| AI Image |
NASA Base on Moon: અમેરિકાની સ્પેસ એજન્સી NASAએ ચંદ્ર પર વિશાળ બેઝ બનાવવાની મહત્ત્વાકાંક્ષી યોજના જાહેર કરી છે. NASAના એડમિનિસ્ટ્રેટર જેરેડ આઇઝેકમેને મંગળવારે યોજાયેલા Ignition ઇવેન્ટ દરમિયાન લગભગ $20 બિલિયનના ખર્ચે બની રહેલા લુનાર બેઝની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે આ પ્રોજેક્ટ ચંદ્ર પર “સ્થાયી હાજરી” ઉભી કરવા માટે બનાવવામાં આવી રહ્યો છે. ખાસ કરીને ચીન સાથે વધી રહેલી સ્પેસ સ્પર્ધાને ધ્યાનમાં રાખીને ચંદ્ર પર આટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવી રહ્યું છે.
ત્રણ તબક્કામાં તૈયાર થશે લુનાર બેઝ
• પ્રથમ તબક્કામાં કોમ્યુનિકેશન અને નેવિગેશન સિસ્ટમ્સ સેટ કરવામાં આવશે, સાથે જ રોબોટિક લેન્ડર્સ અને વાહનો મોકલવામાં આવશે.
• બીજા તબક્કામાં અંતરિક્ષયાત્રીઓની નિયમિત હાજરી શરૂ કરવામાં આવશે, જેથી લાંબા સમય સુધી માનવ હાજરી માટે રસ્તો તૈયાર થઈ શકે.
• અંતિમ તબક્કામાં ભારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોકલીને ચંદ્ર પર કાયમી બેઝ બનાવવામાં આવશે.
Gateway પ્રોજેક્ટને હાલ માટે પડતો મૂકાયો
નવા લુનાર બેઝ પ્લાનને ધ્યાનમાં રાખીને NASAએ તેના Gateway પ્રોજેક્ટને હાલ માટે રોકી દીધો છે. Gateway મૂળ ચંદ્રની આસપાસ ફરતો સ્પેસ સ્ટેશન બનાવવાનો પ્રોજેક્ટ હતો. હવે NASA તેની જગ્યાએ ચંદ્રની સપાટી પર સતત કામગીરી માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન કેન્દ્રિત કરશે. Gateway માટે તૈયાર કરાયેલા કેટલાક સાધનોને હવે નવા પ્રોજેક્ટમાં ઉપયોગમાં લેવામાં આવશે.
ટાઇમલાઇન હજુ નક્કી નથી
આ પ્રોજેક્ટ ક્યારે પૂર્ણ થશે તેની ચોક્કસ ટાઇમલાઇન હજુ જાહેર કરવામાં આવી નથી. જોકે જેરેડ આઇઝેકમેને જણાવ્યું કે આગામી સાત વર્ષમાં લગભગ $20 બિલિયનનું રોકાણ કરવામાં આવશે અને અનેક મિશન્સ દ્વારા આ બેઝ તૈયાર કરવામાં આવશે. ચંદ્ર પર બેઝ બનાવવું સરળ નથી. તાપમાન, સ્પેસ રેડિએશન, ઓછી ગ્રેવિટીથી માનવ શરીર પર પડતા પ્રભાવ અને માઇક્રોમીટિયોરાઇટ્સ જેવા પડકારોનો સામનો કરવો પડશે અને એમ છતાં કંઈ નિષ્ફળ થયું તો ઘણાં ગંભીર પરિણામ આવી શકે છે.
ચીનની સ્પેસ રેસ પર પણ નજર
જેરેડ આઇઝેકમેને ચીનની સ્પેસ મહત્ત્વાકાંક્ષાઓ અંગે પણ ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું કે ચીન પાસે સ્પેસ ક્ષેત્રમાં અમેરિકા માટે પડકાર ઊભો કરવાની ક્ષમતા અને ઇચ્છા બંને છે. નોંધનીય છે કે ચીન પણ 2030 સુધીમાં ચંદ્ર પર માનવોને ઉતારવાની અને ત્યાં બેઝ સ્થાપવાની યોજના બનાવી રહ્યું છે.
આ પણ વાંચો: Claudeના યુઝર્સમાં 1487 ટકાનો વધારો: ChatGPTને ડિલીટ, Anthropicની લોકપ્રિયતામાં વધારો
2028 સુધીમાં ન્યુક્લિયર સ્પેસક્રાફ્ટ લોન્ચ કરવાની યોજના
લુનાર બેઝ ઉપરાંત NASA 2028 સુધીમાં તેનું પહેલું ન્યુક્લિયર પાવર્ડ ઇન્ટરપ્લેનેટરી સ્પેસક્રાફ્ટ “Space Reactor-1 Freedom” લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ સ્પેસક્રાફ્ટ મંગળ પર પહોંચ્યા બાદ Ingenuity જેવા હેલિકોપ્ટર સાથેનું પેલોડ મોકલશે. Ingenuityએ 2021માં અન્ય ગ્રહ પર પ્રથમ નિયંત્રિત ઉડાન ભરીને ઇતિહાસ રચ્યો હતો. NASAનો આ પ્રોજેક્ટ માત્ર ચંદ્ર સુધી સીમિત નથી, પરંતુ ભવિષ્યના સ્પેસ એક્સપ્લોરેશન માટે મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. ચંદ્ર પર કાયમી બેઝ બનાવવાથી માનવજાત માટે અંતરિક્ષમાં નવી શક્યતાઓ ઉભી થશે.


