Science & Technology

આર્ટિફિશિયલ અને અસલી ઇન્ટેલિજન્સનો સુમેળ

By GS Team
25 Nov 20264 mins read
આર્ટિફિશિયલ અને અસલી ઇન્ટેલિજન્સનો સુમેળ
  • જેમિનાઇ નોટબુકમાં હવે પાર વગરની ટેક્સ્ટબુક્સ ઉમેરી શકાય છે - મફત

આપણે સૌ હવે વાતવાતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) આધારિત ચેટબોટની મદદ લેવા લાગ્યા છીએ. તેની સાથે બોલીને વાતચીત કરીએ, ટાઇપ કરીને કંઈક પૂછીએ કે ઇમેજ-વીડિયો વગેરે બનાવવામાં તેની મદદ લઈએ… પણ આ બધો, એઆઇનો ઘણો સીમિત ઉપયોગ છે. ખરી મજા, એઆઇની તેજ ગતિ અને આપણી કુશાગ્ર, આગવી બુદ્ધિનો સુમેળ સાધવામાં છે. આપણે જુદા જુદા વિષયોનું ખરેખર ડીપ નોલેજ મેળવવું હોય ત્યારે તો ખાસ.
આપણો વર્ષોનો અનુભવ છે - કોઈ મુદ્દા વિશે ઇન્ટરનેટ પર જાતે કંઈક સર્ચ-રિસર્ચ કરવા જઈએ તો વધુ પડતી માહિતી મળે. એમાંથી ખરેખર કામની, મુદ્દાની વાતો તારવવી બહુ મુશ્કેલ હોય છે.
ગૂગલની ‘જેમિનાઇ નોટબુક’ નામની એક એઆઇ-પાવર્ડ સર્વિસ આ કામ સહેલું બનાવી આપે છે. હવે તેમાં સોર્સ તરીકે સ્કૂલ/કોલેજ માટેની ભારતીય ટેક્સ્ટબુક્સ મફતમાં ઉમેરવાની સગવડ મળી છે. તમે ખરેખર વિદ્યાર્થી હો કે આજીવન વિદ્યાર્થી હો તો આગળની વાતો જાણવા જેવી છે!

પહેલાં સમજીએ જેમિનાઇ નોટબુક વિશે

એઆઇ ટૂલ્સ તરીકે આપણને ચેટજીપીટી અને જેમિનાઇનો સારો પરિચય છે. ગૂગલનું ‘જેમિનાઇ નોટબુક’ (જેનું અગાઉ નામ હતું નોટબુકએલએમ) નામનું એક પણ એઆઇ ટૂલ છે, પરંતુ એ થોડું અલગ છે.
ચેટીજીપીટી કે જેમિનાઇ જેવી સર્વિસમાં મુખ્ય ફોકસ ચેટબોટ સાથે વાતચીત કરીને જવાબ મેળવવા પર છે (એ એથી ઘણું વધુ કરી શકે છે, પણ આપણો ઉપયોગ સીમિત હોય છે!), જ્યારે જેમિનાઇ નોટબુકમાં મુખ્ય ફોકસ રિસર્ચ પર છે, એ પણ આપણે આપ્યા હોય તેવા જ સોર્સમાંથી.
અન્ય એઆઇ ટૂલ્સમાં પણ કંઈક આ પ્રકારની સગવડ હોય છે, પણ તે, આપણે આપેલા સોર્સ મટિરિયલ ઉપરાંત, આપણે ઇચ્છીએ તો તેના ટ્રેનિંગ ડેટા, તેની સાથેની આપણી અગાઉની વાતચીતની મેમરી તથા ઇન્ટરનેટ વગેરે બધાના આધારે જવાબો આપે છે. જ્યારે જેમિનાઇ નોટબુક ફક્ત આપણે તેને આપેલા સોર્સ મટિરિયલના આધારે જ જવાબો આપે છે તથા તેમાંથી ઘણી જુદી જુદી રીતે રિસર્ચ કરવાની તક આપે છે.
જેમિનાઇ નોટબુકનો આપણે એપ (Gemini Notebook, Google LLC) અથવા વેબસાઇટ (https://notebook.google.com/) પર ઉપયોગ કરી શકીએ છીએ. બંનેમાં આપણે પોતાના ગૂગલ એકાઉન્ટથી લોગ ઇન કરવું જોઈશે. જેમિનાઇ નોટબુકનાં મુખ્ય ચાર પાસાં છે.
૧) નોટબુકઃ ગૂગલના ફ્રી પ્લાનમાં આપણે પોતાની પસંદના વિવિધ વિષયોની કુલ ૧૦૦ નોટબુક્સ ક્રિએટ કરી શકીએ.
૨) સોર્સિસઃ દરેક નોટબુક માટે આપણે અલગ રેફરન્સ મટિરિઅલ સોર્સ તરીકે ઉમેરી શકીએ. આપણે ઇમેજ અપલોડ કરીને, બોલીને, ટેક્સ્ટ કોપી-પેસ્ટ કરીને, વેબમાં સર્ચ કરીને, વેબસાઇટનાં એડ્રેસ આપીને, ગૂગલ પ્લે બુક્સ ઉમેરીને, ટેક્સ્ટબુક્સ ઉમેરીને કે ગૂગલ ડ્રાઇવની ફાઇલ્સ સ્વરૂપે વિવિધ સોર્સ ઉમેરી શકીએ. ફ્રી પ્લાનમાં એક નોટબુકમાં આવા ૫૦ સોર્સ ઉમેરી શકાય.
૩) ચેટઃ દરેક નોટબુકમાં આપણે ઉમેરેલા સોર્સિસનો એક ઓવરવ્યૂ તૈયાર થાય છે, જે આપણે ચેટ સેક્શનમાં જોઈ શકીએ. અહીં આપણે, અન્ય એઆઇ સર્વિસની જેમ, જેમિનાઇ નોટબુક સાથે ચેટ કરીને વિવિધ પ્રશ્નોના, ફક્ત આપણે ઉમેરેલા સોર્સિસમાંથી જવાબો જાણી શકીએ.
૪) સ્ટુડિયોઃ જેમિનાઇ નોટબુકનો આ સૌથી મહત્ત્વનો ભાગ છે. તેમાં આપણે પોતે ઉમેરેલા સોર્સિસના આધારે, આપણને જોઈએ તેવા પ્રશ્નોના ઓડિયો/વીડિયો ઓવરવ્યૂ, માઇન્ડ મેપ, પ્રેઝન્ટેશન, ફ્લેશકાર્ડ, ક્વિઝ, ઇન્ફોગ્રાફિક, રિપોર્ટ્સ વગેરે ફોર્મેટમાં જવાબો મેળવી શકીએ છીએ.
જેમિનાઇ નોટબુકનો સ્માર્ટ ઉપયોગ કરવા માટે સૌથી પહેલાં તો આપણી પાસે પોતાના ટોપિક અનુસાર તેમાં કેવા સોર્સ ઉમેરવા જોઈશે તેની સ્પષ્ટ સમજ હોવી જોઈએ. હવે આ કામ થોડું સહેલું બન્યું છે. જેમિનાઇ નોટબુકમાં આપણે ભારતીય સ્કૂલ/કોલેજ અને હાયરસ્ટડીઝ માટે ઉપલબ્ધ હજારો ટેક્સ્ટબુક સોર્સ તરીકે ઉમેરી શકીએ છીએ - બિલકુલ મફત!
હા, સચોટ જવાબો ક્યાંથી મળશે એ જાણવું જરૂરી છે, તેમ તેમાંથી શું અને કઈ રીતે જાણવું છે એની પણ એકદ સ્પષ્ટ સમજ જોઈશે!

નોટબુકમાં ફ્રી ટેક્સ્ટબુક્સ કેમ ઉમેરશો

જેમિનાઇ નોટબુકમાં હવે આપણે અનેક વિષયની ટેક્સ્ટબુક્સ મફતમાં ઉમેરી શકીએ. તેના આધારે, એઆઇની મદદથી જોઇતા સવાલોના જવાબ મેળવો.

  1. જેમિનાઇ નોટબુક એપમાં જાઓ. તેમાં સર્વિસનો ઓવરવ્યૂ મેળવ્યા પછી, નવી નોટબુક ક્રિએટ કરવા અને સોર્સિસ ઉમેરવાનો વિકલ્પ મળશે.
  2. આપણે જે તે નોટબુક કયા હેતુથી ક્રિએટ કરી છે એ કહી શકાશે. તેનાથી આપણી પોતાની સ્પષ્ટતા પણ કેળવાશે.
  3. ધારો કે આપણે અંગ્રેજી ભાષાનાં વિવિધ પાસાં સમજવા એક નોટબુક ક્રિએટ કરી. હવે તેમાં ઉપયોગી થાય તેવ વિવિધ સોર્સ ઉમેરવા જોઇશે.
  4. ઉપર બતાવ્યા મુજબ, નોટબુકમાં આપણે જુદા જુદા ઘણા પ્રકારના સોર્સિસ ઉમેરી શકીએ. તેમાંથી ‘ટેક્સ્ટબુક્સ’ પસંદ કરો.
  5. જુદા જુદા અનેક ટોપિક, સ્કૂલ/કોલેજ લેવલ તથા કંટ્રી મુજબ ટેક્સ્ટબુક્સ મફત ઉમેરી શકાય. આપણે ‘ઇન્ડિયા’ સિલેક્ટ કરીએ.
  6. એ પછી લેવલ (સ્કૂલ/હાયર એજ્યુકેશન) સિલેક્ટ કરી, ટોપિકમાં જાઓ. અહીં માની લો કે આપણે ‘લેંગ્વેજિસ અેન્ડ રાઇટિંગ’ ટોપિક પસંદ કર્યો.
  7. અત્યારે ભારતના ફક્ત એક પ્રકાશકની ટેક્સ્ટબુક્સ ઉપલબ્ધ છે, પરંતુ આપણા ફિલ્ટરિંગ મુજબ, અનેક બુક્સમાંથી જોઈતા સોર્સ પસંદ કરો.
  8. આપણે સોર્સ તરીકે પસંદ કરેલી ટેક્સ્ટબુક આખી વાંચી નહીં શકીએ, પણ તેના આધારે અનેક સવાલોના, અનેક રીતે જવાબો મેળવી શકીશું.

એ જ ટેક્સ્ટબુક્સના આધારે સવાલ-જવાબ

આપણે પસંદ કરેલી ટેક્સ્ટબુક્સમાંથી શું પૂછવું અને તેના કેવા ફોર્મેટમાં જવાબો મેળવીએ તો સારું, એ નક્કી કરવા ‘અપની ઇન્ટેલિજન્સ’ જોઈશે!

  1. ગમે ત્યારે આ નોટબુક ઓપન કરી, તેમાં આપણે ઉમેરેલા સોર્સિસનો ઓવરવ્યૂ ચેટ સેક્શનમાં જોઈ શકીશું. વાત ગુજરાતીમાં પણ થઈ શકે!
  2. ચેટ સેક્શનમાં જ આપણે કહી શકીએ કે ‘બિઝનેસ કમ્યુનિકેશન માટે જરૂરી ટોપ ૫ સ્કિલ્સ જણાવ’. તેનો આપણા સોર્સિસમાંથી જવાબ અપાશે.
  3. ફક્ત ટેક્સ્ટ ચેટિંગને બદલે, સ્ટુડિયો સેક્શનમાં જઈને આપણે જુદી જુદી ઘણી રીતે, આપણા પ્રશ્નોના વિગતવાર જવાબો મેળવી શકીએ.
  4. જેમ કે, ‘ટોપ ૫ કમ્યુનિકેશન’ સ્કિલ્સનો જ માઇન્ડ મેપ બનાવવાનું કહીએ, તો ઉપર મુજબનો માઇન્ડ મેપ મળી જાય - ફટાફટ!