Science & Technology

સેલ્ફી વીડિયોના નવા ઉપયોગ

By GS Team
5 Aug 20266 mins read
TukuTouch Logo
AI યુગમાં માણસ હોવાનું સાબિત કરવા Google અને Facebook નવા ઉપાયો લાવી છે. Google હવે પાસવર્ડ ભૂલી જવાય ત્યારે સેલ્ફી વીડિયોથી લોગ-ઇન કરવાની સુવિધા આપી રહ્યું છે. Facebook પણ યુઝર ખરેખર માણસ છે કે AI, તે દર્શાવવા માટે સેલ્ફી વીડિયો દ્વારા "Facebook Verified" બેજ આપશે. આ પગલાંથી સોશિયલ મીડિયા પર અસલી-નકલી કન્ટેન્ટ પારખવું સરળ બનશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સેલ્ફી વીડિયોના નવા ઉપયોગ
  • એઆઈ યુગમાં આપણે માણસ હોવાનું સાબિત કરવાની નવી રીત

વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક વગેરે પર હમણાં હમણાં ક્યૂટ બાબા-બેબીના સરસ મજાના વીડિયો વાઇરલ થઈ રહ્યા છે. એ જ બાબો ઘણી વાર કાનુડાના સ્વરૂપે પણ જોવા મળે. તહેવારો નજીક આવતાં આવા વીડિયો દેખાવાનું પ્રમાણ હજી વધશે. આ વીડિયો મજાના હોય છે અને સ્પષ્ટપણે સમજી શકાય કે એ એઆઇ-જનરેટેડ છે. પણ, સોશિયલ મીડિયા પર હવે ઘણું કન્ટેન્ટ અસલી કે નકલી એ પારખવું મુશ્કેલ બની ગયું છે.
બીજી તરફ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને તેના પર યૂઝર્સ ચીટકેલા રહે તો આવા કન્ટેન્ટ સામે કોઈ વાંધો પણ નથી. જોકે હવે તેમને સમજાઈ રહ્યું છે કે અસલી-નકલીનો ભેદ હોવો જરૂરી તો છે. એટલે હમણાં ફેસબુકે જે તે યૂઝર હ્યુમન છે કે નહીં તેની ખાતરી આપવાનું શરૂ કર્યું છે. તેમ ગૂગલે આપણે પોતાના એકાઉન્ટમાં લોગ ઇન ન થઈ શકીએ, ત્યારે પોતાની ઓળખ સાબિત કરવાની નવી રીત આપી છે - બંને કંપનીએ અપનાવ્યા છે સેલ્ફી વીડિયો!

ગૂગલ એકાઉન્ટમાં વીડિયોથી લોગ-ઇન કરી શકાશે
આપણે પોતાના ગૂગલ એકાઉન્ટનો પાસવર્ડ ભૂલી જઇએ તો એકાઉન્ટમાં ફરી એક્સેસ મેળવવા માટે અગાઉ ઘણી કસરત કરવી પડતી. હવે પાસકીની સગવડ મળવાથી તથા એકાઉન્ટ રીકવરી માટે અગાઉથી કેટલીક માહિતી ગૂગલને આપી રાખી હોય, આપણો કાયમી સ્માર્ટફોન હાથવગો હોય તો પોતાના એકાઉન્ટમાં ફરી એક્સેસ મેળવવાનું કામ ધીમે ધીમે સહેલું બનતું ગયું છે.
હવે આખી વાત હજી વધુ સહેલી બની રહી છે. ગૂગલ એકાઉન્ટમાં સાઇન ઇન થવા માટે એક નવો રસ્તો આવી ગયો છે - હવે આપણે સેલ્ફી વીડિયોની મદદથી પોતાના ગૂગલ એકાઉન્ટમાં સાઇન ઇન થઈ શકીશું!
સામાન્ય રીતે આપણા પોતાના કાયમી સ્માર્ટફોનમાં ગૂગલ એકાઉન્ટ ઉમેર્યું હોય તો તેની વિવિધ સર્વિસનો ઉપયોગ કરવા માટે વારંવાર સાઇન ઇન થવું પડતું નથી. ફક્ત પોતાના એકાઉન્ટમાં કોઈ મહત્ત્વના ફેરફાર કરવા હોય ત્યારે જ આપણે પોતાની ઓળખ સાબિત કરવા માટે ગૂગલ એકાઉન્ટમાં ફરીથી સાઇન ઇન થવું પડે છે.
એવું જ કમ્પ્યૂટરનું છે. કમ્પ્યૂટરમાં આપણે પોતાના કાયમી બ્રાઉઝરમાં ગૂગલ એકાઉન્ટથી લોગ ઇન હોઇએ તો ગૂગલની બધી સર્વિસિસનો વિના અવરોધે ઉપયોગ કરી શકીએ છીએ. કમ્પ્યૂટરમાં આપણે પોતાનો પાસવર્ડ સેવ્ડ રાખ્યો હોય તો પણ આપણું કામ સહેલું બને.
પરંતુ ક્યારેક એવું બને કે આપણી પાસે પોતાના કાયમી ફોન કે કમ્પ્યૂટર ન હોય, આપણે બીજા કોઈ ફોન કે કમ્પ્યૂટરમાં ગૂગલ એકાઉન્ટમાં સાઇન ઇન કરવું જરૂરી હોય પરંતુ એવે સમયે પોતાના ગૂગલ એકાઉન્ટનો પાસવર્ડ યાદ ન આવે.
આવે સમયે આપણને ઉપયોગી થાય એ માટે હવે પહેલેથી ગૂગલને સેલ્ફી વીડિયો આપી શકાય છે.
એ માટે, આપણે ગૂગલના લોગ ઇન પેજ પર પહોંચીએ ત્યારે આ નવો વિકલ્પ બતાવીને, સેલ્ફી વીડિયો સેવ કરવાનું કહેવામાં આવશે. આપણે પોતાના ફોનમાં કેમેરા સામે જોઇને સેલ્ફી વીડિયો કેપ્ચર કરવાનો રહે છે. એ દરમિયાન આપણે સૂચના આપવામાં આવે એ રીતે માથું જુદી જુદી દિશામાં હલાવીને અલગ અલગ એંગલથી સેલ્ફી વીડિયો કેપ્ચર કરવાનો રહેશે.
એક રીતે જોઇએ તો આપણે સ્માર્ટફોનમાં પોતાની ફિંગરપ્રિન્ટ, સેન્સર પર જુદા જુદા એંગલથી આંગળી પ્રેસ કરીને સેટ કરીએ છીએ, એના જેવી જ આ વાત છે.
આ પછી આપણો આ સેલ્ફી વીડિયો આપણા ગૂગલ એકાઉન્ટમાં સલામત રીતે સ્ટોર્ડ રહે છે. આપણે જ્યારે પણ ગૂગલ એકાઉન્ટમાં પાસવર્ડ કે પાસકી જેવી અન્ય પદ્ધતિથી લોગ ઇન ન થઈ શકીએ ત્યારે જે તે ડિવાઇસનો કેમેરા ઓન કરીને નવો સેલ્ફી વીડિયો આપતાં ગૂગલની સિસ્ટમ આ નવા વીડિયોને આપણે અગાઉથી આપેલા વીડિયો સાથે સરખાવે છે. આ સમયે આપણે લાઇવ વીડિયોનો જ ઉપયોગ કરી રહ્યા છીએ તેની ખાતરી કરાવવા માટે સ્ક્રીન પર મળતી સૂચના મુજબ ચહેરો જુદી જુદી દિશામાં હલાવવાનો રહેશે. આ બધી કસરતનો મૂળ હેતુ એટલો જ છે કે અન્ય કોઈ વ્યક્તિ આપણા ફેક ફોટોગ્રાફ કે ડીપફેક વીડિયોનો ઉપયોગ કરીને આપણા ગૂગલ એકાઉન્ટમાં સાઇન ઇન થઈ ન જાય.
અલબત્ત, અત્યારે આ સુવિધા માત્ર અમુક ગૂગલ એકાઉન્ટને મળી રહી છે. તમને આ સુવિધા મળી શકે તેમ છે કે નહીં એ તપાસવા માટે આ વેબપેજ પર જાઓ g.co/signin-selfie. તમને આ સવગડ મળવા લાગી હશે, તો સ્ક્રીન પર મળતી સૂચના મુજબ તમારા ચહેરાનો શોર્ટ સેલ્ફી વીડિયો તમારા ગૂગલ એકાઉન્ટમાં ઉમેરી શકાશે.
આ પદ્ધતિ આપણી સગવડ વધારે છે, સામે થોડું જોખમ પણ વધારે છે. ગૂગલની સિસ્ટમ સેલ્ફી વીડિયોથી આપણું વેરિફિકેશન કરતી વખતે ફેક ફોટો કે ડીપફેક વીડિયોના ઉપયોગને અટકાવવા માટે પૂરતી કોશિશ કરે છે, પરંતુ એમાં કંઈ ભૂલ થાય તો આપણું મહત્ત્વનું ગૂગલ એકાઉન્ટ જોખમાઈ શકે છે.

ફેસબુક વીડિયોથી આપણે હ્યુમન હોવાનું વેરિફાય કરશે
બધી જ સોશિયલ મીડિયા સર્વિસની જેમ ફેસબુકમાં પણ એઆઇ જનરેટેડ કન્ટેન્ટનું પ્રમાણ સતત વધી રહ્યું છે. હદ તો એ છે કે હવે આખેઆખાં એકાઉન્ટ એઆઇ જનરેટેડ હોય છે! પરિણામે આપણે કોઈ પણ એકાઉન્ટનું કન્ટેન્ટ જોઇ રહ્યા હોઇએ ત્યારે નક્કી કરવું મુશ્કેલ બને કે એ એકાઉન્ટ કે કન્ટેન્ટ પાછળ કોઈ જીવતી જાગતી વ્યક્તિ છે કે પછી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ). ફક્ત વાતચીત નહીં પરંતુ ફેસબુક માર્કેટપ્લેસમાં કોઈ ચીજવસ્તુની લેવેચ કરવાની વાત હોય ત્યારે સામે અસલી વ્યક્તિ હોવાની ખાતરી કરવી બહુ જરૂરી બન છે.
આપણી આ ચિંતાનો ફેસબુક હવે ઉપાય લાવી રહી છે. ગયા મહિનાથી કંપનીએ ‘ફેસબુક વેરિફાઇડ’ નામે એક નવી સર્વિસ શરૂ કરી છે. આ કારણે જ્યારે કોઈ પણ એકાઉન્ટ જીવતી જાગતી, અસલી વ્યક્તિ દ્વારા મેનેજ થતું હશે ત્યારે તેના પ્રોફાઇલમાં એ એકાઉન્ટ ‘ફેસબુક વેરિફાઇડ હ્યુમન મેનેજ્ડ પ્રોફાઇલ’ છે એવું દર્શાવવા માટે એક ટિક માર્ક જોવા મળશે.
સારી વાત એ છે કે આવો ટિક માર્ક મેળવવા માટે આપણે કોઈ ફી ચૂકવવાની નથી! આપણે ફક્ત એક સાદી સેલ્ફી વીડિયો આધારિત વેરિફિકેશન પ્રોસેસ પૂરી કરવાની રહેશે. એ માટે આપણે પોતાનો એક ટૂંકો સેલ્ફી વીડિયો રેકોર્ડ કરવાનો રહેશે.
એ વીડિયો આપણે ફેસબુકમાં સબમિટ કરીએ એ સાથે કંપનીની સિસ્ટમ આપણા પ્રોફાઇલ ફોટો સાથે તેને મેચ કરશે, આપણે ફેસબુકમાં આપણી બીજી કેટલીક એક્ટિવિટી પણ તપાસવામાં આવશે. એ પછી, બધું યોગ્ય જણાય તો આપણું એકાઉન્ટ હ્યુમન મેનેજજ્ડ હોવાનું સાબિત થશે અને તેમાં ફેસબુક વેરિફાઇડ બેજ ઉમેરાશે.
ફેસબુકનો ઉપયોગ કરતા ૧૮ વર્ષથી વધુ ઉંમરના યૂઝર આવો બેજ મેળવી શકશે. ફેસબુક પેજ કે પ્રોમોડ એકાઉન્ટ્સ માટે આ સુવિધા ઉપલબ્ધ નથી. અત્યારે કંપની દુનિયાના વિવિધ ભાગોમાં ફેસબુક વેરિફાઇડ બેજ તબક્કાવાર રોલઆઉટ કરી રહી છે.
આપણા એકાઉન્ટમાં આ રીતે ફેસબુક વેરિફાઇડ બેજ ઉમેરાય તે પછી આપણા પ્રોફાઇલ પેજ ઉપરાંત ડેટિંગ, ગ્રૂપ્સ, માર્કેટપ્લેસ વગેરે ફેસબુકની વિવિધ જગ્યાએ આપણા નામ સાથે તે ફેસબુક વેરિફાઇડ હોવાનો ટિક માર્ક જોવા મળશે. થોડા સમય પછી આપણી બધી ફીડ પોસ્ટમાં પણ આ બેજ ઉમેરાશે.
આ કારણે થોડા સમય પછી આખા ફેસબુક પર વિવિધ જગ્યાએ જુદા જુદા એકાઉન્ટના નામ સાથે એ યૂઝર હ્યુમન છે કે નહીં તે દર્શાવતો બેજ જોવા મળશે. પરિણામે આપણે એ યૂઝર સાથે કોઈ ઇન્ટરેકશન કરવું કે નહીં તે વધુ સારી રીતે નક્કી કરી શકીશું.
એ ખાસ ધ્યાન રાખવા જેવું છે કે આ બેજથી ફક્ત એટલું નક્કી થાય છે કે એ એકાઉન્ટ કોઈ અસલી વ્યક્તિનું હોવાની ફેસબુકે ખાતરી કરી છે. રાઇટ ટિક માર્ક સાથેના આ બેજનો અર્થ એવો બિલકુલ નથી કે ફેસબુક પોતે એ યૂઝરને વિશ્વાસપાત્ર ગણાવે છે.