આપણી દુનિયા સાથે ટીવીની દુનિયા પણ બદલાઈ ગઈ છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

તમે AI સાથે રોજ વાત કરવા લાગ્યા?
હજી ચાર-પાંચ વર્ષ પહેલાં, આપણા મનમાં કોઈ સવાલ જાગતો તો જવાબ માટે આપણી આંગળીઓ આપોઆપ ગૂગલ તરફ વળતી. ‘સર્ચ કરવું એટલે ગૂગલિંગ કરવું’ એવું જ થઈ પડ્યું હતું. ગૂગલ સર્ચની આપણી પચીસ-પચીસ વર્ષ જૂની આદત, ગૂગલે પણ ક્યારેય કલ્પના કરી નહીં હોય એટલી ઝડપે બદલાવા લાગી છે.
હવે આપણે બધું એઆઇ ચેટબોટને પૂછવા લાગ્યા છીએ. કેમ કે એ આપણને સીધા જવાબો આપે છે, જાતે કશું ફંફોસવા જવું પડતું નથી!
લોકોની બદલાતી આદત જોઈને ગૂગલે પણ તેના સર્ચ એન્જિનના જૂના સ્વરૂપને સાવ બદલ્યા વિના ‘એઆઇ ઓવરવ્યૂ’ આપવાની શરૂઆત કરી. આપણે સર્ચમાં જ ‘એઆઇ મોડ’માં ચેટબોટ સાથે વાતચીત કરી શકીએ. સર્ચની આપણી આદત બદલાવાનું મુખ્ય કારણ એ છે કે ચેટબોટ આપણા ફ્રેન્ડની જેમ વર્તે છે. એ આપણો પડ્યો બોલ ઝીલે છે ને ફક્ત જવાબો આપવાને બદલે, આપણાં કેટકેટલાંય કામ પણ કરી આપે છે. પરંતુ એઆઇની અસરકારકતાનો બધો આધાર, આપણે તેની સાથે કઈ રીતે વાત કરીએ છીએ એના પર છે.
- ચેટબોટ કેવો ફ્રેન્ડ, ફિલોસોફર કે ગાઇડ બનશે, તેનો આધાર આપણા પર છે
થોડાં વર્ષ પહેલાં આપણે સવાલોના જવાબ મેળવવા માટે કમ્પ્યૂટરમાં, બ્રાઉઝરમાં ગૂગલ પર જવું પડતું. હવે સમય બદલાઈ ગયો છે. તમારા સ્માર્ટફોનમાં ચેટજીપીટી, જેમિનાઇ કે પર્પ્લેક્સિટી જેવી બેચાર એઆઇ એપ્સ તો ગોઠવાઈ જ ગઈ હશે. તમે પણ તમારાં રોજબરોજના જીવનમાં અને દૈનિક કામકાજમાં વિવિધ પ્રકારના એઆઇ ચેટબોટ્સ સાથે વાત કરવા લાગ્યા હશો. એઆઇને પોતાની વધુ પડતી માહિતી આપ્યા વિના તેની પાસેની આપણી અપેક્ષા કઈ રીતે અસરકારક રીતે પૂરી કરી શકાય એ તપાસીએ.
બને તેટલી સ્પષ્ટતા આપવી
એઆઇ સાથે વાત કરતી વખતે પોતાની વાતમાં સ્માર્ટનેસ લાવવાનો પ્રયાસ કરવાને બદલે સીધાસાદા શબ્દોમાં, બને તેટલી સ્પષ્ટતા સાથે પોતાનો મુદ્દો મુકીએ કે અપેક્ષા જણાવીએ તો ચેટબોટ તે ઘણી વધુ સારી રીતે સમજી શકશે અને તેના જવાબોમાં પણ વધુ સ્પષ્ટતા હશે.
ખુલ્લા મને વાત કરવી
કોઈ વાતે અટકી પડ્યા હોઇએ, આગળનો રસ્તો સૂઝતો ન હોય, એ માટે ચેટબોટની સલાહ લેવાનું નક્કી કર્યું હોય ત્યારે આપણી પેલી જૂની ગુજરાતી કહેવત યાદ કરી લેવી - ‘છાશ લેવી હોય તો દોણી સંતાડી ન શકાય’. આપણી મૂંઝવણ ચોખ્ખેચોખ્ખી રીતે એઆઇ ચેટબોટને જણાવી દેવાથી એ સ્થિતિ વધુ સારી રીતે સમજીને આપણું માર્ગદર્શન કરી શકશે. હા, તેને ‘હલૂસિનેશન’ (બેધડક ખોટા જવાબો આપવા)ની તક ન આપવી!
શક્ય એટલા સંદર્ભો આપવા
મોટા ભાગે એવું બને કે આપણે ચેટબોટની સલાહ માગવા ગયા હોઇએ ત્યારે આપણે કશુંક ને કશુંક સર્ચ કરીને કે જોઈને તેની પાસે પહોંચ્યા હોઇએ. આપણે જોયેલી વેબસાઇટ, કોઈ રિસર્ચ કર્યું હોય તો તેનાં પરિણામ, કોઈ ઓફર વિચારી હોય તો તેની વિગતો… આ બધું ચેટબોટને જણાવી દેવું જરૂરી છે. તેને અંધારામાં રાખવાથી કોઈ અર્થ સરશે નહીં. વાસ્તવિક સંદર્ભો આપ્યા હશે તો ચેટબોટના જવાબો પણ વધુ સઘન રહેશે.
સ્પષ્ટ અભિપ્રાય માગવા ઘણી વાર એવું બને કે આપણે દ્વિધામાં હોઇએ - આમ જવું કે તેમ જવું? આ બરાબર કે પેલું બરાબર? આપણું મન બંને તરફ કે એકથી વધુ દિશામાં ખેંચાતું હોય! આ સ્થિતિમાં આપણી દ્વિધા ચેટબોટને માથે નાખવાને બદલે તેની પાસે સ્પષ્ટ અભિપ્રાય માગો. આપણી સામે જેટલા પણ ઓપ્શન્સ હોય તે બધા તેને જણાવીને કહી શકાય કે આમાંથી સૌથી યોગ્ય રસ્તો જણાવ - સૌથી યોગ્ય! કારણો માગવાં
આપણે ચેટબોટની સલાહ માગીએ, ત્રણ-ચાર રસ્તા બતાવી સૌથી સારો રસ્તો બતાવવા કહીએ ત્યારે અચૂકપણે તેના નિર્ણયનાં કારણો પણ માગવાં. આપણે નિર્ણય લઈ શકતા ન હોઈએ ત્યારે કોઈ બીજી ’વ્યક્તિ’ સ્પષ્ટ અભિપ્રાય આપે અને આ નિર્ણય સુધી પહોંચવાનાં કારણો પણ આપે તો આપણું કામ સહેલું થઈ જાય. આપણા મુદ્દા સ્પષ્ટ હશે તો ચેટબોટ પણ આશ્ચર્યજનક રીતે નક્કર કારણો આપીને આપણી દ્વિધા ઉકેલી શકે છે.
શું નથી જોઇતું એ પણ કહીએ
આપણે ચેટબોટ પાસે કંઈક લખાવવા માગતા હોઇએ અને આપણી જરૂરિયાત ફક્ત ૧૦૦ શબ્દોની જ હોય તો એ તેને ચોખ્ખેચોખ્ખું કહી દેવું. આપણે કેવી ભાષા કે શૈલીમાં લખાણ જોઇએ છીએ એ પણ કહી શકાય.
જેમ કે આપણે એકદમ ઔપચારિક ભાષામાં કોઈ લખાણ જોઇતું હોય તો ચેટબોટને કહી શકાય કે ‘ફ્લાવરી લેંગ્વેજ’નો બિલકુલ ઉપયોગ ન કરવો. ચેટબોટ આપણી જરૂર સમજીને એ મુજબ તેનું લખાણ તૈયાર કરી આપશે.
ટોન પણ સેટ કરી શકાય
ચેટબોટ પાસે લખાણ તૈયાર કરાવવાની વાત નીકળી છે તો એ જ સંદર્ભે બીજી એક વાત પણ કરી લઇએ.
તમે તમારી કોઈ પ્રોડક્ટ માટે સેલ્સ પીચનું લખાણ તૈયાર કરાવવા માગતા હો પરંતુ એ વધુ પડતું ‘પુશી’ ન લાગે એવું ઇચ્છતા હો તો ચેટબોટને સ્પષ્ટપણે એમ કહી શકાય. ચેટબોટ જે પરિણામ આપશે તેમાં તે એ વાતની પૂરેપૂરી કાળજી લેશે કે આપણું લખાણ વધુ પડતા માર્કેટિંગ જેવું ન લાગે.
આપણી નિષ્ફળતા પણ જણાવી શકાય
આપણે કંઈ પણ કરવું હોય ત્યારે સીધેસીધું ચેટબોટનું શરણ લેવું કોઈ રીતે યોગ્ય નથી. પહેલાં આપણી રીતે જોઇતા પ્રયાસો થવા જોઇએ તો જ આપણને પોતાને વાત ક્યાં અટકે છે તેની સ્પષ્ટતા આવે. એ પછી ચેટબોટની મદદ લઇએ ત્યારે આપણે કઇ કઇ વાત અજમાવી લીધી છે અને તેમાં ક્યાં પ્રોબ્લેમ આવ્યા છે એ પણ ચેટબોટને જણાવી શકાય. એમ કરવાથી ચેટબોટ સાથેની વાતચીત કારણ વગર લંબાશે નહીં.
વાતચીત કારણ વગર ખેંચવી નહીં
લગભગ તમામ ચેટબોટ આપણે આંગળી આપીએ તો પહોંચો પકડવાના મૂડમાં હોય છે, હંમેશાં! આપણે એક વાત તેની સમક્ષ મૂકીએ એટલે તે વિગતવાર જવાબ આપે અને છેલ્લે મમરો મૂકવાનું ચૂકે નહીં - ‘‘આમાં હજી આવું કંઈક પણ થઈ શકે. હું તમને એમાં મદદ કરી શકું.’’
એ મમરો પાછો એવો જોરદાર હોય કે આપણે આગળ વાત કરવા લલચાઇ જઇએ. આ આખી વાત યુટ્યૂબ કે સોશિયલ મીડિયા પર સ્ક્રોલિંગ કરવા જેવી છે.
આપણે ધ્યાન ન રાખીએ કે બ્રેક ન લગાવીએ તો વાત આગળને આગળ ચાલતી જ રહે. આપણા પ્રોમ્પ્ટ યોગ્ય હોય તો ખરેખર અર્થસભર વાત થાય પરંતુ દરેક વાત માટે યોગ્ય, નિશ્ચિત સમય હોય. આપણે કોઈ ચોક્કસ સલાહ માટે ચેટબોટનું શરણું લીધું હોય અને એ સલાહ મળી જાય પછી વાત ત્યાં જ અટકાવી દેવી સારી.
‘હા જી હા’ ટાળવી
તમે ચેટબોટ સાથે લાંબા સમયથી જુદા જુદા મુદ્દે વાતચીત કરતા હશો તો તમારો અનુભવ હશે કે તે આપણી લગભગ બધી વાતમાં હા એ હા કરે છે. આપણે કોઈ આઇડિયા વિશે પૂછીએ, તો તરત કહેશે ગ્રેટ!
કદાચ તેની ટ્રેનિંગ જ એ રીતે થઈ હોય છે કે તે વાતમાં નેગેટિવ ટોન ન લાવે, પરંતુ આપણે તેની આ આદત છોડાવી શકીએ. આપણે કોઈ મુદ્દે ચર્ચા શરૂ કરીએ ત્યારે કોઈ આઇડિયા કેવો લાગ્યો એવું પૂછવાને બદલે તેના ફાયદા અને ગેરફાયદા બંને જણાવવા કહીએ તો ચેટબોટ આપણી ખુશામત કરવાની આદત બાજુએ મૂકીને આપણને કામ લાગે એવી વાત કરી શકશે.
બહુ છૂટો દોર ન આપવો
ચેટબોટ સારી રીતે ટ્રેઇન થયેલા હોવાથી તેના નોલેજની લગભગ કોઈ સીમા નથી. આપણે કંઈક પૂછીએ તો એ એ મુદ્દામાં ખાસ્સા એવા ઊંડાણ સુધી જઈ શકે. પરંતુ ચેટબોટ સાથે વાતચીત કરતી વખતે તેનો દોર આપણા હાથમાં રાખવો સારો.
ચેટબોટ સાથે વાત કરવાનું શરૂ કરીએ ત્યારે જ આપણે પોતાની અપેક્ષા પહેલેથી સેટ કરી લેવી અને તેને ધ્યાનમાં રાખીને જ તેની સાથે વાત કરવી. તો આપણને સાચી સલાહ મળશે અને આપણે સમય પણ સચવાશે.
આપણી આ વાતચીત પણ ઘણી લંબાવી શકાય, પણ અહીં અટકીએ!









