Get The App

સ્ટ્રેટ ઑફ હોર્મુઝ પર ખતરો: ઓઇલ સાથે ઇન્ટરનેટ પણ જોખમમાં, ભારતમાં બ્લેકઆઉટ થશે?

Updated: Mar 11th, 2026

GS TEAM

Google News
Google News
સ્ટ્રેટ ઑફ હોર્મુઝ પર ખતરો: ઓઇલ સાથે ઇન્ટરનેટ પણ જોખમમાં, ભારતમાં બ્લેકઆઉટ થશે? 1 - image
AI Image

Strait of Hormuz Lifeline of Internet: દુનિયાભરમાં હાલમાં ઇન્ટરનેટને લઈને ખૂબ જ મોટું જોખમ છે. એક તરફ અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને લઈને ઘણાં દેશો પર એની અસર પડી છે. ઈરાનની પાસે આવેલી સ્ટ્રેટ ઑફ હોર્મુઝને પેટ્રોલ-ડીઝલ માટેની લાઇફ લાઇન તરીકે ઓળખવામાં આવે છે. જોકે હવે આ લાઇફ લાઇન ઇન્ટરનેટ માટે પણ બની ગઈ હોય એવું લાગી રહ્યું છે. સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાંથી દરરોજ લાખો બેરલ કાચું તેલ આ રસ્તેથી જાય છે. જોકે આ કોરિડોર ફક્ત ઓઇલ માટે નહીં, પરંતુ ઇન્ટરનેટ માટે પણ મહત્ત્વનો છે. આ વિસ્તારમાં યુદ્ધ થયું તો ઓઇલની સાથે-સાથે એની અસર ઓઇલની કિંમત પર જ નહીં, પરંતુ ઇન્ટરનેટ, ક્લાઉડ સર્વિસ અને ગ્લોબલ ડેટા ટ્રાફિક પર પણ પડશે.

ઓઇલની સાથે ઇન્ટરનેટની પણ લાઇફ લાઇન હોર્મુઝ

દુનિયાભરમાં આજે જે ઇન્ટરનેટ ચાલે છે એ માટે દરિયાની નીચે આવેલા હજારો કિલોમીટરના લાંબા ફાઇબર ઓપ્ટિકલ કેબલ જવાબદાર છે. એક્સપર્ટના આધારે દુનિયાના 95થી 99 ટકા ઇન્ટરનેશનલ ડેટા ટ્રાફિક દરિયાની નીચે આવેલા કેબલની મદદથી ચાલે છે. એમાં ઈમેઇલ, બૅંકિંગ, ટ્રાન્ઝેક્શન, ક્લાઉડ ડેટા અને સરકારી કમ્યુનિકેશન જેવી તમામ માહિતીનો સમાવેશ થાય છે. એનો અર્થ એ થયો કે દરિયાની નીચે આવેલા આ કેબલમાં જરા પણ ખામી આવી અથવા તો તૂટી ગયા તો ઇન્ટરનેટ ધીમું અથવા તો બંધ થઈ શકે છે.

દરિયાના તળિયે છે ઇન્ટરનેટની દુનિયા

આજે દુનિયામાં લગભગ 400થી વધુ ઇન્ટરનેટ કેબલ નેટવર્ક દરિયાના તળિયે છે. આ દરેક કેબલ હજારો કિલોમીટર લાંબા છે. આ કેબલ દ્વારા એક દેશને બીજા દેશ સાથે જોડવામાં આવે છે. આ કેબલ દ્વારા લાઇટની સ્પીડની નજીક-નજીકની ઝડપથી ડેટા ટ્રાન્સફર થાય છે. મિડલ ઇસ્ટ અને યુરોપને ઇન્ટરનેટથી જોડનાર ઘણાં કેબલ પર્શિયન ગલ્ફ અને એની આસપાસથી પસાર થાય છે.

એમાં Gulf Bridge International, Falcon, Europe India Gateway અને I-Me-We જેવા ઘણાં નેટવર્કનો સમાવેશ થાય છે. આ નેટવર્ક એશિયા, આફ્રિકા અને યુરોપને જોડે છે. આ સમુદ્રના રસ્તા પરથી જ દુનિયાનો સૌથી મહત્ત્વનો ઓઇલ માટેની લાઇફ લાઇન સ્ટ્રેટ ઑફ હોર્મુઝ પસાર થાય છે. એનો અર્થ એ છે કે આ સ્ટ્રેટ ઑફ હોર્મુઝને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેનું ચેકપોઇન્ટ પણ કહેવામાં આવે છે.

શું ભારતમાં થઈ શકે છે બ્લેકઆઉટ?

દુનિયાભરના ઘણાં ઇન્ટરનેટ પ્રોવાઇડર માટે સ્ટ્રેટ ઑફ હોર્મુઝ એક ચેકપોઇન્ટ છે. જોકે ભારતીય ટેલિકોમ કંપની એરટેલનું કહેવું છે કે તેઓ ઇન્ટરનેટ માટે આ કેબલનો ઉપયોગ નથી કરતા. ભારતના ઇન્ટરનેશનલ ડેટા ટ્રાફિક મુખ્યત્વે Red Sea અને Gulf of Adenમાંથી પસાર થાય છે. ટેક એક્સપર્ટનું કહેવું છે કે ભારતથી યુરોપ અથવા તો અમેરિકા જનાર ડેટા રૂટ મિડલ ઈસ્ટથી પસાર થાય છે.

રિપોર્ટ અનુસાર ભારતનું વેસ્ટબાઉન્ડ ઇન્ટરનેટ ટ્રાફિકનો એક તૃતિયાંશ ભાગ સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાંથી પસાર થાય છે. આથી જો કેબલ પણ ડેમેજ થયા તો ઇન્ટરનેટની સ્પીડ ઘટી શકે છે. જોકે ઇન્ટરનેટ સંપૂર્ણપણે બંધ થઈ જાય અથવા તો બ્લેકઆઉટ જેવી પરિસ્થિતિ ભારતમાં જોવા નહીં મળે.

અગાઉ પણ થઈ હતી ઇન્ટરનેટ પર અસર

થોડા સમય પહેલાં જ રેડ સીમાં કેબલ તૂટી જવાની ઘટના સામે આવી હતી. એ સમયે એશિયા અને મિડલ ઇસ્ટમાં ઘણાં દેશોમાં ઇન્ટરનેટ પર અસર જોવા મળી હતી. સ્પીડ ધીમી થઈ ગઈ હતી અને ક્લાઉડ સર્વિસ પર પણ અસર પડી હતી. મોટી-મોટી કંપનીઓએ એ સમયે તેમના ડેટા ટ્રાફિકને અન્ય રસ્તેથી મોકલવા પડ્યા હતા. આથી નેટવર્ક પર થોડો લોડ પડતાં સ્પીડ ધીમી થઈ ગઈ હતી.

ટેક કંપનીઓ માટે વધી રહ્યું છે જોખમ

મિડલ ઇસ્ટમાં છેલ્લા થોડા વર્ષથી ટેક કંપનીઓએ ખૂબ જ મોટાપાયે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. Amazon, Google અને Microsoft જેવી કંપનીઓ ડેટા સેન્ટરની સાથે AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી રહી છે. જોકે આ ડેટા સેન્ટરને દુનિયા સાથે કનેક્ટ કરનાર કેબલ સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાંથી જ પસાર થાય છે. આથી આ જગ્યાએ યુદ્ધ વધ્યું તો ઓઇલની સાથે ઇન્ટરનેટ પર પણ અસર પડશે. આ અસર મિડલ ઇસ્ટ પર જોવા મળશે.

ડિજિટલ ચેક પોઇન્ટ કેમ કહેવામાં આવે છે?

એક્સપર્ટનું કહેવું છે કે દરિયાની નીચે આવેલા કેબલ ખૂબ જ સંવેદનશીલ હોય છે. ઘણી વાર જહાજનું એન્કર તેમ જ દરિયાની નીચે થતી કોઈ પણ કુદરતી પ્રક્રિયાને કારણે પણ આ કેબલ ડેમેજ થઈ શકે છે. જો કોઈ સમુદ્રના રસ્તામાં કેબલ કપાઈ ગયો તો એ ડેટા ટ્રાફિકને અન્ય રસ્તેથી મોકલવામાં આવે છે. એનાથી નેટવર્ક ધીમું થઈ જાય છે અને ઘણી સર્વિસ પર અસર પડે છે. આથી જ સ્ટ્રેટ ઑફ હોર્મુઝને ઓઇલ માટેની લાઇફ લાઇનની સાથે ડિજિટલ ચેકપોઇન્ટ પણ માનવામાં આવે છે કારણ કે ત્યાંથી ઘણાં દેશનું કનેક્શન જોડાયેલું છે.

આ પણ વાંચો: Appleએ ભારતમાં વધાર્યું પ્રોડક્શન: દુનિયાના લગભગ 25% iPhone ઇન્ડિયામાં થાય છે એસેમ્બલ

ઓઇલની સાથે ઇન્ટરનેટ પણ જોખમમાં

આજે જ્યારે પણ સ્ટ્રેટ ઑફ હોર્મુઝની વાત આવે છે ત્યારે સૌથી પહેલાં ઓઇલનું નામ આવે છે. આ દેશને નુકસાન થશે. આ દેશને જોખમ છે વગેરે વગેરે ચર્ચાઓ શરૂ થઈ જાય છે. જોકે ઓઇલની સાથે એ હવે ઇન્ટરનેટની પણ લાઇફ લાઇન છે. જો આ કેબલ કપાઈ ગયા તો ઘણાં દેશમાં ઇન્ટરનેટ બંધ થઈ શકે છે. આ ઇન્ટરનેટ બંધ થતાં બ્લેકઆઉટ થશે અને દુનિયામાં શું ચાલી રહ્યું છે એની જાણ તેમને નહીં થાય. આથી ઇન્ટરનેટ માટે પણ આ સ્ટ્રેટ ઑફ હોર્મુઝ લાઇફ લાઇન છે.