WhatsApp Introduce New Feature: Metaની લોકપ્રિય મેસેજિંગ એપ WhatsAppએ તેના 'Writing Help' ફીચરમાં મોટું અપડેટ જાહેર કર્યું છે. આ નવા અપડેટમાં હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરીને ચેટ મુજબ જરૂરી રિપ્લાય આપવાની સુવિધા આપવામાં આવી છે. પ્લેટફોર્મ પર યુઝર એક્સપિરિયન્સ સુધારવા માટે આ ફીચર અન્ય નવા અપડેટ્સ સાથે રજૂ કરવામાં આવ્યું છે.
ગયા વર્ષે લોન્ચ થયું હતું 'Writing Help' ફીચર
'Writing Help' ફીચર પ્રથમ વખત ગયા વર્ષના ઓગસ્ટ મહિનામાં રજૂ કરવામાં આવ્યું હતું. આ ફીચર યુઝર્સને મેસેજને ફરી લખવા, પ્રૂફરીડ કરવા અથવા તેના ટોનમાં ફેરફાર કરવા મદદ કરે છે. હવે તેના નવા અપડેટમાં યુઝર્સને ચોક્કસ રિપ્લાય આપવા માટે AI આધારિત સૂચનો આપવામાં આવશે. જોકે કેટલાક યુઝર્સ માટે AI દ્વારા જનરેટ થયેલા રિપ્લાય કરતા મિત્રો અને પરિવાર સાથેના સ્વાભાવિક સંવાદ વધુ પસંદગીના રહી શકે છે.
AI રિપ્લાય ફીચર કેવી રીતે ઉપયોગ કરશો?
નવા ફીચર સાથે પણ WhatsAppએ ખાતરી આપી છે કે યુઝર્સની ચેટ્સ સંપૂર્ણ રીતે પ્રાઇવેટ રહેશે. આ ફીચરનો ઉપયોગ કરવા માટે યુઝર્સે ચેટ બારમાં ટેપ કરવું પડશે, ત્યાર બાદ ટાઈપિંગ ફીલ્ડમાં સ્ટિકર્સ આઇકન પસંદ કરવું અને પછી AI આઇકન પર ટેપ કરીને આ ફીચરનો ઉપયોગ કરી શકાય છે.
WhatsAppના અન્ય નવા ફીચર્સ
AI આધારિત મેસેજ ડ્રાફ્ટિંગ ફીચર ઉપરાંત WhatsAppએ વધુ એક ઉપયોગી ફીચર રજૂ કર્યું છે, જેના દ્વારા યુઝર્સ ચેટમાં મોટા ફાઇલ્સ શોધીને ડિલીટ કરી શકે છે અને સ્ટોરેજ ખાલી કરી શકે છે. સાથે જ Meta AIનો ઉપયોગ કરીને હવે યુઝર્સ સીધા ચેટમાં ફોટો એડિટિંગ પણ કરી શકશે. આ ફીચર દ્વારા ઇમેજમાંથી અનિચ્છનીય ભાગ દૂર કરવો, બેકગ્રાઉન્ડ બદલવો અથવા નવા સ્ટાઇલ્સ અપ્લાય કરવાનું શક્ય બનશે.
આ પણ વાંચો: ChatGPT અને Claude ચેટ્સ હવે Geminiમાં ઇમ્પોર્ટ કરી શકાશે, Google લાવ્યું મોટું અપડેટ
iOS અને Android વચ્ચે ચેટ ટ્રાન્સફર સરળ
એક અન્ય મોટા અપડેટ તરીકે WhatsApp હવે યુઝર્સને iOSથી Androidમાં ચેટ હિસ્ટ્રી ટ્રાન્સફર કરવાની સુવિધા આપે છે. આ ફીચર એક જ પ્લેટફોર્મ પર પણ કામ કરે છે, જેના કારણે યુઝર્સ માટે ડિવાઇસ બદલવું વધુ સરળ બનશે અને મહત્વપૂર્ણ ચેટ્સ ગુમાવવાની ચિંતા નહીં રહે. આ સાથે જ iOS યુઝર્સ એક જ ડિવાઇસમાં બે અલગ WhatsApp એકાઉન્ટ સાથે લોગિન પણ કરી શકશે.


