હાઇવે મહિલા ટ્રક ડ્રાઈવર યોગિતા રઘુવંશી

- વામા-વિશ્વ- અનુરાધા દેરાસરી
- 'હું પરિસ્થિતિને કારણે હાઈવે પર ડ્રાઈવીંગ કરું છું. રૂઢિચુસ્ત વિચારો તોડવાના સંકલ્પને કારણે કે ફેમીનીઝમનો દાખલો સમાજમાં બેસાડવા માટે નહિ.'
ઘણીવાર મહિલા કે યુવતી સાથે એવું બને છે કે તમે ખૂબ ભણેલા હો, પરંતુ સંજોગોવશાત્ તે ભણતરને લગતું કામ છોડી, આર્થિક ઉર્પાજન માટે અન્ય કામ કરવું પડે છે. કોઈ કામ નાનું નથી હોતું. પૂરા સમર્પણથી કરો તો તે કામ કામ જ હોય છે, અને તે અંગે શરમ અનુભવવાની તે મહિલા કે યુવતીએ જરૂર નથી હોતી.
ડબલ સ્નાતક મહિલા યોગીતા રઘુવંશી સાતે જીવનમાં સંજોગોએ વ્યવસાયિક આવો જ પલ્ટો મરાવ્યો. 'હું પરિસ્થિતિને કારણે ટ્રકના વ્હીલ પાછળ અને હાઈવે પર ડ્રાઈવીંગ કરું છું. રૂઢિચુસ્ત વિચારો તોડવાના સંકલ્પને કારણે કે ફેમીનીઝમનો દાખલો સમાજમાં બેસાડવા માટે નહિ.' આ શબ્દો છે, મહિલા વકીલના સોફીસ્ટીકેટેડ વ્યવસાયમાંથી, હાઈવેના હેવી વીલર ટ્રક ડ્રાઈવર બનનાર મહિલા યોગિતા રઘુવંશીના. જે ૨૦ વર્ષથી ભારતના હાઈવે કાશ્મીરથી કન્યાકુમારી, આસામથી નેપાલ, ભોપાલથી કેરાલા અને લગભગ દરેક રાજ્યોના હાઈવે પર ભારે સામાન લોડ કરી મહેન્દ્રા બેલોઝ ૨૮, ૧૪ વ્હીલરવાળી ટ્રક ચલાવે છે.
માતા-પિતાની રજામંદીથી યોગિતા પ્રથમ કોમર્સની સ્નાતક થઇ અને પછી લોમાં ડિગ્રી લઇ ડબલ સ્નાતક બની અને જુનીયર વકીલ તરીકે કામ શરૂ કર્યું. ભારતીય સમાજની પરંપરા પ્રમાણે યોગીતાને પરણાવી દેવામાં આવી. પતિ એડવોકેટ છે તેમ જણાવવામાં આવ્યું હતું, પરંતુ વાસ્તવમાં પતિ પોતાની ટ્રક ચલાવતા હતા. યોગીતા એ સંજોગો સાથે સમજાવટ કરી, અને જુનિયર વકીલ તરીકેનું કામ ચાલુ રાખ્યું. દાંપત્યજીવનના ફળસ્વરૂપે બે બાળકો થયા, પરંતુ અચાનક સંજોગોએ જબરજસ્ત કરવટ લીધઈ.
યોગિતાના પતિનું અવસાન થયું. બે સંતાનોના ઉછેરની, ભણતરની જવાબદારી યોગિતા પર આવી પડી. તેણે જુનીયર વકીલ તરીકે કામ ચાલુ રાખ્યું અને ટ્રક એક ડ્રાઈવરને નોકરી પર રાખી કામ ચાલુ રાખ્યું.
થોડા જ સમયમાં યોગિતાને વર્તમાન જીવનની વાસ્તવિક્તા સમજાઈ ગઈ. જુનીયર વકીલ તરીકે મહેનતાણુ ઓછું મળતું હતું. જેનાથી સંતાનોના ઉછેર અને ભણતરનો ખર્ચો સારી રીતે ના ઉઠાવી શકાય. તેની સામે ટ્રક ડ્રાઈવીંગમાં નફો સારો મળી શકે તેમ તેણે જાણકારી મેળવી. પરંતુ તેના ટ્રકની માલ હેરફેરમાં તો ડ્રાઈવર એટલો સારો નફો લાવતો નહિ. વધારે તપાસ કરતા જાણ થઇ કે ડ્રાઈવર લાંચ આપી બધો માલ પોતાના નામે લઇ જતો એન નફો ઓછો બતાવતો. આથી સંતાનોના ભણતર એન ઉછેર માટે, યોગિતાએ વકીલનો ધંધો બદલી, ટ્રક ડ્રાઈવર બનવાનું નક્કી કર્યું.
એક ઇન્ટરવ્યુમાં યોગિતા જણાવે છે કે 'મને તો સ્ટીયરીંગનો એસ કે ટ્રકનો ટી પણ આવડતો ન હતો. પણ સારા આર્થિક ઉપાર્જન માટે બાળકોના ભવિષ્ય માટે હું ટ્રક ડ્રાઈવર બની. મારી ટ્રક ચલાવવાનું નક્કી કર્યું. કામ ખૂબ નવું અને અઘરું હતું પણ દ્રઢ મનોબળ, હિમ્મત એન અંદરના હોંસલાએ મને મારા નવા રસ્તે ચાલતી કરી. શરૂઆતમાં ક્લાસીસમાં ટ્રેનીંગ લઇ હું ફોરવીલર કાર ડ્રાઈવીંગ શીખી એન પછી તેમાં હેવી વેહીકલ ખાસ કરીને ટ્રક ડ્રાઈવીંગ અને શરૂ થઇ મારી હાઈવેની યાત્રા ટ્રક સાથે.'
યોગિતા રઘુવંશીની ટ્રકની કામગીરીમાં ૧૪ વ્હીલવાળી ભારે ટ્રકમાં લગભગ ૩૦ થી ૩૫ ટન માલ તે લોડ કરે છે. તેના ઉપર કાચનું આવરણ હોય છે. ને નીકળવાના સાંજે તે માલ લોડ કરે છે. જાતે જ બધું કામ કરે છે. આ ટ્રક ૧૬૦ લીટર પેટ્રોલની કેપેસીટી ધરાવે છે. સવારના ૫.૩૦ થી ૫.૪૫ વાગ્યાના સમયથી યોગિતા ટ્રકની મુસાફરી શરૂ કરે છે, એન રાત્રિના લગભગ આઠથી સાડા આઠ સુધી ચલાવે છે. લગભગ દરરોજના ૪૦૦ કિ.મી.ની મુસાફરી ૮થી ૧૦ કલાક ટ્રક ચલાવી કરે છે. કોઈપણ એક શહેરથી બીજા શહેરમાં માલ ઠાલવી પાછા ઘેર આવતા યોગીતાને ૮-૧૦ દિવસ લાગે છે. વચ્ચે ધાબામાં તે સવારનું જમવાનું કે બ્રેક ફાસ્ટ કરે છે. ઘણીવાર રસ્તામાં જાતે બનાવે છે. યોગિતાને મરાઠી, હિન્દી, ગુજરાતી, અંગ્રેજી ને તામીલ પાંચ ભાષા આવડે છે. દરેક ભારતના રાજ્યોની વિવિધ ભાષાઓ અને ખોરાક સાથે તે એડજેસ્ટમેન્ટ કરી લે છે. યોગિતા બીવરેજ કોર્પોરેશન ગોડાઉનથી ભોપાલથી કેરાલા સુધી લીકવીર કનસાઇનમેન્ટ (દારૂની બોટલના કાર્ટન) પણ લઇ જાય છે. ખાસ કરીને તેણી અઘરા રસ્તાઓના જે ખાસ કોઈ ટ્રક ડ્રાઈવર કામ ના લેતા હોય તેવા રસ્તાઓના કામ લે છે, જેથી વધારે પૈસા મળે. એક ટ્રીપના ૮૦૦૦ રૂ. થી ૧૦,૦૦૦ રૂ. મળે છે.
આજે ૨૦ વર્ષથી ટ્રક ડ્રાઈવીંગનું કામ કરતી યોગિતા રઘુવંશીને સામાજીક, શારીરિક અને અન્ય ઘણી મુશ્કેલીઓ નડી છે.
યોગિતા રઘુવંશીના શબ્દોમાં જ જોઇએ તો, 'શરૂઆતમાં મારા પતિના મૃત્યુ પછી, સાસરીયાઓએ અમારી ૩ ટ્રક પર દાવો માંડયો કે આ અમારા પૈસાથી લીધી છે એટલે અમારી માલિકી થાય એની સામે હું કોર્ટમાં લડી, પતિના લોનના કાગળો બતાવી કોર્ટમાં કેસ જીતી. આ ખર્ચો ખૂબ થયો એટલે શરૂઆતમાં માલ લોડીંગ માટે મારે મારી પાસેની વસ્તુઓ, અરે, મોબાઈલ સુધ્ધાં ગીરવી મુક્યો પડો. એક બે ટ્રીપ કરી, હું સ્થિર થઇ ડ્રાઈવીંગમાં પછી આર્થિક ગીરવે મૂકેલી વસ્તુઓ છોડાવી અને અમારી જીવનગાડી થોડી પાટા પર આવી.'
યોગિતા રઘુવંશીને ટ્રકની ટ્રેનીંગમાં પણ ઘણી મુશ્કેલી પડી હતી. તેમને મીરરમાંથી બ્લેક-વ્હાઇટ રસ્તા બદલવાની નીશાનીઓ, ભારે સ્ટીયરીંગ કાબૂ વગેરે કરતા ૨ મહિના લાગ્યાહતા અને ટ્રક પર ડ્રાઈવીંગમાં સ્થિર થતા બે થી ત્રણ ટ્રીપ.
હેવી ટ્રક ચલાવવા માટે શારીરિક શક્તિની પણ જરૂર પડે એટલે મોટેભાગે યોગીતા શાક વધારે નાખેલી ખીચડી ને કોકોનટ ઓઇલ તેમજ કાચી શાકભાજી સલાડ ખાય છે જેથી શક્તિ ટકી રહે અને કોઈ ઇન્ફેકશન વગેરે ના લાગે.
સૌથી વધારે યોગિતા રઘુવંશીને સામાજીક તેમજ બાળ ઉછેરની મુશ્કેલીઓ પડી. તેમજ એકલી સ્ત્રી તરીકે ત્રણવાર તેમના પર હુમલા થયા, જેમાં ત્રીજીવારનો હુમલો જાનના જોખમનો હતો. જોઇએ યોગીતા રઘુવંશીના શબ્દોમાં, 'શરૂઆતમાં ખાસ કરીને ધાબામાં હું ચ્હા પીવા જતી ત્યારે બધા ટ્રક ડ્રાઈવરો અને અન્ય લોકો મારી સામે જોઈ રહેતા કારણ કે આ પુરુષોના વર્ચસ્વવાળો વ્યવસાય ગણાય છે. ટીકાઓ થઈ, મશ્કરીઓ થઈ, પણ મેં ધ્યાન ના આપતા ધીરે ધીરે બધાની સ્વીકૃતિ આવી ગઈ.'
સૌથી વધારે મુશ્કેલી મને મારા બાળકોને ઘેર એકલા મૂકીને જતા થતી. મારી દીકરી ૮ વર્ષની ને દીકરો ૪ વર્ષનો. સાસરિયાનો તો સપોર્ટ જ ન હતો. પિયરમાં મારા ભાઈનું પણ અવસાન થયેલું. આથી મારા માતા-પિતા તેમજ અન્ય સગાવાલાઓ ત્યાં મદદમાં હતાં. મેં મારી દીકરીને સમજાવેલું કે તારે ઘર સંભાળવાનું છે હું ટ્રીપ પર જઉં ત્યારે કુદરત સંજોગો પ્રમાણે સંતાનોને પણ મેચ્યોર બનાવે છે. મારી દીકરીએ એ ફરજ બજાવી. પરંતુ શરૂઆતમાં મોબાઈલ ફોન ન હતા ત્યારે હું પબ્લીક ફોનમાંથી ઘેર લેન્ડલાઈનના ફોન પર વાત કરતી. ઘણીવાર પબ્લીક ફોન કે ધાબાનો ફોન ના મળતા એક બે દિવસ પણ થઇ જતા, ત્યારે આંખોમાં આંસુ આવી જતા.
હવે ટેકનોલોજીએ તે પ્રશ્ન હલ કરી દીધો છે.
આજે યોગિતા રઘુવંશીની દીકરી આઈટી એન્જીનીયર થઇ અને દીકરાએ બીબીએ કર્યું. બન્ને સારી કંપનીમાં નોકરી કરે છે.
યોગિતા રઘુવંશી હાથપગ ચાલે ત્યાં સુધી ૭૦ વર્ષ સુધી ટ્રક ડ્રાઈવીંગ કરવા માગે છે. તે તેમની પેશન છે અને તેમની જીવનપસંદગી છે.




