Science & Technology

હવે ફાસ્ટેગમાં પણ પોર્ટેબિલિટી

By GS Team
30 Sep 20265 mins read
TukuTouch Logo
ભારતમાં ફાસ્ટેગ વપરાશકર્તાઓ માટે સારા સમાચાર છે. હવે તેઓ પોતાનો મોબાઈલ નંબર જાળવી રાખીને કંપની બદલી શકે છે, તેવી જ રીતે ફાસ્ટેગ બદલ્યા વિના બેંક બદલી શકશે. NHAIની 'રાજમાર્ગયાત્રા એપ' દ્વારા પોર્ટેબિલિટીની સુવિધા મળશે. આ માટે KYC પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે અને જૂના ખાતામાં જમા રકમ રિફંડ મળશે. આનાથી યુઝર્સને ઘણી રાહત થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

હવે ફાસ્ટેગમાં પણ પોર્ટેબિલિટી
  • મોબાઈલ નંબરની જેમ, ફાસ્ટેગ જાળવી રાખીને…

આપણા દેશમાં અત્યારે યુપીઆઇથી રૂ. ૨૦૦૦થી વધુ રકમના પેેમેન્ટ સમયે નજીવો ચાર્જ લાગશે એ મુદ્દો ચર્ચા ને વિરોધનો મુદ્દો બની ગયો છે, પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે યુપીઆઇ નહોતું ત્યારે ખિસ્સામાં રોકડ રાખવા કે ચેકબુક મેળવવા, કોઈનો ચેક બેંકમાં જમા કરવો વગેરે કામ માટે આપણે બેંકના કેટલા ધક્કા ખાવા પડતા હતા. એ ટાઇમ-કોસ્ટ અને દેખીતા ખર્ચ સામે નવો ચાર્જ તો કંઈ જ નથી.
એવું જ ફાસ્ટેગનું છે. જ્યારે હાઇવે પર કે વિવિધ પાર્કિંગ પ્લેસમાં ફી ચુકવણી માટે ફાસ્ટેગ નહોતા ત્યારે રોકડથી ચુકવણી માટે વાહનોની લાઇન લાગતી અને પેટ્રોલ-ડીઝલનો ધુમાડો થતો. ફાસ્ટેગ આવતાં આખી વાત ઘણી વધુ સહેલી અને પારદર્શક પણ બની.
એ જ ફાસ્ટેગમાં હવે નવાં પરિવર્તનો આવી રહ્યાં છે. એમાંનું એક પરિવર્તન - પોર્ટેબિલિટીની સગવડ - ઓલરેડી આવી ગયું છે, આવો જાણીએ.

ફાસ્ટેગ બદલ્યા વિના બેંક બદલી શકાશે
અત્યારે આપણે હાઇવેનો ઉપયોગ કરતી વખતે ટોલ ટેક્સ ચૂકવવો પડે એ વાતની કોઈ નવાઇ રહી નથી, પરંતુ તમને એ જાણીને ચોક્કસ નવાઈ લાગશે કે આ વાતનાં મૂળ છેક ૧૮૫૧માં છે! એ સમયે લાગુ થયેલા ઇન્ડિયન ટોલ એક્ટથી ભારતમાં કાયદેસર રીતે રસ્તાઓ પર ટોલનું ઉઘરાણું શરૂ થયું!
એ પછી છેક ૧૯૯૭માં સરકારે દેશના તમામ ફોરલેન નેશનલ હાઇવે પર ટોલ ટેક્સ કલેક્ટ કરવાનું નક્કી કર્યું. ત્યારથી હાઇવે પર ટોલ પ્લાઝા પર ટોલ ચૂકવવા માટે વાહનોની લાંબી કતાર લાગવાનું શરૂ થયું. કારણ કે શરૂઆતમાં ફક્ત રોકડ રકમથી ટોલ ટેક્સ ચૂકવી શકાતો. પછી બેંકનાં ડેબિટ/ક્રેડિટ કાર્ડ, ક્યૂઆર કોડ જેવી સુવિધાઓથી પેમેન્ટ શરૂ થયું.
ફાસ્ટેગનું આગમન
દસેક વર્ષ પહેલાં ફાસ્ટેગના આગમન સાથે આખી વાત ઘણી બદલાઈ ગઈ. આપણે ટોલ ટેક્સ ચૂકવવા માટે ટોલ પ્લાઝા પર વાહન થોભાવવું પડે ખરું પણ ટોલ પ્લાઝાની ચૂકવણી આપોઆપ થાય. તેનાં દસેક વર્ષ પછી આ વ્યવસ્થામાં ફરી મોટા પરિવર્તનો આવી રહ્યાં છે. સરકાર ફાસ્ટેગને તો ઠીક ટોલ ટેક્સ પ્લાઝાને જ ‘કંઈક અંશે’ વિદાય આપવાની વેંતરણમાં છે. નવી પદ્ધતિમાં વાહન નિશ્ચિત હાઇવે પર ચઢે ત્યારથી તેનું સેટેલાઇટ મારફત ટ્રેકિંગ થાય અને વાહન એ હાઇવે છોડીને આગળ વધે ત્યાર સુધીના સમયની ગણતરી કરીને હાઇવેના ઉપયોગના એ સમયગાળા માટેનો ટેક્સ આપણા એકાઉન્ટમાંથી આપોઆપ ચૂકવાઈ જાય એવી પદ્ધતિનું પાયલોટ ટેસ્ટિંગ શરૂ થઈ ગયું છે. એ પદ્ધતિ પૂરેપૂરી અમલી થાય એ પહેલાં હાલની ફાસ્ટેગ પદ્ધતિને સરળ બનાવવાની પણ કવાયત ચાલી રહી છે. એ માટે હાઇ-સ્પીડ કેમેરાથી વાહનના નંબર સ્કેન કરીને, વાહન થોભાવ્યા વિના રકમ ચુકવાઈ જાય એવી પદ્ધતિ પણ અમલમાં આવી રહી છે.
હાલની ફાસ્ટેગ વ્યવસ્થા
ભારતમાં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઇ)એ ‘નેશનલ ઇલેક્ટ્રોનિક ટોલ કલેકશન’ નામે એક ફાસ્ટેગ સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભું કર્યું છે. તેમાં સામેલ બેંક પાસેથી ઓનલાઇન અથવા ઓફલાઇન પદ્ધતિથી આપણે પોતાના વાહન માટે ફાસ્ટેગ ખરીદી શકીએ છીએ. આપણે ઇચ્છીએ તો વિવિધ ટોલપ્લાઝા પર, બેંકની બ્રાન્ચમાંથી, અમુક પસંદગીની આરટીઓમાંથી, ટ્રાન્સપોર્ટ હબમાંથી કે વિવિધ ઓનલાઇન ચેનલમાંથી ફાસ્ટેગ મેળવી શકીએ છીએ. આ સિવાય નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એનએચએઆઇ) મારફત પણ ફાસ્ટેગ ખરીદી શકાય છે.
આપણે ગમે ત્યાંથી ફાસ્ટેગ ખરીદીએ. તે કોઈને કોઈ બેંક સાથે કનેક્ટેડ હોય છે.
આપણા ફાસ્ટેગ માટે એક યુપીઆઇ વોલેટ બને છે, તેમાં જમા રકમમાંથી ટોલ પ્લાઝા પર રકમની ચૂકવણી થાય છે. આપણે ઇચ્છીએ તો વોલેટમાંનું બેલેન્સ અમુક રકમથી નીચે જાય ત્યારે આપણા બેંક એકાઉન્ટમાંથી ફાસ્ટેગ વોલેટ આપોઆપ રિચાર્જ થાય એવું સેટિંગ કરી શકાય છે.
અત્યારે આપણે પોતાનું ફાસ્ટેગ જે બેંક સાથે કનેક્ટેડ રાખ્યું હોય તે બેંકની એપ કે વેબસાઇટ પરથી ફાસ્ટેગ રિચાર્જ કરી શકીએ છીએ. એ સિવાય વિવિધ યુપીઆઇ એપ્સમાંથી પણ આપણે પોતાના વાહનનો નંબર તથા ફાસ્ટેગ ઇસ્યુ કરનારી બેંક જણાવીને ફાસ્ટેગ રિચાર્જ કરી શકીએ છીએ. ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (બીબીપીએસ)ની મદદથી પણ ફાસ્ટેગ રિચાર્જ કરી શકાય છે.
આપણે જે બેંક પાસેથી ફાસ્ટેગ મેળવ્યું હોય તે દરેક વાહન સાથે કનેક્ટેડ ફાસ્ટેગનું એક ચોક્કસ યુપીઆઇ આઇડી બનાવે છે. જેમ કે NETC.@ આપણે ફાસ્ટેગ રિચાર્જ કરીએ ત્યારે પોતાના આ યુપીઆઇ આઇડી પર રૂપિયા મોકલીએ છીએ અને તેમાંથી ટોલ પ્લાઝા પરની આરએફઆઇડી સિસ્ટમ ફાસ્ટેગ સ્ટીકરને ઓળખીને તેની સાથે કનેક્ટેડ ફાસ્ટેગ વોલેટમાંથી રકમ મેળવી લે છે.
મહત્ત્વની વાત એ છે કે ફાસ્ટેગની હાલની આખી વ્યવસ્થા ઇન્ટરઓપરેબલ છે. એટલે કે આપણે કોઈ પણ બેંક કે સંસ્થા પાસેથી ફાસ્ટેગ ખરીદી શકીએ છીએ તથા તેને અલગ અલગ રીતે રિચાર્જ કરી શકીએ છીએ. પરંતુ અત્યાર સુધી ફાસ્ટેગ જે બેંક પાસેથી ખરીદ્યું હોય એ બેંક બદલવાની કોઈ સગવડ નહોતી.
હવે આખી વાત થોડી બદલાઈ રહી છે.
જે રીતે આપણે પોતાની મોબાઇલ કંપનીથી સંતોષ ન હોય તો મોબાઇલ નંબર એનો એ રાખીને મોબાઇલ કંપની બદલી શકીએ છીએ, એવી પોર્ટેબિલિટી ફાસ્ટેગમાં પણ મળશે (‘ટેકનોવર્લ્ડ’માં આપણે અગાઉ વાત કરી છે તેમ બેંક ખાતાનો નંબર જાળવી રાખીને બેંક બદલી શકાય એવી પોર્ટેબિલિટી પણ મળવાની શક્યતા છે!).
નવી ‘વનટેગ’ વ્યવસ્થા
હાલની વ્યવસ્થામાં આપણે વાહનના ફાસ્ટેગ સાથે કનેક્ટેડ બેંક બદલવી હોય તો નવી બેંક પાસેથી નવું ફાસ્ટેગ મેળવવું પડે.
જ્યારે હવે રજૂ થઈ રહેલી ‘વનટેગ’ વ્યવસ્થામાં ફાસ્ટેગ એનું એ રાખીને આપણે તેની સાથે કનેક્ટેડ બેંક બદલી શકીશું. આથી આપણા ફાસ્ટેગનું સ્ટીકર તથા તેની સાથે કનેક્ટેડ ફાસ્ટેગ આઇડી એનો એ રહેશે.
જો આ વનટેગ વ્યવસ્થાનો લાભ લઈને આપણે ફાસ્ટેગની બેંક બદલવી હોય તો આપણે એનએચએઆઇની ‘રાજમાર્ગયાત્રા એપ’નો ઉપયોગ કરવો જોઇશે. તેમાં આપણે પોતાનો વાહનનો રજિસ્ટ્રેશન નંબર આપીશું એટલે આપણું ફાસ્ટેગ/વાહન પોર્ટેબિલિટી માટે પાત્ર છે કે નહીં તે તપાસવામાં આવશે.
એ પછી આપણે હાલમાં જે બેંક પાસેથી ફાસ્ટેગ મેળવ્યું હોય તે આપણા ફોન નંબર પર છ ડિજિટનો મોબાઇલ વેરિફિકેશનનો કોડ મોકલે છે. એ કોડ આપીને આપણે પોર્ટેબિલિટી રિકવેસ્ટ ઓથોરાઇઝ્ડ કરી શકીશું.
હવે આપણે ફાસ્ટેગ માટે નવી ઇસ્યુઇંગ બેંક પસંદ કરી શકીશું. નવી બેંકમાં આપણે કેવાયસી પ્રોસેસ પૂરી કરવી જોઇશે. આ બેંકમાં આપણા ફાસ્ટેગ માટે નવું એકાઉન્ટ બનશે.
એ સાથે આપણા ફાસ્ટેગની જૂની બેંકમાંનું ફાસ્ટેગ એકાઉન્ટ બંધ થશે. તેમાં કોઈ બેલેન્સ રકમ જમા હોય તો તેનું આપણને રિફંડ મળી જશે. નવી બેંકના ફાસ્ટેગ એકાઉન્ટમાં નવેસરથી રકમ જમા કરીને આપણે તેનાથી ફાસ્ટેગ રિચાર્જ કરી શકીશું.