Shatdal

સંતાનો આપણી સંપત્તિની સાથે આપણા સ્વભાવના પણ વારસદાર હોય છે

By GS Team
4 Aug 20266 mins read
સંતાનો આપણી સંપત્તિની સાથે આપણા સ્વભાવના પણ વારસદાર હોય છે
  • તારી અને મારી વાત-હંસલ ભચેચ
  • આપણે બાળકોને માત્ર આપણા જીન્સ નથી આપતા. આપણું ઘર, અટક, સંપત્તિ કે દેખાવ જ નથી આપતા. આપણે તેમને દુનિયાને જોવાની એક રીત પણ આપીએ છીએ. માતા-પિતા બાળક માટે જીવનનું પહેલું જીવંત મોડેલ છે. અને, આ શિખવણી ઘણીવાર એટલી સૂક્ષ્મ હોય છે કે આપણને તેની ખબર પણ પડતી નથી

'ત મે તમારા સંતાનો માટે વારસામાં શું છોડી જશો?!' સ્વાભાવિક રીતે જ તમે કહેશો કે ઘર, જમીન, મિલકત, સોનું-ચાંદી, રોકાણ કે બેંક બેલેન્સ…
'પરફેક્ટ, પરંતુ ક્યારે'ય એવું વિચાર્યું છે કે આ બધી ભૌતિકતા સિવાય આપણા સંતાનો આપણા મનમાંથી શું વારસામાં લઈ જશે?! આપણી ચિંતા કે આપણો આશાવાદ?! આપણો ભય કે આપણો ભરોસો?! દરેક વાતમાં ફરિયાદ કરવાની ટેવ કે જે મળ્યું છે તેની કદર કરવાની દ્રષ્ટિ?!'
મને ખબર છે, આવું તમે ક્યારેય નહીં વિચાર્યું હોય, કોઈ વિચારતું નથી. પરંતુ, આ વિચારવું અત્યંત મહત્વનું છે. કારણ કે, આપણે સંપત્તિની વહેચણી તો વસિયતમાં કરીશું, પરંતુ પોતાના સ્વભાવની-અભિગમની વહેંચણી તો સંતાનો સાથે આખી જિંદગી કરતા રહી છીએ! આ એક વારસો એવો છે જેની કોઈ વસિયત બનતી નથી. અને છતાં, કદાચ આ જ વારસો આપણા બાળકોનું જીવન સૌથી વધુ ઘડે છે. તેમને વધુ સુખી, સમૃદ્ધ અને સલામત બનાવે છે.
ચાલો આપણા ભાવનાત્મક વારસાનું એક નાનું ટ્રેલર બતાવું.
'સાહેબ, આ બહુ ચિંતા કરે છે. નાની વાતમાં પણ સૌથી ખરાબ શું થઈ શકે એ જ વિચારે છે' એક માતા મારી પાસે પોતાના દીકરાની ફરિયાદ લઈને આવ્યાં હતાં.
થોડીવાર વાતચીત કર્યા પછી મેં તેમને સહજ રીતે પૂછયું, 'તમને ચિંતા કરવાની ટેવ છે?'
તેઓ હસ્યાં. 'મને?! હું તો બહુ ચિંતા કરું! દીકરો પાંચ મિનિટ મોડો આવે તો અકસ્માત તો નહીં થયો હોય ને એવો પહેલો વિચાર આવે. પતિ ફોન ન ઉપાડે તો કંઈક થયું હશે એવું લાગે. મને તો નાનપણથી જ આવી ટેવ છે'
તેમના છેલ્લા વાક્યમાં ત્રણ પેઢીઓ બેઠી હતી. 'મને નાનપણથી જ આવી ટેવ છે' સ્વાભાવિક છે તેમની આ ટેવ તેમના માતા-પિતામાંથી આવી હોય.
આપણે બાળકોને માત્ર આપણા જીન્સ નથી આપતા. આપણું ઘર, અટક, સંપત્તિ કે દેખાવ જ નથી આપતા. આપણે તેમને દુનિયાને જોવાની એક રીત પણ આપીએ છીએ. ઘરમાં કોઈ મુશ્કેલી આવે ત્યારે આપણે કેવી પ્રતિક્રિયા આપીએ છીએ, કોઈ આપણાથી અસહમત થાય ત્યારે શું કરીએ છીએ, નિષ્ફળતા મળે ત્યારે તૂટી પડીએ છીએ કે શીખીએ છીએ, પૈસાની તંગી આવે ત્યારે ગભરાઈ જઈએ છીએ કે રસ્તો શોધીએ છીએ, કોઈની સફળતા જોઈને ખુશ થઈએ છીએ કે ઈર્ષ્યા કરીએ છીએ… બાળક આ બધું ચૂપચાપ શીખતું રહે છે. બાળકોને આપણે જે કહીએ છીએ તેના કરતાં, આપણે જે રીતે જીવીએ છીએ તે વધુ યાદ રહે છે. પિતા રોજ દીકરાને કહે, 'પોઝિટિવ થિંકિંગ રાખવું જોઈએ,' પણ પોતે દરેક નવી પરિસ્થિતિમાં પહેલું વાક્ય બોલે, 'આમાં કંઈક ગરબડ તો નહીં થાય ને ?!' તો બાળક પોઝિટિવ થિંકિંગ નહીં શીખે. તે શીખશે કે દુનિયા ભરોસાપાત્ર નથી. માતા દીકરીને કહે, 'લોકો શું કહે એની ચિંતા ન કરવી,' પરંતુ પોતે દરેક નિર્ણય પહેલાં વિચારે કે સગાં શું કહેશે, પાડોશી શું વિચારશે, સમાજમાં કેવું લાગશે, તો દીકરી શબ્દો નહીં, ચિંતા વારસામાં લેશે. યાદ રાખજો, બાળક માત્ર સૂચનાઓથી નથી શીખતું; તે નિરીક્ષણથી શીખે છે. માતા-પિતા બાળક માટે જીવનની પહેલી પાઠશાળા જ નહીં, જીવનનું પહેલું જીવંત મોડેલ છે. અને આ શિખવણી ઘણીવાર એટલી સૂક્ષ્મ હોય છે કે આપણને તેની ખબર પણ પડતી નથી.
ઘરમાં કોઈ ભૂલ થાય ત્યારે એક ઘરમાં પહેલો પ્રશ્ન એ હોય કે 'આ કોણે કર્યું?' અને બીજા ઘરમાં પ્રશ્ન હોય 'હવે આને ઠીક કેવી રીતે કરીએ?' બંને ઘરમાં બાળક ભૂલ કરે છે. પરંતુ પહેલા ઘરમાં તે ભૂલ સાથે ભય જોડવાનું શીખે છે; બીજા ઘરમાં જવાબદારી સાથે. કોઈ ઘરમાં વરસાદ પડે તો ફરિયાદ થાય, 'બધો પ્લાન બગાડી નાખ્યો!' બીજા ઘરમાં કોઈ કહે, 'ચાલો, આજે ઘરે ભજીયાં બનાવીએ!' વરસાદ એ જ છે પરંતુ બાળક જે દુનિયા વારસામાં મેળવે છે તે અલગ છે.
આનો અર્થ એવો નથી કે માતા-પિતાએ બાળકો સામે ક્યારેય ચિંતા ન કરવી, ગુસ્સો ન કરવો કે દુ:ખી ન થવું. બાળકને સતત હસતા માતા-પિતા નહીં, ભાવનાત્મક રીતે સાચા માતા-પિતા જોઈએ. 'હું અત્યારે ચિંતામાં છું, પણ આપણે રસ્તો શોધીશું.' 'મને ગુસ્સો આવ્યો અને હું વધારે બોલી ગયો. મને એમ નહોતું કરવું જોઈતું.' 'આજે દિવસ ખરાબ ગયો, છતાં કાલે ફરી પ્રયત્ન કરીશું.' આવા નાના વાક્યો બાળકને લાગણીઓ દબાવવાનું નહીં, સંભાળવાનું શીખવે છે. મારી દ્રષ્ટીએ, ઈમોશનલ રેઝિલિયન્સ આ રીતે જ એક પેઢીથી બીજી પેઢીમાં પહોંચે છે.
આપણે ઘણીવાર બાળકો માટે સારી દુનિયા છોડવાની વાત કરીએ છીએ. પરંતુ કદાચ એટલું જ અગત્યનું છે કે આપણે દુનિયાનો સામનો કરી શકે એવું મન પણ તેમની અંદર છોડી જઈએ. એક સુંદર ઘર વારસામાં મળે એ સારું જ છે, પરંતુ, ઘરમાં મુશ્કેલી આવે ત્યારે શાંતિ જાળવવાની ક્ષમતા મળે એ વધુ કિંમતી છે. મોટું બેંક બેલેન્સ મળે એ ઉપયોગી છે, પરંતુ જે છે તેની કદર કરવાની ટેવ મળે એ આખી જિંદગી કામ આવે છે. સંપર્કો મળે એ સગવડ છે, પરંતુ સંબંધો સાચવવાની સમજ મળે એ સંપત્તિ છે.
અને મારી દ્રષ્ટીએ સૌથી મોટો વારસો - જીવન પ્રત્યેનો આપણો મૂળભૂત અભિગમ.
દુનિયા ખતરનાક છે કે શક્યતાઓથી ભરેલી છે? ભૂલ શરમજનક છે કે શીખવાની એક તક છે? મુશ્કેલી આવે એટલે 'મારી સાથે જ કેમ' કે 'હવે શું કરી શકાય?' બીજાની સફળતા મારી હાર છે કે મારી પ્રેરણા? બાળક આ પ્રશ્નોના જવાબ કોઈ પુસ્તકમાંથી નહીં, મોટાભાગે આપણા જીવનમાંથી વાંચે છે.
ભારતીય પરિવારોમાં આપણે વારસાગત વસ્તુઓને ખૂબ લાગણીથી સાચવીએ છીએ. દાદાની ઘડિયાળ, બાની સાડી, જૂનું ઘર, માતાની વીંટી… વસ્તુ નાની હોય છે, પણ તેની સાથે જોડાયેલી સ્મૃતિ અમૂલ્ય હોય છે. પણ કલ્પના કરો કે તમારી દીકરી ચાલીસ વર્ષની થાય અને મુશ્કેલીના કોઈ દિવસે અચાનક વિચારે, 'મારી મમ્મી હોત તો કહેતી,ચિંતા નહીં કરવાની, કોઈ રસ્તો નીકળશે.' અથવા તમારો દીકરો કોઈ નિષ્ફળતા પછી પોતાના બાળકને, તમે જેમ કહેતા તેમ કહે, 'હાર્યા એટલે આપણે હારેલા નથી. ફરી પ્રયત્ન કરીએ.' એ ક્ષણે તમે ત્યાં નહીં હોવ, છતાં તમારી ભાવનાત્મક હાજરી ત્યાં હશે. હું માનું છું કે આ જ કદાચ સાચો વારસો છે.
આપણા બાળકો એક દિવસ આપણું ઘર વેચી શકે છે. આપણા રોકાણનો ઉપયોગ કરી શકે છે. આપેલી વસ્તુઓ જૂની થઈ શકે છે. પરંતુ આપણે તેમને શીખવેલી જીવનને જોવાની રીત વર્ષો સુધી તેમની અંદર જીવતી રહે છે અને ઘણીવાર તેમના બાળકોમાં પણ. એટલે બાળકો માટે કેટલું છોડીને જઈશું તેની સાથે એક બીજો પ્રશ્ન પણ વિચારવા જેવો છે મારા ગયા પછી મારા બાળકના મનમાં મારો કયો અવાજ જીવતો રહેશે? 'સાવધાન, કંઈક ખરાબ થશે…' કે પછી, 'જે થશે, આપણે સંભાળી લઈશું.' જીવનના દરેક તબક્કે મારી વાત યાદ રાખજો કે, બાળકો આપણી સંપત્તિના જ નહીં, આપણા સ્વભાવના પણ વારસદાર હોય છે.
પૂર્ણવિરામ
એક દિવસ આપણે નહીં હોઈએ, પણ આપણી પ્રતિક્રિયાઓ, આપણા ડર, આપણો ભરોસો, આપણી ફરિયાદો અને આપણી આશા - આપણાં સંતાનોમાં ક્યાંક જીવતાં રહેશે. કદાચ એ જ આપણી સાચી વસિયત છે.