Get The App

શું iPhone એક બર્થ કંટ્રોલ ડિવાઇસ છે? સ્વૈજ્ઞાનિકોએ આપ્યો ‘કોમન ગ્લોબલ ટેક્નોલોજી શોક’નો સંકેત, જાણો માહિતી…

Updated: Jun 10th, 2026

GS TEAM

Google News
Google News
શું iPhone એક બર્થ કંટ્રોલ ડિવાઇસ છે? સ્વૈજ્ઞાનિકોએ આપ્યો ‘કોમન ગ્લોબલ ટેક્નોલોજી શોક’નો સંકેત, જાણો માહિતી… 1 - image
AI Image

iPhone is Reason for Lower Birth Rate?: વૈશ્વિક સ્તરે જન્મદરમાં સતત થઈ રહેલા ઘટાડા પાછળ સામાન્ય રીતે આર્થિક મંદી કે બદલાતી જીવનશૈલીને જવાબદાર માનવામાં આવે છે. જોકે તાજેતરમાં સામે આવેલા બે ચોંકાવનારા વૈજ્ઞાનિક અભ્યાસોમાં દાવો કરવામાં આવ્યો છે કે, તમારા હાથમાં રહેલો iPhone અથવા સ્માર્ટફોન જ આ ઘટાડાનું મુખ્ય કારણ હોઈ શકે છે. એક રિસર્ચ દર્શાવે છે કે વર્ષ 2007માં આઇફોનના લોન્ચિંગ બાદથી જ વૈશ્વિક સ્તરે પ્રજનન દરમાં ભારે ઘટાડો નોંધાયો છે.

પરંપરાગત ટ્રેન્ડથી તદ્દન વિપરીત સ્થિતિ

ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે કોઈ પણ સમાજ કે દેશમાં જીવનધોરણ સુધરે છે, ત્યારે જન્મદરમાં ધીમે-ધીમે ઘટાડો થાય છે. જોકે છેલ્લા બે દાયકામાં વૈજ્ઞાનિકોએ એક અસામાન્ય પેટર્ન નોંધી છે. વર્ષ 2007 પછી જુદી-જુદી આર્થિક અને સામાજિક પરિસ્થિતિઓ ધરાવતા દેશોમાં પણ જન્મદરમાં એકસરખો મોટો ઘટાડો જોવા મળ્યો છે. નેશનલ બ્યુરો ઓફ ઇકોનોમિક રિસર્ચના અહેવાલ મુજબ, અમેરિકામાં 1980થી 2007 સુધી પ્રતિ 1,000 મહિલાઓ પર જન્મદર 65થી 70ની આસપાસ સ્થિર હતો. જોકે 2007 પછી તેમાં મોટો કડાકો આવ્યો અને 2024 સુધીમાં તે 22 ટકા ઘટીને માત્ર 54 પર પહોંચી ગયો છે.

રિસર્ચમાં કેવી રીતે થયો ખુલાસો?

જન્મદર ઘટાડવામાં આઇફોનની ભૂમિકા માપવી જટિલ હતી, કારણ કે 2008ની વૈશ્વિક આર્થિક મંદી જેવા અન્ય પરિબળો પણ તે સમયે સક્રિય હતા. આથી, સંશોધકોએ 2007થી 2011 વચ્ચેના સમયગાળા પર ધ્યાન કેન્દ્રિત કર્યું, જ્યારે અમેરિકામાં આઇફોન માત્ર 'AT&T' નેટવર્ક પર જ ઉપલબ્ધ હતો.

વૈજ્ઞાનિકોએ એક કુદરતી પ્રયોગના ભાગરૂપે એવા વિસ્તારોની સરખામણી કરી જ્યાં AT&Tનું નેટવર્ક મજબૂત હતું અને જ્યાં નેટવર્ક નહોતું. પરિણામો ચોંકાવનારા હતા:

15થી 19 વર્ષની યુવતીઓમાં: આઇફોનની પહોંચ ધરાવતા વિસ્તારોમાં જન્મદરમાં 4.5% થી 8%નો ઘટાડો થયો.

20થી 24 વર્ષની મહિલાઓમાં: જન્મદરમાં 3.2% થી 6.6%નો ઘટાડો નોંધાયો.

નેટવર્ક વગરના વિસ્તારો: જ્યાં કનેક્ટિવિટી નહોતી ત્યાં ટીનએજ જન્મદર માત્ર 13.8% ઘટ્યો, જ્યારે સંપૂર્ણ નેટવર્ક વાળા વિસ્તારોમાં આ ઘટાડો સીધો 26% હતો.

સમગ્ર ડેટાનું વિશ્લેષણ કરતા જાણવા મળ્યું કે, 2007-2011 દરમિયાન પ્રજનન દરમાં થયેલા કુલ ઘટાડામાંથી 33%થી 52% ઘટાડા માટે માત્ર આઇફોન જ જવાબદાર હતો.

આઇફોન કેવી રીતે બન્યો કારણ?

સંશોધકોના મતે, આઇફોન અને અન્ય સ્માર્ટફોન્સની લોકપ્રિયતા વધવાને કારણે યુવાનોએ ભૌતિક દુનિયામાં મિત્રો સાથે મળવાનું અને સમય વિતાવવાનું ખૂબ ઓછું કરી દીધું છે. ઇન-પર્સન સોશિયલાઇઝિંગ વર્ષ 2003માં દૈનિક 68 મિનિટ હતું, જે 2019 સુધીમાં 44% ઘટીને માત્ર 38 મિનિટ રહી ગયું છે. બીજી તરફ, કમ્પ્યુટર કે સ્ક્રીન પર વિતાવાતો સમય 22 મિનિટથી 336% વધીને 96 મિનિટ થઈ ગયો છે.

ડિજિટલ સ્ક્રીન ટાઈમ વધવાને કારણે લોકોની સેક્સ્યુઅલ એક્ટિવિટીઝમાં ઘટાડો થયો છે અને પોર્નોગ્રાફીનું સેવન વધ્યું છે, જે સેક્સના વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે. આ ઉપરાંત, સ્માર્ટફોનને કારણે યુવાનોમાં ગર્ભનિરોધક અને અબોર્શન જેવી માહિતીઓ સરળતાથી ઉપલબ્ધ થતાં અનિચ્છનીય ગર્ભધારણના કિસ્સા પણ ઘટ્યા છે.

વૈશ્વિક સ્તરે પણ સમાન ટ્રેન્ડ

યુનિવર્સિટી ઓફ સિનસિનાટીના અર્થશાસ્ત્રીઓએ વર્લ્ડ બેંકના ડેટાનો ઉપયોગ કરીને 128 દેશોમાં સ્માર્ટફોનનો વપરાશ અને કિશોરાવસ્થાના પ્રજનન દરનો અભ્યાસ કર્યો હતો. ઈરાન, કોસ્ટા રિકા, ગ્વાટેમાલા, ચિલી, મેક્સિકો અને તુર્કી જેવા દેશો જેમની આરોગ્ય પ્રણાલી, ધાર્મિક પરંપરાઓ અને કાયદાઓ તદ્દન અલગ છે, ત્યાં પણ સ્માર્ટફોન ક્રાંતિ આવતાની સાથે જ જન્મદરમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો. સંશોધકોએ તેને “કોમન ગ્લોબલ ટેક્નોલોજી શોક” ગણાવ્યો છે.

આ પણ વાંચો: WWDC 2026: એપલની અત્યાર સુધીની સૌથી મોટી જાહેરાતો, સ્માર્ટ 'Siri AI'થી લઈને ઘણું બધું

વસ્તી સંકોચનનો ગંભીર ખતરો

હાલમાં વિશ્વના અમીર અને ગરીબ બંને દેશો ઘટેલા જન્મદરનો સામનો કરી રહ્યા છે. કેનેડા, જાપાન, સિંગાપોર અને સ્પેન જેવા દેશો ભયજનક સ્તરથી નીચે આવી ગયા છે. ચીન જેવા દેશે વસ્તી વધારવા માટે 2016માં ‘વન ચાઇલ્ડ પોલિસી’ પણ નાબૂદ કરવી પડી હતી. સબ-સહારા આફ્રિકાના કેટલાક ગરીબ દેશોને બાદ કરતાં, ભારત અને બ્રાઝિલ જેવા મધ્યમ આવક ધરાવતા દેશોમાં પણ હવે પ્રજનન દર ખૂબ જ ઝડપથી ઘટી રહ્યો છે.

આઇફોન એ એકમાત્ર પરિબળ નથી, પરંતુ આ આધુનિક ટેક્નોલોજીએ માનવ વસ્તીના આંકડા બદલવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી છે તે વાત વૈજ્ઞાનિક રીતે સાબિત થઈ ચૂકી છે.