Laptop Price WilL Increase: કોઈ પણ વ્યક્તિ નજીકના ભવિષ્યમાં લેપટોપ અથવા ડેસ્કટોપ ખરીદવાની યોજના બનાવી રહ્યા હો તો તેમને મોટા ભાવવધારા માટે તૈયાર રહેવું પડશે. માર્કેટ એક્સપર્ટના જણાવ્યા અનુસાર આ ડિવાઇસની કિંમતમાં 35 ટકા સુધીનો વધારો જોવા મળી શકે છે. આ માટેનું મુખ્ય કારણ DDR RAMની વધતી કિંમતો અને એન્ટ્રી લેવલ Intel પ્રોસેસરની અછત જવાબદાર માનવામાં આવી રહી છે. ભાવવધારાના કારણે ગ્રાહકોની ખરીદ શક્તિ પર અસર પડી શકે છે અને કુલ PC શિપમેન્ટમાં ઘટાડો પણ નોંધાઈ શકે છે.
RAMના ભાવમાં 2.5થી 3 ગણો ઉછાળો
ડિવાઇસ માટે જરૂરી મટિરિયલની કિંમતો વધતા તેની સીધી અસર માર્કેટ પર જોવા મળી રહી છે. AI આવ્યું ત્યારથી લઈને આજ સુધી RAMના ભાવમાં 2.5થી 3 ગણો વધારો નોંધાયો છે. તેના કારણે અત્યાર સુધી લેપટોપ અને ડેસ્કટોપની કિંમતોમાં અંદાજે 10થી 12 ટકાનો વધારો થઈ ચૂક્યો છે. માર્ચ દરમિયાન વધુ 8થી 10 ટકા વધારો થવાની શક્યતા છે. આગામી કેટલાક મહિનાઓમાં મટિરિયલના ખર્ચમાં વધારો ચાલુ રહેતા વધુ 10 ટકા જેટલો ભાવવધારો થવાના એંધાણ છે.
એન્ટ્રી લેવલ ડિવાઇસની કિંમતો ઝડપથી વધી
વધતા ખર્ચના કારણે જે ડિવાઇસ પહેલાં 30,000થી 35,000 રૂપિયા વચ્ચે મળતી હતી તે હવે 45,000 રૂપિયાની નજીક પહોંચી ગઈ છે. તેના કારણે વિદ્યાર્થીઓ, ઘરેલુ યુઝર્સ અને પ્રથમ વખત લેપટોપ ખરીદનારાઓ માટે અપગ્રેડ કરવું મુશ્કેલ બની ગયું છે. એક્સપર્ટ અનુસાર આગામી છથી સાત ત્રિમાસિક સુધી સતત કિંમતોમાં વધારો ચાલુ રહી શકે છે. 2027ના પહેલાં છ મહિના સુધી બજાર સ્થિર થવાની શક્યતા ખૂબ જ ઓછી છે. પરિણામે કેટલાક ગ્રાહકો ખરીદી અગાઉથી કરવાની પસંદગી કરી શકે છે.
PC અને લેપટોપ શિપમેન્ટમાં ઘટાડાની શક્યતા
વધતી કિંમતોને કારણે ગ્રાહકોની માંગ ઓછી થઈ શકે છે. 2026ના અંત સુધી PC તથા લેપટોપ શિપમેન્ટમાં ઘટાડો નોંધાઈ શકે છે. એક રિપોર્ટ અનુસાર ગ્રાહક અને કોમર્શિયલ બંને PC સેગમેન્ટમાં વર્ષ દર વર્ષે આશરે 7થી 8 ટકા ઘટાડો જોવા મળી શકે છે. વધતા ખર્ચને કારણે ઘણા ગ્રાહકો ખરીદી કરવાનું ટાળે છે.
AI ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે રેમ થઈ મોંઘી
રેમના ભાવમાં ઉછાળાનું મુખ્ય કારણ AI ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વધતી માંગ હોવાનું માનવામાં આવે છે. તેના કારણે સપ્લાય વધુ નફાકારક સર્વર અને હાઈ બેન્ડવિડ્થ મેમરી સેગમેન્ટ તરફ વળી રહી છે. આ ટ્રેન્ડના કારણે વૈશ્વિક સ્તરે ડિવાઇસ ઉત્પાદકો માટે બિલ ઓફ મટિરિયલનો ખર્ચ વધી રહ્યો છે. પરિણામે એન્ટ્રી લેવલ ગ્રાહકો ખરીદી મોડું કરી શકે છે અથવા ઓછા સ્પેસિફિકેશનવાળા મોડેલ પસંદ કરી શકે છે. દરેક કંપની હવે એન્ટ્રી લેવલ રેમ બનાવવા કરતાં વધુ નફો મળતાં ડેટા સેન્ટર માટેના કોમ્પોનેન્ટ્સ બનાવી રહી છે.
આ પણ વાંચો: વોટ્સએપ પર Meta AI સાથે ચેટ કરવા માટે ટૂંક સમયમાં ચૂકવવા પડશે પૈસા, જાણો વિગત…
ગ્રાહકો માટે વિકલ્પ શોધી રહી છે કંપનીઓ
ભાવવધારાની અસર ઘટાડવા માટે કંપનીઓ વિવિધ ઉપાયો અજમાવી રહી છે. એક્સપર્ટના જણાવ્યા મુજબ બ્રાન્ડ્સ પ્રોડક્ટ કન્ફિગરેશનમાં ફેરફાર, પ્રમોશનલ ઓફર્સ અને ફાઇનાન્સિંગ સ્કીમ્સ જેવા વિકલ્પો અપનાવી રહી છે જેથી માંગ જળવાઈ રહે. કેટલીક કંપનીઓ તો રેમ વગર પણ લેપટોપ વેચી રહી છે જેથી યુઝર તેમની ઇચ્છા અનુસારની રેમ પસંદ કરી શકે. કિંમત વધવા છતાં ગેમિંગ, ક્રિએટર અને એન્ટરપ્રાઇઝ યુઝર્સ જેવા પ્રીમિયમ સેગમેન્ટમાં માંગ સ્થિર રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


