Science & Technology

માત્ર થોડા વર્ષોમાં આવશે સુપરહ્યુમન AI, તાત્કાલિક એક્શનની જરૂર: ગૂગલ AI ચીફની ચેતવણી

By GS Team
15 Jul 20263 mins read
TukuTouch Logo
ગૂગલની DeepMindના સીઈઓ ડેમિસ હાસાબિસે અનિયંત્રિત AGI (આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ)ને માનવતા માટે મોટો ખતરો ગણાવ્યો છે. તેમના મતે, માનવ મગજ જેવું સુપરહ્યુમન AI હવે ગણતરીના વર્ષો દૂર છે. આ ટેક્નોલોજીના જોખમોથી બચવા તાત્કાલિક વૈશ્વિક નિયમનકારી સંસ્થા બનાવવી જરૂરી છે, નહીં તો ન્યુક્લિયર અને બાયોલોજિકલ જોખમો ઉભા થઈ શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

માત્ર થોડા વર્ષોમાં આવશે સુપરહ્યુમન AI, તાત્કાલિક એક્શનની જરૂર: ગૂગલ AI ચીફની ચેતવણી
AI Image

Unregulated AGI: Humanity's Biggest Threat: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ક્ષેત્રમાં થઈ રહેલી ક્રાંતિ વચ્ચે ગૂગલની DeepMindના સીઈઓ અને નોબેલ પુરસ્કાર વિજેતા ડેમિસ હાસાબિસે એક મોટી ચેતવણી આપી છે. તેમના મતે, આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ, જે માનવ મગજની સમકક્ષ અથવા તેનાથી પણ વધુ ક્ષમતા ધરાવતું સુપરહ્યુમન AI છે, તે હવે આપણાથી માત્ર ગણતરીના વર્ષો જ દૂર છે. ડેમિસ હાસાબિસે જણાવ્યું હતું કે માનવજાત પાસે આ ટેકનોલોજીના આગમન પહેલાં સજ્જ થવા માટે ખૂબ જ ઓછો સમય બાકી છે અને તેના જોખમોથી બચવા માટે તાત્કાલિક વૈશ્વિક સ્તરે કડક નિયમો બનાવવાની જરૂર છે.

તેમણે પોતાના બ્લોગમાં સ્પષ્ટ કર્યું છે કે AGI એક એવી સિસ્ટમ હશે જેમાં માનવ મગજ જેવી જ તમામ જ્ઞાનાત્મક ક્ષમતાઓ હશે. અગાઉ જૂન મહિનામાં પણ તેમણે અનુમાન લગાવ્યું હતું કે AGI આવવામાં માત્ર 3થી 4 વર્ષ જેટલો જ સમય બાકી રહ્યો છે.

વૈશ્વિક વોચડોગની તાતી જરૂરિયાત

ડેમિસ હાસાબિસે અમેરિકાની આગેવાની હેઠળ એક આંતરરાષ્ટ્રીય વોચડોગ એટલે કે નિયમનકારી સંસ્થાની સ્થાપના કરવા માટે તાકીદ કરી છે. તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે હાલમાં AIના જોખમોને રોકવા પર પૂરતું ધ્યાન આપવામાં નથી આવી રહ્યું, પરંતુ તેની જગ્યાએ વિવિધ કોર્પોરેશનો અને દેશો વચ્ચે ગ્લોબલ AI આર્મ્સ રેસ (ટેકનોલોજીની હોડ) ચાલી રહી છે. ફ્રન્ટિયર AI મોડલ્સ સાયબર સિક્યોરિટી માટે પહેલેથી જ પડકારરૂપ સાબિત થઈ રહ્યા છે, અને આગામી સમયમાં જો આ સિસ્ટમ્સ વધુ એડવાન્સ થશે તો ન્યુક્લિયર અને બાયોલોજિકલ જોખમો પણ ઊભા થઈ શકે છે.

આ સાથે જ, AI મોડલ્સ હવે પોતાની જાતે જ સુધારો કરી રહ્યા છે અને માનવીય દખલગીરી વિના પોતાનાથી વધુ સક્ષમ મોડલ્સ બનાવી શકે છે, જે આવનારા સમયમાં અજાણ્યા જોખમો નોતરી શકે છે.

કેવી હશે આ સંસ્થા? હાસાબિસનો રોડમેપ

ડેમિસ હાસાબિસે વોલ સ્ટ્રીટની બ્રોકરેજ હાઉસ પર નજર રાખતી સંસ્થા 'FINRA' (Financial Industry Regulatory Authority)ના મોડલ પર આધારિત AI રેગ્યુલેટરી બોડીની દરખાસ્ત મૂકી છે.

  • આ સંસ્થામાં વિશ્વના અગ્રણી ટેકનિકલ નિષ્ણાતોનો સમાવેશ કરવામાં આવશે અને તેનો ખર્ચ મુખ્યત્વે AI ઇન્ડસ્ટ્રી દ્વારા જ ઉઠાવવામાં આવશે.
  • આ સંસ્થા એવા સેફ્ટી બેન્ચમાર્ક્સ નક્કી કરશે જેને પાસ કર્યા બાદ જ કોઈપણ નવું ફ્રન્ટિયર AI મોડલ માર્કેટમાં લોન્ચ કરી શકાશે.
  • શરૂઆતમાં AI ડેવલપર્સે સ્વેચ્છાએ પોતાના પાવરફુલ મોડલ્સ લોન્ચિંગના 30 દિવસ પહેલાં રિવ્યૂ માટે સબમિટ કરવા પડશે અને એકવાર આ ટેસ્ટિંગ પદ્ધતિ સફળ સાબિત થાય પછી તેને ફરજિયાત બનાવવામાં આવે.

માનવ ઇતિહાસની સૌથી મોટી ક્રાંતિ: ઇન્ડસ્ટ્રિયલ રિવોલ્યુશન કરતાં 10 ગણી ઝડપી

ડેમિસ હાસાબિસે AGIને ઇન્ટરનેટ કે મોબાઇલ જેવા સામાન્ય ટેકનોલોજીકલ આવિષ્કારો સાથે સરખાવવાની મનાઈ કરી છે. તેમણે આને વીજળી અથવા અગ્નિની શોધ સમાન ગણાવી છે. તેમણે રસપ્રદ વાત કહેતા જણાવ્યું કે, "આપણે એક રીતે કહીએ તો સેન્ડને પણ વિચારતી કરી દીધી છે, જે ચમત્કારિક છે." (અહીં રેતી એટલે સેમિકન્ડક્ટર ચિપ્સ, જે સિલિકોનમાંથી બને છે). આ ટેકનોલોજીની અસર ભૂતકાળની ઔદ્યોગિક ક્રાંતિ કરતાં 10 ગણી વધારે અને 10 ગણી ઝડપી હશે.

નવા સુવર્ણ યુગની શરૂઆત થઈ શકે છે

જો AGIનો ઉપયોગ જવાબદારીપૂર્વક કરવામાં આવે તો તે માનવજાત માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે. તેનાથી ગંભીર રોગોની દવાઓની શોધ ઝડપી બનશે, ક્લીન એનર્જીના નવા સ્ત્રોત મળશે અને નવી એડવાન્સ સામગ્રીઓ તૈયાર કરી શકાશે. એક એવો સમય પણ આવી શકે છે જ્યાં માનવ પ્રગતિ માટે સંસાધનોની કોઈ અછત નહીં રહે અને અઢળક સમૃદ્ધિનો યુગ શરૂ થશે. અંતમાં તેમણે ઉમેર્યું કે ભવિષ્ય હજુ લખાયું નથી, અને AGIના આગમન પૂર્વેની આ અમૂલ્ય સમયગાળાનો ઉપયોગ આપણે માનવજાતના ભલા માટે કરવો જ પડશે.