Science & Technology

હવે અંધત્વ દૂર થશે અને મગજના રોગો પણ મટશે... પ્રકાશથી ન્યુરોન્સ કંટ્રોલની શોધ બદલ ત્રણ વિજ્ઞાનીને મેડિસિનનું નોબેલ

By GS Team
5 Oct 20263 mins read
TukuTouch Logo
વર્ષ 2026નો ફિઝિયોલોજી અથવા મેડિસિનનો નોબેલ પુરસ્કાર 3 વૈજ્ઞાનિકો કાર્લ ડીસેરોથ, પીટર હેગેમેન અને જ્યોર્જ નાગેલને સંયુક્ત રીતે એનાયત થયો છે. સ્ટોકહોમની કેરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પ્રકાશિત આ જાહેરાતમાં 'ઓપ્ટોજેનેટિક્સ'ની ક્રાંતિકારી શોધને બિરદાવવામાં આવી. આ ટેકનિકથી પ્રકાશના કિરણો દ્વારા મગજના કોષોને 'ઓન' કે 'ઓફ' કરી શકાય છે, જે ન્યુરોસાયન્સમાં નવા યુગનો પ્રારંભ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હવે અંધત્વ દૂર થશે અને મગજના રોગો પણ મટશે... પ્રકાશથી ન્યુરોન્સ કંટ્રોલની શોધ બદલ ત્રણ વિજ્ઞાનીને મેડિસિનનું નોબેલ

The 2026 Nobel Prize Of Medicines : આપણું મગજ એક અત્યંત જટિલ અને રહસ્યમય અંગ છે. યાદો કેવી રીતે બને છે? આપણને દુઃખ કેમ થાય છે? કે પછી આપણી લાગણીઓ પાછળ કયું વિજ્ઞાન કામ કરે છે? આ પ્રશ્નોના જવાબો શોધવા વિજ્ઞાનીઓ માટે હંમેશા પડકારજનક રહ્યા છે. પરંતુ, શું તમે ક્યારેય કલ્પના કરી છે કે માત્ર એક 'પ્રકાશ'ના કિરણથી મગજના કોષોને બલ્બની સ્વીચની જેમ 'ઓન' કે 'ઓફ' કરી શકાય?
હા, આ કલ્પના હવે વાસ્તવિકતા બની ચૂકી છે! આ અદ્ભુત અને યુગપ્રવર્તક શોધ માટે વર્ષ 2026નો ફિઝિયોલોજી અથવા મેડિસિન ક્ષેત્રનો નોબેલ પુરસ્કાર ત્રણ મહાન વિજ્ઞાનીને એનાયત કરાયો છે.

ઓપ્ટોજેનેટિક્સ: ન્યુરો સાયન્સમાં એક નવા યુગનો પ્રારંભ

નોબેલ કમિટીએ 5 ઓક્ટોબરે જાહેરાત કરી કે 2026નો મેડિસિન નોબેલ પુરસ્કાર સંયુક્ત રીતે ત્રણ વિજ્ઞાની કાર્લ ડીસેરોથ (Karl Deisseroth), પીટર હેગેમેન (Peter Hegemann) અને જ્યોર્જ નાગેલ (Georg Nagel) ને એનાયત કરાશે. આ સન્માન ‘લાઇટ-ગેટેડ આયન ચેનલ્સ અને ઓપ્ટોજેનેટિક્સ’ની ક્રાંતિકારી શોધ માટે અપાશે. સ્ટોકહોમ સ્થિત ‘કેરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યૂટ’ની નોબેલ એસેમ્બલીના જણાવ્યાનુસાર, આ ત્રિપુટીએ માનવ મગજને સમજવાના વિજ્ઞાનમાં એક તદ્દન નવા યુગનો પાયો નાખ્યો છે.

શું છે આ 'ઓપ્ટોજેનેટિક્સ' ટેકનિક?

ઓપ્ટોજેનેટિક્સ (Optogenetics) એ વિજ્ઞાનનો એક એવો ક્રાંતિકારી સમન્વય છે, જેમાં ઓપ્ટિક્સ (પ્રકાશ) અને જિનેટિક્સ (જનીન વિજ્ઞાન) સાથે મળીને કામ કરે છે. આ ટેક્નોલોજીની મદદથી વિજ્ઞાનીઓ પ્રકાશના કિરણો ફેંકીને જીવંત મગજના ચોક્કસ ચેતાકોષો (Nerve Cells) ની સક્રિયતાને નિયંત્રિત કરી શકે છે. પહેલા મગજમાં કરોડો કોષો એકસાથે કામ કરતા હોવાથી ચોક્કસ કોષની ભૂમિકા ઓળખવી અશક્ય જેવી હતી. પરંતુ ઓપ્ટોજેનેટિક્સે મગજના અલગ-અલગ કોષોને વ્યક્તિગત રીતે 'ઓન' કે 'ઓફ' કરવાનું શક્ય બનાવ્યું છે, જેથી યાદો, માનસિક લાગણીઓ અને વર્તનને ઊંડાણપૂર્વક સમજી શકાય છે.

શેવાળ (Algae) થી શરૂ થઈ મગજના કોષો સુધી પહોંચેલી ક્રાંતિ

આ શોધની સફર પણ રસપ્રદ રહી છે, એ સમજીએ.

  • પ્રકાશ-સંવેદનશીલ પ્રોટીનની શોધ: આ સંશોધનની શરૂઆત પીટર હેગેમેન અને જ્યોર્જ નાગેલના અભ્યાસથી થઈ હતી. તેમણે 'ક્લેમિડોમોનાસ' (Chlamydomonas) નામની એક-કોષીય શેવાળ પર કામ કરતી વખતે તેમાં 'ચેનલરોડોપ્સિન-1' અને 'ચેનલરોડોપ્સિન-2' નામના પ્રકાશ-સંવેદનશીલ પ્રોટીન શોધી કાઢ્યા.
  • પ્રકાશથી વિદ્યુત સંકેત: તેમણે સાબિત કર્યું કે જ્યારે આ પ્રોટીન પર વાદળી (Blue) પ્રકાશ પડે છે, ત્યારે તે કોષમાં એક નાનો રસ્તો (ચેનલ) ખોલે છે, જેમાંથી વીજ-ભારિત કણો પસાર થઈને વિદ્યુત સંકેત (Electrical Signal) ઉત્પન્ન કરે છે.
  • મગજમાં પ્રયોગ અને સફળતા: આ સંભાવનાને કાર્લ ડીસેરોથે આગળ વધારી. 2005 માં, ડીસેરોથ અને તેમની ટીમે લેબોરેટરીમાં ઉંદરના ચેતાકોષોમાં આ જનીન દાખલ કર્યું અને પ્રકાશ દ્વારા સંકેતો ઉત્પન્ન કર્યા. ત્યારબાદ 2007 માં તેમણે દર્શાવ્યું કે જીવંત ઉંદરના મગજમાં પણ પ્રકાશથી કોષોને સ્વીચની જેમ નિયંત્રિત કરી શકાય છે.

ભવિષ્યની તબીબી સારવાર માટે મહત્ત્વની શોધ

નોબેલ સમિતિના અધ્યક્ષ પર સ્વેનિંગ્સને જણાવ્યું હતું કે, ‘ઓપ્ટોજેનેટિક્સ મગજનું એવું મેપિંગ કરવાની તક આપે છે, જેની આપણે અત્યાર સુધી માત્ર કલ્પના જ કરી શકતા હતા.’ વાત એમ છે કે, આ શોધ માત્ર પ્રયોગશાળા પૂરતી સીમિત નથી, પરંતુ તેનાથી ભવિષ્યની સારવારના નવા દરવાજા ખુલ્યા છે. જેમ કે…

1… માનસિક અને ન્યુરોલોજીકલ બીમારીઓ: ડિપ્રેશન, ચિંતા (Anxiety), પાર્કિન્સન્સ અને પાર્કિન્સન જેવા રોગોના મૂળ કારણો શોધી શકાશે.

2… અંધત્વ દૂર કરવાની આશા: આ ટેક્નોલોજીની મદદથી ભવિષ્યમાં દૃષ્ટિહીન લોકોની આંખોની રોશની પાછી લાવવા પર સંશોધન થઈ રહ્યું છે.

3… સાંભળવાની ક્ષમતા: કોક્લિયર ઇમ્પ્લાન્ટ્સ (સાંભળવાના મશીન) ની ચોકસાઈ અને કાર્યક્ષમતામાં અનેકગણો સુધારો કરી શકાશે.

કોણ છે 3 નોબેલ વિજેતા વિજ્ઞાનીઓ

  • ડૉ. કાર્લ ડીસેરોથ (Karl Deisseroth) : જન્મ: 1971 (બોસ્ટન, અમેરિકા)
    હોદ્દો: પ્રોફેસર- સ્ટેનફોર્ડ યુનિવર્સિટી અને હોવર્ડ હ્યુજીસ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ. તેઓ બાયોએન્જિનિયરિંગ તેમજ મનોચિકિત્સા (Psychiatry)ના નિષ્ણાત છે. તેમણે વર્ષ 1998માં PhD અને 2000 માં MDની ડિગ્રી મેળવી હતી.
  • ડૉ. પીટર હેગેમેન (Peter Hegemann) : જન્મ: 1954 (મુન્સ્ટર, જર્મની)
    હોદ્દો: સિનિયર પ્રોફેસર- હમ્બોલ્ટ યુનિવર્સિટી, બર્લિન (ન્યુરોસાયન્સ વિભાગ). તેમણે 1984 માં મેક્સ પ્લાન્ક ઇન્સ્ટિટ્યૂટ ફોર બાયોકેમિસ્ટ્રીમાંથી PhD કર્યું હતું.
  • ડૉ. જ્યોર્જ નાગેલ (Georg Nagel) : જન્મ: 1953 (વેઇંગર્ટન, જર્મની)
    હોદ્દો: પ્રોફેસર- વુર્ઝબર્ગ યુનિવર્સિટી (મોલેક્યુલર પ્લાન્ટ ફિઝિયોલોજી અને બાયોફિઝિક્સ વિભાગ). તેમણે 1988 માં ફ્રેન્કફર્ટ યુનિવર્સિટીમાંથી PhD કર્યું હતું.