Science & Technology

વપરાયેલો ફોન ખરીદતાં પહેલાં કે ફોન ખોવાઈ જાય ત્યારે શું કરવું? આ સરકારી અને ગ્લોબલ ટૂલ્સ આપશે પૂરી સુરક્ષા

By GS Team
12 Sep 20266 mins read
TukuTouch Logo
ડિજિટલ યુગમાં સ્માર્ટફોન સુરક્ષા માટે 3 મહત્ત્વપૂર્ણ પ્લેટફોર્મ ઉપલબ્ધ છે. 'Have I Been Pwned' (HIBP) ઇમેઇલ અને પાસવર્ડ લીક થયા છે કે નહીં તે તપાસે છે. ભારત સરકારનું CEIR પોર્ટલ (sancharsaathi.gov.in) ચોરાયેલા મોબાઇલને બ્લોક કરી ટ્રેસ કરે છે. IMEI Check Pro (imeicheckpro.com) ફોનના બ્લેકલિસ્ટ સ્ટેટસ, વોરંટી અને ઓરિજિનલ વિગતો ચકાસવા માટેનું વૈશ્વિક ટૂલ છે. આ પ્લેટફોર્મ્સ નાગરિકોને સાયબર ફ્રોડ અને મોબાઇલ ચોરીથી બચાવવામાં મદદરૂપ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વપરાયેલો ફોન ખરીદતાં પહેલાં કે ફોન ખોવાઈ જાય ત્યારે શું કરવું? આ સરકારી અને ગ્લોબલ ટૂલ્સ આપશે પૂરી સુરક્ષા

Secure Your Digital World: આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન અને ઇન્ટરનેટ માત્ર સંચારનું સાધન નથી રહ્યા, પરંતુ આપણી નાણાકીય લેવડદેવડ, અંગત ફોટોગ્રાફ્સ, સોશિયલ મીડિયા અને સંવેદનશીલ દસ્તાવેજોનું કેન્દ્ર બની ગયા છે. ટેકનોલોજી જેટલી ઝડપથી આગળ વધી રહી છે, તેટલી જ ઝડપથી સાયબર ફ્રોડ, ડેટા હેકિંગ અને સ્માર્ટફોન ચોરીના કેસોમાં પણ ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે. મોટાભાગના સામાન્ય નાગરિકોને એ ખ્યાલ જ નથી હોતો કે તેમનો ઇમેઇલ કે પાસવર્ડ ડાર્ક વેબ પર લીક થઈ ચૂક્યો છે, અથવા નવો કે જૂનો મોબાઇલ ખરીદતી વખતે તે અસલી છે કે ચોરીનો.

આ ગંભીર સમસ્યાઓ સામે સામાન્ય યૂઝરને રક્ષણ આપવા માટે વૈશ્વિક સ્તરે અને ભારત સરકાર દ્વારા ઉપલબ્ધ આ 3 પ્લેટફોર્મ દરેક નાગરિક માટે અત્યંત મહત્ત્વપૂર્ણ સાબિત થાય છે:

  1. Have I Been Pwned – ઓનલાઇન ડેટા બ્રીચ અને પાસવર્ડ ચોરીની તપાસ માટેનું ગ્લોબલ ટૂલ.
  2. Central Equipment Identity Register (CEIR / Sanchar Saathi) – ચોરાયેલા કે ખોવાયેલા મોબાઇલને દેશભરમાં બ્લોક અને ટ્રેસ કરવા માટે ભારત સરકારનું સત્તાવાર પોર્ટલ.
  3. IMEI Check Pro – સ્માર્ટફોનની ઓરિજિનલ વિગતો, બ્લેકલિસ્ટ સ્ટેટસ, વોરંટી, કેરિયર લોક અને હાર્ડવેર માહિતી ચકાસવા માટેનું એડવાન્સ્ડ ડાયગ્નોસ્ટિક પ્લેટફોર્મ.

આ ત્રણેય પ્લેટફોર્મ્સ શું કામ કરે છે, તેમાં કયાં-કયાં ખાસ ફીચર્સ ઉપલબ્ધ છે અને તેનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો તેની ઊંડાણપૂર્વકની વિગતો નીચે મુજબ છે:

1. 'Have I Been Pwned' (HIBP) – તમારો પર્સનલ ડેટા કે પાસવર્ડ લીક થયો છે કે નહીં તે જાણો

'Have I Been Pwned' (haveibeenpwned.com) એક વૈશ્વિક સ્તરે અગ્રણી અને ફ્રી સાયબર સિક્યોરિટી પોર્ટલ છે. આ પ્લેટફોર્મની સ્થાપના જાણીતા સાયબર સિક્યોરિટી એક્સપર્ટ ટ્રોય હન્ટ દ્વારા વર્ષ 2013માં કરવામાં આવી હતી. ટેક જગતમાં 'Pwned' શબ્દનો અર્થ હેકર્સ દ્વારા કોઈ સિસ્ટમ, વેબસાઇટ કે વ્યક્તિગત એકાઉન્ટ પર અનધિકૃત કબજો મેળવવો થાય છે. પ્લેટફોર્મના મુખ્ય ફીચર્સ:

ઇમેઇલ અને ફોન નંબર ડેટાબેઝ સર્ચ: હોમપેજ પર આપેલા સર્ચ બારમાં યૂઝરે માત્ર પોતાનું ઇમેઇલ આઇડી કે ફોન નંબર દાખલ કરવાનું રહે છે. ‘Good news — no pwnage found’ જો તમારો ડેટા સંપૂર્ણ સુરક્ષિત હશે અને તે કોઈ હેકિંગ લિસ્ટમાં નહીં હોય, તો સ્ક્રીન પર લીલા રંગમાં ક્લીન-ચિટ મેસેજ જોવા મળશે. 'Oh no — pwned!’, જો તમારો ડેટા કોઈ પ્લેટફોર્મ પરથી ચોરાયો હશે, તો લાલ રંગમાં એલર્ટ આવશે અને નીચે વિગતવાર માહિતી મળશે કે કઈ સાલમાં, કઈ સર્વિસ પરથી તમારો ડેટા લીક થયો હતો તથા તેમાં પાસવર્ડ, જન્મતારીખ, નામ કે IP એડ્રેસ જેવી કઈ વિગતો સામેલ હતી.

17,800,000,000થી વધુ રેકોર્ડ્સ: આ પોર્ટલ પર 1,034થી વધુ પૉન્ડ વેબસાઇટ્સ અને અંદાજે 17,805,159,840 જેટલા કૉમ્પ્રોમાઇઝ્ડ ઇમેઇલ એડ્રેસનો વિશાળ ડેટાબેઝ ઉપલબ્ધ છે.

પોન્ડ પાસવર્ડ્સ: તમે વાપરી રહ્યા છો તે પાસવર્ડ અગાઉ ક્યારેય હેકર્સના હાથમાં ગયો છે કે નહીં તે અહીં જાણી શકાય છે. અહીં k-Anonymity મોડેલ અને ગાણિતિક હેશિંગ (SHA-1) પદ્ધતિ વપરાય છે, જેથી તમારો સાચો પાસવર્ડ ક્યારેય પ્લેન ટેક્સ્ટમાં વેબસાઇટ પર સબમિટ થતો નથી.

પેસ્ટ રેકોર્ડ્સ ટ્રેકિંગ: Pastebin જેવી પબ્લિક ટેક્સ્ટ-શેરિંગ સાઇટ્સ પર લીક થયેલા પબ્લિક ડેટા ડમ્પ્સને પણ આ ટૂલ સ્કેન કરીને યૂઝરને એલર્ટ કરે છે.

નોટિફાય મી સર્વિસ: યૂઝર પોતાનું ઇમેઇલ એડ્રેસ રજિસ્ટર કરી શકે છે. ભવિષ્યમાં જો કોઈ નવી ડેટા બ્રીચમાં તે ઇમેઇલ જોવા મળશે, તો સિસ્ટમ તુરંત જ યૂઝરને એલર્ટ મોકલી આપશે જેથી તેઓ તાત્કાલિક પાસવર્ડ બદલી શકે.

2. ભારત સરકારનું CEIR પોર્ટલ – ચોરાયેલો સ્માર્ટફોન બની જશે નકામો ડબ્બો

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) અને સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સ (C-DOT) દ્વારા સંચાલિત CEIR (ceir.sancharsaathi.gov.in)એ ભારત સરકારના 'સંચાર સાથી' પ્રોજેક્ટ હેઠળનું એક મહત્ત્વપૂર્ણ સુરક્ષા પોર્ટલ છે. આ પોર્ટલનો મુખ્ય હેતુ દેશમાં સ્માર્ટફોનની ચોરી અને તેના ગેરકાયદેસર વેપારને અટકાવવાનો છે.

સત્તાવાર આંકડા અનુસાર, દેશભરમાં આ પોર્ટલ દ્વારા 59,13,757થી વધુ ચોરાયેલા કે ખોવાયેલા મોબાઇલ ફોન બ્લોક કરવામાં આવ્યા છે અને 36,81,753થી વધુ મોબાઇલ સફળતાપૂર્વક ટ્રેસ થયા છે. એકલા ગુજરાતમાં જ 2,22,467 મોબાઇલ બ્લોક કરાયા છે અને 1,38,785 હેન્ડસેટ ટ્રેસ કરી શકાયા છે. CEIR પોર્ટલનાં મુખ્ય ફીચર્સ અને ઉપયોગ:

ચોરાયેલા/ખોવાયેલા મોબાઇલને બ્લોક કરવો: જો તમારો ફોન ચોરાઈ જાય, તો સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાવ્યા બાદ CEIR પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી શકાય છે. પોલીસ ફરિયાદની નકલ, ઓળખનો પુરાવો અને ફોન ખરીદીનું ઇન્વોઇસ અપલોડ કરીને રિક્વેસ્ટ સબમિટ કરતાં જ 24 કલાકમાં તે હેન્ડસેટ સમગ્ર ભારતના તમામ ટેલિકોમ નેટવર્ક્સ પર સંપૂર્ણપણે બ્લોક થઈ જાય છે. ચોર ભલે ગમે તે નવું સિમ કાર્ડ નાખે, ફોનમાં નેટવર્ક આવશે નહીં.

પોલીસ ટ્રેસિંગ ચાલુ રહે છે: ફોન બ્લોક થઈ ગયા પછી પણ પોર્ટલની સેન્ટ્રલ સિસ્ટમ પોલીસ તંત્રને તેનું લોકેશન ટ્રેસ કરવામાં મદદરૂપ બને છે. જેવો કોઈ તે ડિવાઇસમાં નવું સિમ નાખશે, તરત જ સિસ્ટમ એલર્ટ જનરેટ કરશે.

મળી ગયા પછી અનબ્લોક કરવાની સુવિધા: જ્યારે પોલીસ અથવા યૂઝરને પોતાનો ગુમ થયેલો ફોન પરત મળી જાય, ત્યારે પોર્ટલ પર રિક્વેસ્ટ આઇડી દાખલ કરીને ફોનને ફરીથી ચાલુ કરી શકાય છે.

નવો કે જૂનો ફોન ખરીદતાં પહેલાં ચકાસણી: કોઈપણ વ્યક્તિ સેકન્ડ-હેન્ડ મોબાઇલ ખરીદતી વખતે તે ફોન અસલી છે કે બ્લેકલિસ્ટેડ તે જાણી શકે છે. ફોનમાંથી *#06# ડાયલ કરીને 15 અંકનો IMEI નંબર મેળવી, મેસેજ બોક્સમાં KYM <15 અંકનો IMEI> લખીને 14422 પર SMS મોકલવાથી હેન્ડસેટની સત્તાવાર વિગતો મળી જાય છે.

3. IMEI Check Pro – સ્માર્ટફોનની કુંડળી તપાસવાનું વૈશ્વિક ટૂલ

નવો કે સેકન્ડ-હેન્ડ સ્માર્ટફોન (ખાસ કરીને Apple iPhone, Samsung કે અન્ય પ્રીમિયમ ડિવાઇસ) ખરીદતી વખતે છેતરપિંડીથી બચવા માટે IMEI Check Pro (imeicheckpro.com) એક અતિ ઉપયોગી ઇન્ટરનેશનલ ડિવાઇસ વેરિફિકેશન ટૂલ છે. મોબાઇલ ફોનનો 15 અંકનો IMEI (International Mobile Equipment Identity) નંબર એ ડિવાઇસની યુનિક ઓળખ હોય છે, જેના આધારે આ પ્લેટફોર્મ ઊંડાણપૂર્વકનું ટેકનિકલ એનાલિસિસ પૂરું પાડે છે. IMEI Check Proનાં મુખ્ય ફીચર્સ:

ગ્લોબલ બ્લેકલિસ્ટ સ્ટેટસ: આ ટૂલ આંતરરાષ્ટ્રીય GSMA ડેટાબેઝ સાથે કનેક્ટ થઈને ચકાસે છે કે ઉપકરણ વિશ્વભરના કોઈ ટેલિકોમ ઓપરેટર દ્વારા ચોરી, બાકી પેમેન્ટ કે લોન ડિફોલ્ટને કારણે બ્લેકલિસ્ટ કરવામાં આવ્યું છે કે નહીં.

iCloud અને Find My Lock સ્ટેટસ: સેકન્ડ-હેન્ડ iPhone ખરીદતી વખતે સૌથી મોટો ખતરો iCloud લોકનો હોય છે. આ પ્લેટફોર્મ તાત્કાલિક દર્શાવે છે કે ફોનમાં 'Find My iPhone' ચાલુ છે કે બંધ, તેમજ ઉપકરણ 'Lost/Stolen Mode'માં મુકાયેલું છે કે નહીં.

સિમ લોક અને નેટવર્ક કેરિયર સ્ટેટસ: વિદેશથી આવતા ફોન ઘણીવાર ચોક્કસ કંપનીના નેટવર્ક (જેમ કે AT&T, T-Mobile, Verizon) સાથે લૉક હોય છે. IMEI Check Pro સ્પષ્ટ વિગત આપે છે કે હેન્ડસેટ 'Carrier Locked' છે કે ફેક્ટરી અનલૉક્ડ, જેથી ભારતમાં તમામ સિમ કાર્ડ ચાલી શકે.

ઓરિજિનલ મોડેલ અને હાર્ડવેર સ્પેસિફિકેશન્સ: બજારમાં ડુપ્લિકેટ ફોનની ભરમાર છે. આ ટૂલમાં IMEI દાખલ કરતાં જ ઉપકરણનું સાચું મોડેલ, ઉત્પાદન તારીખ, મૂળ સ્ટોરેજ ક્ષમતા, કલર અને ઓરિજિનલ સીરીયલ નંબર સામે આવી જાય છે.

વોરંટી અને એક્ટિવેશન સ્ટેટસ: ઉપકરણ ક્યારે એક્ટિવેટ થયું હતું, તેની ઓફિશિયલ બ્રાન્ડ વોરંટી હજુ માન્ય છે કે નહીં તે જાણી શકાય છે, જેથી ખરીદનાર છેતરાતો નથી.

ડિજિટલ અને મોબાઇલ સુરક્ષા માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો:

  1. તમારા સ્માર્ટફોનનો 15 અંકનો IMEI નંબર હંમેશાં નોંધીને સુરક્ષિત જગ્યાએ રાખો.
  2. કોઈપણ વપરાયેલો ફોન ખરીદતાં પહેલાં CEIR પોર્ટલ અને IMEI Check Pro પર તેનું IMEI સ્ટેટસ ફરજિયાત ચકાસો.
  3. દર 3 કે 6 મહિને 'Have I Been Pwned' પર તમારા પ્રાથમિક ઇમેઇલ એકાઉન્ટ્સ ચેક કરતા રહો.
  4. સોશિયલ મીડિયા, ઇમેઇલ અને ઓનલાઇન બેન્કિંગ માટે ક્યારેય એકસરખો પાસવર્ડ ન રાખો અને હંમેશાં ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન (2FA) ચાલુ રાખો.