આઈહોલ - મંદિર તારું વિશ્વ રૂપાળું

રસવલ્લરી-સુધા ભટ્ટ
સંશોધકોનું પ્રિય દુર્ગા મંદિર સંકુલ
ધીરે ધીરે શિખરો પર ચોરસ અને લંબચોરસ પથ્થરોનું બાહુલ્ય એ સમયમાં જોવા મળ્યું. સાથે સાથે આઈહોલના મંદિરોમાં બૌદ્ધ શૈલી અને ખ્રિસ્તી સ્થાપત્યનું સંમિશ્રણ પણ જોવા મળ્યું. મંદિર પ્રવેશે મંડપ અને મહીં ગર્ભગૃહની ભાત ધીમે પગલે આવી જેમાં વિવિધ પ્રકારના સ્તંભો અને ઝરૂખાઓ પ્રકાશ પ્રસરાવતા જોવામાં આવ્યા. ભીતે રિલીફ (ઉપસેલાં શિલ્પો) અને પ્રતિમાઓ ઉપરાંત મોલ્ડિંગ સ્વરૂપે ભાતીગળ ભાત અને સ્તંભો આવ્યા. છત, સ્તંભને જોડતા મદલ (બ્રેકેટ)માં સ્થાપત્યમાં એકમેકમાં સાલવેલા પથ્થરોના સિધ્ધાંતો અને સ્થાપત્યમાં ઝૂલ અને લટકણના રિવાજ વધ્યા. કોઈ કોઈ મંદિરમાં નંદી મંડપ, પ્રકાર (દીવાલ) અને પ્રતોળી (પ્રવેશદ્વાર)ના પ્રયોગો પણ થવા માંડયા. ચાલુક્ય વંશની પ્રયોગશાળા ધમધમતી થઇ અને આઈહોલમાં 'ખાસ દર્શનીય મંદિરો'નાં મંડાણ થયાં. કેટલાંક નમૂનાનાં સ્થાપત્યોમાં 'દુર્ગા મંદિર સંકુલ' તો જોવું જ પડે એવું એક મનમોહક સ્થાપત્ય છે. એનાં પ્રથમ દર્શને અને અભ્યાસે તરત જ તજજ્ઞાોને તો ખ્યાલ આવી જ જાય કે 'આ નામ તો કાંઈ જચતું નથી !' હા… હકીકત તો એ છે કે એ દુર્ગ (કિલ્લો) મંદિર છે. કિલ્લાના જર્જરિત ભગ્નાવશેષો મધ્યયુગીન છે અને તે કિલ્લો કોમી વૈમનસ્યનો શિકાર બનેલો. આમ તો આ કિલ્લો પથ્થર રોડાંનો બનેલો હતો અને અગાશીએ એની રચના શિખરનો ભાસ ઊભો કરતો તેથી લોકોએ એ દુર્ગનું દુર્ગા કરી નાખ્યું. એ પહેલાં આ સ્થળમાં મંદિરનો આભાસ તો હતો જ. ત્યાં સૂર્ય અને વિષ્ણુની સેવા-પૂજા-આરાધના થતી. પૂર્વ વિદ્વાનોએ આ મંદિરને પાંચમી સદીનું ગણાવેલું પણ પાછળથી તે છઠ્ઠી સદીના ઉત્તરાર્ધ અને આટમી સદીના પૂર્વાર્ધ દરમ્યાન બન્યું હશે એવી સંભાવના દર્શાવાઈ. હા; હંમેશ બનતું આવ્યું છે તેમ પાછળથી એમાં અને દેવી-દેવતાઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. મંદિર લંબગોળ છે. જેને વિશાળ ખંડ છે.
મંદિર સ્થાપત્યની આદિ પ્રયોગશાળા - આઈહોલ
આસ્થા હૃદયસ્થ હોય છે - પછી તે પ્રભુ પ્રત્યેની હોય કે પછી કળા કે સાહિત્ય પરત્વેની હોય. અતિ લોકપ્રિય આ દુર્ગામંદિરનો આલેખ (નકશો) નોંધપાત્ર અને ઉદાહરણરૂપ છે. બીજી સદીના બૌદ્ધ ચૈત્ય ગૃહો જેવી એની વિશાળ ખંડોવાળી બાંધણી છે - જે અજંતાની ગુફામાં પણ જોવા મળે છે. પ્રસ્તુત દુર્ગા મંદિર એક ઊંચા અધિષ્ઠાન (ઓટલો) ઉપર બિરાજે છે જે ઊંચી જગતી ઉપર ચણાયેલો છે.જગતી (પ્લિન્થ) અને ઓટલા પર ચોમેર કોતરણીનાં સુશોભન છે. ઓટલાથી છત સુધીન સ્તંભો પૌરાણિક પાત્રોને અને પ્રસંગોને પોતાની છાતી ઉપર ઝીલીને ગૌરવભેર ઊભા છે. સંગીતકારો, અપ્સરાઓ, આયુધ અને અન્ય સામગ્રીઓએ સ્તંભોને ઉચ્ચકક્ષાની કળાના - શિલ્પકળાના પ્રહરી બનાવે છે. મંદિર શિરે શિખરનાં અવશેષો અને મુગટે આમલક હોવો જોઇએ અને બદલે ભોંય પર વિરામ કરતા આમલક રસિકોનું મનખિન્ન કરી દે પણ પ્રદક્ષિણા પથ અને ગર્ભગૃહમાં રહેલી રાચતી કોતરણી નકશી ભાવકોને સાંત્વના જરૂર આપે ! મુખ્ય મંડપ અને સભામંડપમાં ઝીણવટભર્યું નકશીકામ આજે પણ જનમનરંજન કરે ! મંદિરમાં બહોળા પ્રમાણમાં દેવી-દેવતાઓની ઉપસ્થિતિ છે. શૈવ, વૈષ્ણવ, શાક્ત પરંપરાની દેવીઓ, હરિહર એક સાથે મ્હાલે છે તો મહિષાસુરમર્દિની રૂપે દુર્ગા શક્તિનું પ્રતીક બની રહે ! ગંગા, યમુના, બ્રહ્મા,સૂર્ય અને વિષ્ણુના દશે અવતારનાં દર્શન કરીએ ત્યારે શ્રદ્ધાનું ઘોડાપૂર આવે અને એ નદીઓ ગંગા, યમુનાનાં નીર સાથે વહેવા માંડે. છત-દીવાલને અડીને ધારે ધારે ફરતી નકશીયુક્ત પટ્ટી- ઝાલર અનેક વાર્તાઓ કહે અને એમાં સામાન્ય જીવનની અને દંપતીઓની કથાય વણી લે. યુગલોની પ્રણયગાથાના વિવિધ તબક્કાને વણે પેલી નકશી ! દુર્ગ મંદિર પરિસરમાં અન્ય સાત સ્મારકો છે. પિરામિડ શૈલીના શિખરયુક્ત સૂર્યનારાયણ મંદિરોમાં સૂર્યની પ્રતિમા જે ગર્ભગૃહમાં છે તેના પ્રત્યેક હસ્તમાં કમળ છે. સાત ઘોડાનો રથ નખશિખ કોતરણીયુક્ત !
કર્ણાટકની ભાષા કન્નડમાં મંદિરને 'ગુડી' કહેવાય
કુલ સોળ પ્રકારનાં મંદિરમાં એક મહદેવ છે જેમાં શિવલિંગ, નંદી અને વિવિધ મંડપો છે. અહીં બાર સ્તંભો ઝીણી કોતરણી - નકશી સહ શોભે છે. દીવાલે ફૂલ ભાત, ઉત્તર ભારતીય છાંટવાળી જાળીયુક્ત બારીએ આ મંદિરમાં કાષ્ઠ કળા યાદ આવે એવી રચના છે. નજીક લાડખાન મંદિર છે જેમાં અનેક દેવી દેવતાઓનો મેળો છે. પથ્થરનો દાદરો ઉપરના માળ સુધી જાય. ગૌડારગુડી મંદિરમાં પ્રયોગાત્મક ખુલ્લાં બાંધકામની નવીનતા ઉમેરાઈ છે. સંશોધક જ્યોર્જ મિશેલના મત મુજબ લાકડાના પાટડા જેવા પથ્થરના સ્લેબ છે. મંદિરની અંદર નહિ પણ તેના ઓતરંગ (લિન્ટેલ) પર ગજલક્ષ્મીની મૂર્તિ દેખાય. શિલાલેખ મુજબ તે પાર્વતી મંદિર છે. ગર્ભગૃહ અને મંડપમાં ગોખલાઓમાં અને બહારની દીવાલે અદ્ભુત કોતરણી નયનરમ્ય લાગે ! નજીકમાં જ બે મંદિરોની વચ્ચે અહીં સુશોભિત કોતરણીયુક્ત વાવ છે. એ બીજું મંદરિ છે ચક્રગુડી. નાગશૈલીનું એનું સુપર સ્ટ્રકચર રાષ્ટ્રકુટ વંશે પૂર્ણ કરાવેલું. આગળ બડીગેરગુડી મંદિરમાં પિરામિડલ મંદિરમાં વિશાળ ચોરસ 'સુખાસન'માં સૂર્ય દેવતા પ્રકાશ પાડે છે. મલ્લિકાર્જુન દેવાલય સમૂહમાં પાંચ મંદિરો છે - જેમા મુખમંડપ, રંગમંડપ અને ગર્ભગૃહ છે. સુંદર વૃત્તાકાર મંડપમાં મહિલાવાદકો, નૃત્યકારો અને નૃત્યાંગનાઓ, નરસિંહ અને પદ્મનિધિ આદિ મૂર્તિઓ કદંતી નાગર શૈલીના નિર્મિત છે જે અસાધારણ સૌંદર્ય ધરાવે છે. વિરુપક્ષ અથવા ગૌરી મંદિરમાં પાર્વતીની ઉપાસના થાય જેમાં શિવલિંગ ઉપરાંત વૈષ્ણવ દ્વારપાળ, ગરુડ અને ભગવાન વિષ્ણુની મૂર્તિ પણ હાજર છે. એક બૌદ્ધ ચૈત્યાલય અને 'મેગુતિ' નામે એક જૈન દેવાલય છે જે નાની પહાડી ઉપર નિર્મિત છે. દ્રવિડ શૈલીના આ મંદિરમાં સીડીઓ, સિંહ અને અંબિકા જેવાં પાત્રો અને સભા ભવન છે. પહાડને કારણે એને 'બસદિ (ઉપર)', મેગુતિ કે મેગુડિ પણ કહે છે. આવું તો અપરંપાર સૌંદર્ય ચોમેર જેવા મળે એહોળેમાં !
લસરકો :
મા પ્રકૃતિ 'લજ્જાગૌરી'નું પ્રતીકાત્મક સર્જનશિલ્પ સંગ્રહાલયમાં મ્હાલે !
મંદિરોની રાજધાની આઈહોલ
કર્ણાટકના બેંગલુરુથી આશરે ચારસો માઈલના અંતરે જે ચાર નગરોએ મંદિર સ્થાપત્ય વિષયે ધૂમ મચાવી છે તેમાં બદામી, આઈહોલ, પટ્ટદકલ અને હમ્પી વિશ્વસ્તરે પંકાયેલાં શ્રીસ્થળો છે. એમાં આઈહોલ અથવા એહોળેને 'પારણા'નું રૂપક એટલા માટે મળ્યું છે કે ત્યાં જ નમૂનારૂપ, વૈવિધ્યથી ભરપૂર, પ્રયોગાત્મક મંદિર સ્થાપત્યોની રચના થઇ છે. આ ચારેય સ્થળોએ આવેલાં સેંકડો નાનાં મોટાં મંદિરો એકમેકથી બિલકુલ અલગ છે. આ ઐતિહાસિક સ્થળો ચાલુક્ય શાસન દરમ્યાન મહાન વાસ્તુશિલ્પ કેન્દ્ર તરીકે નામના પામ્યાં. અલબત્ત, ચાલુક્ય રાજવંશ પહેલાં પણ અહીં કેટલાંક સ્મારકોના ભગ્નાવશેષો મળી આવ્યા હતા. ચાલુક્યને રાષ્ટ્રકુટ અને કલ્યાણી રાજવંશનો સહકાર પાછળથી મળવાથી એ સમયની આ પ્રવૃત્તિને વધુ વેગ મળ્યો હતો એમ મનાય છે. અનેક વિદ્વાનો અને ધર્મગુરુઓની નિશ્રામાં અહીં મંદિરો બન્યાં. અંગ્રેજ સંશોધકો પાર્સિબ્રૌન અને હેન્રિ કર્ઝને આઈહોલનાં પ્રાથમિક મંદિરોને ઊંચું સ્થાન અપાવ્યું. સ્થાનિક લોકોને મળીને એમણે વિપુલ માહિતી એકઠી કરી. આઈહોલના મંદિરો મૂળે બે વિભાગમાં વહેંચાયેલાં જોવા મળ્યાં. (૧) સંધારા મંદિરો : એટલે કે જેમાં પ્રદક્ષિણા પથ હોય અને (૨) નિરંધરા મંદિરો : અર્થાત્ જેમાં પ્રદક્ષિણા પથ નથી હોતો. ગર્ભગૃહની ઉપર સ્થિત શિખરોમાં અભ્યાસુઓએ શિખર ઉપર કેટલાંક અધિક (સુપર) બાંધકામ નોંધ્યાં. એમાં શિખરે અનેક ચોરસ પથ્થરો (ચોસલાં) ગોઠવાયેલા જોવા મળ્યા. જે મંદિરો શિખરવિહીન હતાં તેને 'મુંડમાલા' કહેવાયાં. તે વખતે મધ્ય અને ઉત્તર ભારતમાં 'રેખાપ્રાસાદ' શૈલી પ્રચલિત હતી - જેમાં ચોસલાભાતનાં શિખરો જોવા મળતાં. દક્ષિણ ભારતમાં 'વિમાન' શિખરો દ્રાવિડિયન શૈલીમાં બનતાં જે ત્રિકોણીય હતાં. ચાલુક્યે વિમાન અને કદંબ શૈલી જોડીને ફ્યુઝી (મિશ્ર) શૈલીનાં શિખરોનો આવિષ્કાર કર્યો.




