X Service Down: Elon Muskની માલિકીની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X હાલમાં મોટી ટેકનિકલ ખામીનો સામનો કરી રહ્યું છે. એના કારણે વિશ્વભરના હજારો યુઝર્સ પર એની અસર થઈ છે અને તેઓ એનો ઉપયોગ કરી શકતા નથી. આ પ્રકારની કોઈ પણ સર્વિસ બંધ થઈ ગઈ હોય તેને ટ્રેક કરતી વેબસાઇટ Downdetector મુજબ આજે પ્લેટફોર્મ ઉપલબ્ધ ન હોવા અંગે 30,000થી વધુ ફરિયાદો નોંધાઈ છે. આ સમસ્યા અમેરિકામાં સવારે 2:15 વાગ્યે (ભારતીય સમય મુજબ બપોરે 12:45 વાગ્યે) શરૂ થઈ હોવાનું જણાય છે. અમેરિકામાં આશરે 31,600 યુઝર્સે એક્સેસ સંબંધિત સમસ્યાઓની ફરિયાદ કરી હતી. જોકે એની અસર અમેરિકા સહિત ઘણી જગ્યાએ જોવા મળી છે.
મોટાભાગની ફરિયાદો ‘ફીડ/ટાઈમલાઈન’ અંગે
મોટાભાગની ફરિયાદો લગભગ 50% ‘ફીડ/ટાઈમલાઈન’ સાથે સંબંધિત હતી. અંદાજે 41% યુઝર્સને X એપ ઍક્સેસ કરવામાં મુશ્કેલી પડી રહી હતી. 6% લોકોએ વેબસાઇટ ખોલવામાં સમસ્યા થઈ રહી હોવાની ફરિયાદ કરી હતી. આઉટેજની અસર ભારતમાં પણ જોવા મળી છે. ભારતમાં Downdetector મુજબ 1,000થી વધુ ફરિયાદો નોંધાઈ છે.
ફરી સર્વિસ થઈ ઓનલાઇન
આ ટેકનિકલ ખામી લાંબા સમય સુધી રહી નહોતી અને ભારતમાં બપોરે લગભગ 1:03 વાગ્યે Xની સેવાઓ ફરી શરૂ થઈ ગઈ હતી. જોકે, આ સર્વિસ બંધ થવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ નથી થયું. Downdetectorના ડેટા મુજબ સર્વિસ બંધ થતાંની સાથે જ ફરિયાદોમાં ખૂબ જ વધારો નોંધાયો હતો. એથી એ ખબર પડે છે કે આ સર્વિસ મોટા પાયે બંધ હતી. મોટાભાગના યુઝર્સને તેમની ફીડ અને ટાઈમલાઈન યોગ્ય રીતે લોડ ન થવાની સમસ્યા આવી હતી, જ્યારે કેટલાકને લોગિન અથવા કન્ટેન્ટ પોસ્ટ કરવામાં મુશ્કેલી પડી હતી.
આ પણ વાંચો: ચંદ્ર પર $20 બિલિયનનો બેઝ બનાવશે NASA: જાણો શું છે સંપૂર્ણ પ્લાન…
યુઝર્સને ખાલી ફીડ અને લોગિન સમસ્યાઓનો સામનો
આ ડાઉનટાઇમ દરમિયાન ઘણા યુઝર્સે ખાલી ફીડ જોવા મળવાની ફરિયાદ કરી હતી, જેમાં તેમની પોતાની પોસ્ટ્સ પણ જોવા મળતી નહોતી. કેટલાક યુઝર્સે કહ્યું કે તેઓ પોતાના એકાઉન્ટમાં લોગિન કરી શકતા નહોતા અથવા પોસ્ટ્સ સાથે ઇન્ટરેક્ટ પણ કરી શકતા નહોતા. પોસ્ટને પબ્લિશ કરવામાં પણ અસર પડી હતી, જેમાં કેટલાક યુઝર્સને કન્ટેન્ટ શેર કરતી વખતે એરર જોવા મળી હતી. કેટલાક કેસમાં પ્લેટફોર્મ અનિયમિત રીતે કામ કરતું હતું, જેમાં કેટલીક ફીચર્સ ક્યારેક ચાલુ હતાં અને ક્યારેક નહીં. જોકે X દ્વારા એની સર્વિસ ફરી સંપૂર્ણ રીતે કાર્યરત કરી દેવામાં આવી છે.


