Shatdal

'ફેન્ડશીપ રિસેશન': ઓનલાઇન જામતી ફીડની ભીડમાં શૂકનવંતી મૈત્રીનો દુકાળ

By GS Team
22 Sep 20266 mins read
'ફેન્ડશીપ રિસેશન': ઓનલાઇન જામતી ફીડની ભીડમાં શૂકનવંતી મૈત્રીનો દુકાળ
  • મીડ વીક- હસમુખ ગજજર
  • અનેક સર્વેમાં જણાવાયું છે કે આધુનિક જીવનશૈલીમાં લોકો વાસ્તવિક અને ઉંડા સંબંધોથી દૂર થઇ રહયા છે. મોબાઇલ ખોલો તો મેસેજ અને પોસ્ટસનો મેળો જામેલો હોય છે તેમ છતાં અંદરની એકલતા યથાવત રહે છે.

એ ક સર્વે અનુસાર અમેરિકામાં ૧૨ ટકા લોકો એવા છે જેનો એક પણ મિત્ર નથી. પહેલા લોકો સામે બેસીને ૧ કલાક જેટલો સમય વિતાવતા હતા જે ઘટીને ૩૫ મિનિટ થયો છે. હાર્વર્ડ યુનિવર્સિટી ખાતે હાર્વર્ડ કેનેડી સ્કૂલ અને હાર્વડ બિઝનેસ સ્કૂલ લિડરશીપ અને માણસોના સંબંધોના વિષય પર સંશોધન કરે છે. હાર્વડ કેનેડી સ્કૂલની એક રિસર્ચ લેબમાં વેલ બિઇંગ (ભલાઇ)અંગે ફેબુ્રઆરી ૨૦૨૫માં ફેન્ડશીપ રિસેશન એટલે કે દોસ્તીમાં ઘટાડો વિષય પર એક લેખ પ્રકાશિત થયો હતો. આ લેખમાં તર્ક રજૂ થયો હતો કે દોસ્તીમાં ઘટાડો માત્ર સોશિયલ સ્ટ્રકચરલ સમસ્યા નહી પરંતુ એક સાંસ્કૃતિક સંકટ છે. આ ટે્રન્ડ કોઇ ગંભીર સંકટ તરફ ઇશારો કરે છે. જો તમને પણ એવું લાગતું હોય કે છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન અતિ નજીકના મિત્રોનું વર્તુળ ધીમે ધીમે નાનું થઇ ગયું છે તો આ બાબતમાં તમે એકલા નથી. અનેક સર્વે બતાવે છે કે છેલ્લા કેટલાક દશકાઓમાં લોકોના નજીકના મિત્રોમાં ઘટાડો થયો છે. ૧૯૬૦માં સરેરાશ ૧૦૦ જેટલા ગાંઢ સગા કે મિત્રો હતા જે હવે માંડ પ થી ૬ જેટલા રહી ગયા છે. આજના ડિજિટલ જમાનામાં આંખના પલકારામાં હજારો કિમી દૂર સંદેશો મોકલી શકાય છે તેમ છતાં વિટંબણાએ છે કે સંપર્કમાં રહેવાની ઇચ્છા અને લાગણીઓનો અભાવ જોવા મળે છે.ડિજિટલ સવલતની રીતે ભાઇબંધી કે મિત્રતાને સુલભ બનાવતા શ્રેષ્ઠ સમયમાંથી પસાર થઇ રહયા હોવા છતાં ફ્રેન્ડશિપ રિસેશનએ ગ્લોબલ સામાજીક સમસ્યા બન્યું છે. લોકો એક બીજાની નજીક તો આવે છે પરંતુ ગાંઢ દોસ્તી બનતી નથી.
કેલેન્ડર વ્યસ્તતાઓથી ભરાયેલું રહે છે અને એક સમય જીવનના કેન્દ્રમાં હતા એવા પ્રિયજનો દૂર સરકતા જાય છે.સૌ કામમાં એટલા બધા જોતરાયેલા રહે છે કે મિત્રતા અને સંબંધો માટે જગ્યા રહી નથી. આ વાત ઘણા લોકોના અંગત જીવનના અનુભવ સાથે મેળ ખાય છે. એક સમય હતો કે સોસાયટીઓ અને એપાર્ટમેન્ટમાં સાથે રહેતા લોકો સરળતાથી એક બીજાના ઘરે આવી શકતા.પ્લાન વગર બહાર નિકળી શકતા હતા. મૈત્રી માટે કોઇ ટાઇમ નકકી કરવાની જરુર પડતી ન હતી. સાથે રહેવાથી આપમેળે જ સંબંધોનો સેતું રચાઇ જતો હતો. હવે ફ્રેન્ડશિપ રિસેશનનો વાયરો વાય છે જેનાથી દુનિયાનો કોઇ ખૂણો બાકાત નથી. નોકરી-બિઝનેસ ઉપરાંત એક થર્ડ પ્લેસ હોવું જોઇએ જયાં માણસ પોતાનું હૈયું ખોલી શકે એનો છેલ્લા બે દાયકાથી અભાવ ઉભો થયો છે. થર્ડપ્લેસ એટલે કે ઘર અને કામના સ્થળની વચ્ચે આવતી જગ્યાઓ, (કાફે,કલબ, સ્પોર્ટસ લીગ,રેસ્ટોરન્ટ) વગેરે સ્થળો આપમેળે મૈત્રી બંધાતી હતી. હવે થર્ડ પ્લેસની સ્પેસ ઘટવાથી અનૌપચારિક અને નિયમિત સંપર્કો ઓછા થઇ રહયા છે. એવું નથી કે હવે લોકો એક બીજાને મળતા નથી, મળે છે અને વાતચીત પણ કરે છે. બહાર ફરવા જાય છે અને સેલ્ફી કે સ્ટેટસ પણ મુકે છે પરંતુ નવા પરિચયોમાં અંદરથી મૈત્રી હોતી નથી. દૂધના ઉભરાની જેમ સંબંધોમાં ખૂબજ ઝડપથી ફેરફાર થઇ જાય છે. એવું પણ બને છે કોઇ કારણ સમયનો ગેપ પડે છે અને બોલવાનું ઓછું થઇ જાય છે. જૂના દોસ્તોને મળવાનું થઇ શકતું નથી અને નવા પરિચયમાં આવેલા અજનબીઓ સાથે જામતું નથી. ઘણા આજીવન સંબંધો નિભાવતા હોય છે માટે આ વાત બધાને લાગુ પડતું નથી પરંતુ સરેરાશ આ સ્થિતિ જ જોવા મળે છે. લોકો હવે આમને સામને મળવાના સ્થાને સોશિયલ મીડિયા અને ડિજિટલ મેસેજિંગ પર વધારે નિર્ભર થઇ ગયા છે આથી માત્ર જોડાયેલા હોવાનો ભ્રમ થાય છે પરંતુ જોડાયેલા હોતા નથી. ફેસબુક, વોટ્સએપ જેવા ડિજિટલ સોશિયલ માધ્યમો પર ખાલી ઉપર છેલ્લી વાતચિત થાય છે, દોસ્તી માત્ર ઔપચારિક બની ગઇ છે. ચેટિંગથી થોડી રાહત મળે છે પરંતુ જીવનમાં કશુંક ખૂટતું હોવાનો અજંપો જતો નથી. ઓળખાણ હોવી, વાતચિત કરવી અને મિત્રતા હોવી એમાં ખૂબ મોટો તફાવત છે.ડિજિટલ સ્વરુપથી જોડાયેલા હોવા છતાં આધુનિક જીવનશૈલીમાં લોકો વાસ્તવિક અને ઉંડા સંબંધોથી દૂર થઇ રહયા છે. સમય નથી કારણ કે જે સમય મિત્રોને મળવામાં પસાર થતો હતો તેનું સ્થાન સ્ક્રિન ટાઇમે લીધું છે. મોબાઇલ ખોલો તો મેસેજ અને પોસ્ટસનો મેળો જામેલો હોય છે તેમ છતાં અંદરની એકલતા યથાવત રહે છે.દાયકાઓથી સંબંધો બાબતે જે સ્થિરતા જોવા મળતી હતી જેમાં હવે ઓટ આવી છે. સર્વે સેન્ટર ઓન અમેરિકન લાઇફ અનુસાર આ ઘટાડો વ્યાપક છે અને પુરુષોમાં તે સૌથી વધુ જોવા મળે છે. ભૂતકાળની સરખામણીમાં હવે એવા પુરુષોની સંખ્યા વધુ છે જેમની પાસે મુશ્કેલીના સમયે સહાય કે મદદ માટે કોઇ નજીકના મિત્રો નથી અથવા તો બહુ ઓછા છે.
૨૦૨૩માં યુ.એસ સર્જન જનરલે એકલતા અને સામાજિક અલગતાને રોગચાળાના સ્તરનું જાહેર આરોગ્ય સંકટ જાહેર કર્યુ હતું. ૯૯ દેશોનું મૂલ્યાંકન કરતા એક અભ્યાસમાં જણાવાયું હતું કે જે લોકો મિત્રતાને મહત્વ આપે છે તેઓ વધુ ખૂશ રહે છે. મિત્રતાની મંદી સરેરાશ નાગરિક માટે ખૂશીમાં ઘટાડો લાવે છે. સારા મિત્રો જીવન વીમા જેવા હોય છે પરંતુ જે લોકો પાસે મિત્રો નથી હોતા તે રોજ ૨૦ સિગારેટ પીવા જેટલો તણાવ મહેસૂસ કરે છે. જેને સારા મિત્રો હોય છે તેમને બ્લડ પ્રેશર અને હ્વદયની બીમારીઓ ઓછી થાય છે. રોગ પ્રતિકારકશકિતના તંત્ર પર વિપરિત અસર કરે છે. નિષ્ણાતો માનવીય સંબંધોની મંદી માટે પેરન્ટિંગ મોડેલને પણ જવાબદાર માને છે.લગ્ન પછી સંતાનોને ઉછેર કરવાની અને તેમને આગળ વધારવાનો પ્રયાસ આસપાસના વર્તુળ અને સામાજિક રીતે હળવા-મળવાની જરુરિયાતોને માતા પિતા ઘટાડી દે છે. બાળકની સિધ્ધિ જ માતા પિતાની કાબેલિયત અને ઇમેજની ઓળખ બની ગઇ છે. મહેનત કરીને આગળ વધવાની એવી હોડ જામી છે કે બાકીનું બધુ જ ભૂલાઇ જાય છે. આ પેરન્ટિંગ મોડેલ સૌ એક બીજામાંથી શીખતા રહે છે છેવટે આમાંથી જ સંબંધોમાં શૂન્યાવકાશ સર્જાય છે. કોવિડ જેવી મહામારી પછી સોશિયલ ડિસ્ટન્સિંગ અને સ્વાસ્થ્ય સંબંધી ખતરો જોયા પછી બધાને જોઇ લીધા કોઇ કોઇનું નથી એમ માનવાનું વલણ વધી રહયું છે.
વ્યસ્ત જીવનશૈલી, કામનું અતિ દબાણ, કરિયર પર ફોકસ અને ભાગદૌડભરી જીંદગીમાં જૂના સંબંધોને ફરી તાજા કરવામાં મુશ્કેલી નડે છે. ગ્રામીણ વિસ્તારોમાં લોકો એક બીજા સાથે જોડાયેલા રહી શકે છે પરંતુ અતિ શહેરીકરણ અને ઉપનગરોના વિસ્તારમાં ખૂબ દૂર રહેતા જૂના સંબંધીઓ અને મિત્રોને મળવાનું ઘટી ગયું છે. સંબંધોમાં વચ્ચે ખૂબ મોટો ગેપ ઉભો થયા પછી અસ્વીકૃતિનો ડર,(ફિયર ઓફ રિજેકશન)ની ભાવના વધી ગઇ છે આથી મળવા કે મદદ માંગવાના સ્થાને એકલા રહેવાનું સ્વીકારી લેવાનું ચલણ વધી ગયું છે. કોઇ નવા સ્થળે શિફટ થયા હોય ત્યારે ફિયર ઓફ રિજેકશનની ભાવના એટલી ઉંચી હોય છે કે સંબંધો સ્થાપિત થઇ શકતા નથી. નોકરી અને રહેઠાણ માટે લોકો વારંવાર સ્થળાંતર કરે છે ત્યારે પાડોશીઓ સાથેની ઓળખ માત્ર ચેટ ગુ્રપમાં કે મોબાઇલમાં માત્ર નામ તરીકે સેવ કરવા પૂરતી જ રહી જાય છે. દરેક સ્થળાંતર સાથેના સાદા પરિચયને ગાંઢ મૈત્રીમાં ફેરવવાની પ્રક્રિયા ફરીથી શરુ થતી નથી અથવા તો ખૂબ ધીમી પડે છે. આર્થિક જરુરિયાતો અને અસલામતીની ભાવના પણ દોસ્તી ભૂલવાડી દે છે. પૈસા હશે તો લોકો બોલાવશે એવું માનીને સંબંધોથી દૂર રહે છે. કરિયરને પ્રાથમિકતા આપવા માટે પ્રેરિત થાય છે. આ પ્રકારના વલણથી પૈસાદાર તો નથી થવાતું પરંતુ સંબંધો જરુરથી છેટા જતા રહે છે. મૂળ વાત ભૂલાઇ જાય છે કે પૈસા કમાવવાએ આવડત અને આયોજનનો વિષય છે એમાં ફેન્ડશીપ આડે આવતી નથી. નવાઇની વાત તો એ છે કે લોકો જાણે છે કે મિત્રો સાથે ફરીથી જોડાવાથી જીવનની સુખાકારી સુધરશે તેમ છતાં પહેલ કરતા નથી. પહેલા મિત્રો સાથે હળવા મળવામાં સમય વિતતો હતો તેનો મોટો હિસ્સો હવે સ્ક્રિન પાછળ ખર્ચાય છે. શાંત સાંજ હવે અનંત ઓનલાઇન ફીડ (સોશિયલ મીડિયા) સાથે સ્પર્ધા કરે છે. આંગળાથી ટાઇપ કરવા કરતા રુબરુ અવાજ સાંભળવો, ચહેરો જોવો કે વિચાર વિનિમય કરવાથી જે આત્મિયતા અનુભવાય છે તે સામાન્ય ચેટિંગથી મળતી નથી. દરિયામાં અબજો લિટર પાણી હોય છે તેમ છતાં એક ઘૂંટડો પણ પાણી પી શકાતું નથી 'એક મે ભી તનહા થે, સૌ મે ભી અકેલે હૈ' જેવી સર્જાઇ રહેલી સ્થિતિ ડિજિલ યુગમાં જરુરથી ચિંતાનો વિષય છે.