Shatdal
અકાઉન્ટબિલિટી: ઉત્તરદાયિત્વ
By GS Team
18 Aug 20264 mins read

- શબ્દસંહિતા-પરેશ વ્યાસ
- અકાઉન્ટબિલિટી સજા નથી. એ તો તક છે સારું કરવાની, વધારે સારું કરવાની.
'સરકાર સામાન્યત:
કાને જરા બહેરી હોય છે ને લોકો પ્રાય: નિર્બળ
અવાજના હોય છે.'
- જ્યોતીન્દ્ર દવે(૧૯૦૧-૧૯૮૦)
વ્યાકરણની દ્રષ્ટિએ જોઈએ તો 'જરા' એ બહેરાશનું અને 'નિર્બળ' એ અવાજનું વિશેષણ છે અને 'સામાન્યત:' એ સરકારનું અને 'પ્રાય:' એ લોકોનું ક્રિયાવિશેષણ છે. આપણાં ભાષાસાહિત્યના શિરમોર હાસ્યલેખક તડ ને ફડ વાત શાલિનતાથી કહી દે છે. તેઓ લખે છે કે સરકાર ક્વચિત સાંભળે તો ય એ વિકૃત રૂપે સાંભળે છે. લોકોનો આર્તનાદ એને આનંદના આલાપ જેવો, ઉત્કંઠા ભરેલી માંગણી એને સંતોષના સ્વાભાવિક ઉદ્ગાર જેવી અને વિરોધનો પોકાર એને સંમતિના સૂચન જેવો સંભળાય છે. પણ લોકો આવતી ચૂંટણીની રાહ જોયા વગર ક્યારેક અધવચાળે બોલી ઊઠે છે, સરકારની અકાઉન્ટબિલિટીની માંગણી લઈને જન ઝી આંદોલન કરે છે. 'ધ વાયર' અનુસાર કોક્રોચ જનતા પાર્ટીનો નેશનલ એજન્ડા 'ક્યા બોલતી પબ્લિક'માં એજ્યુકેશન, જોબ્સ અને અકાઉન્ટબિલિટી પર ફોકસ રહેશે. અકાઉન્ટબિલિટી શબ્દ અન્ય સમાચારમાં પણ છે. 'મિન્ટ' અનુસાર ૬૪૬ કરોડનાં ફ્રૉડ પછી આઈડીએફસી ફર્સ્ટના સીઈઓ અકાઉન્ટબિલિટીને પ્રાથમિકતા આપશે. 'ગ્રેટર કાશ્મીર'માં છપાયેલાં સમાચાર અનુસાર પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં શાંત પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કરીને મારી નાંખવા અંગે યુનાઈટેડ નેશન્સે અકાઉન્ટબિલિટીની માંગણી મૂકી છે. 'ટાઈમ્સ ઓફ ઈન્ડિયા'માં સમાચારનું શીર્ષક છે, રાહુલ ગાંધી ટૂ અમિત શાહ : વોન્ટ સ્ટોપ ડીમાન્ડિંગ અકાઉન્ટબિલિટી. આજે અકાઉન્ટબિલિટી (Accountability)ની શબ્દસંહિતા રચવી છે.
ગુજરાતી લેક્સિકન અનુસાર 'અકાઉન્ટબિલિટી' એટલે જવાબદારી, જોખમદારી, ખુલાસો આપી શકાય એવું, ઉત્તરદાયિત્વ. અકાઉન્ટબિલિટી એટલે જે કરો તે કહો અને કહો તે કરો. લેટિન શબ્દો 'પૂટરે' એટલે ગણતરી કરવી અથવા વિચારવું, 'કમ્પ્યુટરે' એટલે સાથે મળીને ગણતરી કરવી અને 'એકમ્પરે' એટલે હિસાબ આપવો. એ પરથી ૧૪મી સદીની મધ્યમાં વપરાતો એંગ્લો-ફ્રેન્ચ શબ્દ 'એકન્ટર' એટલે એ કે જેની પાસેથી હિસાબ માંગી શકાય. નાણાંકીય હિસાબ રાખવા અને ગણતરી કરવા સાથે જોડાયેલો આ શબ્દ સમય જતાં નૈતિક, સામાજિક કે રાજકીય જવાબદારીના અર્થમાં બદલાઈ ગયો. અકાઉન્ટબિલિટી એટલે કોઈ વ્યક્તિ અથવા સંસ્થાની પોતાના કાર્યો માટે જવાબ આપવાની, તેની જવાબદારી સ્વીકારવાની અને પરિણામોને પારદર્શક રીતે રજૂ કરવાની ફરજ. એના ત્રણ આધારસ્તંભ. મારા નિર્ણયો અને કાર્યો પાછળના કારણો અને સ્પષ્ટતા આપવાની મારી ફરજ, એ પહેલો આધારસ્તંભ. બીજો આધારસ્તંભ એ કે એના પરિણામ માટે પણ હું એક જ જવાબદાર. જો સારું પરિણામ આવે તો પુરસ્કાર પર મારો જ અધિકાર. અને જો ખરાબ પરિણામ આવે તો…. ઉસકી સજા મુઝે હી મિલેગી, બરોબર મિલેગી! કોઈ ગરબડ થઈ તો હું બચાવમાં કદાચ એવું કહું કે આ નિયમ અસ્પષ્ટ હતા અને સીસ્ટમ સડેલી છે, એમાં હું શું કરું? ર. પા.ના શબ્દોમાં 'આ વેલાં મૂળથી જ સડેલાં છે' વગેરે વગેરે બહાના કે ખુલાસાઓ. કોઈ બહુ મોટો લોચો પડે અને ત્યારે પણ જો સાહેબના ચહેરા ઉપર સ્મિત છલકતું દેખાય તો માની લેવું કે એને કોઈ એવો માણસ મળી ગયો છે, જેના ઉપર દોષનો ટોપલો ઓઢાડી શકાય! આ નેચરલ છે. અને એટલે અકાઉન્ટબિલિટીનો ત્રીજો અને ખૂબ મહત્વનો આધારસ્તંભ છે અમલીકરણની એવી સ્પષ્ટ સીસ્ટમ, જેમાં જવાબદારી મારી જ ફિક્સ થાય. કોઈ છટકબારી નહીં. અકાઉન્ટબિલિટી ન્યાતજાત, ધર્મ, હોદ્દો, સામાજિક કે આર્થિક બાબતો સાથે જોડાયેલી નથી. એમ કે હું ગમે તે હોઉં પણ ખોટો છું તો ખોટો છું જ.
અકાઉન્ટબિલિટીનો સમાનાર્થી શબ્દ રિસ્પૉન્સિબિલિટી છે પણ તફાવત છે. રિસ્પૉન્સિબિલિટીમાં મુખ્ય ધ્યાન પ્રક્રિયા અને હાથમાં લીધેલું કામ પૂર્ણ કરવા તરફ હોય છે, શરૂઆતથી અંત સુધી. અકાઉન્ટબિલિટીમાં મુખ્ય ધ્યાન અંતિમ પરિણામ અને એની અસરો પર હોય છે. કાર્ય પૂર્ણ થયા પછી તેનું મૂલ્યાંકન થાય, તેવી વાત એમાં હોય છે. રિસ્પૉન્સિબિલિટી કોઈને સોંપી શકાય. અકાઉન્ટબિલિટીમાં એવું નથી. એમાં તો હું જ જવાબદાર. પોલિટિકલ અકાઉન્ટબિલિટી જો કે સાવ અલગ માયા છે. વરસાદ પડે, પાણી ભરાય, ખાડા પડે, રોગચાળો ફાટે- એવું તો થાય! ક્યારેક તો આખા ને આખા પૂલ ધરાશાયી થાય, હોડી ડૂબે, અગ્નિકાંડ થાય અને બાળકો સહિત અનેક લોકો મરે ત્યારે એસઆઈટી રચાય, રિસ્પૉન્સિબિલિટી ફિક્સ થાય, પગલાં લેવાય. ન્યાયતંત્ર પણ સુઓ મોટો ઝંપલાવે, અકાઉન્ટબિલિટી ફિક્સ કરવાની ભરપૂર કોશિશ કરે પણ.. કોઈ સચિવ કે મંત્રીની અકાઉન્ટબિલિટી ભાગ્યે જ ફિક્સ થાય. પોલિટિકલ અકાઉન્ટબિલિટી સામાન્ય રીતે વર્ટિકલ એટલે કે નીચેથી ઉપર હોય. ચૂંટણી આવે એટલે સરકાર બદલી શકાય, બદલો લઈ શકાય. પણ લોકોને અલ્ઝાઇમર્સ છે. ભૂલવાની બીમારી! ડર પણ છે કે જે ચૂંટાઈને હવે પછી આવશે એ આનાથી ખરાબ આવશે. એ ભૂખ્યો હશે એટલે ભ્રષ્ટાચાર વધારે કરશે. અને એટલે એકની એક સરકાર વર્ષો સુધી રાજ કરે છે. વર્ટિકલ અકાઉન્ટબિલિટી જોઈએ તેવી અસરકારક નીવડતી નથી. પોલિટિકલ અકાઉન્ટબિલિટી હોરિઝોન્ટલ એટલે સમાંતર પણ હોય, જેમ કે સ્વતંત્ર ન્યાયાલય કે લોકપાલ પદ્ધતિ. પણ રાજકારણી જાડી ચામડીના હોય છે. કોઈ કોઈ રાજકારણી પ્લેટિનમ ચામડીના ય હોય છે. સંવેદનાથી પર. એમને કોઈ અસર થતી નથી. ત્રીજી અકાઉન્ટબિલિટી ડાયોગનલ (ત્રાંસી) હોય છે. જૂઠાણાં વધી જાય તો તત્કાળ સામે આંગળી ચીંધવી જરૂરી છે. મીડિયા અને આંદોલનકારીઓ મળીને આ કરી શકે છે. અને અકાઉન્ટબિલિટી ફિક્સ થાય છે. એટલે સુધી કે પ્રધાન પ્રધાન રહેતા નથી. પણ હે રાજકારણીઓ, ગભરાશો નહીં. અકાઉન્ટબિલિટી સજા નથી. એ તો તક છે સારું કરવાની, વધારે સારું કરવાની. નેતાની ઊંચાઈ અકાઉન્ટબિલિટીમાં મપાય છે.
એક અકાઉન્ટબિલિટી સરકારની છે તો એક અકાઉન્ટબિલિટી લોકોની પણ છે. લોકોનો અવાજ પ્રાય: નિર્બળ કેમ હોય છે? અન્યાય સામે લોકો બોલે નહીં, કાંઇ કરે નહીં તો લોકોની અકાઉન્ટબિલિટી પણ ફિક્સ થવી જોઈએ.
શબ્દશેષ
'આપણે જે કરીએ છીએ માત્ર એટલા માટે જ નહીં, પણ જે નથી કરતા એ માટે પણ આપણે અકાઉન્ટેબલ છીએ. - ફ્રેંચ નાટયકાર કવિ મોલિએર (૧૬૨૨-૧૬૭૩)




