અનુયાયીની ટીકા એ પંથની ટીકા નથી

- અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા
- મૂળભૂત ધર્મ તો રાતરાણીની સુગંધ જેમ અંદરથી પ્રગટતો હોય
શી ર્ષકમાં ઇરાદાપૂર્વક 'ધર્મ'ને બદલે 'પંથ' શબ્દ વાપર્યો છે. આ લખનારની દ્રષ્ટિએ મૂળભૂત ધર્મ પરમાત્મ-ચેતનારૂપે દરેકનાં હૈયામાં બિરાજમાન છે. તે એક જ અને અદ્વિતીય છે. સવાલ આ ચેતનાને બહારથી થોપવાનો નથી. સવાલ માત્ર માત્ર અને માત્ર આ ચેતનાને અંદરથી જ જગાડવાનો છે. ચેતના બહારથી કોઈ થોપી શકે એની ભ્રમણા વિરાટ પાયા પર થોપાતી રહી છે, અને જે જાગૃત વ્યક્તિ આ વિરાટ છેતરપિંડી સમજી લે છે એ કદી સ્વેચ્છાએ ગળે 'કૂતરાંનો પટ્ટો' પહેરે નહીં, હિસ્ટેરિયામાં ધૂણે નહીં, અણમોલ માનવજીવનને ઘેંટા અવતારમાં વેડફે નહીં.
તો 'પંથ' શું છે ?
'પંથ' એટલે એક જ ફેક્ટરીનાં કે ઉત્પાદનનાં શુદ્ધ ઘી ને વિધવિધ 'બ્રાન્ડ' લગાડવાની પ્રવૃત્તિ. બીજા શબ્દોમાં 'મેન્યુફેક્ચરિંગ' નહીં પણ 'એસેમ્બલીંગ' કરીને 'જશ ખાવાની' ઉધારી માલને પોતીકો ગણાવવાની પ્રવૃત્તિ.
તો 'પંથ' અને 'ધર્મ' કેમ ઓળખવા ?
જે અમુક સનાતન સદ્ગુણો માનવધર્મ માણસમાંથી દેવ બનવાની પ્રક્રિયાને પોતાના પિતાશ્રીનો એકાધિકાર (મોનોપોલી) ગણાવે, જે બંધારણ-પ્રતિબદ્ધ, વફાદાર સભ્યો પર આધારિત હોય, જેને માટે પ્રચાર અનિવાર્ય હોય, માર્કેટિંગ અનિવાર્ય હોય, જેમાં વાડામાંથી પૂરેલાં ઘેટાં બહાર ન જાય એની સતત ચિંતા હોય એ 'પંથ'.
મૂળભૂત ધર્મ તો રાતરાણીની સુગંધ જેમ અંદરથી પ્રગટતો હોય એને સંખ્યા મોનોપોલીના દાવા, વફાદારી, રાજકીય ટેકા માટે સંખ્યા-વૃદ્ધિ, આવાં બધાં તૂતની જરૂર જ ન હોય. કોઈ બાહ્ય પરિબળ એને ઊની આંચ પહોંચાડી ન શકે. તમે મકાનનું છાપરૃં તોડી શકો, ઊંડી બુનિયાદ સુધી પહોંચવું સહેલું નથી.
છતાં, લાયક જીવો તો બ્રાન્ડ મારેલા ડબ્બામાંથી પણ શુદ્ધ ઘીનો લાભ મેળવી શકે. અહીં 'લાયક' શબ્દ ખાસ નોંધજો. વ્યક્તિ 'લાયક' હોય તો એને માટે 'બ્રાન્ડ'નું મહત્વ નહિવત્ હોય. બીજું એ સ્પષ્ટ સમજે કે આપણને આ બ્રાન્ડનો માલ માફક આવે છે, લગાવ થઈ ગયો છે, તેથી બીજાંને પણ આજ બ્રાન્ડ પધરાવવાની કોઈ જ ન્યાયસંગતતા કે તર્કસંગતતા નથી.
પણ જે 'લાયક' ન હોય એ પછી પીળું તેટલું સોનું માને. જ્યાં ટોળું જુએ ત્યાં ખરીદી કરે. એને મન પછી 'બ્રાન્ડ' જ મહત્વની રહે. પછી બજારમાં 'બ્રાન્ડ'ના ખાલી ડબ્બામાં ભેળસેળિયો માલ ભરીને ધંધો કરવાનું તરકટ ધૂમ ચાલે. સજ્જનો આજુબાજુ જોઈને નક્કી કરી લે કે અત્યારે મળતા માલમાંથી 'પંથ' કોણ અને 'ધર્મ' ક્યાં રહેલો છે ?
ભૂલો પંથના સિદ્ધાંતોમાં હોતી નથી. એ તો દંડ કે લાકડી જેવા છે. ભૂલો એ લાકડી ગ્રહણ કરનારા કરતા હોય છે. કોઈક એ દંડનો ઉપયોગ રસ્તો ઓળંગવા કરે, ને કોઈક એ જ દંડનો ઉપયોગ અન્ય પર રોફ જમાવવા કરે.
અનુયાયી માત્ર ભૂલને પાત્ર હોય છે. પણ જેમને 'બ્રાન્ડ'ના રક્ષણ સાથે સંબંધ છે, અંદરના માલની ગુણવત્તા સાથે નહીં એ લોકો 'અહિંસા', 'પ્રેમ', 'દાન', 'વૈરાગ્ય' જેવી સનાતન વાતોને નામે હિંસા, શોષણ અને આક્રમણ કરતા થઈ જાય એ આપણાથી અજાણ્યું નથી.




