Shatdal

એપોર્ટ : ભૌતિક માધ્યમ વિના ગૂઢ શક્તિથી પદાર્થનું સ્થાનાંતરણ

By GS Team
6 Oct 20266 mins read
એપોર્ટ : ભૌતિક માધ્યમ વિના ગૂઢ શક્તિથી પદાર્થનું સ્થાનાંતરણ
  • ગોચર-અગોચર-દેવેશ મહેતા
  • વિજ્ઞાનીઓએ પૃથ્વીથી અંતરીક્ષમાં મોજૂદ સેટેલાઈટ સુધી ફોટોનની ક્વૉન્ટમ જાણકારીને સફળતાપૂર્વક ટેલીપોર્ટ કરી છે એને ક્વૉન્ટમ એન્ટેન્ગલમેન્ટ કહેવાય છે. એમાં બે કણ એકબીજા સાથે એ રીતે જોડાઈ જાય છે કે એક કણમાં થતો ફેરફાર બીજા કણને પણ ખબર પડી જાય છે

ટે લીપોર્ટેશન અને એપોર્ટ બન્ને એવી અવધારણાઓ છે જેમાં કોઈ વસ્તુ કે વ્યક્તિને કોઈ ભૌતિક માધ્યમ વગર જ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી શકાય છે. ટેલીપોર્ટેશન વિજ્ઞાનની અવધારણા છે અને એપોર્ટ પારલૌકિક વિજ્ઞાન કે ગૂઢ વિજ્ઞાનની અવધારણા છે. ટેલીપોર્ટેશનનો અર્થ છે એક પલકારામાં જ એક સ્થળેથી ગાયબ થઈ દૂરના કોઈ બીજા સ્થળે પ્રકટ થઈ જવું. મહાન વિજ્ઞાની આલ્બર્ટ આઈન્સ્ટાઈને ટેલીપોર્ટેશનની સંભાવનાને 'સ્કૂપી એક્શન એટ એ ડિસ્ટન્સ' કહ્યું હતું. પરંતુ આજે વિજ્ઞાને ક્વૉન્ટમ ટેલીપોર્ટેશન દ્વારા એને અમુક હદ સુધી સાચું કરી બતાવ્યું છે. વિજ્ઞાનીઓએ ક્વૉન્ટમ પાર્ટિકલ્સ જેમ કે ફોટોન વગેરેને ટેલીપોર્ટ કરવામાં સફળતા મેળવી છે. વિજ્ઞાનીઓએ પૃથ્વીથી અંતરીક્ષમાં મોજૂદ સેટેલાઈટ સુધી ફોટોનની ક્વૉન્ટમ જાણકારીને સફળતાપૂર્વક ટેલીપોર્ટ કરી છે એને ક્વૉન્ટમ એન્ટેન્ગલમેન્ટ કહેવાય છે. એમાં બે કણ એકબીજા સાથે એ રીતે જોડાઈ જાય છે કે એક કણમાં થતો ફેરફાર બીજા કણને પણ ખબર પડી જાય છે. પછી ભલે ને તે ગમે તેટલા દૂરના સ્થાને પણ કેમ ના હોય.
પેરાનોર્મલ જગતમાં એપોર્ટની ઘટના અનેકવાર જોવા મળી છે. ભૌતિક માધ્યમ વિના પળભરમાં એક વસ્તુ કે વ્યક્તિ બીજા સ્થળે પહોંચી જાય એવી કેટલીક વાસ્તવિક ઘટનાઓ પર દ્રષ્ટિપાત કરીએ. વીસમી સદીની શરૂઆતમાં ચાર્લ્સ બેલી નામનો ઓસ્ટ્રેલિયન આધ્યાત્મિક માધ્યમ આખી દુનિયામાં પ્રસિદ્ધ હતો. એની પાસે એવી શક્તિ હતી કે તે બંધ ઓરડામાં એપોર્ટ થકી અજબગજબની વસ્તુઓ લાવી શકતા હતા. ઓસ્ટ્રેલિયાની સ્ટેનફોર્ડ પેરાનોર્મલ સોસાયટીના વિજ્ઞાનીઓએ ચાર્લ્સ બેલીને એક પૂરેપૂરા સીલબંધ ઓરડામાં બેસાડયો. એને એક જાળીવાળા બંધ પિંજરામાં પૂરી દેવામાં આવ્યો જેથી તે કોઈ ચાલાકી કરી ના શકે. ઓરડામાં અંધારું થયાને બે-ચાર પળોમાં પિંજરામાં અચાનક પંખીના ફફડાવાનો અવાજ આવ્યો. જ્યારે લાઈટ ચાલુ કરવામાં આવી તો બંધ પિંજરામાં ેક જીવતી ચકલી (એક દુર્લભ વિદેશી પક્ષી) અને થોડા તાજા છોડવા એમાં આવી ગયા હતા. વિજ્ઞાનીઓએ તપાસ કરી તો જોયું કે ઓરડાના બારી-બારણાં જડબેસલાક સીલબંધ વસાયેલા હતા. અને ચકલીને બહારથી લાવવી એકદમ અસંભવ હતું. આને પેરાનોર્મલ ઇતિહાસની સૌથી મોટી ઘટનાઓમાંની એક ગણવામાં આવી છે.
૧૯૭૭ના ઓગસ્ટમાં બનેલી એનફીલ્ડ પોલ્ટરગિસ્ટ (Enfield Poltergeist) ની ઘટનાને પ્રમાણભૂત પેરાનોર્મલ કેસ માનવામાં આવે છે કેમકે એને લંડન પોલિસ, પત્રકારો અને વિજ્ઞાનીઓએ પોતાની આંખે જોયો હતો અને રેકોર્ડ કર્યો હતો. લંડનના એનફીલ્ડમાં પેગી હોજસન નામની મહિલા તેની બે પુત્રીઓ, અગિયાર વર્ષની જેનેટ અને તેર વર્ષની માર્ગારેટ સાથે એક સરકારી મકાનમાં રહેતી હતી. એક રાત્રે એ બન્ને બાળકીઓએ ફરિયાદ કરી કે તેમની પથારીઓને કોઈ હલાવી રહ્યું છે. બીજે દિવસે તેમની માતા પેગીએ જાતે જોયું કે એક ભારેખમ ડ્રોઅર એની જાતે ખસીને દરવાજા સુધી આવી ગયું છે.
જ્યારે ડરીને તેમણે પોલિસને બોલાવી તો મહિલા કોન્સ્ટેબલ કેરોલિન હિપ્સે એના આધિકારિક રિપોર્ટમાં લખ્યું કે તેણે પોતે એક ભારે ખુરશી હવામાં અધ્ધર થતી અને ખસતી જોઈ હતી. તે પછી 'સોસાયટી ફોર સાઇકિકલ રિસર્ચ'ના સંશોધક મોરિસ ગ્રોસ અને ગોય પ્લેફેઅર તે ઘરમાં આવીને રહ્યા હતા. તેમણે ત્યાં પોલ્ટરગિસ્ટ ઇફેક્ટની સાથે એપોર્ટની ઘટનાઓ પણ થતી જોઈ. તેમણે જોયું કે રસોડાના બંધ ડબ્બામાં રાખેલી રસોઈની વસ્તુઓ ત્યાંથી ગાયબ થઈને બેડરૂમમાં પડતી હતી. સૌથી વિસ્મય ઉત્પન્ન કરનારી ઘટના ત્યારે બની જ્યારે એક ભારે લોખંડનો ટુકડો અચાનક હવામાંથી છત પરથી નીચે પડયો. જ્યારે તેની તપાસ કરવામાં આવી તો ખબર પડી કે તે ટુકડો પડોસીના બગીચામાં રાખવામાં આવ્યો હતો તે હતો. તે દીવાલોને પાર કરીને અંદર આવી ગયો હતો. આમ બીજાના ઘરની વસ્તુઓ પણ એપોર્ટ થઈને ત્યાં આવી જતી હતી.
અગિયાર વર્ષની બાળકી જેનેટ ઘણીવાર હવામાં કેટલાય ફૂટ અધ્ધર તરતી જોવા મળતી. તેના ફોટા પણ કેમેરામાં કેદ કરી લેવાયા હતા જે અત્યારે પણ મોજૂદ છે. એ ઉપરાંત જેનેટના ગળામાંથી અત્યંત ડરામણો ઘરડા માણસનો અવાજ નીકળવા લાગતો જે એક ઘરમાં પહેલા મૃત્યુ પામેલા બિલ વિલ્કિંસ નામના વ્યક્તિનો હતો. એનો પ્રેતાત્મા જ તોફાની ઉપદ્રવો કરતો અને એપોર્ટથી વસ્તુઓનું સ્થાનાન્તરણ કરતો હતો.
ઓગણીસમી સદીના અંતમાં મેડમ ડી'એસ્પેરેન્સ યૂરોપની અત્યંત પ્રસિદ્ધ સ્પિરિચ્યુઅલ માધ્યમ (Medium) હતી. તે એની પ્રેતાત્મા આહવાન બેઠક (Seance) માં એપોર્ટ કરવા માટે જાણીતી હતી. જર્મનીના મ્યુનિચ શહેરના કેટલાક વિજ્ઞાનીઓ અને સંશયવાદીઓએ એને એની આ શક્તિ પુરવાર કરવા પડકાર ફેંક્યો. તેમણે મેડમ ડીએસ્પેરેન્સને એક સખત ઘેરાવમાં બેસાડી જેથી તે કોઈ હાથચાલાકી કે છેતરપિંડી ના કરી શકે. ઓરડામાં આછું અજવાળું હતું અને થોડી મિનિટો પછી એક અલગ પ્રકારની સુગંધ આવવા લાગી. જ્યારે પૂરું અજવાળું કરવામાં આવ્યું ત્યારે ટેબલ પર એક છ ફૂટ જેટલો લાંબો, સાચો, જીવતો ગોલ્ડન લીલી (Golden Lily) નો છોડ માટીના ઢોફા અને કૂંડા સાથે આવીને પડેલો હતો. વિજ્ઞાનીઓએ જ્યારે એ છોડનું પરીક્ષણ કર્યું તો જાણવા મળ્યું કે તે પ્રજાતિ જર્મનીમા મળતી જ નથી. તે છોડ કોઈ બીજા જ દેશનો હતો, જેને કોઈ ભૌતિક માધ્યમ વગર સીધો જ તે બંધ ઓરડામાં એપોર્ટથી લાવવામાં આવ્યો હતો.
ઓગણીસસો વીસના દશકમાં રોમાનિયાના એક નાના ગામમાં રહેતી એલોનેર ઝુગુન નામની ૧૨ વર્ષની છોકરી સાથે પણ આવું બનતું હતું. તે બંધ ઓરડામાં બેઠી હોય, તમામ બારી-બારણાં બંધ હોય તો પણ ઓરડામાં કાંકરા, પથ્થર હવામાંથી પ્રગટ થઈ ભોંયતળિયે પડતા. એલોનોરની આસપાસ અચાનક હવામાં વસ્તુઓ તરવા લાગતી. ઓસ્ટ્રિયાની સંશોધક કાઉ'ટેસ વાસિમને, ફેરરે એલેનોરને પોતાની પાસે લંડન બોલાવી અને પ્રયોગશાળામાં સખત પહેરા હેઠળ તેનું પરીક્ષણ કર્યું. સંશોધકોએ જોયું કે એલેનોરની આગળ અચાનક હવામાંથી લોખંડનો સોયો, સિક્કા અને ચાવીઓ પ્રગટ થઈ જતી હતી. કેટલીકવાર તો આ વસ્તુઓ બંધ કબાટમાંથી નીકળીને હવામાં તરતી જોવા મળતી હતી.
બ્રિટનના મેથ્યૂ મેનિંગ (Matthew Manning) ના જીવનમાં પણ આવી ઘટનાઓ અનેકવાર બની હતી. ૧૯૭૦ના દશકમાં બનેલી અનેક ઘટનાઓએ એને એપોર્ટની બાબતમાં પ્રસિદ્ધ કરી દીધો હતો. જ્યારે તે સ્કૂલમાં હતો ત્યારે તેની આજુબાજુ અજબગજબ પોલ્ટરગિસ્ટ ગતિવિધિઓ થવા લાગી હતી જે પાછળથી એપોર્ટ રૂપે રૂપાંતરિત થઈ ગઈ હતી. મેથ્યૂના ઓરડામાં હવામાંથી વસ્તુઓ પ્રગટ થઈ નીચે પડતી. આશ્ચર્યની વાત એ હતી કે એમાંથી મોટાભાગની એ વસ્તુઓ પ્રગટ થતી જે એના પરિવારના લોકોની ખોવાઈ ગયેલી વસ્તુઓ હતી !
એકવાર મેથ્યૂ મેનિંગના બંધ ઓરડામાં અચાનક ઓગણીસમી સદીના જૂના સિક્કાઓ, પ્રાચીન કાળના છરી-ચમચા અને કાચના અજબ ગજબ પ્રકારના વાસણો હવામાંથઈ પ્રગટ થઈ ભોંય તળિયા પર પડયા હતા. મેથ્યૂ મેનિંગની ચૈતસિક શક્તિઓ અને એપોર્ટ કરવાની શક્તિથી અચરજ પામી અનેક વિજ્ઞાનીઓએ તેના પર સંશોધન કર્યું હતું. જેમાં ૧૯૭૩માં ભૌતિકવિજ્ઞાનનું નોબેલ પ્રાઈઝ મેળવનાર બ્રાયન ડેવિડ જોસેફસન પણ સામેલ હતા.
યોગી સ્વામી રામે તેમના પુસ્તક 'લિવિંગ વિથ ધ હિમાલયન માસ્ટર્સ'માં ટેલિપોર્ટેશન, એપોર્ટની શક્તિનું નિરૂપણ કર્યું છે. 'પવિત્ર તિબેટમાં મારા મહાગુરૂ' પ્રકરણમાં સ્વામી રામ લખે છે - 'મારા મહાગુરૂ સાથે અઢી મહિના સુધી યોગશક્તિ વિષયક અભ્યાસ કર્યા પછી એક દિવસ હું અમારી ગુફાની બહાર બેસીને જેમાં મારા અનુભવો નોંધું છું તે મારી ડાયરી વિશે વિચાર કરતો હતો કે તે અહીં અત્યારે મારી પાસે હોત તો કેટલું સારું થાત ! મારા ગુરૂએ યોગ શક્તિથી મારા વિચારો જાણી લીધા અને મને કહ્યું, હું તારી એ ડાયરી અને પેન્સિલો અહીં અત્યારે જ લાવી દઉં ? મેં હા પાડી. તેની બીજી જ પળે ભારતના નૈનિતાલની ટેકરીઓ પાસેના ભવાની સેનેટોરિયમમાં મારા કબાટમાં રાખેલી ૪૭૫ પાનાની મારી મોટી ડાયરી અને થોડી પેન્સિલો મારી આગળ આવીને જમીન પર ગોઠવાઈ ગઈ !'