ફલાહાર રોગોપચારમાં સહાયક

- માર્ગી
- ફળોમાંથી એન્ટિઓક્સિડન્ટસ ખૂબ સારી માત્રામાં મળે છે જે અકાળે આવતાં વૃદ્ધત્વને મંદ પાડવામાં સહાયરૂપ છે
કુ દરતે આપેલાં રંગબેરંગી ફળોમાં સ્વાદ સાથે શરીર માટે જરૂરી અનેક પોષકતત્ત્વો પણ રહેલાં છે. ફળોમાંથી શર્કરા, વિટામીન્સ, મીનરલ્સ, ફાયબર (રેષા) અને એન્ટિઓક્સિડન્ટસ મળે છે. ફળોમાં રહેલાં પિત્ત રસો ભૂખ વધારે છે અને ખોરાકનું પચન સારી રીતે કરે છે. તદુપરાંત કેટલાક ફળોમાં રહેલાં રેષા કબજિયાત દૂર કરે છે. ખોરાકના પોષક તત્ત્વોનું સારી રીતે અવશોષણ થાય એમાં પણ ફળો મદદરૂપ થાય છે. ફળોમાં રહેલી શર્કરા - ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ શરીરમાં જઈ, સરળતાથી અને ઝડપથી શોષાઈ, ઈન્સ્ટન્ટએનર્જી પૂરી પાડે છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનીટી) જાળવવામાં ફળોમાં રહેલાં વિટામીન્સ ઉપયોગી બને છે, જ્યારે એમાં રહેલાં મીનરલ્સ હૃદય કાર્યક્ષમતા સુધારવામાં મેટોબોલીઝમ સારુ રાખવામાં નર્વસ સીસ્ટમને કાર્યરત રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
આજે, વિવિધ સારવારમાં ઉપયોગી થાય એવી ઋતુ ઋતુના ફળો વિષે જાણીએ :
(૧) હાઈબ્લડ પ્રેશર, એથરોસ્કલેરોસીસ : કેળા, લીલા નાળિયેરના પાણીમાં રહેલું પોટેશીયમ બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવા મદદરૂપ બને છે. કીવીમાં રહેલું લ્યુટીન અને સ્ટ્રોબેરીના ફ્લેવોને રક્તનલિકાઓને રીલેક્સ કરી બ્લડપ્રેશર નિયંત્રણમાં રાખે છે. દાડમ હૃદય માટે ખૂબ ગુણકારી છે. દાડમના સેવનથી લોહીમાં ન્ઘન્ (લો ડેન્સીટી લાઈપો પ્રોટીન - ખરાબ કોલેસ્ટેરોલ)નું ઓક્સિડેશન ઘટાડે છે જેથી એથરોસ્કલેરોસીસમાં ખૂબ લાભદાયી છે. સફરજનમાં રહેલાં પોલિફીનૉલ કોલેસ્ટેરોલ ઘટાડે છે. દાડમ અને સફરજન કબજિયાત કરતાં હોવાથી સમજણપૂર્વક ખાવા.
(૨) ગાઉટ : ચેરીમાં એન્ટિ ઇન્ફ્લામેટરી ગુણ રહેલો છે. જે સોજા ઘટાડવા મદદરૂપ બને છે અને એન્થોસાયનીન એન્ટિઑક્સિડન્ટ સારી માત્રામાં છે - જે વધેલા યુરીક એસીડને ઘટાડવામાં સક્ષમ છે. આમ, ખૂબ સારી રીતે પાકેલી હોય એવી ચેરીનું નિયમિત સેવન કરવાથી ગાઉટના ઉથલા ઓછાં થાય છે.
(૩) થાક, અશક્તિ, વજનવધારવા માટે : દ્રાક્ષમાં વિપુલ માત્રામાં શર્કરા હોઈ, બિમાર, અશક્ત વ્યક્તિઓ માટે શક્તિ પ્રદાન કરનારી છે. એમાં રહેલું રેસ્વેરેટ્રોલ શરીરના કોષોને પોષણ તથા રક્ષણ આપવાની બેવડી કામગીરી કરે છે. દ્રાક્ષ, સફરજન અને શેરડીમાં સારી એવી માત્રામાં ગળપણ હોઈ, ડાયાબીટીસના દર્દીઓએ
માપથી ખાવા.
(૪) અલ્સરેટિવ કોલાઇટીસમાં જ્યાં બીજા ફળો અનુકૂળ નથી આવતાં ત્યાં સારી રીતે પાકેલાં કેળા આવા દર્દીઓ માટે એક સારું ખાદ્ય છે. કેળાનો ગર આંતરડાની દીવાલને સુંવાળી રાખે છે. ઇરીટેશન ઘટાડે છે.
(૫) આંખો માટે : કેરી, પપૈયું, પીચ-આ ફળોમાં ડિ-કેરોટીન અને વિટામીન-એ સારી માત્રામાં હોવાથી આંખના કોર્નિયા (નેત્રપટલ)ને રક્ષણ આપે છે. જેમને સંધ્યાકાળ પછી જોવામાં તકલીફ પડતી હોય, જેમની આંખોનું પ્રવાહી સૂકાયેલું હોય એવી વ્યક્તિઓ માટે આવી રોગાવસ્થા અટકાવવાનું કામ કરે છે. આ ફળોમાં રહેલાં વિટામીન-સી અને ઈ સેલ-ડેમેજ અટકાવે છે એન વધતી ઉંમર સાથે થતાં આંખના ડીજનરેશન મંદ પાડી દ્રષ્ટિ સારી
રાખે છે.
(૬) ત્વચાનું રક્ષણ, ઇમ્યુનીટી: બધાં જ ખાટાં (સીટ્રસ) ફળો જેમાં લીંબુ, સંતરા, મોસંબી, આમળા, સ્ટ્રોબેરી, જામફળ વગેરેનો સમાવેશ થાય છે - તેમાં ભરપુર માત્રામાં વિટામીન-સી રહેલું છે જેના કારણે શ્વેતકણો બને છે અને રોગપ્રતિકારક શક્તિ વિકસે છે. આ ફળોમાંથી એન્ટિઓક્સિડન્ટસ ખૂબ સારી માત્રામાં મળે છે જે અકાળે આવતાં વૃદ્ધત્વને મંદ પાડવામાં સહાયરૂપ છે.
(૭) ઓબેસીટી (મેદસ્વીતા) : પપૈયામાં રહેલું પેપેઇન અને પાઈનેપલમાં રહેલું બ્રોમેબેન એવા શક્તિશાળી એન્ઝાઈમ છે જે પ્રોટીન સાથે અન્ય ખોરાકનું પચન ખૂબ સારી રીતે કરી શકે છે. આ ફળોમાં કેલરી ઓછી છે અને ફાયબર (રેષા) વધારે છે. આથી નિયમિત સેવન કરવાથી વજન નિયંત્રિત રાખવામાં મદદ થઇ શકે છે.
(૮) કબજિયાત : પપૈયુ, જામફળ, પેર, લીલા અંજીરમાં રેષા સારી માત્રામાં હોવાથી આંતરડામાં રહેલા મળને સરકાવે છે. આ ફળોમાં ઓછી માત્રામાં સંચળ અને મરી ભભરાવીને ખાવાથી કબજિયાતમાં ફાયદો થાય છે.
સામાન્ય રીતે સ્વસ્થ વ્યક્તિએ દિવસના એકથી બે ફળોનો સમાવેશ આહારમાં કરવો યોગ્ય છે.
શ્રેષ્ઠ રક્ષણાત્મક આહારની હરોળમાં ફળોનું વિશિષ્ટ સ્થાન છે પણ હંમેશા યાદ રાખવું કે ફળો કોઈપણ રોગ અવસ્થામાં માત્રા સહાયક ભૂમિકા ભજવે છે. ચિકિત્સકની સલાહ આવશ્યક છે.




