| AI Image |
Pentagon UFO Files: અમેરિકાના પેન્ટાગોન દ્વારા છેલ્લા 80 વર્ષ દરમિયાન થયેલા અજ્ઞાત ઉડતી વસ્તુઓ એટલે કે અનઆઇડેન્ટિફાઇડ ફ્લાઇંગ ઓબ્જેક્ટ્સ (UFOs) જોવા મળ્યા હોય એને સંબંધિત 162 ફાઇલો જાહેર કરી છે. આ પગલું ત્યારે લેવામાં આવ્યું જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બે દિવસ પહેલાં સંકેત આપ્યા હતા કે આ માહિતીમાંથી કેટલીક બાબતો જનતા માટે “ખૂબ જ રસપ્રદ” રહેશે. આ જાહેરખબર ફેબ્રુઆરીમાં જારી કરાયેલા રાષ્ટ્રપતિના આદેશ પછી કરવામાં આવી છે, જેમાં એલિયન અને પૃથ્વી બહારના જીવન, UAPs અને UFOs વિશે પારદર્શિતા લાવવા કહેવામાં આવ્યું હતું.
UFO ગોપનીયતા દૂર કરવાની પહેલ
ટ્રમ્પના આદેશ પહેલાંથી જ પેન્ટાગોન UFOs અથવા અજ્ઞાત અસામાન્ય ઘટનાઓ એટલે કે અનએક્સપ્લેન્ડ એનોમલસ ફીનોમીના (UAP) સંબંધિત સરકારી દસ્તાવેજોને જાહેર કરવા અને ગોપનીયતા દૂર કરવા માટે વર્ષોથી કાર્ય કરી રહ્યું હતું. 2023 સુધી All-domain Anomaly Resolution Office (AARO)નું નેતૃત્વ કરનાર ભૌતિકશાસ્ત્રી અને સિક્રેટ અધિકારી શોન કિર્કપેટ્રિકે આ રેકોર્ડ્સ જોયા છે. તેમનું માનવું છે કે તેમાં એલિયન્સ અથવા એલિયન ટેક્નોલોજી વિશે કોઈ મોટા ખુલાસા નથી.
એલિયન ટેક્નોલોજી જોવા મળ્યાનો કોઈ પુરાવો નથી
AAROના 2024ના પ્રથમ રિપોર્ટમાં સૈંકડો નવા UAP બનાવોની નોંધ કરવામાં આવી હતી, પરંતુ તેમાં એવા કોઈ પુરાવા મળ્યા નથી કે અમેરિકી સરકારે એલિયન ટેક્નોલોજી જોવાની પુષ્ટિ કરી હોય. તાજેતરમાં જે પણ જોવામાં આવ્યા છે એને બીજા રિપોર્ટમાં ટૂંક સમયમાં જાહેર કરવાની અપેક્ષા છે. શોન કિર્કપેટ્રિકે ચેતવણી આપી હતી કે લોકો આ જાહેરખબરથી કોઈ ચોંકાવનારા દસ્તાવેજો અથવા ફોટોગ્રાફ્સની અપેક્ષા ન રાખે, કારણ કે આવી વસ્તુઓ અસ્તિત્વમાં જ નથી.
નવી UFO વેબસાઇટ પર ક્યારેય ન જોવામાં આવેલી ફાઇલોનો સમાવેશ
અમેરિકાના રક્ષા વિભાગે નવી અને અગાઉ ક્યારેય જાહેર ન થયેલી UFO ફાઇલો જનતા માટે ઉપલબ્ધ કરવા ખાસ વેબસાઇટ શરૂ કરી છે. આ વેબસાઇટ war.gov/ufo પર ઉપલબ્ધ રહેશે અને તેમાં UAP સંબંધિત વીડિયો, ફોટોગ્રાફ્સ અને અમેરિકી સરકારના મૂળ દસ્તાવેજો સામેલ રહેશે. આ વિભાગના નિવેદન મુજબ શરૂઆતમાં જાહેર કરાયેલા આ દસ્તાવેજોની સુરક્ષા સમીક્ષા થઈ ગઈ છે, પરંતુ તેમાંની ઘણી બાબતોનું હજી ચોક્કસ નિરાકરણ થયું નથી.
2017 પછી UAP પ્રત્યે વધેલો રસ
આ દસ્તાવેજોનું જાહેરકરણ ડિસેમ્બર 2017માં The New York Times અને Politico દ્વારા પ્રકાશિત થયેલી રિપોર્ટ બાદ થયું છે, જેમાં Advanced Aerospace Threat Identification Program (AATIP) નામના 22 મિલિયન ડોલરના ગુપ્ત પેન્ટાગોન કાર્યક્રમ વિશે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ સૈન્યના અજ્ઞાત વસ્તુઓ સાથેના સંપર્કોની તપાસ કરી રહ્યો હતો. ત્યારથી UFO માટેનો આધુનિક શબ્દ UAP પ્રત્યે લોકોનો રસ વધ્યો છે અને આપણા આકાશમાં શું હોઈ શકે તે અંગે ચિંતાઓ પણ વધી છે.
UFO ફાઇલ જાહેરખબર આંતર-એજન્સી પહેલનો ભાગ
પેન્ટાગોનની UFO ફાઇલ જાહેરખબર Presidential Unsealing and Reporting System for UAP Encounters (PURSUE) નામની આંતર-એજન્સી પહેલનો ભાગ છે. આ પ્રયાસમાં વ્હાઇટ હાઉસ, Office of the Director of National Intelligence (ODNI), Department of Energy (DOE), DODનું AARO, NASA, FBI અને અન્ય અમેરિકી ગુપ્તચર એજન્સીઓના વિભાગો સામેલ છે.


