એ. આઈ. પાણીના ભંડાર ખાલી કરી રહ્યું છે

- એ.આઈ. તમારા કહેવાથી એક સુંદર કવિતા બનાવે તેમાં અડધો લિટર જેટલું પાણી વેડફાઈ જાય છે
- વિવિધા-ભવેન કચ્છી
- ગૂગલ, માઇક્રોસોફ્ટ કે મેટાના ડેટા સેન્ટર્સ એક દિવસમાં અંદાજે ૧૦,૦૦૦ થી ૫૦,૦૦૦ ની વસ્તી ધરાવતા નાનકડા શહેરની દૈનિક જરૂરિયાત જેટલું પાણી ખર્ચી નાંખે છે
આ જના આધુનિક યુગમાં આટફિશિયલ ઇન્ટેલિજન્સ અને ચેટજીપીટી જેવા ટૂલ્સ આપણા જીવનનો અભિન્ન અંગ બનતા જાય છે. મોબાઈલ કે લેપટોપના સ્ક્રીન પર માત્ર એક ક્લિક કે પ્રોમ્પ્ટ મૂકતા જ સેકન્ડોમાં નિષ્ણાત જેવો જવાબ એ. આઈ. દ્વારા આપણી સામે આવી જાય છે. આ ચમત્કારિક ટેક્નોલોજી પાછળ અદભુત કમ્પ્યુટિંગ પાવર કામ કરી રહ્યો છે, જેની પાછળ છુપાયેલું એક કડવું સત્ય હવે વૈજ્ઞાનિકો અને પર્યાવરણવિદો માટે ચિંતાનો મોટો વિષય બન્યું છે. તે છે -પાણીનો અતિશય અને અકલ્પનીય વપરાશ.
આપણને પ્રશ્ન થાય કે ડિજિટલ સ્ક્રીન પર ચાલતા સોફ્ટવેર કે કોડિંગને પાણી સાથે શું લેવાદેવા? પરંતુ વાસ્તવિકતા એ છે કે AI અને ડેટા સેન્ટર્સ એ અબજો ગેલન પાણીના ભોગે ચાલી રહ્યા છે.
વૈશ્વિક સ્તરે ડેટા સેન્ટર માર્કેટમાં અમેરિકા, ચીન અને યુરોપ મોખરે છે : અમેરિકા (વિશ્વની ડેટા રાજધાની :વિશ્વના કુલ ડેટા સેન્ટર્સમાંથી લગભગ ૪૪% થી ૪૫% જેટલા ડેટા સેન્ટર્સ એકલા અમેરિકામાં આવેલા છે. આમાં વર્જિનિયા રાજ્યનું 'એશબર્ન' શહેર સૌથી મોટું કેન્દ્ર છે, જેને દુનિયાની 'ડેટા કેપિટલ' કહેવામાં આવે છે : અહીં દુનિયાનો ૭૦% જેટલો ઇન્ટરનેટ ટ્રાફિક પસાર થાય છે! આ ઉપરાંત નેવાડાનું 'ધ સિટાડેલ કેમ્પસ' અને ટેક્સાસ પણ વિશાળ કેન્દ્રો છે.
ચીન: ચીનમાં અદભુત ક્ષમતા ધરાવતા ડેટા સેન્ટર્સ છે. ખાસ કરીને ઇનર મંગોલિયા પ્રદેશમાં આવેલું 'ચાઇના ટેલિકોમ ઇનર મંગોલિયા ઇન્ફોર્મેશન પાર્ક' એ ક્ષેત્રફળ અને કમ્પ્યુટિંગ પાવરની દ્રષ્ટિએ દુનિયાનું સૌથી મોટું ડેટા સેન્ટર ક્લસ્ટર ગણાય છે.
યુરોપ: યુરોપમાં ફ્રેન્કફર્ટ (જર્મની), લંડન (યુકે), એમ્સ્ટરડેમ (નેધરલેન્ડ્સ) અને પેરિસ (ફ્રાન્સ) ડેટા સેન્ટર્સના મોટા હબ છે.
ભારતની સ્થિતિ : ભારતમાં પણ મુંબઈ, ચેન્નઈ અને નોઈડા જેવા શહેરો ડેટા સેન્ટરના મોટા કેન્દ્રો તરીકે ઉભરી રહ્યા છે. ગુજરાતમાં પણ ડેટા સેન્ટર ઉભા થઇ રહ્યા છે.
પાણીનો પાવર : આપણે જે ડિજિટલ ડેટા વાપરીએ છીએ- જેવા કે સોશિયલ મીડિયા, વીડિયો, ક્લાઉડ સ્ટોરેજ, ઓનલાઈન બેન્કિંગ કે AI મોડેલ્સની ટ્રેનિંગ- તે બધું જ વિશાળ ઇમારતોમાં બનેલા ડેટા સેન્ટર્સમાં સંગ્રહિત હોય છે. આ સેન્ટર્સમાં હજારો-લાખો પાવરફુલ સર્વર્સ અને ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ્સ ૨૪ કલાક ચાલુ
રહે છે.
આટલા બધા હાઇ-ટેક ઉપકરણો સતત કામ કરવાના લીધે ભયાનક માત્રામાં ગરમી ઉત્પન્ન કરે છે. જો આ સર્વર્સને ઠંડા ન રાખવામાં આવે તો તે ક્ષણભરમાં ઓવરહીટ થઈને બળી શકે છે અથવા ક્રેશ થઈ શકે છે. આ સર્વર્સને ઠંડા રાખવા માટે બે મુખ્ય પદ્ધતિ વપરાય છે :
એર કૂલિંગ અને ઇવેપોરેટિવ કુલિંગ : આ પદ્ધતિમાં મોટા પાયે પાણીનો ઉપયોગ થાય છે. કૂલિંગ ટાવર્સમાં પાણીની વરાળ બનાવીને ગરમી બહાર કાઢવામાં આવે છે, જેમાં લાખો લીટર પાણી બાષ્પીભવન થઈને વેડફાઈ જાય છે.
ઇલેક્ટ્રિસિટી જનરેશન દ્વારા પરોક્ષ વપરાશ : ડેટા સેન્ટર્સ વીજળીનો એટલો બધો વપરાશ કરે છે કે તે વીજળી ઉત્પન્ન કરવા માટે પાવર પ્લાન્ટ્સમાં વપરાતું પાણી પણ આડકતરી રીતે ડેટા સેન્ટરના ખાતામાં જાય છે.
વિશ્વના પ્રતિષ્ઠિત અખબારો, મેગેઝિનો અને રિસર્સ પેપર્સમાં આ અંગે ચોંકાવનારા આંકડાઓ રજૂ થયા છે.
એક જવાબ માટેનો પાણીનો વપરાશ : કલ્પના કરો કે તમે તમારા ફોન પર ચેટજીપીટને એક સાદો પ્રશ્ન પૂછયો કે 'રાંધણગેસ પર સબસિડી કેવી રીતે મેળવવી?' અથવા 'એક સુંદર કવિતા લખો.' તમને સેકન્ડના દસમા ભાગમાં જવાબ મળી ગયો. પરંતુ આ સામાન્ય દેખાતા પ્રોમ્પ્ટ પાછળ ડેટા સેન્ટરના સર્વરે ગરમી છોડી. તે ગરમીને શાંત કરવા માટે સ્થાપિત કૂલિંગ ટાવરમાંથી લગભગ એક આખી વોટર બોટલ (લગભગ અડધો લીટર) પાણી બાષ્પીભવન થઈને આકાશમાં ઊડી ગયું! હવે વિચાર કરો કે દુનિયાભરમાં કરોડો લોકો રોજ અબજો સવાલો પૂછે છે, તો દરરોજ કેટલાય ઓલમ્પિક સ્વિમિંગ પુલ જેટલું શુદ્ધ પાણી માત્ર વરાળ બનીને ઉડી જતું હશે
એક વિશાળ ડેટા સેન્ટરની ભૂખ : એક સામાન્ય કે મધ્યમ કક્ષાનું ડેટા સેન્ટર વર્ષ આશરે ૧૧ કરોડ લીટર પાણી વાપરે છે, જે આશરે ૧,૦૦૦ પરિવારોની વાર્ષિક પાણીની ગરજ સારે છે. જ્યારે ગૂગલ, માઇક્રોસોફ્ટ કે મેટા જેવા ટેક જાયન્ટ્સના મોટા હાઇપરસ્કેલ ડેટા સેન્ટર્સ એક દિવસમાં અંદાજે ૧.૯ કરોડ લીટર સુધીનું પાણી વાપરી નાખે છે- જે ૧૦,૦૦૦ થી ૫૦,૦૦૦ની વસ્તી ધરાવતા નાનકડા શહેરની દૈનિક જરૂરિયાત જેટલું છે.
ટેક કંપનીઓના વાર્ષિક અહેવાલો : ગૂગલ કંપનીના પોતાના ડેટા અનુસાર, તેના ડેટા સેન્ટર્સ અને ઓપરેશન્સમાં વાર્ષિક ૫ અબજ ગેલન કરતાં વધુ પાણી વપરાય છે, જે હજારો ઓલમ્પિક કદના સ્વિમિંગ પુલ ભરાઈ જાય એટલું થાય છે. માઇક્રોસોફ્ટ અને અન્ય કંપનીઓના ડેટામાં પણ આ જ પ્રકારનો મોટો વધારો જોવા
મળ્યો છે.
કટોકટી સર્જાઈ શકે : માનવ જગત હવે એવા મુકામ પર છે કે ટેક્નોલોજી વગરનું જીવન શક્ય નથી તો બીજી તરફ વિશ્વનો પાણીનો જથ્થો મર્યાદિત છે. વરસાદના પાણીનો સંગ્રહ કરવાની વ્યાપક પરવા જોવા નથી મળતી રહેણાંક અને વ્યાપારી બહુમાળી વસાહતો વધતી જાય છે ત્યાં પણ ઊંડે સુધી જઈ બોરથી પાણી બહાર લવાય છે. તેવી જ રીતે પાણી અને સોડા, સોફ્ટ ડ્રિંંકના બોટલિંગ પ્લાન્ટ પણ જમીનમાંથી પાણી ખેંચે છે. અન્ય ઉદ્યોગ, પ્લાન્ટની પાણીની જરૂરિયાત જુદી.જો પાણીના વ્યવસ્થાપન પર ધ્યાન નહીં અપાય, તો ભવિષ્યમાં પાણી માટે યુદ્ધ થઇ શકે છે. બીજી એક મહત્વની વાત એ પણ છે કે કુલિંગ ઉપરાંત એ.આઈ. માટે વીજળીની પણ વધુ જરૂર પડે અને વીજળીના ઉત્પાદન માટે પણ પાણીની નિયમિત વિપુલ માત્રા જોઈએ.
સામાજિક અશાંતિ અને જળ યુદ્ધો : ભવિષ્યમાં પાણીની અછતના કારણે ટેક કંપનીઓ અને સ્થાનિક પ્રજા વચ્ચે સંઘર્ષ વધી શકે છે. ચિલી, ભારત અને અમેરિકાના કેટલાક શુષ્ક વિસ્તારોમાં અત્યારથી જ સ્થાનિક સમુદાયો દ્વારા ડેટા સેન્ટર્સ સામે વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ગયા છે.
વધુ શક્તિશાળી AI માટે વધુ શક્તિશાળી ચિપ્સ આવશે, ચિપ્સ વધુ ગરમી પેદા કરશે અને જો જૂના મોડેલ ચાલુ રાખવામાં આવશે તો પાણીની જરૂરિયાત પણ વધી શકે.આમ સંઘર્ષ વધતો જવાનો.
આ ચર્ચા અમેરિકાના એરિઝોના ટેક્સાસ કે વર્જીનીયા પૂરતી મર્યાદિત નથી. ભારત હવે વિશ્વના મોટા ડિજિટલ અને એ. આઈ.બજારોમાંનું એક છે. ડેટા સેન્ટરોની ક્ષમતા વધારવાની દોડ શરૂ થઈ ચૂકી છે. તાજેતરના ભારતીય અહેવાલો મુજબ ૨૦૨૬ના અંત સુધીમાં ભારતમાં ડેટા સેન્ટર ક્ષમતામાં મોટો વધારો થવાની ધારણા છે, અને પાણી-વીજળી-પર્યાવરણ વચ્ચેનું સંતુલન હવે નીતિ ચર્ચાનો ભાગ બની
રહ્યું છે.
ભારતમાં પ્રશ્ન વધારે ગંભીર બની શકે કેમ કે આપણે એવા દેશમાં છીએ જ્યાં એક જ સમયે ટેક્નોલોજીનો ઝડપી વિકાસ પણ જોઈએ છે અને ઘણા પ્રદેશોમાં પાણીની ઉપલબ્ધતા પહેલેથી જ પડકારરૂપ છે.
ચેન્નાઈ, હૈદરાબાદ, બેંગલુરુ, મુંબઈ અને પુણે જેવા શહેરોમાં પાણી, ઉદ્યોગ અને ઝડપથી વધતા શહેરીકરણ વચ્ચે પહેલેથી જ તનાવ છે. જો આવા પ્રદેશોમાં મોટા ડેટા સેન્ટરો ઊભા થાય અને તેઓ મોટા પ્રમાણમાં પાણી પર આધાર રાખે, તો સ્થાનિક સ્તરે પાણીનો પ્રશ્ન ઊભો થઈ શકે છે.
વોટર ફૂટ પ્રિન્ટ : જેવી રીતે પર્યાવરણની સમતુલા જાળવવા કાર્બન ફૂટ પ્રિન્ટ ઘટાડવાની યોજના પણ ઉદ્યોગોએ યોજનાના ભાગ તરીકે લેવી પડે છે તેમ હવે એ. આઈ. અને ટેકનો કંપનીઓએ તેમના ડેટા સેન્ટરની કે ઓવર ઓલ પ્રોજેક્ટ બનાવતી વખતે પર્યાવરણ ટેકનો નિષ્ણાતોને સામેલ કરવા પડે છે. કઈ રીતે પાણીનો ઓછો ઉપયોગ થાય, પાણી રિસાયકલ થાય જેવી ટેક્નોલોજી સામેલ કરવી પડે છે. કાર્બનની જેમ વોટર ફૂટ પ્રિન્ટ ઘટાડવી તે કંપનીની સામાજિક જવાબદારી મનાય છે.એ. આઈ. ના વિકાસ સાથે જળ વ્યવસ્થાપન પણ મહત્વનું મનાય છે.
AI નો ઉપયોગ જ્યાં ખરેખર ઉપયોગી હોય ત્યાં કરવો, અનાવશ્યક રીતે અતિશય ગણતરીવાળા કામ ન કરાવવા, કંપનીઓ પાસેથી ખાસ જરૂર પડે તેવી પારદર્શક માહિતી માગવી જેથી પાણીની બચત થાય તેવા નાગરિક જોગ મેસેજ ફરતા થાય તો નવાઈ નહીં.
વીજળીની પણ કટોકટી : પાણી ઉપરાંત એ. આઈ. વીજળીના પુરવઠાની પણ કટોકટી સર્જી શકે છે. ડેટા સેન્ટર્સને સતત વીજળી પૂરી પાડવા માટે પાવર ગ્રીડ પર ભારે ભારણ આવે છે. વિશ્વના મોટાભાગના દેશોમાં હજુ પણ વીજળી બનાવવા માટે કોલસો, ઓઇલ અને કુદરતી ગેસ જેવા બળતણનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે.એટલે કે, જ્યારે તમે તમારા ફોન પર AI સાથે ચેટ કરો છો ત્યારે પરોક્ષ રીતે પાવર પ્લાન્ટમાં ટનબંધ કોલસો બળી રહ્યો હોય છે.એક સામાન્ય હાઇપરસ્કેલ ડેટા સેન્ટર (જેવા કે ગૂગલ કે માઇક્રોસોફ્ટના) એટલી વીજળી વાપરે છે જેટલી ૩૦,૦૦૦ થી ૫૦,૦૦૦ ઘરો ધરાવતું આખું નાનું શહેર વાપરતું હોય.
હવે ટેકનો કંપનીઓ દરિયાના પાણીનો ઉપયોગ ડેટા સેન્ટરમાં થઇ શકે તે માટે સંશોધન કરી રહ્યા છે.લીકવીડ કુલિંગ, રિસાયકલ વોટર પર પણ કામ થઇ રહ્યું છે. વીજળીના ઉત્પાદન માટે સોલાર, વિન્ડ એનર્જીનો વ્યાપ અને વપરાશ વધી રહ્યો છે.
જેવી રીતે અત્યારથી જ રેર અર્થ મિનરલ્સ માટે વિશ્વની મહાસત્તા હરીફાઈમાં ઉતરી છે તેમ એ. આઈ. અને ડેટા સેન્ટર માટે પાણી અને વીજળી પર કોનો વધુ હક્ક તે પ્રભુત્વ માટે પણ દાવપેચ ખેલાશે.
જ્ઞાન પોસ્ટ
વધુ શક્તિશાળી બનવા સાથે વધુ જવાબદાર બનવાનો ખ્યાલ ઉમેરાશે તો જ વિશ્વ સુખદ સ્થિતિમાં હશે બાકી ટેકનો ક્રાંતિ જીવનને યાતનાપૂર્ણ બનાવી દેશે.




