ગણપતિ બાપાની મૂર્તિ બનાવવામાં પણ બેદરકારી!

- ટોપ્સીટર્વી-અજિત પોપટ
- બાપ્પાનો હાથ શી રીતે ખડી પડયો એ વિશે કોઇ કંઇ વિચારે એ પહેલાં ગણપતિની મૂર્તિ આખેઆખી ખંડિત થઇ ગઇ અને મંડળના બે પદાધિકારીઓનો જાન ગયો.
મ હાનગર મુંબઇના ધર્મપ્રેમી નાગરિકો આક્રંદ કરી ઊઠે એવી એક કરુણ ઘટના શનિવાર, ૨૨ ઓગસ્ટની રાત્રે શહેરના સૌથી ગીચ વિસ્તાર ભૂલેશ્વરમાં બની ગઇ. આમ તો ભૂલેશ્વર વિસ્તાર એટલે ડઝનબંધ મંદિરોથી દીપતો વિસ્તાર. જે ઘટનાની વાત અહીં કરવી છે એવી ઘટના મુંબઇના ઇતિહાસમાં કદાચ પહેલીવાર બની. બાવીસ ફૂટ ઊંચી ગણપતિની મૂર્તિ લઇને ભૂલેશ્વરનું સાર્વજનિક મંડળ વાજતે ગાજતે સરસ રીતે સજેલા મંડપ તરફ જઇ રહ્યું હતું. મંડપ નજીક જ હતો ત્યાં મૂર્તિનો એક હાથ અચાનક તૂટી પડયો. એ તરફ રહેલો એક તરુણ તરત ત્યાંથી ખસી ગયો એટલે ઊગરી ગયો. બાપ્પાનો હાથ શી રીતે ખડી પડયો એ વિશે કોઇ કંઇ વિચારે એ પહેલાં ગણપતિની મૂર્તિ આખેઆખી ખંડિત થઇ ગઇ અને મંડળના બે પદાધિકારીઓનો જાન ગયો. બીજા બે ચારને નાનીમોટી ઇજા થઇ.
તરત પોલીસ અને ફાયર બ્રિગેડની ટુકડી ઘટના સ્થળે ધસી ગઇ. રાહત કાર્ય હાથ ધરાયું અને વધુ જાનહાનિ અટકી. આ ઘટના અંગે જાતજાતના અહેવાલો વહેતા થયા.
પ્રથમદર્શી અહેવાલ મુજબ ભારે વરસાદથી સડક પર પડેલા ખાડાએ વિઘ્નહર્તાને ધરાશાયી કર્યા. ચોમાસામાં મુંબઇમાં આવા ખાડાની કોઇ નવાઇ રહી નથી.
મહારાષ્ટ્ર રાજ્ય સરકારના આંકડા મુજબ દર વરસે એકલા મુંબઇ શહેરમાં વિરાટ કદની હોય એવી ઓછામાં ઓછી પાંચથી છ હજાર ગણેશ પ્રતિમા સ્થાપિત કરાય છે. આવી પ્રતિમાઓમાં લાલબાગ ચા રાજા, અંધેરી ચા રાજા, ચીંચપોકલીના ગણપતિ, કિંગ્સ સર્કલના ગણપતિ વગેરેનો સમાવેશ થાય છે. આ ગણેશજીના દર્શન માટે રોજ હજારો ભાવિકો કલાકો સુધી લાઇનમાં ઊભા રહે છે. આ તો સાર્વજનિક મંડળોની વાત છે. ઘરઘરાઉ ગણેશ પ્રતિમાની વાત કરીએ તો બેથી અઢી લાખ પ્રતિમાઓ લોકો પોતાને ઘરે બિરાજમાન કરે છે. સદ્ગત ગ્રેટેસ્ટ શોમેન રાજ કપૂર હયાત હતા ત્યારે અને એ પછી પણ આરકે સ્ટુડિયો અડીખમ ઊભો હતો ત્યાં સુધી દર વરસે કપૂર પરિવાર ગણપતિ બાપ્પાને પધરાવતો. આ ઉપરાંત સિનિયર અભિનેતા જીતેન્દ્ર, સલમાન ખાન, સોનુ સૂદ, પ્રીતિ ઝિન્ટા અને અન્ય કલાકારોને ત્યાં પણ ગણપતિ પધારતા રહ્યા છે.
ફક્ત મુંબઇ પૂરતી વાત કરીએ તો નાનામોટા હજારો શિલ્પીઓ દિવાળી પછી તરત આવી રહેલા વર્ષના ગણેશોત્સવ માટે મહિનાઓ અગાઉથી ગણેશ મૂર્તિ બનાવવાનો પુરુષાર્થ આદરી દે છે. ભાડાની જગ્યા લઇને કંતાન કે પ્લાસ્ટિકની તાડપત્રી લગાડીને નાના મોટા કારખાંનાંમાં હજારો મૂર્તિઓ તૈયાર થાય છે. ભૂલેશ્વરની જે ૨૨ ફૂટની પ્રતિમા ધરાશાયી થઇ એ માટે એના શિલ્પી અનિકેત દેસાઇ સાથે મુંબઇ પોલીસે વિગતવાર ચર્ચા કરી હતી. એક અહેવાલ મુજબ આટલી મોટી એટલે કે ૨૨ ફૂટની પ્રતિમા અનિકેતે પહેલીવાર બનાવી હતી. જો એ વાત સાચી હોય તો ભૂલેશ્વરના સંબંધિત મંડળે અનિકેત પાસેથી પ્રતિમા લેવી નહોતી જોઇતી. જે શિલ્પીને વિરાટ મૂર્તિ બનાવવાનો સારો એવો અનુભવ ન હોય એની પાસેથી બે ટન (આશરે બે હજાર કિલોગ્રામ) વજન ધરાવતી મુર્તિ ખરીદવી ન જોઇએ.
વળી, અનિકેતે પોલીસને જણાવ્યા મુજબ મૂર્તિ જે કારખાનામાં બની ત્યાંથી બહાર કાઢયાની ગણતરીની પળોમાં ખ્યાલ આવી ગયેલો કે મૂર્તિના પાછલા હિસ્સામાં વેલ્ડિંગ નબળું છે. તરત મૂર્તિને કારખાનામાં પાછી લઇ ગયા અને નવેસર વેલ્ડીંગ કરાયું. એ પછી મૂત હજુ ભીની હતી ત્યાં જ એને બહાર કાઢવામાં આવી હતી. એ પૂરેપૂરી સુકાઇ નહોતી. કદાચ મંડળના હોદ્દેદારો કોઇ ચોક્કસ મુહૂર્તમાં બાપ્પાને બિરાજમાન કરવા ઇચ્છતા હતા. કદાચ જ આવું હોઇ શકે.
હવે આ વેલ્ડિંગની પ્રક્રિયા સમજવી જોઇએ. કોઇ મકાન બાંધવાનું હોય કે વિરાટ કદની પ્રતિમા બનાવવાની હોય ત્યારે પહેલાં પોલાદના સળિયાનું માળખું તૈયાર કરવામાં આવે. ત્યારબાદ અનુભવી અને ક્વોલિફાઇડ એંજિનિયર્સના માર્ગદર્શન હેઠળ એમાં કુશળ કડિયા-કારીગરો ઇંટ અને સિમેન્ટ-કોંક્રિટનું પૂરણ-ભરણ કરે. અનિકેતને વિરાટ મૂ્ર્તિઓ બનાવવાનો અનુભવ કેટલો હતો એ વિશે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જો અનિકેતને અનુભવ ન હોય તો એ ભૂલેશ્વરની દુર્ઘટના માટે એ પણ સરખેસરખો જવાબદાર ગણાય.
ઔર એક વાત. ગણપતિ કે માતાજીની વિરાટ પ્રતિમાઓ ખાસ પ્રકારે વજનદાર લાકડાના પાટડા ગોઠવેલી ટ્રકમાં લઇ જવામાં આવતી હોય છે. આ પાટડા મજબૂત નટબોલ્ટ વડે એકમેક જોડે સખત રીતે જોડાયેલા હોય છે. એક શક્યતા એવી પણ હોઇ શકે કે જે ટ્રકમાં આ દુર્ઘટના બની એમાં જેટલા મજબૂત પાટડા હોવા જોઇએ એટલા મજબૂત લાકડા વ્યવસ્થિત ગોઠવાયલા ન હોય. આવું બને તો ભારે વજનની પ્રતિમાનું સંતુલન ટ્રકમાં જળવાય નહીં., ટૂંકમાં ભૂલેશ્વરની આ દુર્ઘટના માટે મૂર્તિકાર, સડક બનાવનાર કોન્ટ્રેક્ટર અને સ્થાનિક કોર્પોરેટર તથા ટ્રક ભાડે આપનાર ત્રણે જવાબદાર હોઇ શકે. વિઘ્નહર્તાની મૂર્તિ ખંડિત થઇ એને પણ કેટલાક લોકો અશુભ સંકેત ગણે છે. કોઇ ભાવિ દુર્ઘટનાનો અણસાર આપતો આ સંકેત હશે ?




