ક્યાંકથી ક્યારેક આવો આગવો કિસ્સો મળે દાયકાઓ બાદ પિતાની શાખનો હિસ્સો મળે

- યહી હે જિંદગી-મહેશ યાજ્ઞિાક
- એ દિલદાર માણસે મને સોગન આપીને કહ્યું કે મનુ, કીર્તિ, હરેશ કે કમલ - મારા ચાર દીકરામાંથી ગમે તે દીકરો તારી દુકાને આવે ત્યારે ગાંઠિયા અને ચવાણાના પૈસા તો તારે લઈ જ લેવાના !''
''વો ટ આ સરપ્રાઇઝ !'' સવારે આઠ વાગ્યે ડોરબેલ વાગી અને રશ્મિએ બારણું ખોલ્યું કે તરત સામે ઊભેલી બહેનપણી કલ્પનાને જોઈને એ સુખદ આશ્ચર્યથી ભેટી પડી.
''તારા આ નવા ફલેટના વાસ્તુમાં આવેલી, એ પછી આ ત્રણ મહિનામાં શાંતિથી આવવાની ઈચ્છા હતી પણ નીકળાતું નહોતું. આજે એ મુંબઈ ગયા એટલે આખો દિવસ રહેવાય એ રીતે આવી ગઈ…'' એણે ચારેબાજુ નજર ફેરવી પણ રશ્મિના પતિ હરેશના દર્શન ના થયા એટલે પૂછ્યું. ''જિજુ ક્યાં ?''
''એ મોર્નિંગ વોકમાં ગયા છે…'' રશ્મિએ વ્યંગમાં જવાબ આપ્યો પણ કલ્પનાનું ધ્યાન ડ્રોઈંગરૂમના નિરીક્ષણમાં રોકાયેલું હોવાથી રશ્મિના કટાક્ષનો એને ખ્યાલ ના આવ્યો. એણે ભોળાભાવે કહ્યું. ''આ ઉંમરે પણ જિજુને બી.પી. કે ડાયાબિટિસ નથી એનું કારણ સમજાઈ ગયું. તંદુરસ્તી માટે સભાન રહીને મોર્નિંગ વોક કરે છે એ સારી વાત છે.''
''તંદુરસ્તી માટે સભાન ? ધૂળ અને ઢેફાં !''
રશ્મિ ખડખડાટ હસી પડી. ''તારા જિજુ કાઠિયાવાડમાં ઉછર્યાં છે એટલે સવારે નાસ્તામાં ફાફડાની આદત છે. અહીં આવ્યા પછી આ ત્રણ મહિનામાં ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં ઘૂમીને ફરસાણની કઈ દુકાન સારી છે એની શોધ કરે છે ! સવારમાં નીકળી પડે અને ગરમાગરમ ફાફડા લઈને રિક્ષામાં પાછા આવે એ એમનું મોર્નિંગ વોક !…'' સહેજ અટકીને એણે ઉમેર્યું. ''પરમ દિવસે લાવેલા ફાફડામાં એમને ખારો વધારે લાગેલો એટલે આજે નવી દુકાન શોધવા માટે
ફરતા હશે.''
રશ્મિની વાત સાવ સાચી હતી. સો ફૂટના રોડ ઉપર બંને તરફની દુકાનો ઉપર નજર રાખીને હરેશ પોતાની મસ્તીમાં ચાલતો હતો. સહકારી બેન્કમાં જનરલ મેનેજર તરીકે નિવૃત્તિવય વટાવ્યા પછી પણ સાહેબના આગ્રહથી વધુ બે વર્ષ સેવા આપી હતી. બંને દીકરાઓ એમના પરિવાર સાથે દૂરના બંગલાઓમાં જલસાથી રહેતા હતા, સારું કમાતા હતા. પાંસઠ વર્ષની ઉંમરે બાકીની જિંદગી આરામથી માણવાનો અધિકાર હરેશ વટથી ભોગવતો હતો. પત્ની રશ્મિ સાથે વર્ષમાં દસ-દસ દિવસના બે પ્રવાસ અને દર અઠવાડિયે મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ જોવાની. જીભના ચટાકાને દબાવી નહીં દેવાના - આ રીતે જીવવાની મજા પડતી હતી.
દૂરથી જ સૌરાષ્ટ્ર ફરસાણનું બોર્ડ દેખાયું એટલે હરેશની આંખ ચમકી અને પગની ગતિ વધી ગઈ. દુકાનની બહાર કારીગર અસલ જૂની ઢબથી ફાફડા બનાવતો હતો. લાકડાના પાટિયા ઉપર ગુંદલું મૂકીને જમણા હાથની હથેળી દબાવીને ફાફડો વણતી વખતે એ અડધો ઊંચો થઈ જતો હતો. ગ્રાહકોની ભીડ પ્રતીક્ષાભરી નજરે તાવડા સામે તાકીને ઊભી હતી. ''અંદરથી કૂપન લેવી પડશે.'' બાજુમાં ઊભેલા ગ્રાહકે હરેશને સલાહ આપી. ''પૈસા આપીને કૂપન લઈને લાઇનમાં આવી જાવ.''
ફરસાણ અને મીઠાઈની એ દુકાન એરકન્ડિશન્ડ હતી. પોતે આજ સુધી આ તરફ કેમ ના આવ્યો એ પસ્તાવા સાથે હરેશ દુકાનમાં પ્રવેશ્યો. કાચના શોકેસમાં જાતજાતની મીઠાઈઓનો રસથાળ ગોઠવાયેલો હતો. જમણી તરફ કેશ કાઉન્ટર પર પચાસેક વર્ષનો માણસ બેઠો હતો. એની પાછળનો વિસ્તાર મીઠાઈની ફેકટરી જેવો દેખાતો હતો. એક કારીગર તાવડામાં તાવેથાથી કંઈક હલાવતો હતો. બીજો એ મિશ્રણને ઠાલવવા માટેની ચોકીને લૂછી રહ્યો હતો. શુદ્ધ ઘીમાં શેકાતા ચણાના લોટની સુગંધથી મોઢામાં પાણી આવી જાય એવું મીઠાશભર્યું વાતાવરણ હતું.
એ કારીગરો અને કાઉન્ટરની વચ્ચે ખુરસી પર બેઠેલા એંશી-પંચ્યાશી વર્ષના વડીલ કારીગરોને આદેશ આપી રહ્યા હતા. કાઉન્ટર પર બેઠેલા માણસને કંઈક કહેવા માટે એ વડીલ ઊભા થયા ત્યારે એમનો ચહેરો જોઈને હરેશ ચમક્યો.
''નટવરકાકા ?'' વર્ષોના અંતરાલ પછી પણ ઓળખી પાડયાનો ઉત્સાહ હરેશના અવાજમાં છલકાતો હતો. એની બૂમથી ચોંકીને એ બંને એની સામે તાકી રહ્યા. એ વડીલ આવીને હરેશની સામે ઊભા રહ્યા. આંખો ઝીણી કરીને એ જોઈ રહ્યા હતા પણ એમની નજરમાં ગૂંચવાડો હતો.
''મને ના ઓળખ્યો ? નાનો હતો ત્યારે તમારા બહુ ગાંઠિયા ખાધા છે. હું હરેશ. બાબુભાઈ ખોખાણીનો દીકરો.''
''ઉંમરના હિસાબે આંખની તકલીફ છે, દીકરા ! માફ કરજે. હવે તને ઓળખ્યો.'' એ વડીલના ચહેરા પર આનંદ છલકાયો. હરેશના માથે હાથ ફેરવીને એ ભીના અવાજે બબડયા. પછી ઉષ્માથી હરેશના ખભા ઉપર હાથ મૂકીને એમની સાથે અંદર લઈ ગયા અને બાજુની ખુરસી પર બેસાડયો.
''તને ના ઓળખ્યો એ મારી ભૂલ કહેવાય પણ કેટલા વર્ષે તને જોયો ? સાવ નાનો હતો ત્યારે ચડ્ડી પહેરીને ગાંઠિયા લેવા આવતો હતો. એ વાતને ય પચાસ વર્ષ વીતી ગયાં.'' હરેશનો હાથ એમણે પોતાના હાથમાં જકડી રાખ્યો હતો. ''તારા બાપે તો મારી જિંદગી બચાવેલી એમ જ કહેવાય.'' જમણો હાથ ફેલાવીને એમણે આખી દુકાન બતાવી. ''આ જે કંઈ છે એ બાબુભાઈ ખોખાણીના આશીર્વાદથી ! અણીના સમયે એમણે જે મદદ કરેલી એ તો છેલ્લાં શ્વાસ સુધી નહીં ભૂલાય. ભગવાન માથે રાખીને કહું છું કે એમણે જે પૈસા આપ્યા એ એવા શુકનિયાળ નીવડયા કે આ પૈસા મારા હાથમાં આવ્યા પછી મારું નસીબ બદલાઈ ગયું !''
સહેજ અટકીને એ હરેશના ચહેરા સામે તાકી રહ્યા. ''ખીજડા ચોકમાં મારી દુકાન તો તેં જોયેલી પણ ઘર તેં નહીં જોયું હોય…''
વર્ષો જૂના ભૂતકાળના દ્રશ્યો અત્યારે જાણે આંખ સામે તરવરી રહ્યાં હોય એમ લાગણીવશ બનીને એ બોલી રહ્યા હતા.
''ગાંઠિયા-ચવાણાની દુકાનમાં એ વખતે આવી આંધળી કમાણી નહોતી. ભાવસાર શેરીમાં બે માળના મકાનમાં ભાડે રહેતો હતો. મકાન માલિક હતો વાલજી ઠક્કર, એ વાલજીએ તો ભારે કરી, તમાકુવાળા દલીચંદને એના દીકરા માટે જરૂર હતી એટલે વાલજીએ તો બત્રીસસો રૂપિયામાં મારાવાળું મકાન વેચવાનું નક્કી કરી નાખ્યું. ખબર પડી એટલે મારા માથે તો આભ તૂટી પડયું. એક દીકરો અને ત્રણ દીકરીના વસ્તાર સાથે મારે ક્યાં જવાનું ? એ રાત્રે મારા ઘેર રાંધ્યાં ધાન રઝળ્યાં. બૈરી અને છોકરીઓ તો રડ રડ જ કરે. ભલે ભાડે તો ભાડે પણ વીસ વર્ષથી જ્યાં રહેતા હોઈએ એ ઘરની માયા તો હોયને ? મારું તો મગજ કામ કરતું અટકી ગયું હતું…''
લગીર અટકીને એમણે આદરભાવથી હરેશ સામે જોયું. ''રાત્રે ઊંઘ નહોતી આવી. સવારે સીધો તમારી પેઢી ઉપર ગયો. એ વખતે તો તારા બાપાનો મોભો નગરશેઠનો. પારકી છઠ્ઠીના જાગતલ જેવો એ માણસ બધા માટે ઘસાઈ છૂટે.''
એકલા બરવાળામાં નહીં, પણ આખા તાલુકામાં તારા બાપાનું નામ બહું મોટું ગણાય. એમની પાસે હું ગયો અને વાત કહેતી વખતે મારી આંખ ઝળઝળિયાથી છલકાઈ ગયેલી. એમણે મારી પીડા પારખી લીધી. તરત જ પેઢીમાંથી માણસને દોડાવીને તાબડતોબ દલીચંદ તમાકુવાળાને બોલાવ્યો.
દલીચંદ, તું બીજું મકાન શોધી લે. આ નટુના નિ:સાસા લેવાની જરૂર નથી… એમણે દલીચંદને આટલું કહી દીધું. એ સમયે બાબુલાલ ખોખાણીના આદેશની ઉપરવટ જવાની કોઈની હિંમત નહોતી. દલીચંદને રવાના કર્યા પછી તારા બાપાએ વાલજીને પેઢી ઉપર બોલાવ્યો. વાલજી, હમણાં આ મકાન વેચવાની માથાકૂટ મૂકી દે… એમ તારા બાપાએ કહ્યું પણ તરત એ ઠક્કરે કહ્યું કે શેઠ, હાથ ભીંસમાં છે, આબરૂનો સવાલ છે એટલે મકાન વેચ્યા વગર છૂટકો નથી. એણે આવું કહ્યું કે તરત તારા બાપાએ મારી સામે જોયું. નટુ, તારી પાસે કેટલાની સગવડ છે ? મેં કહ્યું કે ગાંઠિયા અને ચવાણું વેચીને પેટે પાટા બાંધીને આજ સુધીમાં ઘર માટે બારસો રૂપિયાની બચત કરી છે.
કાચી સેકન્ડમાં તારા બાપે ફેંસલો કરી લીધો. પેઢીના મુનિમને કહ્યું કે આ નટુને બે હજાર રૂપિયા આપી દો. બીજા દિવસે તો દસ્તાવેજ પણ થઈ ગયો અને મકાન મારા નામે થઈ ગયું!
એ અચાનક અટક્યા અને હરેશને પૂછ્યું. ''તને પૂછવાનું જ રહી ગયું. તું શું લેવા આવ્યો છે ?'' ''અઢીસો ફાફડા…'' હરેશે કહ્યું કે તરત એમણે નોકરને આદેશ આપી દીધો. એ પછી એ મૂળ વાત પર આગળ વધ્યા.
જાણે સ્વર્ગવાસી બાબુભાઈને વંદન કરતા હોય એમ આકાશ સામે બે હાથ જોડીને એ ગળગળા અવાજે બબડયા. ''દીકરા, તું વિચાર કર. બે માળનું મકાન બત્રીસસો રૂપિયામાં મળતું હોય એ જમાનામાં બે હજાર રૂપિયાની કિંમત કેટલી ગણાય ? સગો ભાઈ પણ ના કરે એવો ઉપકાર કરીને એમણે મને વગર વ્યાજે પૈસા આપ્યા અને મારી આર્થિક દશા પારખીને પાછા આપવા માટે ચાર વર્ષની મુદત આપી…'' લાગણીવશ બનીને હરેશના હાથ પોતાના હાથમાં જકડીને ધૂ્રજતા અવાજે ઉમેર્યું, ''મારા ને મારા કુટુંબ માટે તો હું એમને સાક્ષાત ભગવાન જ માનું છું.'' ગળે ડૂમો ભરાયો એટલે એ આગળ બોલી ના શક્યા.
નોકર ગરમાગરમ ફાફડાનું પેકેટ લઈને આવ્યો અને એણે એ હરેશને આપ્યું. હરેશ હળવે રહીને ઊભો થયો. લાગણીભીના વાતાવરણમાં પણ હરેશ વિવેક ના ભૂલ્યો. ''વડીલ, આ અઢીસો ફાફડાના કેટલા આપવાના છે ?'' પાકિટ કાઢીને એણે પૂછ્યું.
''ફાફડા છસ્સો રૂપિયે કિલો છે એટલે અઢીસોના દોઢસો રૂપિયા કાઉન્ટર ઉપર આપી દે.'' નટુકાકાએ કહ્યું એ સાંભળીને હરેશને જાણે વીજળીનો કરન્ટ લાગ્યો. ગાલ ઉપર સણસણતો તમાચો પડયો હોય એવું એને લાગ્યું. રુંવાડે રુંવાડે આગ લાગી હોય એવી બળતરા થતી હતી.
બે મિનિટ પહેલાં મારા બાપાને સાક્ષાત ઈશ્વર કહેનારા આ માણસે દોઢસો રૂપિયા માટે પણ શરમ ના રાખી ? અરે માત્ર ના પાડવા ખાતર ના પાડી હોત તો ય કેટલું સારું લાગતું ? આવા લોભિયા ઉપર બાપાએ શા માટે ઉપકાર કર્યો હશે ? હરેશની કમાન છટકી હતી. પ્રચંડ ધૂંધવાટ મનમાં હતો. એણે કાઉન્ટર ઉપર દોઢસો રૂપિયા ચૂકવી દીધા અને પાછળ નજર પણ કર્યા વગર પગ ઉપાડયા.
''એક મિનિટ, બેટા ! અહીં આવ…'' નટુકાકાએ બૂમ પાડીને બોલાવ્યો એટલે કમને એ ત્યાં ગયો.
''મારા પર રીસ ચડી છેને ? ગુસ્સો આવે છે ને ?'' હરેશની મનોદશા પારખીને નટુકાકાએ સીધો સવાલ પૂછીને પ્રેમથી સમજાવ્યું. ''મેં પૈસા લીધા એનું કારણ તારા બાપને આપેલું વચન. એમણે મને પૈસા આપ્યા એના સાત-આઠ દિવસ પછી તારાથી મોટો કીર્તિ મારી દુકાને ફાફડા લેવા આવેલો. મેં પૈસા લેવાની ના પાડી. કીર્તિએ ઘેર જઈને કહ્યું કે તરત તારા બાપાએ માણસ મોકલીને મને પેઢી પર બોલાવીને ખૂબ તતડાવ્યો. એ દિલદાર માણસે મને સોગન આપીને કહ્યું કે મનુ, કીર્તિ, હરેશ કે કમલ - મારા ચાર દીકરામાંથી ગમે તે દીકરો તારી દુકાને આવે ત્યારે ગાંઠિયા અને ચવાણાના પૈસા તો તારે લઈ જ લેવાના !''
ફરીથી આકાશ સામે જોઈને એમણે હરેશ સામે નજર કરી. ''મેં દોઢસો રૂપિયા લીધા એનો તને ઝાટકો લાગ્યો હશે, પણ હું લાચાર છું. આટલા વર્ષે પણ એમના સોગન તોડવાની મારામાં હિંમત નથી.''
હરેશના ખભે હાથ મૂકીને એમણે ઉમેર્યું. ''એ વખતે મારી દુકાનમાં માત્ર ગાંઠિયા અને ચવાણું જ મળતું. એ સિવાય વાર-તહેવારે પેંડા બનાવતો હતો. તારા બાપે ગાંઠિયા અને ચવાણા માટે જ સોગન આપેલા, મીઠાઈ હું બનાવતો નહોતો એટલે એની મનાઈ નહોતી કરી…''
એમણે ઈશારો કર્યો એટલે કારીગર એક મોટું બોક્સ લઈને ત્યાં આવ્યો. એમણે એ દોઢ કિલોનું બોકસ હરેશના હાથમાં પકડાવ્યું. ''તારા બાપાએ આપેલા સોગનમાં મીઠાઈનું નામ નહોતું એટલે એ છટકબારીનો લાભ લઉં છું. આવો ચોખ્ખા ઘીનો મોહનથાળ તને આખા અમદાવાદમાં ચાખવાય નહીં મળે, બેટા ! ગાંઠિયા અને ચવાણા સિવાય આ આખ્ખી દુકાન તારી જ છે એમ માનજે…'' એ ભીના અવાજે બોલતા હતા. હરેશ આડા કાને સાંભળતો હતો.
(શીર્ષક પંક્તિ : લેખક)




