Science & Technology

વોટ્સએપમાં આવે છે "સીધાં-સાદાં" નવાં ફીચર્સ

By GS Team
14 Jul 20265 mins read
TukuTouch Logo
મેટાની વિવિધ સર્વિસ અને ફીચર્સ વિવાદમાં ફસાયા છે, ત્યારે વોટ્સએપમાં યુઝરનેમ ફીચરને કારણે ઠગાઈનો ભય છે. ભારતમાં હાલ તેના અમલ પર રોક છે. જોકે, વોટ્સએપ હવે મિત્રો-સ્વજનોના જન્મદિવસ યાદ અપાવશે અને પિન કરેલા મેસેજની જાણ નોટિફિકેશનથી કરશે. આ નવા ફેરફારો યુઝર્સ માટે વધુ ઉપયોગી બનશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વોટ્સએપમાં આવે છે "સીધાં-સાદાં" નવાં ફીચર્સ

મેટાની વિવિધ સર્વિસ અને તેનાં ફીચર્સ વિવાદમાં ફસાઈ રહ્યાં છે ત્યારે વાત કરીએ હલકાં-ફુલકાં ફીચર્સની
તેને ટેલિગ્રામ જેવું જોખમી બનાવી દેશે એવો ઘણાને ભય છે. ભારતમાં આ ફીચર પરનો અમલ અટકાવી દેવામાં આવ્યો છે પણ વોટ્સએપમાં કેટલીક મજાની સગવડો પણ આવી રહી છે.
છેલ્લા થોડા સમયથી વોટ્સએપમાં આવી રહેલું યુઝરનેમનું ફીચર ચર્ચાનો મુદ્દો બન્યું છે. લગભગ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સમાં આપણે કોઈ પણ યુઝરનેમ પસંદ કરીને તેને જ પોતાની ઓનલાઇન ઓળખ બનાવી શકીએ છીએ. પરંતુ એક માત્ર વોટ્સએપમાં અત્યાર સુધી આપણો વાસ્તવિક ફોન નંબર આપણી ઓળખ રહ્યો છે.
હવે વોટ્સએપમાં પણ યુઝરનેમ પસંદ કરવાની સુવિધા આવી રહી છે જેને કારણે આપણે પોતાનો મોબાઈલ નંબર ખાનગી રાખીને અન્ય લોકો સાથે માત્ર પોતાનું યુઝરનેમ શેર કરી શકીશું.
ઈન્ટરનેટ પરની દરેક બાબતની જેમ વોટ્સએપમાં યુઝરનેમની સુવિધાના પણ લાભ અને ગેરલાભ છે. વોટ્સએપનો કાયદેસર યોગ્ય ઉપયોગ કરતા લોકો માટે આ સારી સુવિધા બનશે. પરંતુ વોટ્સએપ પર અન્ય લોકોને ફસાવવા માટે સતત એક્ટિવ રહેતા ઠગ લોકો ટેલિગ્રામની જેમ જ વોટ્સએપમાં પણ યુઝરનેમની સુવિધાને કારણે ગુમનામ રહી શકશે એવો મોટો ડર છે.
અલબત્ત મેટા કંપનીએ આવા જોખમનો सामना કરવાનાં વિવિધ પગલાં લીધાં છે. પરંતુ ભારત સરકારે વોટ્સએપ પણ ટેલિગ્રામના પગલે જાય એ પહેલાં તેમાં યુઝરનેમની સુવિધા સામે સવાલો ઉઠાવીને ભારતમાં તેના અમલ પર હાલ પૂરતી રોક લગાવી દીધી છે.
એ દરમિયાન દિવસરાત વોટ્સએપની મદદથી મિત્રો-સ્વજનો સાથે ટચમાં રહેતા સીધા-સાદા લોકો માટે વોટ્સએપમાં એવા જ બે સીધા-સાદાફેરફાર આવી રહ્યા છે. આપણે એની વાત કરીએ!
વોટ્સએપમાં બધું વિવાદાસ્પદ છે એવું નથી. બે નવાં ફીચર આપણા બે પ્રોબ્લેમનાં હળવાં સોલ્યુશન આપે તેમ છે.
સ્વજનો-મિત્રોના જન્મદિન હવે વોટ્સએપ યાદ અપાવશે
અત્યાર સુધી આપણને મોટા ભાગે નજીકના મિત્રોના આગામી જન્મદિવસની ફેસબુક પર જાણ થતી હતી. ફેસબુકમાં વર્ષ ૨૦૧૩થી આ સુવિધા મળી હતી. એ પછી ગૂગલ કોન્ટેક્ટ્સમાં પણ આ ફીચર ઉમેરાયું. હવે તે વોટ્સએપમાં પણ આવી રહ્યું છે.
અમુક દેશોની કેટલીક કાયદાકીય જોગવાઈઓને કારણે વોટ્સએપમાં પણ યુઝરના જન્મની તારીખ પૂછવાનું શરૂ થયું છે. વિવિધ દેશોનાં અલગ અલગ રાજ્યોના કાયદા અનુસાર વિવિધ ઓનલાઇન સર્વિસનો ઉપયોગ નિશ્ચિત ઉંમર પછી જ કરી શકાય છે. આ કાયદાના પાલન માટે વોટ્સએપમાં યુઝરની જન્મ તારીખ જાણવી જરૂરી છે. આખી વાતનો મૂળ હેતુ કાયદાના પાલનનો છે એટલે યુઝર એક વાર પોતાની જન્મતારીખ જણાવે એ પછી તેમાં કોઈ ફેરફાર કરી શકાતો નથી. યુઝર્સની પ્રાઇવસી જાળવવા માટે આ ડેટા અન્ય કોઈ યુઝરને દેખાવાનો પણ નથી.

આમ અત્યારે કંપની ફક્ત કાયદાના પાલન માટે યુઝર્સની જન્મ તારીખ પૂછી રહી છે. પરંતુ તેમાંથી કદાચ કંપનીને આઇડિયા આવ્યો છે કે લગે હાથઆ ડેટાનો યુઝર્સને લાભ પણ આપી શકાય!

જોકે એ માટે કંપની આપણી પોતાની એડ્રેસ બુકનો ઉપયોગ કરશે. આપણી એડ્રેસ બુકમાં સેવ થયેલા કોન્ટેક્ટ્સ સાથે તેમની જન્મતારીખ પણ સેવ થઈ હોય તો ફેસબુકની જેમ નજીકના દિવસોમાં આપણા કોઈ વોટ્સએપ કોન્ટેક્ટનો જન્મદિવસ આવી રહ્યો હોય તો વોટ્સએપ એપમાં આપણને તેની જાણ કરવામાં આવશે.

બીટા વર્ઝનમાં ફીચર:
આ માટે વોટ્સએપમાં એક અલગ સેક્શન ડેવલપ કરવામાં આવી રહ્યું છે. કોઈ વોટ્સએપ કોન્ટેક્ટનો જન્મદિવસ નજીક હોય તો વોટ્સએપ તરફથી આપણને એપમાં જ એક નોટિફિકેશન મોકલવામાં આવશે.

આ સુવિધાનો લાભ આપવામાં કંપનીને પ્રાઇવસીનો વિવાદ ઊભો થવાની ચિંતા નથી કેમ કે આપણે પોતે પોતાના કોન્ટેક્ટ્સના જન્મદિવસ એડ્રેસ બુકમાં સેવ કર્યા હશે તો જ વોટ્સએપ તે વાંચીને આપણને તેની આગોતરી જાણ કરશે. વોટ્સએપ આપણને કોઈ વ્યક્તિનો જન્મદિવસ જણાવે નહીં એવું આપણે ઇચ્છતા હોઈએ તો આપણે ફક્ત એ વ્યક્તિનો જન્મદિવસ પોતાની એડ્રેસ બુકમાં સેવ કરવાનો નહીં રહે.

હવે આપણે સૌ નજીકની વ્યક્તિના જન્મદિવસે મોટા ભાગે વોટ્સએપ પર જ બુકે કે વિશ મોકલતા હોઈએ છીએ આથી તેની આગોતરી જાણ વોટ્સએપમાં જ થઈ જાય એ વધુ સુવિધાજનક બનશે.

કોઈએ પિન કરેલ મેસેજ હવે વહેલા ધ્યાનમાં આવશે
વોટ્સએપમાં આપણે વ્યક્તિગત ચેટ કે ગ્રૂપમાંના કોઈ પણ મેસેજને પિન કરી શકીએ છીએ. તમે આ જાણતા જ હશો અને તેનો લાભ પણ લેતા હશો.

આ રીતે પિન કરેલો મેસેજ સ્ક્રીન પર સૌથી ઉપર જળવાઈ રહે છે અને બીજી વ્યક્તિ કે ગ્રૂપમાંના બધા લોકો તેને સહેલાઈથી જોઈ શકે છે. ગ્રૂપ્સમાં એડમિન નક્કી કરી શકે છે કે બધા મેમ્બર્સ આ રીતે મેસેજ પિન કરી શકે કે પછી માત્ર એડમિન. પિન કરેલા મેસેજ દૂર કરવામાં ન આવે ત્યાં સુધી સ્ક્રીન પર ટોચ પર સચવાઈ રહે છે.

જોકે અત્યાર સુધી આપણે જે તે ચેટમાં પહોંચીએ એ પછી જ તેમાં પિન કરવામાં આવેલો મેસેજ જોઈ શકતા હતા. આ કારણે કોઈ વ્યક્તિગત ચેટ કે ગ્રૂપમાં આવેલો અને આપણે માટે મહત્ત્વનો મેસેજ પિન કરવામાં આવ્યો હોય તો પણ આપણે એ ચેટ ઓપન ન કરીએ તો આપણે દિવસો સુધી તેનાથી અજાણ રહીએ એવું બની શકે.

હવે વાત બદલાઈ રહી છે. હવે વોટ્સએપમાં કોઈ પણ વ્યક્તિગત ચેટ કે ગ્રૂપમાં કોઈ મેસેજ પિન કરવામાં આવે ત્યારે એ ચેટ પેજ પર પહોંચ્યા વિના પણ આપણને તેની જાણ થશે.

આ માટે હવે આપણને આપણા કોન્ટેક્ટ્સ આપણી ચેટમાં કે આપણે જેમાં મેમ્બર હોઈએ તેવા ગ્રૂપમાં કોઈ મેસેજ પિન કરવામાં આવે ત્યારે નોટિફિકેશન દ્વારા તેની જાણ કરવામાં આવશે. આવા નોટિફિકેશન પર પિન્ડએવું લેબલ લગાવવામાં આવશે અને તેની સાથોસાથ જે તે મેસેજ બતાવવામાં આવશે. જો આપણે નોટિફિકેશન પર ક્લિક કરીએ તો વોટ્સએપ એ ચેટ ઓપન કરશે અને પિન કરવામાં આવેલો મેસેજ બતાવશે.

જો કોઈ વ્યક્તિ ફોટો કે વીડિયો પિન કરશે તો તેનું પણ નોટિફિકેશન મોકલવામાં આવશે.

જોકે એ યાદ રાખવા જેવું છે કે આપણે કોઈ વ્યક્તિ કે ગ્રૂપ ચેટ મ્યુટ કરેલ હશે તો તેમાંનો કોઈ મેસેજ પિન કરવામાં આવે ત્યારે તેનું નોટિફિકેશન આપણને મળશે નહીં.

આપણી રોજબરોજની જિંદગીમાં વોટ્સએપની હવે બહુ મોટી ભૂમિકા છે એ કારણે તેમાં મહત્ત્વના મેસેજ આપણી જાણ બહાર ન રહે એ માટે આ સુવિધા કામની સાબિત થશે. હાલમાં આ ફીચર વોટ્સએપના બીટા વર્ઝનમાં લોન્ચ થઈ ગયું છે અને ટૂંક સમયમાં વધુને વધુ લોકો સુધી તે પહોંચવા લાગશે.