાં કેન્ટીનનું જમણ વગેરે સુવિધાઓ મેળવવાનું બંધ કરશે તો પણ તેઓ મરી નથી જવાના.
ખાંડના ૪૭ રૂપિયાથી ૧૦૭ રૂપિયા થઈ જશે તો પણ શું આપણે મરી જવાના?
તમે રાજકારણીઓ પબ્લિકના પૈસા ઓછા તાગડધિન્ના કરશો તો પણ કંઈ મરી નહીં જાઓ.
બધું ગ્રાહક નામની કન્યાના કેડ પર આવી પડવાનું છે. સરકાર કરોડોના ખર્ચે થતા તાયફા અને સેલ્ફ માર્કેટિંગ બંધ કરે. સરકાર જનતાને લૂંટવાનું બંધ કરે.
પાવર કરપ્ટ્સ. એબ્લોલ્યુટ પાવર કરપ્ટ્સ એબ્સોલ્યુટલી. અને તેથી જ 'લોકો મરી નથી જવાના' પ્રકારની ભાષાનો પ્રયોગ થઈ શકે છે. વાસ્તવિકતા એ પણ છેને કે ગમે તે થાય લોકો વોટ તો ભાજપને જ આપવાના છે, એટલે પછી ફરિયાદ પણ શું કરવાની?
એક બાજુ ૨૨,૦૦૦ કરોડની લોન સેટલ થઈ જાય છે ને બીજી બાજુ સામાન્ય જનતા પાસેથી ૪૦ પૈસા માટે પણ યુપીઆઈ વસૂલાત. વાહ રે સાહેબ, વાહ!
યુપીઆઈને ફક્ત ભારત પૂરતું જ સીમિત રાખવાનું હોત તો ચાર્જ લગાડવાની જરૂર ન પડત, પરંતુ બ્રિક્સ પછી તેને એક કરતાં વધારે કરન્સી માટે લાગુ કરવા માટેની કવાયત શરૂ થઈ છે. તે માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા માટે અને તેને કમ્પિટિટીવ બનાવીને સરળતાથી ચાલુ રાખવા માટે ખૂબ બધા નાણાંની અને રિસોર્સિઝની જરૂર પડે તેમ છે. તેથી જ અમુક યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લગાડવાનું શરૂ થવાનું છે.
યુુપીઆઈ માટે સર્વર્સ, સાયબર સિક્યોરિટી, ડેટા સેન્ટર્સ વગેરે માટે સતત ટેકનોલોજીકલ માળખું વિસ્તારવું પડે છે અને તે માટે ચિક્કાર આર્થિક રોકાણ કરતાં રહેવું પડે છે. જેમ જેમ દુનિયા એઆઈ તરફ આગળ વધતી જશે તેમ તેમ જરૂરી ઇકોસિસ્ટમ વિકસાવવી પડશે અને જાળવવી પડે છે.
જે લોકોને આ ટેક્સ લાગતો હોય કે વીસ-પચ્ચીસ રૂપિયા ભારે પડતા હોય તો એમણે પેટ્રોલ અને સમય બન્ને બાળીને બેન્ક જવાનું, સ્લિપ ભરીને લાઇનમાં ઊભા રહેવાનું અને કેશ વિથડ્રો કરાવાના. સિમ્પલ.
ઘેર ઇઝ નથિંગ લાઇક ફ્રી લન્ચ. આ વાત આપણે સૌએ યાદ રાખવાની છે.
એ દિવસો યાદ છે, જ્યારે ૨૮ રૂપિયાની વસ્તુ ખરીદતા ને દુકાનદારને ૩૦ રૂપિયા આપતા ત્યારે બાકીના બે રૂપિયા ભૂલી જવા પડતા? મેડિકલ સ્ટોરવાળા બે રૂપિયાની ચોકલેટ પકડાવી દેતા, યાદ છે? બસ કંડક્ટર પાસેથી બાકીના છૂટા પૈસા લેવા છેક સુધી યાદ રાખવું પડતું ને છેલ્લે સ્ટોપ આવી જાય એટલે વગર પૈસે નીચે ઉતરી જવું પડતું. ખોટી ને ફાટેલી નોટો આવી જતી, જે કોઈકને પધરાવવા બિનજરૂરી વસ્તુઓ ખરીદવી પડતી. બેન્કોમાં ફાટેલી નોટો બદલવા લાઇનોમાં ઊભા રહેવું પડતું.
શું આ છે આપણી સંસ્કૃતિ? આ છે આપણો ધર્મ?
આ પણા દેશમાં ગણેશોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે… પણ ગણેશોત્વસવ હોય, કાવડ યાત્રા હોય કે આ પ્રકારની અન્ય કોઈ ધાર્મિક ઉજવણી હોય - કોણ જાણે કેમ, દેશના અમુક હિસ્સાઓમાં, શરીરને ઉછાળી-ઉછાળીને નાચતી, તદ્દન અશ્લીલ ચેનચાળા કરતી નર્તકીઓ (અને નાચણિયા પુરુષો પણ) આ કહેવાતા લોકધાર્મિક સેલિબ્રેશનનો ભાગ બની જ જાય છે. તાજેતરમાં બિહારના સીતામઢી ગામમાં ગણેશ પર્વ નિમિત્તે યોજાયેલા એક 'સાંસ્કૃતિક કાર્યક્રમ'માં લગભગ પોર્નોગ્રાફિક કહી શકાય તેવા સજેસ્ટિવ ચેનચાળા કરતી નાચનારીઓનો વીડિયો ખૂબ વાઇરલ થયો. ખૂબ થૂ-થૂ થઈ. નેચરલી.
આ રીલ જોઈને મારું તો માથું ભમી ગયું. આ બધું શું ચાલી રહ્યું છે આપણા દેશમા? પાછળ બેનરમાં સાસ્કૃતિક કાર્યક્રમ, ગણેશોત્સવ ને એવું બધું લખ્યું છે. આ છે આપણી સંસ્કૃતિ? આ છે આપણો ધર્મ? શેઇમ… શેઇમ!
સાચ્ચે, આવા વલ્ગર ડાન્સ કરનારાઓને જોઈને એક વાર તો વિચાર આવી જાય કે આ લોકોને અશ્પૃશ્ય ગણીને, ચીપિયાથી પકડીને ગામમાંથી બહાર ફેંકી દેવામાં આવે તો એમાં કશું ખોટું નથી.
હિંદુઓના પવિત્ર તહેવારોને અભડાવનારા આ બુદ્ધિહીન લોકોને પકડીને જેલમાં કેમ પૂરવામાં આવતા નથી?
આ એ જ બિહાર છે, જ્યાં બુદ્ધને પરમ જ્ઞાન પ્રાપ્ત થયું હતું અને પછી એનો પ્રકાશ આખા એશિયામાં ફેલાયો હતો. આ એ જ બિહાર છે, જ્યાં એક સમયે વિશ્વવિખ્યાત નાલંદા યુનિવર્સિટી ધમધમતી હતી. આવી પવિત્ર ભૂમિનું આવું ભયાનક અવમૂલ્યન શી રીતે થયું? કોઈએ આ વિષય પર વ્યવસ્થિત રિસર્ચ કરવું જોઈએ.
ગણેશજીના નામે આવા અશ્લીલ ડાન્સ થતા હોય પછી બિહારમાં પૂર જ આવે ને?
એક જ ઉપાય છે. બિહાર ચીનને સોંપી દો. તો જ આ ઘટિયા લોકો સુધરશે.
ગામનું નામ સીતામઢી છે, ને કામ એવાં છે કે શૂપર્ણખાને પણ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવાનું મન થાય.
બિહારમાં આવા ભવાડા દાયકાઓથી ચાલે છે. આ કંઈ આજકાલનું નથી.
આખા દેશમાં બિહારીઓની છાપ ખરાબ છે. આ રીલ જોઈને સમજાય છે કે બિહાર અમસ્તું બદનામ નથી.
વાંક છોકરીઓનો નથી, ઓર્ગેનાઇઝરોનો છે.




