Get The App

સોશિયલ મીડિયાને એડિક્ટેડ બનાવવાના કેસમાં Meta અને YouTube દોષી, ₹56.5 કરોડ ચૂકવવા પડશે...

Updated: Mar 26th, 2026

GS TEAM

Google News
Google News
સોશિયલ મીડિયાને એડિક્ટેડ બનાવવાના કેસમાં Meta અને YouTube દોષી, ₹56.5 કરોડ ચૂકવવા પડશે... 1 - image

Meta And YouTube Case: અમેરિકાના Los Angelesમાં એક જ્યુરીએ એક યુવાન મહિલાના પક્ષમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આ મહિલાએ Meta અને YouTube પર આરોપ લગાવ્યો હતો કે બાળપણમાં આ પ્લેટફોર્મ્સના ઉપયોગને કારણે તેને સોશિયલ મીડિયાની લત લાગી હતી. આ જ્યુરીએ ચુકાદો આપ્યો છે કે Instagram, Facebook અને WhatsApp જેવી સેવાઓ આપતી Meta અને YouTubeના માલિક Googleએ જાણી જોઈને એવા પ્લેટફોર્મ બનાવ્યા છે, જે લોકોને એડિક્ટેડ બનાવે છે. જ્યુરીના ચુકાદામાં એ પણ કહેવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયાને કારણે 20 વર્ષની કેલી નામની યુવતીના માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી હતી. કેલીને વળતર તરીકે 60 લાખ અમેરિકન ડોલર એટલે કે અંદાજે લગભગ ₹56.5 કરોડ ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેમાંથી 30 લાખ ડોલર વળતર અને 30 લાખ ડોલર દંડ તરીકે ચૂકવવા કહ્યું છે.

Meta અને Google પર ખોટા રસ્તાના ઉપયોગ કરવાનો આરોપ

જ્યુરીએ જણાવ્યું કે Meta અને Googleએ તેમના પ્લેટફોર્મ માટે ખોટા રસ્તાનો ઉપયોગ કર્યો છે જેના કારણે યુઝર્સને નુકસાન પહોંચી શકે છે. આ ચુકાદા મુજબ કુલ વળતરમાંથી 70% રકમ Meta ચૂકવશે, જ્યારે બાકી 30% Google ચૂકવશે. આ નિર્ણયનો પ્રભાવ અમેરિકાની અદાલતોમાં ચાલી રહેલા આવા અનેક કેસો પર પણ પડી શકે છે.

કંપનીઓએ ચુકાદાને પડકારવાની તૈયારી દર્શાવી

Meta અને Googleએ અલગ-અલગ નિવેદનમાં જણાવ્યું કે તેઓ આ ચુકાદા સાથે સહમત નથી અને તે સામે અપીલ કરશે. Metaએ કહ્યું કે ‘કિશોરોના માનસિક સ્વાસ્થ્ય એક જટિલ મુદ્દો છે અને તેને માત્ર એક એપ સાથે જોડીને જોવો યોગ્ય નથી. તેમ જ અમે અમારો બચાવ ખૂબ જ મજબૂતીથી કરીશું કારણ કે દરેક વસ્તુ એની રીતે અલગ-અલગ હોય છે. બાળકોને ઓનલાઇન પ્રોટેક્ટ કરવા માટે અમારી જવાબદારીને અમે પહેલેથી ખૂબ જ સારી રીતે સમજતા અને પૂરી કરતાં આવ્યાં છીએ.’

Googleના પ્રવક્તાએ જણાવ્યું કે YouTubeને ખોટી રીતે સમજવામાં આવ્યું છે અને તે એક જવાબદાર વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ છે, સોશિયલ મીડિયા સાઇટ નથી.

સોશિયલ મીડિયાને એડિક્ટેડ બનાવવાના કેસમાં Meta અને YouTube દોષી, ₹56.5 કરોડ ચૂકવવા પડશે... 2 - image

કોર્ટની બહાર ઉજવણી

કેલીના કેસમાં સીધા જોડાયેલા ન હોવા છતાં, ઘણા માતા-પિતાએ દાવો કર્યો કે તેમના બાળકો પણ સોશિયલ મીડિયાથી પ્રભાવિત થયા છે. પાંચ અઠવાડિયા ચાલેલી આ ટ્રાયલ દરમિયાન તેઓ અદાલત બહાર હાજર રહ્યા હતા. ચુકાદા બાદ કેટલાક માતા-પિતા ઉજવણી કરતા જોવા મળ્યા. આ ચુકાદો New Mexicoમાં આપવામાં આવેલા એક અન્ય નિર્ણયના એક દિવસ બાદ આવ્યો હતો, જેમાં Metaને બાળકોને જોખમમાં મૂકવા બદલ જવાબદાર ઠેરવવામાં આવી હતી.

એડિક્ટેડ પ્લેટફોર્મ તરીકેનો આરોપ

Australia જેવા દેશોએ બાળકોના સોશિયલ મીડિયા ઉપયોગ પર નિયંત્રણ લગાવ્યું છે. United Kingdom 16 વર્ષથી ઓછી ઉંમરના યુઝર્સ માટે પ્રતિબંધ અંગે પાયલોટ પ્રોગ્રામ ચલાવી રહ્યું છે. આ કેસની સુનાવણી દરમિયાન Mark Zuckerbergએ જણાવ્યું હતું કે 13 વર્ષથી ઓછી ઉંમરના યુઝર્સને પ્લેટફોર્મ વાપરવાની મંજૂરી નથી. જો કે કોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજોમાં જાણવા મળ્યું હતું કે Metaને ખબર હતી કે નાના બાળકો પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યાં છે. ત્યાર બાદ માર્ક ઝકરબર્ગે કહ્યું હતું કે તેઓ હંમેશાંથી કોશિશ કરી રહ્યાં હતાં કે 13 વર્ષથી નાના બાળકોના ઉપયોગને ઓળખવાની પ્રક્રિયાને ઝડપી બનાવવામાં આવે.

આ કેસમાં Google પણ સામેલ હતું, પરંતુ મોટાભાગની દલીલ અને આરોપ Meta પર લગાવવામાં આવ્યા હતાં. Snapchat અને TikTok પણ એમાં સામેલ હતાં. જોકે તેમણે કોર્ટ કેસ શરૂ થાય એ પહેલાં જ કેલી સાથે સેટલમેન્ટ કરી દીધું હતું.

પરિવારથી દૂર થઈ ગઈ હતી કેલી

કેલીએ જણાવ્યું કે તેણે 9 વર્ષની ઉંમરે Instagram અને 6 વર્ષની ઉંમરે YouTubeનો ઉપયોગ શરૂ કર્યો હતો. તેના મુજબ તે સોશિયલ મીડિયા પર એટલી વ્યસ્ત થઈ ગઈ કે પરિવાર સાથેનું કનેક્શન ઓછું થઈ ગયું હતું. તેને 10 વર્ષની ઉંમરે ચિંતા અને ડિપ્રેશનના લક્ષણો દેખાવા લાગ્યા હતા, જેના માટે બાદમાં સારવાર લેવી પડી. વર્ષો બાદ થેરાપિસ્ટ દ્વારા તેનો ઇલાજ થયો હતો. કેલીએ પોતાના દેખાવ અંગે અતિશય ચિંતા કરવાનું શરૂ કર્યું અને Instagramના ફિલ્ટર્સનો ઉપયોગ કરીને પોતાનું રૂપ બદલતી રહેતી હતી. તે તેની નાક નાની અને આંખોને મોટી કરવા માટેના ફિલ્ટરનો ઉપયોગ કરતી હતી. આથી વકીલો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે Instagram અને Facebookને એવી રીતે બનાવવામાં આવ્યા છે કે લોકો ફિલ્ટરનો ઉપયોગ કરે અને સતત કલાકો સુધી સ્ક્રોલ કરતાં રહે જેથી લોકોને એનું એડિક્શન થઈ જાય.

આ પણ વાંચો: વિશ્વભરમાં હજારો યુઝર્સ માટે X ડાઉન, યુઝર્સને પોતાની પોસ્ટ પણ નહોતી દેખાઈ રહી…

અન્ય પણ ઘણાં કેસ કોર્ટમાં પેન્ડિંગ છે

બાળકો પર સોશિયલ મીડિયા પ્રભાવને લઈને Meta અને અન્ય કંપનીઓ સામે ઘણાં કેસ કોર્ટમાં ચાલી રહ્યાં છે. એક કેસ જૂનમાં Californiaની ફેડરલ કોર્ટમાં શરૂ થવાનો છે. આ કેસ પણ પ્લેટફોર્મને કારણે થતા નુકસાન પર કરવામાં આવ્યો છે.