SpaceX New Rocket Test: SpaceX એ તેના અત્યાર સુધીના સૌથી મોટા સ્ટારશિપ-સુપર હેવી લોન્ચ સિસ્ટમ માટે સફળતાપૂર્વક સંપૂર્ણ વેટ ડ્રેસ રિહર્સલ (WDR) પૂર્ણ કર્યું છે. આ ટેસ્ટ કંપનીના નવા બનેલા પેડ 2 પર Starbase ખાતે કરવામાં આવ્યો હતો. તેમાં Ship 39 ને Booster 19 પર સ્ટેક કરવામાં આવ્યું હતું. એને સ્ટેક કર્યા બાદ એ બન્નેને સાથે S39/B19 તરીકે ઓળખવામાં આવે છે. આ અપગ્રેડેડ સ્ટારશિપ વર્ઝન 3 આર્કિટેક્ચર માટેનું પ્રથમ WDR પણ છે, જેના દ્વારા SpaceX ભવિષ્યમાં ચંદ્ર અને મંગળ મિશન માટે વધુ સારી પેલોડ ક્ષમતા અને વિશ્વસનીયતા મેળવવાની આશા રાખે છે.
વેટ ડ્રેસ રિહર્સલ શું છે?
WDR દરમિયાન SpaceX એ ફ્લાઇટ જેવી કાઉન્ટડાઉન પ્રક્રિયા કરી અને સંપૂર્ણ સંકલિત લોન્ચ વાહનમાં 5,000 મેટ્રિક ટનથી વધુ સુપરકૂલ્ડ લિક્વિડ મેથેન અને લિક્વિડ ઓક્સિજન ભર્યું હતું. આ ઇંધણ ભરવાની પ્રક્રિયા વાસ્તવિક લોન્ચ અભિયાન દરમિયાન જેવી પરિસ્થિતિઓ સર્જે છે, તેથી તેને સૌથી મહત્ત્વપૂર્ણ પ્રી-ફ્લાઇટ ટેસ્ટમાંનું એક માનવામાં આવે છે. WDR નો હેતુ રૉકેટની ફ્યુઅલિંગ સિસ્ટમ, પ્લમ્બિંગ, સોફ્ટવેર, ગ્રાઉન્ડ સપોર્ટ સાધનો અને કાઉન્ટડાઉન પ્રક્રિયાની ચકાસણી કરવાનો હતો અને એ પણ એન્જિન ચાલુ કર્યા વગર અથવા રૉકેટને લોન્ચ કર્યા વગર.
અપગ્રેડેડ વર્ઝન 3
આ પરીક્ષણમાં ઉપયોગમાં લેવાયેલ સ્ટારશિપ સિસ્ટમ અત્યાર સુધીનું સૌથી મોટું અને સૌથી શક્તિશાળી રૉકેટ કન્ફિગરેશન છે. સંપૂર્ણ રીતે સ્ટેક કર્યા પછી લગભગ 150 મીટર ઊંચું આ અપગ્રેડેડ વર્ઝન 3 વ્હીકલમાં કેટલાક સુધારાઓ કરવામાં આવ્યા છે, જેમાં સુધારેલી પ્રોપેલન્ટ સિસ્ટમ અને ઝડપી પુનઃઉપયોગક્ષમતા માટેના ફેરફારો સામેલ છે.
આ પણ વાંચો: Elon Muskના Grokની લોકપ્રિયતામાં મોટો ઘટાડો, ડાઉનલોડ્સ 20 મિલિયનથી ઘટીને 8.3 મિલિયન
સૌની નજર 15 મેના લોન્ચ પર
આ સફળ રિહર્સલ Starbase ખાતે ઘણા મહિનાઓની ભારે તૈયારી બાદ કરવામાં આવી હતી, જેમાં પેડ 2 ના અપગ્રેડ, ક્રાયોજેનિક પરીક્ષણો, એન્જિન ઇન્સ્ટોલેશન અને વાહન સિસ્ટમોની વારંવાર સ્ટેટિક ચકાસણીઓનો સમાવેશ થાય છે. નવો પેડ અને ફરીથી ડિઝાઇન કરાયેલ રૉકેટ, ડીપ સ્પેસ ટ્રાન્સપોર્ટ માટે SpaceXની લાંબા ગાળાની મહત્ત્વાકાંક્ષાઓમાં મોટો સ્ટેપ માનવામાં આવે છે. હવે સૌની નજર 15 મેના સંભવિત લોન્ચ પ્રયાસ પર છે. જોકે, તારીખની સત્તાવાર પુષ્ટિ પહેલાં SpaceX હજુ અંતિમ નિયમનકારી મંજૂરીઓ અને હવામાન મૂલ્યાંકનની રાહ જોઈ રહ્યું છે.


