Get The App

13 વર્ષથી ઓછી ઉંમરના યુઝર્સ પણ WhatsApp વાપરી શકશે, જાણો શું છે Parent-Managed Accounts

Updated: Mar 12th, 2026

GS TEAM

Google News
Google News
13 વર્ષથી ઓછી ઉંમરના યુઝર્સ પણ WhatsApp વાપરી શકશે, જાણો શું છે Parent-Managed Accounts 1 - image

WhatsApp New Pre-Teen Account: મેટાની મેસેજિંગ એપ WhatsAppએ 13 વર્ષથી ઓછી ઉંમરના યુઝર્સ માટે Parent-Managed Accounts નામનું નવું ફીચર રજૂ કર્યું છે. WhatsAppનું કહેવું છે કે આ ફીચરથી નાની ઉંમરના યુઝર્સ માટે વધુ સુરક્ષિત અને નિયંત્રિત કોમ્યુનિકેશન અનુભવ તેમના માટે ઉપલબ્ધ કરી શકાશે. આ ફીચર શરૂઆતમાં કેટલાક પસંદગીના દેશમાં શરૂ કરવામાં આવશે અને ત્યાર બાદ ધીમે ધીમે અન્ય દેશમાં પણ રજૂ કરવામાં આવશે.

પ્રી-ટીન એકાઉન્ટ કેવી રીતે સેટ કરશો?

Parent-Managed Accounts સાથે એડવાન્સ પેરેન્ટલ કન્ટ્રોલ્સ અને પ્રાઇવસી સેટિંગ્સ આપવામાં આવશે. પ્રી-ટીન એકાઉન્ટ સેટ કરવા માટે માતા-પિતા અથવા ગાર્ડિયનને બંને ડિવાઇસ પર QR કોડ દ્વારા ઓથન્ટિકેશન કરવું પડશે. સેટઅપ દરમિયાન માતા-પિતા બાળક જે પણ ફીચરનો ઉપયોગ કરે છે એ વિશે એલર્ટ સેટ કરી શકશે. એમાં કોન્ટેક્ટ ઉમેરવા અથવા બ્લોક કરવું, પ્રોફાઇલ માહિતી બદલવી, નવા ચેટ રિક્વેસ્ટ મળવા તથા ગ્રુપમાં જોડાવા અથવા બહાર નીકળવાની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.

માતા-પિતા માટે વધારાના એક્ટિવિટી એલર્ટ્સ

ડિફોલ્ટ એલર્ટ ઉપરાંત માતા-પિતા પોતાની ઇચ્છાથી અન્ય એક્ટિવિટી એલર્ટ્સ પણ ચાલુ કરી શકશે. તેમાં પ્રી-ટીનનું નામ અથવા પ્રોફાઇલ ફોટો બદલાય ત્યારે, નવા ચેટ રિક્વેસ્ટ આવે ત્યારે, ગ્રુપ એક્ટિવિટી થાય ત્યારે અથવા ચેટ તથા કોન્ટેક્ટ ડિલીટ થાય ત્યારે સૂચના મળશે. એટલે કે કોઈ ચેટ ડિલીટ કરવામાં આવી હોય તો પણ એની માહિતી માતા-પિતાને મળી જશે. આ તમામ સેટિંગ્સ છ અંકના PIN દ્વારા સુરક્ષિત રહેશે, જે માતા-પિતા પોતાના ડિવાઇસ પરથી સેટ અથવા બદલી શકશે. WhatsAppએ સ્પષ્ટ કર્યું છે કે Parent-Managed Accountsમાં Meta AI, Channels અને Status જેવા ફીચર્સ ઉપલબ્ધ નહીં હોય.

એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનનો સમાવેશ

કંપનીએ જણાવ્યું છે કે Parent-Managed Accounts પર થતી તમામ ચેટ્સ અને કોલ્સ End-to-End Encrypted રહેશે. અજાણ્યા કોન્ટેક્ટમાંથી મેસેજ આવશે ત્યારે પ્રી-ટીનને Context Card દેખાશે, જેમાં મોકલનાર સાથે કોઈ કોમન ગ્રુપ છે કે નહીં અને તે કયા દેશનો છે તેની માહિતી મળશે. યુઝર્સ અજાણ્યા નંબરથી આવતા કોલ્સને મ્યૂટ પણ કરી શકશે. વધારાની સુરક્ષા માટે એપ અજાણ્યા કોન્ટેક્ટમાંથી આવેલા ઈમેજીસને આપમેળે બ્લર પણ કરશે. આથી બાળકોને કોઈ એડલ્ટ કન્ટેન્ટ મોકલવામાં આવશે તો પણ એ જોઈ નહીં શકાય.

ચેટ રીક્વેસ્ટ માટેનું અલગથી ફોલ્ડર

Parent-Managed Accountsમાં તમામ ચેટ રીક્વેસ્ટ અલગ ફોલ્ડરમાં જોવા મળશે. એને પણ Parent PIN દ્વારા સુરક્ષિત રાખવામાં આવશે. ગ્રુપ ઇન્વાઇટ લિંક્સ માટે પણ આ જ સિસ્ટમ લાગુ પડશે. માતા-પિતા રીક્વેસ્ટ એક્સેપ્ટ કરવા પહેલાં ગ્રુપ વિશેની માહિતી, જેમ કે સભ્યોની સંખ્યા અને એડમિનની વિગતો, જોઈ શકશે.

આ પણ વાંચો: લેપટોપની કિંમતોમાં આ વર્ષે થઈ શકે છે 35% સુધીનો વધારો, જાણો કારણ…

સ્ટાન્ડર્ડ એકાઉન્ટમાં ટ્રાન્ઝિશન

પ્રી-ટીન યુઝર્સ મોટી ઉંમરે પહોંચશે ત્યારે તેમને પોતાના એકાઉન્ટને સ્ટાન્ડર્ડ એકાઉન્ટમાં બદલીવાની સૂચના મળશે. WhatsAppએ જણાવ્યું છે કે ભવિષ્યમાં એવું ફીચર પણ ઉમેરાશે જેમાં માતા-પિતા આ ટ્રાન્ઝિશનને 12 મહિના સુધી મુલતવી રાખી શકશે. કંપની હાલમાં આ ફીચરનું રોલઆઉટ પસંદગીના દેશમાં શરૂ કરી રહી છે અને આગામી મહિનાઓમાં તેને દુનિયાભરમાં રિલીઝ કરવાની યોજના ધરાવે છે.