WhatsApp New Feature: WhatsApp હાલમાં Android યુઝર્સને તેમની લિંકડ ડિવાઇસની એક્ટિવિટી પર નજર રાખવામાં મદદરૂપ થવા માટે એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે. આ અપડેટથી યુઝર્સને 'Linked Devices' પેજ ખોલ્યા વગર જ પોતાની સુરક્ષા મેનેજ કરવી વધુ સરળ બનશે. આ સુવિધાને 'Activity for linked devices' નામ આપવામાં આવ્યું છે અને હાલમાં તેના પર કામ ચાલી રહ્યું છે. એક વાર તે પૂરું થયા બાદ તેને બીટા ટેસ્ટિંગ માટે ઉપલબ્ધ કરવામાં આવશે.
લિંકડ ડિવાઇસ માટે ચેટ લોક
નવા એક્ટિવિટી ટ્રેકિંગ ફીચર સાથે WhatsAppએ લિંકડ ડિવાઇસ માટે ચેટ લોક વિકલ્પનો પણ સમાવેશ કર્યો છે. આ અપડેટ યુઝર્સને તેમના companion ડિવાઇસ પરથી સીધો પાસકોડ સેટ કરીને ચેટને સુરક્ષિત કરવાની સગવડ આપે છે. આ રીતે, જો કોઈ વ્યક્તિ તમારા companion ડિવાઇસ સુધી પહોંચે તો પણ તે તમારી ખાનગી ચેટ્સ વાંચી શકશે નહીં, જ્યાં સુધી તેને તમારો સિક્રેટ કોડ ખબર ન હોય. અત્યાર સુધી મોબાઇલમાં ચેટ લોક હોય તો પણ તેને લેપટોપની એપમાં જોઈ અને વાંચી શકાતી હતી. જોકે હવે દરેક જગ્યાએ તે લોક થઈ જશે.
રીઅલ-ટાઇમ ઓનલાઇન સ્ટેટસ
WhatsApp વર્ષોથી લિંકડ ડિવાઇસ માટે નવી નવી સુવિધાઓ ઉમેરતું આવ્યું છે, જેનાથી વિવિધ પ્લેટફોર્મ પર મિત્રો અને પરિવાર સાથે જોડાવું વધુ સરળ બન્યું છે. જોકે આ ફીચર્સ સાથે યુઝર્સને વધુ સચેત અને જવાબદાર રહેવાની જરૂર પડી રહી હતી. હવે પ્લેટફોર્મ એવા ફીચર પર કામ કરી રહ્યું છે, જે યુઝર્સને જણાવશે કે તેમના કયા ડિવાઇસ હાલમાં સક્રિય છે. આથી યુઝર્સ તેમના એકાઉન્ટ પર વધુ કન્ટ્રોલ રાખી શકે.
આ પણ વાંચો: ભારતમાં દેખાશે 4 ગ્રહોની ગોઠવણી, જાણો ક્યારે અને ક્યાં મળશે બેસ્ટ વ્યૂ
એક સાથે ડિવાઇસનો ઉપયોગ કરવા માટે નોટિફિકેશન
WhatsApp એક વધુ સિક્યોરિટી ફીચર પર કામ કરી રહ્યું છે. યુઝર્સનું એકાઉન્ટ જ્યારે બીજી કોઈ ડિવાઇસ પર શરૂ થશે ત્યારે તેના વિશે યુઝરને નોટિફિકેશન આપીને જણાવવામાં આવશે. યુઝર્સના મેઇન ડિવાઇસ મોબાઇલ પર WhatsAppનો ઉપયોગ થઈ રહ્યો હોય અને એ જ સમયે તેની સાથે લિંકડ લેપટોપ અથવા તો ડેસ્કટોપ શરૂ થશે ત્યારે તેના વિશે યુઝર્સને તરત જ મોબાઇલ પર નોટિફિકેશન મળશે. આ ફીચર કોઈ ખોટી રીતે ડિવાઇસનું એક્સેસ કરતું હશે તો તેને અટકાવવા અને વાતચીતને સુરક્ષિત રાખવા માટે ખૂબ જ મદદરૂપ બનશે.


