સંયોગો આપમેળે સર્જાતા નથી,તેમની પાછળ કોઈ અર્થ હોય છે

- ગોચર-અગોચર-દેવેશ મહેતા
- સંયોગો કેવળ યોગાનુયોગ બનેલી ઘટનાઓ નથી હોતી. તે ઉચ્ચતર ચેતનાની સ્થિતિમાં કોઈ દૈવી સત્તાએ ગૂંથેલા તાણાવાણાથી બનેલી ઘટનાઓથી નિર્મિત થાય છે…
‘Coincidence ma be described as the chance encounter of two unrelated causal chains which - miraculously it seems - merge into a significant event : સંયોગને બે અસંબંધિત કારણ-શૃંખલાઓના એવા આકસ્મિક મિલન તરીકે વર્ણવી શકાય, જે જાણે ચમત્કારિક રીતે એક અર્થપૂર્ણ ઘટનામાં ભળી જાય.'
- Arthur Koestler
(આર્થર કોસ્લર), Bricks to Babel
‘The more improbable the coincidence the more meaningful it appears:
સંયોગ જેટલો વધુ અશક્ય જેવો લાગે, તેટલો જ તે વધુ અર્થપૂર્ણ જણાય છે.' - આર્થર કોસ્લર
Coincidences are puns of destiny: સંયોગો નિયતિના શબ્દ-વિનોદ જેવા હોય છે.' - આર્થર કોસ્લર
‘The synchronicity principle asserts that the terms of a meaningful coincidence are connected by simultaneity ane meaning :
સિન્ક્રોનિસિટીનો સિદ્ધાંત કહે છે કે અર્થપૂર્ણ સંયોગોના ઘટકો સમયની સમકાલીનતા અને અર્થ દ્વારા એકબીજા સાથે જોડાયેલા હોય છે.' - Carl Gustav Jung
(કાર્લ ગુસ્તાવ જુંગ)
‘Synchronicity is the simultaneous occurance of two meaningfully but not casually connected events : સમકાલીનતા એટલે બે એવી ઘટનાઓનું એકસાથે બનવું, જે અર્થપૂર્ણ રીતે જોડાયેલી હોય, પરંતુ કારણ-પરિણામના સંબંધથી જોડાયેલી ન હોય.' - Carl Jung (કાર્લ જુંગ)
ક્યારેક જીવનમાં બનતા કેટલાક સંયોગો માત્ર અચાનક બનેલી ઘટનાઓ જેવા લાગતા નથી, તેમની અંદર કોઈ ઊંડો અર્થ છુપાયેલો હોય એવી અનુભૂતિ કરાવે છે. વિખ્યાત મનોવિજ્ઞાની કાર્લ જુંગે આવા અર્થપૂર્ણ સંયોગોને સિન્ક્રોનિસિટી (synchronicity) તરીકે સમજાવ્યા. એવી બે ઘટનાઓ જેમની વચ્ચે સીધો કારણ - પરિણામનો સંબંધ ન હોય, છતાં વ્યક્તિ માટે તેમનું જોડાણ અર્થપૂર્ણ હોય. બીજી તરફ આર્થર કોએસ્લરે પણ આવા અસાધારણ સંયોગો આપણને વાસ્તવિકતા, સંભાવના અને ચેતનાના રહસ્યોને પામવા પ્રેરિત કરે છે એવો વિચાર રજૂ કર્યો. આર્થર કોસ્લર તેમના ધ રૂટ્સ ઑફ કોઈન્સિડન્સ (The Roots of Coincidence) પુસ્તકમાં કહે છે કે સંયોગો કેવળ યોગાનુયોગ બનેલી ઘટનાઓ નથી હોતી. તે ઉચ્ચતર ચેતનાની સ્થિતિમાં કોઈ દૈવી સત્તાએ ગૂંથેલા તાણાવાણાથી બનેલી ઘટનાઓથી નિર્મિત થાય છે.
અમેરિકન પત્રકાર અને લેખિકા જૂડિથ વેક્સ (Judith Wax) ના જીવનમાં પણ એવી ઘટનાઓ બની હતી જેને કેવળ સંયોગો ના કહી શકાય. ૧૯૭૩ માં વોટરગેટ કૌભાંડ પર લખેલી એક રમૂજી કવિતા 'ધ વોટરબરી ટેલ્સ'થી તે અમેરિકામાં પ્રખ્યાત થયા હતા. તે પછી તેમણે ધ ન્યૂયોર્ક ટાઈમ્સ, ટાઈમ અને ન્યૂઝવીક જેવી મોટી પત્રિકાઓ માટે લેખો અને નિબંધો લખતા હતા. સ્ટાર્ટિંગ ઇન ધ મિડલ (starting in the middle)જૂડિથ વેક્સનું પ્રથમ અને એકમાત્ર આત્મકથાત્મક નિબંધોનું પુસ્તક હતું, જે ૧૯૭૯માં પ્રકાશિત થયું હતું. આ પુસ્તકમાં મધ્યમ વયમાં પ્રવેશતી મહિલાઓના અનુભવોને ખૂબ જ રમુજી અને સચોટ રીતે રજૂ કરવામાં આવ્યા છે.
૨૫ મે, ૧૯૭૯ ના રોજ જૂડિથ અને તેમના પતિ શેલ્ડન વેક્સ તેમના પુસ્તકના પ્રમોશન માટે શિકાગોથી લોસ એન્જિલસ જઈ રહ્યા હતા પરંતુ તેમનું વિમાન અમેરિકન એરલાઈન્સ ફ્લાઈટ-૧૯૧ ટેક-ઑફ થતાં જ ક્રેશ થઈ ગયુંત જેમાં બન્નેનું અવસાન થઈ ગયું. આ અમેરિકાના ઇતિહાસની સૌથી મોટી વિમાન દુર્ઘટનાઓમાંની એક હતી. વિમાન-મેકડોનેલ ડગ્લસ ડી સી ૧૦ (MCDonnell Douglas DC 10) શિકાગોના ઓ'હારે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી લોસ એન્જિલસ જવા માટે રન-વે પર દોડી રહ્યું હતું. થોડી પળો બાદ પ્લેન જેવું હવામાં ઊડવાની તૈયારીમાં હતું (V1 સ્પીડ પર) ત્યારે જ તેનું ડાબું એન્જિન (એન્જિન નંબર-૧) પાંખથી તૂટીને અલગ થઈ ગયું અને રનવે પર જઈ પડયું. તેનાથી વિમાનની પાંખોને નિયંત્રિત કરતી હાઈડ્રોલિક લાઈનો કપાઈ ગઈ, પ્લેન એક બાજુ નમી ગયું અને ટેક-ઓફ થયાની માત્ર ૫૦ સેકન્ડની અંદર જ એરપોર્ટની નજીકના ખુલ્લા મેદાનમાં એક હેન્ગર સાથે અથડાઈને બ્લાસ્ટ થઈ ગયું. આ અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ ૨૫૮ મુસાફરો, ૧૩ ક્રૂ મેમ્બર્સ અને તે પડયું ત્યાં મેદાનમાં કામ કરતા ૨ લોકો એમ ૨૭૩ લોકો મરણ પામ્યા હતા.
લેખિકા જૂડિથ વેક્સના પુસ્તક 'સ્ટાર્ટિંગ ઇન ધ મિડલ'માં તેમણે લખ્યું હતું કે જ્યારે તે કામના હેતુથી પ્રવાસ કરતા ત્યારે તેમને પ્લેનનો ભારે ડર લાગતો - When the job required travel, I developed such a fear of airplanes my head trembled from takeoff to landing. સૌથી આશ્ચર્યજનક અને ભયાનક સંયોગ એ છે કે આ વાત તેમણે પુસ્તકના પાના નંબર ૧૯૧ પર લખી હતી અને તેમનું મૃત્યુ પણ ફ્લાઈટ નંબર ૧૯૧માં જ થયું હતું!
વિચિત્રતા અને વિસ્મયનો અહીં અંત આવતો નથી. જૂડિથ વેક્સનું વિમાન દુર્ઘટનામાં મરણ થયું તે પૂર્વે 'શિકાગો' નામના મેગેઝિનમાં જૂડિથ વેક્સના આ પુસ્તક 'સ્ટાર્ટિંગ ઇન ધ મિડલ'ની સમીક્ષા છપાઈ હતી. એ સમીક્ષામાં જૂડિથ વેક્સનો એક ફોટો પણ છપાયો હતો. જેમાં તે એક વાચક સાથે ઊભા રહેલા છે તેવું દેખાય છે. વાચકના હાથમાં એક મેગેઝિન પકડેલું છે તેવું પણ સ્પષ્ટ દેખાય છે. એના પાછળના મુખપૃષ્ઠ (બેક કવર) પર એક મોટી જાહેરાત અને ચિત્ર પણ જોઈ શકાય છે. એ જાહેરાત છે - શિકાગોથી કેલિફોર્નિયા જનાર અમેરિકન એરલાઈન્સના ડીસી ૧૦ વિમાની સેવાની તેમાં છપાયો છે ડીસી ૧૦ નંબરના વિમાનનો ફોટોગ્રાફ. એ વિમાન જેમાં મુસાફરી કરવાના સમયે નજીકના ભવિષ્યમાં તેમનું મરણ થઈ જવાનું હતું ! આને સામાન્ય સંયોગ કે યોગાનુયોગ બનેલી ઘટના કેવી રીતે માની શકાય?
ડેવિડ બુથ (David Booth) નામના એક અમેરિકન નાગરિકને મે ૧૯૭૯ના મધ્યમાં અકસ્માતના દસ દિવસ પહેલાથી રોજ રાત્રે એક સ્વપ્ન આવતું હતું. તેમાં તે અમેરિકન એરલાઈન્સનું વિશાળ પ્લેન જોતો, જે રનવે પરથી ઊડે છે, હવામાં જતાં જ અચાનક ડાબી બાજુ નમી જાય છે અને પછી પલટી ખાઈને જમીન પર પછડાતાં જ ભયાનક આગના ગોળામાં ફેરવાઈ જાય છે. આ સ્વપ્ન વારંવાર આવવાથી ડેવિડ ડરી ગયો. તેણે ૨૨ મે ના રોજ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અને અમેરિકન એરલાઈન્સની શિકાગો ઓફિસમાં ફોન કરીને આની વાત જણાવી.
ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના અધિકારી જેક બાર્કર (Jack Barker) એ ડેવિડની વાત ખૂબ જ ગંભીરતાથી સાંભળી અને તેની વિગતો નોંધી લીધી હતી. પરંતુ ડેવિડ પાસે ફ્લાઈટ નંબર કે અક્સમાતની કોઈ ચોક્કસ તારીખ નહોતી એટલે અધિકારીઓ કોઈ ફ્લાઈટ રોકી શક્યા નહીં. ડેવિડ બુથનું સપનું સાચું પડયું. ૨૫ મે ના રોજ જ્યારે ફ્લાઈટ ૧૯૧ ક્રેશ થઈ ત્યારે તેનો આબેહૂબ વીડિયો અને ફોટો ડેવિડના સ્વપ્ન સાથે સો ટકા મેચ થતા હતા. આ ઘટના પછી ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન સંસ્થાએ સ્વીકા૪યું કે ડેવિડની પૂર્વાભાસી ચેતવણી સાચી હતી પરંતુ સમય અને પ્લેનની ઓળખ વગર અકસ્માત રોકવો
અશક્ય હતો.
આ અકસ્માત શિકાગોના ઓ'હારે એરપોર્ટથી નજીક આવેલા ડેસ પ્લેન્સ (Des Plaines) નામ ખુલ્લા મેદાનમાં થયો હતો જે ટ્રેલર પાર્કની બાજુમાં આવેલું છે. અક્સમાતના થોડા સમય પછી ટ્રેલર પાર્કના લોકોને રાતના સમયે ક્રેશ સાઈટ પર વિચિત્ર અવાજો સંભળાવા લાગ્યા હતા. તેમાં પ્લેન ક્રેશ થયું તેનો મોટો ધડાકો, લોકોની ચીસો, મદદ માટેની બૂમો અને રડવાના અવાજો હતા. ઘણાને તે મેદાનમાં ધુમ્મસ જેવી ભૂતિયા આકૃતિઓ (Apparitions) દેખાય છે. આ પ્રેતાત્માઓએ ૧૯૭૦ ના દાયકાના વસ્ત્રો પહેરેલા છે એવું પણ સ્પષ્ટ દેખાય છે. કેટલાક પ્રેતાત્માઓ તે જગ્યાએ પોતાનો સામાન શોધતા પણ જોવા મળે છે.




