ભારતની સૌથી મોટી IT કંપની હવે પહેલાં જેટલું હાયરિંગ નહીં કરે, આ રહ્યું ચોંકાવનારું કારણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

TCS Hiring will Stop: ભારતીય IT ક્ષેત્રની અગ્રણી કંપની અને દેશમાં ખાનગી ક્ષેત્રના સૌથી મોટા એમ્પ્લોયર ગણાતા ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS)એ રોજગાર બજારને લઈને એક મોટો અને માળખાકીય સંકેત આપ્યો છે. કંપનીના ચેરમેન એન ચંદ્રશેખરને જણાવ્યું છે કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) એજન્ટ્સ હવે માણસો દ્વારા કરવામાં આવતા કામનો કેટલોક હિસ્સો સંભાળી રહ્યા હોવાથી, કંપની હવે ભૂતકાળની જેમ મોટા પાયે સામૂહિક ભરતી નહીં કરે.
કંપનીની 31મી એન્યુઅલ જનરલ મીટિંગમાં શેરધારકોને સંબોધિત કરતી વખતે ચંદ્રશેખરને આ વિષય પર ખુલીને વાત કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે, આગામી સમયમાં AI એજન્ટ્સ કંપનીના વર્તમાન કર્મચારીઓની સાથે મળીને કામ કરશે, જેનાથી ભારતીય IT ઉદ્યોગની ઓળખ ગણાતી અતિ મોટા પાયાની ભરતી પ્રક્રિયાઓ પર બ્રેક લાગશે.
સમગ્ર IT ઉદ્યોગ પર જોવા મળશે અસર
ચેરમેન ચંદ્રશેખરને ઉમેર્યું કે આ પરિવર્તન માત્ર TCS પૂરતું સીમિત નથી, પરંતુ સમગ્ર આઈટી સર્વિસીસ ઇન્ડસ્ટ્રીને અસર કરશે. સોફ્ટવેર ડેવલપમેન્ટ અને બિઝનેસ પ્રોસેસમાં AIનો વપરાશ ઝડપથી વધી રહ્યો હોવાથી ઉદ્યોગમાં માનવ સંસાધનોની જરૂરિયાતની પેટર્ન બદલાઈ રહી છે. તેમણે કહ્યું, "માત્ર અમારી કંપની જ કેમ, આખો IT ઉદ્યોગ હવે પહેલાં જેટલી સંખ્યામાં લોકોની ભરતી કરે તેવી શક્યતા ઓછી છે, કારણ કે વર્તમાન કાર્યપદ્ધતિનો અમુક હિસ્સો હવે સીધો AI એજન્ટ્સ પાસે જશે."
શું કર્મચારીઓની છટણી થશે? કંપનીએ આપ્યો જવાબ
ગયા વર્ષે કંપની દ્વારા કરવામાં આવેલા 12,000 કર્મચારીઓના માળખાકીય ફેરફાર બાદ શેરધારકોમાં છટણીને લઈને ચિંતા હતી. આ ચિંતાઓને દૂર કરતા ચંદ્રશેખરને ખાતરી આપી હતી કે કંપનીનો સ્ટાફ ઘટાડવાનો કે છટણી કરવાનો કોઈ જ પ્લાન નથી. કંપની શ્રેષ્ઠ ટેલેન્ટને આકર્ષવાનું ચાલુ રાખશે, પરંતુ નવા કર્મચારીઓ ઉમેરાવાની ગતિ ચોક્કસપણે ધીમી પડી જશે.
કર્મચારીઓની સંખ્યા જેટલા જ હશે AI એજન્ટ્સ
કંપનીના ભવિષ્યના રોડમેપ અંગે વાત કરતા તેમણે એક રસપ્રદ દાવો કર્યો હતો કે, ભવિષ્યમાં કંપની પાસે જેટલા કર્મચારીઓ હશે, તેટલા જ AI એજન્ટ્સ પણ કામ કરી રહ્યા હશે. તેમણે જણાવ્યું, "જો કંપની પાસે 5 લાખ કર્મચારીઓ છે, તો એ દિવસ દૂર નથી જ્યારે કંપની પાસે 5 લાખ AI એજન્ટ્સ પણ હશે."
આ પણ વાંચો: ઈલેક્ટ્રિક વ્હીકલ્સ: ‘ક્લીન ગ્રીન’ ક્રાંતિ પાછળનું એક અંધારું સત્ય
AIને કંપનીએ ગણાવી સૌથી મોટી તક
ભરતીમાં ઘટાડો થવા છતાં, કંપની AI ટેક્નોલોજીને જોખમ નહીં પણ અત્યાર સુધીની સૌથી મોટી તક તરીકે જોઈ રહી છે. TCSની AI સંબંધિત આવક ક્વાર્ટર દર ક્વાર્ટર વધી રહી છે અને કંપનીને આ રેવન્યુ દર વર્ષે બમણી થવાની આશા છે. કંપનીનું અનુમાન છે કે વર્ષ 2028 થી 2030 સુધીમાં તેની કુલ આવકના દરેક હિસ્સામાં AI કમ્પોનન્ટ સામેલ હશે. આ વૈશ્વિક તકનો લાભ ઉઠાવવા માટે TCS હાલમાં AI ટેલેન્ટ, ઇન્ડસ્ટ્રી સ્પેસિફિક AI એજન્ટ્સ, ડેટા સેન્ટર્સ અને ક્લાઉડ કેપેબિલિટીઝ જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટું રોકાણ કરી રહી છે.









