અસ્મિતા અને વસુધૈવ કુટુમ્બકમ્!

અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા
જે ને પોતાના સાંસ્કૃતિક વારસાનું ભાન ન હોય એ વ્યક્તિ જ્યારે વિશ્વસંસ્કૃતિની સૂફિયાણી વાતો કરે ત્યારે અપરિણિત માણસ પરણેલાને સલાહ આપવા હાલી નીકળ્યો હોય એવું લાગે. ઘેટાંબકરાં કે ભૂંડને અસ્મિતા ન હોય પણ માણસ એક એવું પ્રાણી છે જને બુધ્ધિ, લાગણી, સૌન્દર્યદ્રષ્ટિ, મૃત્યુ, જગત, જગતના કરતાર વિષે પોતાનાં મંતવ્યો હોય. એનાં જીવનની પ્રવૃત્તિઓ, એના અન્ય માનવો સાથેના સંબંધો, એની અભીપ્સાઓ પર એના અભિગમની છાપ હોય. આવા સૂક્ષ્મ અભિગમને સંસ્કૃતિ કહે છે. માણસની સંસ્કૃતિ પર એના ઈતિહાસ એના દેશ પર સૌથી વિશેષ પ્રભાવ પાથરનારા ઋષિજન કે વિચારકો એના દેશની ભૂગોળની અમિટ અને તાણાવાણા જેમ વ્યાપેલી અસર હોય. આ સંસ્કૃતિ કાંઈ પહેરવાનો લિબાશ નથી. આતો માણસના સ્વભાવ સાથે વણાયેલી વિશેષતા છે.
જે વિચારકોને કારણે હિન્દુસ્તાનને પોતાની આગવી ઓળખ છે, એ વિચારકોએ ધર્મ અને સંસ્કૃતિને ફૂલ અને સુગંધ જેમ એકમેકથી અતૂટ રીતે જોડાયેલાં માનેલાં આ દેશના વિચારકોએ ધર્મને કદી પણ સંપ્રદાય હરગીઝ માન્યો નથી. અહીં રામ, કૃષ્ણ, ગંગા, હિમાલય, પ્રત્યેનો ભક્તિભાવ કોઈ સંસ્થાગત આયોજનની નિપજ નથી. હિન્દુત્વ પણ કોઈ વાડાબંધીનું લેબલ નથી. રામ, કૃષ્ણ, ગંગા, જમુના, હિમાલય ને જો ધાર્મિક પ્રતીકો માનો તો એ તમારૃં અજ્ઞાન કે કૂપમંડૂકતા સૂચવે છે. જે અર્થમાં દુનિયાની અન્ય ઉપાસના પધ્ધતિઓનાં પ્રતીકોને સાંપ્રદાયિક પ્રતીકો ગણાયાં છે એ અર્થમાં હિન્દુ સંસ્કૃતિનું એક પણ પ્રતીક સંપ્રદાયની પેદાશ નથી. ભારતભૂમિની સંસ્કૃતિ, એના સ્વભાવ, એના ઈષ્ટદેવોને મારી મચડીને સાંપ્રદાયિક નિશાનીઓ ગણાવવા પાછળ નિરાશ લઘુતાગ્રંથિથી પીડાતા પણ લુચ્ચા વિદેશીઓનું સૂક્ષ્મ વૈચારિક કાવતરૃં છે. કોઈ કૂતરાને મારવો હોય તો પહેલાં એને હડકાયો સાબિત કરવો પડે. કોઈ સંસ્કૃતિ અને ધર્મનો અતૂટ સંબંધ હોય, એ સંસ્કૃતિનાં મૂળ તમે હજારો આક્રમણ પછી પણ ઉખેડી ના શક્યા હો ત્યારે એ સંસ્કૃતિને ''સંપ્રદાય'' ગણાવી દો. દુનિયાના અન્ય સ્થાપિત સંપ્રદાયો (જેને લોકો ખોટી રીતે ''ધર્મ'' કહે છે, કારણ કે સ્થાપના સંપ્રદાયની થઈ શકે ધર્મની નહીં) એ પોતાની પંગતમાં બેસાડવા મારી મચડીને પણ હિન્દુ સંસ્કૃતિને ''સંપ્રદાય'' ની મહોર મારવી પડે! એકવાર ''સંપ્રદાય'' ની મહોર મારી, પોતાની પંગતમાં બેસાડી દીધા પછી ધર્મપરિવર્તનનાં કાવતરાંથી માંડીને અનેક પ્રકારનાં છાનગપતિયાં કરવાનાં છીંડા ખુલી જાય !
''સર્વધર્મસમભાવ'' નામની સંકલ્પના ''વસુધૈવ કુટુમ્બકમ્'' વાળો વિચાર સમજવા ભારતીયોએ બજારમાં જવાની કે બહાર આંટા મારવાની કે કહેવાતા બુદ્ધિજીવીઓના ઉપદેશની જરૂર નથી. ઉપનિષદો, આગમો, રામાયણ, ગીતામાં આ વિશ્વને કુટુંબ માનવા માટેના સંદેશ આજથી હજારો વર્ષો પહેલાં ઠાંસી ઠાંસીને ભરેલા છે.
ટૂંકમાં કહો તો ''વસુધૈવ કુટુમ્બકમ્''ની સંકલ્પના તો ગીતા-રામાયણ હિન્દુત્વ-ભારતીયતાની અસ્મિતા છે. આ અસ્મિતા હોવાથી સંકુચિત નહીં બનાય, બલ્કે વધારે વિશાળ બનવા તરફ આગળ વધી શકાશે. સાહજિક હિન્દુત્વની સ્પષ્ટ અનુભૂતિ હશે એને છેતરવો મુશ્કેલ બનશે. માતાનાં દૂધ જેટલી સહજ આપણી રાષ્ટ્રીય અસ્મિતાને ''સાંપ્રદાયિકતા'' માં ખપાવવાનાં કાવતરાં સામે દ્વિપાંખિયા વ્યૂહની જરૂર છે : સંગઠન અને સમજની!









