અમર્યાદિત ઊર્જાનો નવો સ્ત્રોત ‘થોરિયમ’, જાણો કઈ રીતે ભારત ઊર્જા ક્ષેત્રે સુપરપાવર બનવા જઈ રહ્યું છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

How will thorium become India's powerhouse?: વર્તમાનમાં ભારત પોતાની મોટાભાગની ઊર્જા જરૂરિયાતો માટે અન્ય દેશો પર નિર્ભર છે. પણ જો આપણો દેશ અચાનક જ ઊર્જા ક્ષેત્રે મહાસત્તા બની જાય તો? દિવાસ્વપ્ન જેવી લાગતી આ વાત હકીકત બની શકે એમ છે. 'થોરિયમ'ના ઉપયોગથી ભારત માટે આ શક્ય બનવા જઈ રહ્યું છે. વિશ્વભરમાં યુરેનિયમની અછત વર્તાઈ રહી છે, ત્યારે સપ્ટેમ્બર 2026માં યોજાયેલી આબોહવા સમિટમાં અગ્રણી પરમાણુ વૈજ્ઞાનિક અને અણુ ઊર્જા આયોગ(AEC)ના પૂર્વ અધ્યક્ષ ડૉ. અનિલ કાકોડકરે એક મહત્ત્વપૂર્ણ સૂચન કર્યું છે. તેમના મતે ભારતે લાંબા ગાળાની ઊર્જા સ્વતંત્રતા મેળવવી હોય તો થોરિયમનો ઉપયોગ કરવાનું શરૂ કરી દેવું જોઈએ. ચાલો જાણીએ કે થોરિયમનો ઉપયોગ કરીને ભારત કઈ રીતે ઊર્જા ક્ષેત્રે સુપરપાવર બની શકે એમ છે.
થોરિયમ શું છે?
થોરિયમ એ કુદરતી રીતે મળી આવતું એક હળવું કિરણોત્સર્ગી(રેડિયોએક્ટિવ) તત્ત્વ છે, જે ભવિષ્યમાં સ્વચ્છ ઊર્જાનો મોટો સ્ત્રોત બની શકે તેમ છે. તેનું રાસાયણિક પ્રતીક Th અને અણુ ક્રમાંક 90 છે.
ત્રણ તબક્કામાં વહેંચાયેલો ભારતનો પરમાણુ કાર્યક્રમ
- તબક્કો 1: કુદરતી યુરેનિયમનો ઉપયોગ કરીને પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર (PHWR) ચલાવવા.
- તબક્કો 2: ફાસ્ટ બ્રીડર રિએક્ટર (FBR) દ્વારા પ્રથમ તબક્કામાંથી મળેલા પ્લુટોનિયમનો ઉપયોગ કરી નવું ઇંધણ બનાવવું.
- તબક્કો 3: ભારતના વિશાળ થોરિયમ ભંડારનો સીધો ઉપયોગ કરી થોરિયમ આધારિત રિએક્ટર દ્વારા ઊર્જા પેદા કરવી.
ડૉ. કાકોડકરનું અનોખું સૂચન
ડૉ. કાકોડકરે આ ક્રમમાં એક ક્રાંતિકારી ફેરફાર સૂચવ્યો છે. તેમણે કહ્યું છે કે ભારતે ત્રીજા તબક્કાની રાહ જોયા વિના, થોરિયમને સીધા જ હાલના PHWR સિસ્ટમમાં સામેલ કરવું જોઈએ. ભારતનું લક્ષ્ય 2047 સુધીમાં 100 GWe (ગીગાવોટ ઈલેક્ટ્રિક) પરમાણુ ક્ષમતા હાંસલ કરવાનું છે, જેમાંથી અડધી ક્ષમતા PHWR ટૅક્નોલૉજી પર આધારિત હશે. ડૉ. કાકોડકરના જણાવ્યા મુજબ, હાલના રિએક્ટરની ડિઝાઇનમાં મોટા ફેરફારો કર્યા વિના તેને થોરિયમ અને HALEU (ખાસ પ્રકારના યુરેનિયમ મિશ્રણ) સાથે આસાનીથી ચલાવી શકાય એમ છે.
થોરિયમની વૈજ્ઞાનિક ખાસિયત
થોરિયમ પોતાની જાતે પરમાણુ પ્રતિક્રિયા(ચેઇન રિએક્શન) શરૂ કરી શકતું નથી. આ માટે તેને યુરેનિયમ અથવા પ્લુટોનિયમ જેવા અન્ય તત્ત્વો સાથે ભેળવવું પડે છે. પરંતુ તેનો સૌથી મોટો ફાયદો એ છે કે તેને વારંવાર રિસાયકલ કરી શકાય છે. રિસાયકલ કરવાથી તેની ઊર્જા ક્ષમતા એકવાર ઉપયોગમાં લેવાતા યુરેનિયમ કરતાં 70થી 100 ગણી વધી જાય છે.
ભારત માટે થોરિયમના અદ્ભુત ફાયદા
આત્મનિર્ભરતા અને વિપુલ ભંડાર: વિશ્વનો 25% થોરિયમ ભંડાર એકલા ભારત પાસે છે, જ્યારે વૈશ્વિક યુરેનિયમ ભંડારના માત્ર 2% જ ભારત પાસે છે. થોરિયમ અપનાવવાથી ભારત ઊર્જા આયાત કરતા દેશમાંથી આત્મનિર્ભર મહાસત્તા બની જશે.
આયાતમાંથી મુક્તિ: અત્યારે ભારત તેની 70%થી વધુ યુરેનિયમ જરૂરિયાત વિદેશથી આયાત કરે છે. તેનાથી વિપરીત, થોરિયમ દેશના દરિયાકાંઠાની અને નદીની રેતીમાં વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે. આનાથી વિદેશી પુરવઠા પરની નિર્ભરતા સંપૂર્ણપણે ખતમ થઈ જશે.
પર્યાવરણ અને સલામતી: થોરિયમ બળતણ ખૂબ જ કાર્યક્ષમ છે. તેમાંથી નીકળતો કિરણોત્સર્ગી કચરો ઘણો ઓછી માત્રામાં હોય છે, અને તે જોખમી પણ ઓછો હોય છે. સુરક્ષા અને સ્વચ્છ ઊર્જાની દૃષ્ટિએ આ અત્યંત સલામત વિકલ્પ છે.
આ દિશામાં અત્યાર સુધી લેવાયેલા ઐતિહાસિક પગલાં
છેલ્લા કેટલાક સમયમાં ભારતે થોરિયમ ટૅક્નોલૉજીમાં મોટી સિદ્ધિઓ મેળવી છે.
- કલ્પક્કમમાં સફળતા: એપ્રિલ 2026માં, તમિલનાડુના કલ્પક્કમ ખાતેના પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર(PFBR)એ ઐતિહાસિક સફળતા મેળવી છે. આ રિએક્ટર થોરિયમનો ઉપયોગ કરીને યુરેનિયમ-233 બનાવે છે, જે ભવિષ્યના ત્રીજા તબક્કાના રિએક્ટરને ચલાવવા માટે અત્યંત જરૂરી છે.
- શાંતિ કાયદો (2025): સરકારે આ કાયદા દ્વારા પ્રથમ વખત ખાનગી કંપનીઓને પરમાણુ ક્ષેત્રમાં કામ કરવાની છૂટ આપી છે. ટાટા પાવર, રિલાયન્સ અને JSW જેવી દેશી કંપનીઓ હવે 'ભારત સ્મોલ રિએક્ટર્સ' (BSRs) બનાવવા માટે ભંડોળ આપી રહી છે.
- આંતરરાષ્ટ્રીય ભાગીદારી: HALEU ટૅક્નોલૉજી મેળવવા અને ભારતમાં પરમાણુ ટૅક્નોલૉજીના ટ્રાન્સફર માટે અમેરિકાની એક અગ્રણી પરમાણુ કંપની અને ભારતની NTPC વચ્ચે મહત્ત્વપૂર્ણ ભાગીદારી શરૂ થઈ ગઈ છે.
- BARCનું કામિની (KAMINI) રિએક્ટર: ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરે આ રિસર્ચ રિએક્ટર સફળતાપૂર્વક શરૂ કર્યું છે. તે સંપૂર્ણપણે થોરિયમમાંથી બનેલા યુરેનિયમ-233 ઇંધણ પર જ ચાલે છે. આ સિદ્ધિએ સાબિત કરી દીધું છે કે ભારતનો થોરિયમ આધારિત ત્રીજો તબક્કો વૈજ્ઞાનિક રીતે 100% શક્ય અને સફળ છે.




