Shatdal

એક ધબકતું હૃદય... બીજાના શરીરમાં!

By GS Team
22 Sep 20267 mins read
એક ધબકતું હૃદય... બીજાના શરીરમાં!
  • સેલિબ્રેશન-ચિંતન બુચ
  • ગંભીર હાર્ટ ફેલ્યોરના દર્દીઓને જોઈને તેમના મનમાં એક મોટો સવાલ ઊભો થયો-જ્યારે હૃદય એટલું ખરાબ થઈ જાય કે તેને રિપેર કરી જ ન શકાય, ત્યારે શું બીજું હૃદય મૂકવું શક્ય છે?
  • ૨૯ સપ્ટેમ્બર
  • વિશ્વ હૃદય દિવસ

એ ક સમય હતો જ્યારે માણસનું હૃદય બદલી શકાય એવી કલ્પના પણ અશક્ય લાગતી હતી, આજે વિશ્વમાં વર્ષે દસ હજારથી વધુ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થાય છે. કલ્પના કરો… શરીરમાં બધું જ છે. આંખો છે, હાથ-પગ છે, મગજ છે, ફેફસાં છે, કિડની છે… પરંતુ હૃદય હવે સાથ આપવા તૈયાર નથી. દવાઓની મહત્તમ સારવાર થઈ ચૂકી છે, સર્જરીના વિકલ્પો પણ ખૂટી ગયા છે અને હૃદય એટલું નબળું પડી ગયું છે કે થોડાં પગલાં ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે. ત્યારે ડોક્ટર કહે- ''હવે હૃદય બદલવું પડશે!''
આ વાત સાંભળતાં આજે કદાચ આપણને નવાઈ ન લાગે, પરંતુ એક જમાનામાં માણસના શરીરમાં બીજા માણસનું હૃદય મૂકવાની વાત વિજ્ઞાન માટે લગભગ અશક્ય માનવામાં આવતી હતી. આ અશક્ય લાગતી કલ્પનાને વાસ્તવિકતામાં ફેરવવામાં લગભગ છ દાયકા જેટલા સંશોધન, પ્રયોગો, નિષ્ફળતાઓ અને સાહસનો ફાળો છે. અને આ કહાની શરૂ થાય છે એક સવાલથી - જો હૃદયને સુધારી ન શકાય તો શું તેને બદલી શકાય?
વિશ્વના પ્રથમ સફળ માનવ-થી-માનવ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનું નામ આવે એટલે તરત એક નામ યાદ આવે - ડો. ક્રિસ્ટિયાન બાર્નાર્ડ. પરંતુ બાર્નાર્ડે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની કલ્પના શૂન્યમાંથી ઊભી કરી નહોતી. ૧૯૫૦ના દાયકામાં તેઓ અમેરિકાની યુનિવર્સિટી ઓફ મિનેસોટામાં પ્રસિદ્ધ કાર્ડિયાક સર્જન વોલ્ટન લિલેહાઈની ટીમ સાથે કામ કરી ચૂક્યા હતા. ત્યાં તેમણે ઓપન-હાર્ટ સર્જરી અને હાર્ટ-લંગ મશીન જેવી નવી ટેકનિકનો અનુભવ મેળવ્યો.
પછી દક્ષિણ આફ્રિકા પરત ફર્યા બાદ તેઓ કાર્ડિયાક સર્જરીમાં ઝડપથી આગળ વધ્યા. પરંતુ ગંભીર હાર્ટ ફેલ્યોરના દર્દીઓને જોઈને તેમના મનમાં એક મોટો સવાલ ઊભો થયો-જ્યારે હૃદય એટલું ખરાબ થઈ જાય કે તેને રિપેર કરી જ ન શકાય, ત્યારે શું બીજું હૃદય મૂકવું શક્ય છે? સવાલ સરળ હતો, જવાબ અત્યંત મુશ્કેલ. કારણ કે શરીર પોતાનું નહીં પરંતુ બીજાનું અંગ સ્વીકારશે કેવી રીતે?
આ પ્રશ્નનો જવાબ શોધવા બાર્નાર્ડ ૧૯૬૬માં અમેરિકામાં ડો. ડેવિડ હ્યુમના કિડની ટ્રાન્સપ્લાન્ટ કાર્યક્રમ સાથે જોડાયા. ત્યાં તેમણે અંગ ટ્રાન્સપ્લાન્ટ અને શરીરની રોગપ્રતિકારક વ્યવસ્થા અંગે અભ્યાસ કર્યો. એ દરમિયાન તેમની મુલાકાત ડો. રિચર્ડ લોઅર સાથે થઈ. લોઅર અને ડો. નોર્મન શુમવે કૂતરાઓ પર હાર્ટ ટ્રાન્સપ્લાન્ટના પ્રયોગો કરી રહ્યા હતા. અહીં બાર્નાર્ડને પહેલી વાર લાગ્યું - આ માત્ર કલ્પના નથી. હૃદય ખરેખર એક શરીરમાંથી બીજા શરીરમાં ખસેડી શકાય છે.
દક્ષિણ આફ્રિકા પરત આવ્યા બાદ તેમણે પોતાના ભાઈ ડો. મારિયસ બાર્નાર્ડ સાથે કૂતરાઓ પર હાર્ટ ટ્રાન્સપ્લાન્ટના પ્રયોગો શરૂ કર્યા. સર્જરીની પદ્ધતિને વારંવાર અજમાવવામાં આવી. નિષ્ફળતાઓમાંથી શીખવામાં આવ્યું. સાથે જ કિડની ટ્રાન્સપ્લાન્ટના અનુભવથી ઇમ્યુનોસપ્રેશન - અર્થાત્ શરીર નવા અંગને નકારી ન કાઢે તે માટેની સારવાર- વિશે સમજ વિકસતી ગઈ. પરંતુ હજુ એક મોટો સવાલ બાકી હતો - માનવ દાતા ક્યાંથી મળશે?
હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની કહાનીમાં એક રસપ્રદ અધ્યાય બાર્નાર્ડ પહેલાંનો છે. ૧૯૬૪માં અમેરિકાના ડો. જેમ્સ હાર્ડીએ એક ગંભીર રીતે બીમાર દર્દીમાં ચિમ્પાન્ઝીનું હૃદય મૂકવાનો પ્રયાસ કર્યો હતો. હૃદય થોડા સમય માટે કામ કરતું રહ્યું, પરંતુ દર્દી એક કલાકની અંદર મૃત્યુ પામ્યો. આ પ્રયાસ સફળ ન થયો, પરંતુ તેણે એક વાત સાબિત કરી - સર્જનોએ અશક્ય લાગતી સીમા પર પ્રયોગ શરૂ કરી દીધો હતો.
બીજી તરફ અમેરિકામાં નોર્મન શુમવે અને રિચર્ડ લોઅર કૂતરાઓ પરના પ્રયોગો દ્વારા માનવ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે ટેકનિક વિકસાવી રહ્યા હતા. એટલે બાર્નાર્ડ જ્યારે આગળ વધ્યા ત્યારે તેમની પાછળ વિશ્વભરના અનેક સંશોધકોની મહેનત હતી.
હાર્ટ ટ્રાન્સપ્લાન્ટમાં સૌથી મુશ્કેલ પ્રશ્નોમાંનો એક સર્જરી નહોતો, પરંતુ મૃત્યુની વ્યાખ્યા હતી. હૃદય શરીરમાંથી કાઢવું હોય તો દાતા ખરેખર મૃત્યુ પામેલો હોવો જોઈએ. પરંતુ જો હૃદય બંધ થઈ જાય પછી તેને કાઢવામાં આવે તો અંગને નુકસાન થવાની શક્યતા વધી જાય.
બાર્નાર્ડના સમયમાં આ મુદ્દો અત્યંત મહત્વનો હતો. દક્ષિણ આફ્રિકામાં મગજની અપરિવર્તનીય ક્ષતિ અને મૃત્યુ અંગેની તબીબી-કાનૂની ચર્ચાએ અંગદાન માટે નવી શક્યતાઓ ઊભી કરી. અને પછી આવી એ રાત, જેણે આખા વિશ્વની તબીબી દુનિયા બદલી નાખી.
૨૫ વર્ષની ડેનિસ ડાર્વલ કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થઈને કેપટાઉનની ગૂ્રટ શૂર હોસ્પિટલમાં પહોંચી. તેની સ્થિતિ બચાવવી શક્ય નહોતી. બીજી તરફ ૫૩ વર્ષના લૂઇસ વોશ્કાન્સ્કીનું હૃદય ગંભીર રીતે નિષ્ફળ થઈ ગયું હતું. દાતાના પરિવારની સંમતિ મળી. ડો. ક્રિસ્ટિયાન બાર્નાર્ડ અને તેમની ટીમે ઓપરેશન શરૂ કર્યું.
એક તરફ ડેનિસનું હૃદય કાઢવામાં આવ્યું અને બીજી તરફ વોશ્કાન્સ્કીના શરીરમાં નવું હૃદય મૂકવામાં આવ્યું. કલાકો સુધી ચાલેલી જટિલ સર્જરી પછી ક્ષણ આવી - નવું હૃદય ધબકવા લાગ્યું. માનવ ઇતિહાસમાં પ્રથમ વખત એક માણસનું હૃદય બીજા માણસના શરીરમાં ધબકી રહ્યું હતું. વિશ્વ ચોંકી ગયું.
પરંતુ આ કહાનીનો અંત સંપૂર્ણ સુખદ નહોતો. વોશ્કાન્સ્કી માત્ર ૧૮ દિવસ જીવ્યા. ગંભીર ચેપને કારણે તેમનું મૃત્યુ થયું. તેમ છતાં તબીબી વિજ્ઞાન માટે આ ૧૮ દિવસ ઐતિહાસિક હતા. કારણ કે હવે સાબિત થઈ ગયું હતું કે માનવ હૃદયને એક શરીરમાંથી બીજા શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે.
વિશ્વના પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટના થોડા જ મહિનાઓ બાદ ભારતમાં પણ આ સાહસ કરવામાં આવ્યું. ૧૭ ફેબુ્રઆરી, ૧૯૬૮ના રોજ મુંબઈની કે.ઈ.એમ. હોસ્પિટલમાં ડો. પી.કે. સેન અને તેમની ટીમે ભારતમાં પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનો પ્રયાસ કર્યો. દર્દી લાંબો સમય જીવ્યો નહીં. તે જ વર્ષે બીજો પ્રયાસ પણ સફળ રહ્યો નહીં.
અહીં એક મહત્વનો તફાવત યાદ રાખવો જરૂરી છે - ૧૯૬૮નો પ્રયાસ ભારતનો પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રયાસ હતો, જ્યારે ભારતનું પ્રથમ સફળ માનવ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ૩ ઓગસ્ટ, ૧૯૯૪ના રોજ દિલ્હીની AIૈંસ્જી માં ડો. પી. વેણુગોપાલ અને તેમની ટીમે કર્યું. આ સફળતા ભારતીય હાર્ટ ટ્રાન્સપ્લાન્ટના ઇતિહાસમાં મોટો વળાંક બની.
૧૯૯૪માં જ ભારતમાં માનવ અંગોના ટ્રાન્સપ્લાન્ટને નિયમન આપતો કાયદો આવ્યો. બ્રેઇન-સ્ટેમ ડેથને કાયદાકીય રીતે મૃત્યુના સ્વરૂપ તરીકે માન્યતા મળવાથી મૃતદાતા પાસેથી અંગદાન માટેનો માર્ગ વધુ સ્પષ્ટ બન્યો.
હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સાથે જોડાયેલી એક રસપ્રદ માન્યતા છે - શું બીજા માણસનું હૃદય મળ્યા પછી તેની યાદો, સ્વભાવ કે લાગણીઓ પણ આવી જાય? વિજ્ઞાનનો જવાબ છે - હૃદય રક્ત પમ્પ કરે છેત યાદો અને વ્યક્તિત્વનું મુખ્ય કેન્દ્ર મગજ છે. તેથી દાતાના હૃદય સાથે તેની યાદો પણ પ્રાપ્ત થાય છે એવી માન્યતા માટે સ્વીકાર્ય વૈજ્ઞાનિક આધાર નથી.
પરંતુ ટ્રાન્સપ્લાન્ટ બાદ દર્દીના જીવનમાં એક મોટો ફેરફાર જરૂર આવે છે - તેને જીવનની બીજી તક મળે છે.
હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની બીજી અદ્ભૂત બાબત છે હાર્ટ-લંગ મશીન. ઓપરેશન દરમિયાન દર્દીના હૃદય અને ફેફસાંનું કામ થોડા સમય માટે કાર્ડિયોપલ્મોનરી બાયપાસ મશીન સંભાળે છે. આ મશીન રક્તમાં ઓક્સિજન પહોંચાડે છે અને શરીરમાં રક્તનું પરિભ્રમણ ચાલુ રાખે છે.
સર્જન જૂનું હૃદય કાઢે છે, દાતાનું હૃદય શરીરમાં મૂકે છે અને મુખ્ય રક્તવાહિનીઓ સાથે જોડે છે. ત્યારબાદ નવું હૃદય શરીરમાં રક્તપ્રવાહ શરૂ કરે છે. પરંતુ અહીં ઘડિયાળ ખૂબ ઝડપથી દોડતી હોય છે. દાતાનું હૃદય મેળવ્યા પછી તેને યોગ્ય રીતે સાચવીને શક્ય તેટલા ઓછા સમયમાં પ્રાપ્તકર્તા સુધી પહોંચાડવું પડે છે.
એટલે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માત્ર ઓપરેશન થિયેટરની અંદર થતી ઘટના નથી. તેની પાછળ ડોક્ટરોથી લઈને ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટર, એમ્બ્યુલન્સ, પાઇલટ, પોલીસ અને અનેક અજાણ્યા લોકોની દોડ હોય છે.
હૃદય શરીરમાં મૂકાઈ ગયું એટલે કામ પૂરું થયું એવું નથી. શરીરની રોગપ્રતિકારક વ્યવસ્થા નવા હૃદયને 'પરાયું' માનીને તેના પર હુમલો કરી શકે છે. તેને રિજેક્શન કહેવામાં આવે છે. આથી ટ્રાન્સપ્લાન્ટ બાદ દર્દીને ઇમ્યુનોસપ્રેસિવ દવાઓ લેવી પડે છે. ૧૯૮૦ના દાયકામાં સાયક્લોસ્પોરિન જેવી દવાઓના ઉપયોગથી રિજેક્શન નિયંત્રણમાં મોટો સુધારો થયો અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટના પરિણામો વધુ સારા બન્યા.
આજે સર્જરી ઉપરાંત દવાઓ, ઇમ્યુનોલોજી, ઇન્ફેક્શન કંટ્રોલ અને સતત મોનિટરિંગ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની સફળતામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
એક સમયની અશક્ય લાગતી સર્જરી આજે વિશ્વના અનેક દેશોમાં નિયમિત રીતે થઈ રહી છે. ૨૦૨૪માં વિશ્વના ૫૯ દેશોમાં મળીને ૧૦,૨૮૭ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નોંધાયા હતા. એટલે સરેરાશ ગણતરી કરીએ તો વિશ્વમાં દરરોજ લગભગ ૨૮ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયા.
ભારતમાં પણ આ ક્ષેત્રનો વ્યાપ વધ્યો છે. સરકારી ર્શં્ર્ં ના આંકડા મુજબ ૨૦૧૩માં દેશમાં માત્ર ૩૦ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયા હતા. ૨૦૧૮માં આ સંખ્યા ૨૪૧ થઈ હતી. કોવિડના સમયગાળામાં સંખ્યા ઘટી અને ત્યારબાદ ફરી વધી. ૨૦૨૪માં ભારતમાં ૨૫૩ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નોંધાયા હતા. ગુજરાતમાં પણ ૨૦૨૪ દરમિયાન ૩૩ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયા હતા.
પરંતુ આ આંકડાની પાછળ એક મોટો સવાલ છે - આટલા હૃદય આવે ક્યાંથી? જવાબ છે - અંગદાન.
મૃતદાતા પાસેથી હૃદય મેળવવા માટે સૌથી અગત્યની બાબત છે અંગદાનની સંમતિ અને તબીબી રીતે યોગ્ય દાતા. એક પરિવાર માટે પોતાના સ્વજનને ગુમાવવાની ક્ષણ કદાચ જીવનની સૌથી કઠિન ક્ષણ હોય છે. પરંતુ એ જ સમયે અંગદાનનો નિર્ણય બીજા પરિવાર માટે જીવનની નવી શરૂઆત બની શકે છે.
એટલે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની કહાની માત્ર ડોક્ટર, સર્જરી અને ટેકનોલોજીની કહાની નથી. તે માનવતાની કહાની પણ છે.
૧૯૬૭માં બાર્નાર્ડે એક હૃદયને એક શરીરમાંથી બીજા શરીરમાં પહોંચાડયું હતું. આજે લગભગ છ દાયકા પછી વિશ્વમાં દર વર્ષે દસ હજારથી વધુ હૃદય બદલાય છે. પણ આ સમગ્ર સફરની સૌથી સુંદર વાત કદાચ એ છે કે હૃદય બદલાય છે, ધબકારો બદલાય છે, જીવનની પરિસ્થિતિ બદલાય છે…
પરંતુ જીવન જીવવાની માનવીની ઇચ્છા બદલાતી નથી.
કોઈ અજાણ્યા દાતાનું હૃદય જ્યારે કોઈ અજાણ્યા દર્દીની છાતીમાં ફરી ધબકે છે, ત્યારે ખરેખર માત્ર એક અંગનું ટ્રાન્સપ્લાન્ટ થતું નથી - એક જીવનની અધૂરી વાર્તાને ફરી આગળ વધવાની તક મળે છે.