ફલાહાર રોગોપચારમાં સહાયક

- માર્ગી
- લીંબુ રુચિવર્ધક છે, ભૂખ ઉઘાડનાર છે અને મોઢાંનો સ્વાદ સુધારનાર છે.
લેખ (૨)
આ પૂર્વેના લેખમાં આપણે કેટલાક ફળોની વિવિધ રોગોમાં સહાયક ભૂમિકા વિષે જાણ્યું. આજે અન્ય વિષે.
ડાયાબીટીસ : જાંબુ - ગુણમાં મોટાં કરતાં નાનાં જાંબુ ચઢિયાતા મનાય છે. આ ફળમાં રહેલાં જેમ્બોલીન અને જેમ્બોસીન નામના બાયોએક્ટિવ આલ્કલોઇડ સ્ટાર્ચનું ગ્લુકોઝમાં થતું રૂપાંતર ધીમું પાડે છે. જેથી ખોરાક લીધા પછી લોહીમાં શર્કરા ઝડપથી વધતી નથી. જાંબુનું સત્વ ઈન્સ્યુલીન સેન્સીટીવીટી વધારે છે. જેથી શરીરના કોષો સારી રીતે ગ્લુકોઝનું દહન કરે છે. આ ઉપરાંત એમાં રહેલું ઘાટા જાંબુડી રંગનું પીગ્મેન્ટ એન્થોસાયનીન પેન્કીઆસમાં રહેલા બી-સેલ્સ (જે ઈન્સ્યુલીન બનાવવા માટે ઉપયોગી છે) ને રક્ષણ પણ આપે છે.
પથરી : લીંબુ, નારંગી, મોસંબી જેવાં ખાટાં ફળોમાં સારી માત્રામાં સાયટ્રેટ રહેલું છે - જે પથરી મોટી થતી અટકાવે છે. આહારમાં આ ફળો નિયમિત લેવાથી નાની-નાની પથરીઓ શરીરની બહાર ફેંકાઈ જાય છે. નારંગી તથા મોસંબીનો જ્યૂસ પીવા કરતાં સીધી પેશીઓ ખાવાથી આંતરડા માટે જરૂરી એવા રેષા પણ શરીરને મળે છે.
ઈન્ડાયજેશન-ઊલટી : લીંબુમાં ઊલટીની તકલીફમાં રાહત આપવાનો ઔષધિય ગુણ રહેલો છે. લીંબુ રુચિવર્ધક છે, ભૂખ ઉઘાડનાર છે અને મોઢાંનો સ્વાદ સુધારનાર છે. હોજરીમાં જઈ તે પાચક રસોને ઉત્તેજીત કરે છે. એટલે જ દાળ અને કઠોળમાં લીંબુનો રસ નીચોવી ખાવાથી તેમાં રહેલાં પ્રોટીન સારી રીતે પચે છે. બારેમાસ મળતાં લીંબુમાં વિટામીન 'સી' તો સારા પ્રમાણમાં છે જ, સાથે એમાં રહેલાં બાયોફલેવોનોઇડસ રક્તની સૂક્ષ્મનલિકાઓ (કેપીલરીસ)ને મજબૂત બનાવે છે.
પાચનક્રિયા માટે ઉપયોગી એવું ડ્રેગનફુટ સાઉથ મેક્સિકો અને સેન્ટ્રલ અમેરિકાનું વતની છે. આ ફળમાં પ્રીબાયોટીક રહેલાં છે, જેનાથી આંતરડામાં રહેલાં પોઝીટીવ બેકટેરીઆને પોષણ મળે છે જેથી પાચન સુધરે છે. એમાં રહેલાં બીટાલેઇન અને ફલેવોનોઇડ ક્રોનિક ઈન્ફલામેશન (જૂની સોજાની સમસ્યા)માં રાહત આપે છે. ડ્રેગનફુટમાંથી મળતું મેગ્નેસીયમથી હાડકાં અને સ્નાયુઓને પોષણ મળે છે.
હાયપર એસીડીટી : ચીકુમાં સારી એવી માત્રામાં રહેલું ટેનીન, કુદરતી એસ્ટ્રીન્જન્ટનું કામ કરે છે. એટલે જ સારી રીતે પાકેલા ચીકુ એસીડીટીમાં રાહત આપવામાં મદદરૂપ થાય છે. અન્ય એક ફળ જે કુદરતી રીતે એન્ટાસીડનું કામ કરે છે, તે પાકાં કેળાં. કેળા અન્નનળી તથા હોજરીની આંતરત્વચા પર પડ બનાવી, રક્ષણાત્મક કવચ જેવું કામ કરે છે.
અલ્પ અને મોડું માસિક : જે બહેનોને માસિક ઓછું અને મોડું આવતું હોય, તેમને પપૈયું ખાવાથી ખૂબ ફાયદો થાય છે. પપૈયામાં કેરોટીન, પેપેઇન અને ખૂબ માત્રામાં લેટેક્સ રહેલાં છે જે ગર્ભાશયના સ્નાયુમાં સંકોચન વધારે છે અને માસિક ખુલાસીને, સરળતાથી લાવવામાં મદદરૂપ થાય છે. પાકું પપૈયું ખાતી વખતે, ચપટી મરી, મીઠું અને જીરૂ ભભરાવીને ખાવાથી ખૂબ ફાયદો થાય છે. માસીકની આવી ફરિયાદ રહેતી હોય તેવી બહેનોએ કાચા પપૈયાનું કચુંબર બપોરના ભોજનમાં નિયમિત લેવું જોઈએ. કાચું પપૈયું પાચક એન્ઝાઈમ બનવાની પ્રક્રિયાને વેગ આપે છે, જેથી પાચન માટે પણ સારું છે જે બહેનો પ્રેગ્નન્ટ હોય એમણે (કાચું અને પાકું) પપૈયું ખાવાનું ટાળવું હિતાવહ છે.
ઓસ્ટીઓઆર્થરાઇટીસ : એવોકાડોમાં પ્રચૂર માત્રામાં એન્ટિ ઈન્ફલામેટરી કમ્પાઉન્ડ અને MUFA (મોનો અન-સેચ્યુરેટેડ ફેટી એસીડ) રહેલાં છે. સંશોધકો જણાવે છે કે, નિયમિત એવોકાડો લેનારા લોકોમાં ઓસ્ટીઓઆર્થરાઈટીસને કારણે થતાં સાંધાના નુકસાનનું જોખમ ઘટે છે. તડબૂચ અન્ય એક એવું ફળ છે જે જૂના સોજામાં રાહત આપે છે. આ કામનું શ્રેય તડબૂચમાં રહેલા લાયકોપીનના ફાળે જાય છે.
આમ થવાથી ઈન્ફલામેટરી માર્કર સીઆરપી ઘટે છે. તડબૂચમાં રહેલું કેરોટીનોઈડ બીટા-ક્રીપ્ટાઝેન્થીન ચ્યુમેટોઇડ આર્થરાઈટીસ (RA) થવાની શક્યતા ઘટાડવામાં મદદરૂપ થાય છે. એમાં રહેલું L- સીટ્રુલીન એમીનો એસીડ સ્નાયુ અને સાંધાની આજુબાજુના ટીશ્યુમાં રક્તપ્રવાહ સુધારે છે.




