Science & Technology

વોટસએપમાં આવે છે 'સ્કેમ એલર્ટ' !

By GS Team
6 Sep 20263 mins read
વોટસએપમાં આવે છે 'સ્કેમ એલર્ટ' !
  • આપણી ફેવરિટ એપમાં શિકારીઓ સતત જાળ પાથરે છે એટલે…

એમેઝોન કે ફ્લિપકાર્ટ કે ડીમાર્ટમાં હમણાં જોરદાર ઓફર ચાલે છે, તેનો લાભ લેવા આ લિંક ક્લિક કરો… વોટ્સએપમાં આપણા પર રોજેરોજ આવા જાતભાતના મેસેજનો મારો થાય છે - અજાણ્યા નંબર પરથી અથવા, આપણા જ સ્વજનો તરફથી! તમે થોડા સજાગ હો તો આવી લિંક પર ક્લિક કરવાનું ટાળો, પણ ઘણા લોકો એવા સજાગ હોતા નથી એટલે કોઈ ને કોઈ કૌભાંડનો ભોગ બની જાય છે (મેસેજ આપણા કોન્ટેક્ટ લિસ્ટમાં ન હોય એવા નંબર પરથી હોય તો લિંક ક્લિકેબલ ન હોય, પણ આપણા બેધ્યાન સ્વજને ફોરવર્ડ કરીને હેકરની ‘સેવા’ કરી હોય તો એ લિંક ક્લિકેબલ હોય!)
સમગ્ર વિશ્વમાં, તેમાંય ખાસ કરીને ભારતમાં વોટ્સએપનો ઉપયોગ અત્યંત વધ્યો છે. ઇન્ટરનેટ અને સ્માર્ટફોનની વિવિધ બાબતોની આંટીઘૂંટીઓ બરાબર ન સમજતા લોકો પણ વોટ્સએપ પર જબરા એક્ટિવ હોય છે. એ કારણે વોટ્સએપ પર લોકોને ફસાવવાના કારસા પણ સતત વધતા જાય છે. આપણે અખબારમાં અવારનવાર વોટ્સએપની મદદથી લોકો સાથે ફ્રોડ થતા હોવાના સમાચાર વાંચીએ છીએ.
આપણને કોઈ જબરૂં ઇનામ લાગ્યું છે, કોઈ મોટી ઓફર મળી રહી છે, ઇન્વેસ્ટમેન્ટની જોરદાર તક છે વગેરે લોભામણાં મેસેજથી માંડીને આપણું કેવાયસી બાકી છે કે લાઇટ કે ગેસ કનેકશન કટ થઈ જશે એવા તદ્દન ખોટા મેસેજિસનો વોટ્સએપ પર રાફડો ફાટ્યો છે. એ જ રીતે, ‘બોસ સ્કેમ’ તરીકે ઓળખાતા કૌભાંડમાં જુદી જુદી કંપનીના એકાઉન્ટન્ટને કંપનીના બોસના નામે ખોટા મેસેજિસ મોકલીને રકમ ટ્રાન્સફર કરાવી લેવામાં આવે છે. ‘ડિજિટલ એરેસ્ટ’ સ્કેમ્સની શરૂઆત પણ મોટા ભાગે વોટ્સએપ પર જ થાય છે.
કંપનીની કોશિશ પણ જારી છે
સારી વાત એ છે કે આવા કિસ્સાઓ ધ્યાનમાં લઇને વોટ્સએપ કંપની પણ વોટ્સએપને વધુને વધુ સલામત બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે.
એ અનુસાર કંપનીએ હમણાં ‘સ્કેમ એલર્ટ’ નામે એક નવું ફીચર વોટ્સએપમાં ઉમેર્યું છે.
તમે તમારી વોટ્સએપ એપમાં સેટિંગ્સમાં ‘એકાઉન્ટ’ સેકશનમાં જઇને આ ફીચર ઉપલબ્ધ હોય તો તેને ઓન કરી શકો છો.
આપણે આ ફીચર ઓન કરીએ એ પછી વોટ્સએપની સિસ્ટમ મશીન લર્નિંગ મોડેલની મદદથી, આપણા કોન્ટેક્ટ લિસ્ટમાં સામેલ ન હોય એવા લોકોના આપણા પર આવતા મેસેજ તપાસે છે. એ મેસેજમાં વોટ્સએપ પર સામાન્ય રીતે પ્રચલિત સ્કેમ્સની કોઈ પેટર્ન દેખાય છે કે નહીં તે તપાસવામાં આવે છે. જો વોટ્સએપની સિસ્ટમને લાગે કે આપણા પર આવેલો મેસેજ જોખમી છે તો આપણને તેની સામે ચેતવવામાં આવે છે. આવી ચેતવણી ફક્ત મેસેજ મેળવનાર વ્યક્તિને જોવા મળે છે, મેસેજ મોકલનારને નહીં.
આપણને આવી ચેતવણી મળે તો એ પછી આપણે ત્રણ એકશન લઇ શકીએ છીએ.
૧) ચેતવણી અવગણીને એ મેસેજનો કોઈ પણ જવાબ આપી શકીએ
૨) ચેતવણી સમજીને એ મેસેજ મોકલનાર વ્યક્તિને બ્લોક કરી શકીએ અને વોટ્સએપને તેની વિરુદ્ધ રિપોર્ટ મોકલી શકીએ
૩) જો આપણને લાગે કે મેસેજ યોગ્ય જ છે તો આપણે મેસેજ મોકલનાર વ્યક્તિ વિશ્વાસપાત્ર હોવાનું પણ વોટ્સએપની સિસ્ટમને જણાવી શકીએ. એ પછી એ નંબર પરથી આવતા મેસેજ માટે ‘સ્કેમ એલર્ટ’ બતાવવામાં આવશે નહીં.
પ્રાઇવસી જળવાશે
મેટા કંપની ખાસ સ્પષ્ટતા કરે છે કે આ સ્કેમ એલર્ટ ફીચરથી આપણી પ્રાઇવસી જોખમાશે નહીં. કેમ કે, પહેલી વાત એ કે આ ફીચર વૈકલ્પિક છે એટલે કે આપણે ઇચ્છીએ તો જ તેને ઓન કરી શકીએ છીએ. બીજી વાત એ કે આ ફીચરનો ઉપયોગ કરવા માટે આપણા કોઈ મેસેજ ડિવાઇસની બહાર મોકલવામાં આવશે નહીં. ‘સ્કેમ એલર્ટ’ માટે મેસેજિસ જોખમી છે કે નહીં તે તપાસવા જે મશીન લર્નિંગ મોડેલનો ઉપયોગ થશે તે આપણા ડિવાઇસમાં જ ડાઉનલોડ કરવામાં આવશે.
જોકે અત્યારે આ ફીચર ફક્ત એન્ડ્રોઇડમાં અમુક બીટા ટેસ્ટર્સને ઉપલબ્ધ થયું છે. આઇફોનમાં તે ઉપલબ્ધ નથી. વોટ્સએપના તમામ યૂઝર્સને તેનો લાભ ક્યારે મળશે તેની પણ સ્પષ્ટતા નથી.