Get The App

WWDC 2026: એપલની અત્યાર સુધીની સૌથી મોટી જાહેરાતો, સ્માર્ટ 'Siri AI'થી લઈને ઘણું બધું

Updated: Jun 9th, 2026

GS TEAM

Google News
Google News
WWDC 2026: એપલની અત્યાર સુધીની સૌથી મોટી જાહેરાતો, સ્માર્ટ 'Siri AI'થી લઈને ઘણું બધું 1 - image

Apple WWDC 2026:  એપલે તેની પ્રતિષ્ઠિત 'વર્લ્ડવાઇડ ડેવલપર્સ કોન્ફરન્સ' (WWDC 2026)માં મોટી જાહેરાતોની આખી સીરિઝ રજૂ કરીને ટેક જગતમાં હલચલ મચાવી દીધી છે. આ વૈશ્વિક ઇવેન્ટમાં ટેક જાયન્ટ એપલે તેના લોકપ્રિય વોઇસ આસિસ્ટન્ટ 'સિરી' (Siri)ને એડવાન્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષમતાઓ સાથે અપગ્રેડ કર્યું છે. ગૂગલના સહયોગથી વિકસાવવામાં આવેલા 'એપલ ઇન્ટેલિજન્સ'ના લેટેસ્ટ વર્ઝનને કારણે, આ નવું સિરી યુઝર્સને પહેલા કરતાં વધુ પર્સનલાઇઝ્ડ આસિસ્ટન્સ પૂરું પાડશે. ટીમ કૂકની એપલના CEO તરીકેને આ છેલ્લી કોન્ફરન્સ હતી.

આગામી સમયમાં તમારા આઇફોન, આઇપેડ અને મેકબુક વાપરવાનો અંદાજ સંપૂર્ણપણે બદલાઈ જવાનો છે. આવો જાણીએ WWDC 2026ની મુખ્ય જાહેરાતો અને તેના ધમાકેદાર ફીચર્સ:

Siri AI: ટૂ-વે કન્વર્ઝેશન અને અદભુત ટૂલ્સ

એપલે તેના વોઇસ આસિસ્ટન્ટને તદ્દન નવો અવતાર આપતા હવે 'Siri AI' નામ આપ્યું છે.

આ નવું સિરી યુઝર્સ સાથે સામાન્ય માણસની જેમ વિગતવાર અને રસપ્રદ ટૂ-વે વાતચીત કરવા માટે સક્ષમ હશે.

તેમાં ઇમેજ એડિટિંગ અને રાઇટિંગ ટૂલ્સ પણ ઇન-બિલ્ટ આપવામાં આવ્યા છે.

સૌથી ખાસ વાત એ છે કે, તે તમારી સ્ક્રીન પર દેખાતી માહિતીના સંદર્ભને સમજીને તે મુજબના સચોટ જવાબો આપશે.

આ ઉપરાંત, 'Siri AI' માટે એક અલગ એપ પણ લોન્ચ કરવામાં આવી રહી છે, જ્યાં યુઝર્સ પોતાની જૂની વાતચીતની હિસ્ટ્રી જોઈ શકશે.

iOS 27: ડાયનેમિક આઇલેન્ડ અને કૅમેરામાં 'સિરી મોડ'

આઇફોન યુઝર્સ માટે આવી રહેલી આગામી ઓપરેટિંગ સીરિઝ iOS 27માં ઘણા ક્રાંતિકારી બદલાવ જોવા મળશે.

યુઝર્સ હવે સ્ક્રીન પર ઉપર દેખાતા ડાયનેમિક આઇલેન્ડને નીચે તરફ સ્વાઇપ કરીને 'Siri AI'નો ઉપયોગ કરી શકશે અને તેના જવાબો પણ ત્યાં જ પ્રદર્શિત થશે.

આ અપડેટ સાથે કેમેરા એપમાં એક ખાસ "Siri Mode" ઉમેરવામાં આવ્યો છે. આ ફીચર કેમેરા સ્ક્રીનમાં દેખાતી વસ્તુઓ કે ઓબ્જેક્ટ્સને ઓળખીને તેના વિશે તુરંત જ વિગતવાર માહિતી આપશે.

આ નવું iOS 27 અપડેટ iPhone 11 અને ત્યાર પછીના તમામ નવા આઇફોન મોડલ્સને સપોર્ટ કરશે.

macOS 'Golden Gate': સ્પોટલાઇટ મેનૂમાં સિરીનો પ્રવેશ

એપલે મેકબુક માટે તેના લેટેસ્ટ ઓપરેટિંગ વર્ઝન 'Golden Gate'ની જાહેરાત કરી છે.

આ અપડેટમાં સિરીને સીધું જ સ્પોટલાઇટ (Spotlight) મેનૂ સાથે ઇન્ટિગ્રેટ કરવામાં આવ્યું છે. એટલે કે, યુઝર્સ હવે સીધા સર્ચ બારમાં જ પ્રશ્નો પૂછી શકશે અને વધુ માહિતી માટે ફાઇલો પણ સિલેક્ટ કરી શકશે.

લુકની વાત કરીએ તો, આ અપડેટમાં તેના 'લિક્વિડ ગ્લાસ’ ડિઝાઇનને વધુ આકર્ષક બનાવવા માટે એક નવું સ્લાઇડર અને ટાઇટ વિન્ડો કોર્નર રેડિયસ આપવામાં આવ્યું છે, જે મેકબુકને વધુ સ્લીક અને પ્રીમિયમ લુક આપે છે.

સફારી બ્રાઉઝર બન્યું સુપર સ્માર્ટ

એપલે તેના વેબ બ્રાઉઝર 'Safari'માં પણ AI પાવર્ડ ફીચર્સનો ભંડાર ખોલ્યો છે:

AI ટેબ મેનેજમેન્ટ: આ ફીચર ઓપન રહેલા તમામ વેબપેજીસને તેના વિષયના આધારે આપોઆપ ઓર્ગેનાઇઝ કરી દેશે.

"Notify Me" ફીચર: જો તમે કોઈ વેબપેજ પર નજર રાખી રહ્યા છો, તો તેમાં થતા કોઈ પણ ફેરફાર વિશે આ ફીચર તમને તુરંત જ એલર્ટ કરશે.

સુરક્ષા: જો તમારો કોઈ પાસવર્ડ લીક કે કોમ્પ્રોમાઇઝ થયો હશે, તો બ્રાઉઝર તેને ઓટોમેટિક અપડેટ કરી દેશે.

યુઝર્સ માત્ર સામાન્ય ભાષામાં વર્ણન કરીને જ સફારી માટે પોતાના કસ્ટમ એક્સ્ટેન્શન તૈયાર કરાવી શકશે.

આ પણ વાંચો: હેકિંગની દુનિયામાં મોટો ખતરો: શું છે આ 'પ્રોમ્પ્ટ ઇન્જેક્શન એટેક'? જાણો બચવાનો રસ્તો

એપલની ઇન-બિલ્ટ એપ્સમાં પણ 'Apple Intelligence'નો ધમાકો

એપલે તેની તમામ મૂળ એપ્સને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે જોડી દીધી છે:

મેસેજિસ એપ: ચાલુ વાતચીતના આધારે સ્માર્ટલી ફોટાઓ સજેસ્ટ કરશે.

ફોન એપ: કૉલની શરૂઆતમાં જ સામેની વ્યક્તિ સંબંધિત મહત્ત્વની માહિતી સ્ક્રીન પર ડિસ્પ્લે કરશે.

મેઇલ એપ: સ્માર્ટ સજેશન્સ આપશે અને યુઝર્સ માત્ર બોલીને કે લખીને કોઈ પણ ઇવેન્ટને સીધી કેલેન્ડરમાં એડ કરી શકશે.

આ ઉપરાંત, સામાન્ય ભાષાની મદદથી કસ્ટમ શોર્ટકટ્સ બનાવી શકાશે અને ફોટો એડિટિંગ માટે એપલના 'Image Playground'નો ઉપયોગ કરીને શાનદાર AI એડિટ્સ કરી શકાશે.