વોટ્સએપમાં નવી પ્રાઈવસી સુવિધા વાતો વધુ ખાનગી રાખી શકાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- વોટ્સએપનું 'એડવાન્સ્ડ ચેટ પ્રાઈવસી' ફીચર તમને ગૂંચવે છે ? હવે થોડી સ્પષ્ટતા મળશે
વોટ્સએપ એક સમયે એકદમ સિમ્પલ એપ હતી! તમારી નજીકની કોઈ વ્યક્તિ સાથે વાત કરો કે તમારા ફેમિલીના ગ્રૂપમાં, આપણી બધી વાતચીત ખાનગી રહે. ખાસ કરીને, બંને છેડા પરની બે કે બધી વ્યક્તિ એકબીજા માટે ભરોસાપાત્ર હોય તો. પછી વોટ્સએપનો ઉપયોગ વિસ્તરતો ગયો. ફોનમાં, કમ્પ્યૂટરમાં… બધે. લોકો વોટ્સએપમાં બધું ખાનગી રહે છે એવું માનીને તેના ભરોસે ‘કાળી-ધોળી’ ઘણા પ્રકારની વાતો કરવા લાગ્યા.
પછી વોટ્સએપમાં એઆઇનું પણ આગમન થયું! તેમ, વોટ્સએપનો એક ફોનને બદલે બીજાં ડિવાઇસમાં પણ ઉપયોગ શક્ય બનતાં તેમાંથી વાતચીત લીક થવાની શક્યતાઓ વધી.
આ બધું જાણતી કંપની વોટ્સએપમાં પ્રાઇવસી વધારવા સતત પ્રયત્નશીલ રહે છે, પણ એનાં ફીચર્સ હવે પહેલાં જેટલાં સિમ્પલ રહ્યાં નથી. જોકે તમે પ્રાઇવસીને મહત્ત્વની ગણતા હો, તો આ બધું સમજ્યા વિના છૂટકો નથી!
તમારી ચેટ વધુ 'રીસ્ટ્રિક્ટ' કરવી છે ?
થોડા સમય પહેલાં વોટ્સએપમાં એક મેસેજ ખાસ્સો વાયરલ થયો હતો. એ મેસેજ વિવિધ વોટ્સએપ ગ્રૂપના એડમિનને સંબંધિત હતો. જેમાં સૌને પોતાના ગ્રૂપમાં ‘એડવાન્સ્ડ ચેટ પ્રાઇવસી’ વિકલ્પ ઓન કરવાની સલાહ આપવામાં આવી હતી. સાથે કહેવામાં આવ્યું હતું કે તેને ઓન કરવામાં ન આવે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) જે તે ગ્રૂપના મેસેજ ખોલી શકે છે, તેમાં સામેલ લોકોના ફોન નંબર જોઈ શકે છે અને ફોનમાંથી વ્યક્તિગત માહિતી, ખાનગી ચેટ્સ વગેરે બધું જોઈ શકે છે!
વાસ્તવમાં વોટ્સએપમાં ગયા વર્ષથી વધુ પ્રાઇવસી માટે આ ‘એડવાન્સ્ટ ચેટ પ્રાઇવસી’નું ફીચર ઉમેરવામાં આવ્યું હતું.
આપણે વ્યક્તિગત ચેટમાં કે પોતાના ગ્રૂપના ઇન્ફો પેજ માંતેને ઓન કરીએ એ પછી સામેની વ્યક્તિ કે ગ્રૂપમાંના સભ્યો આપણી ચેટ માટે નીચેનાં એકશન લઈ શકે નહીં.
આપણે મોકલેલ મીડિયા તેમના ડિવાઇસની ગેલેરીમાં આપોઆપ સેવ ન કરી શકે.
ચેટમાં જે કંઈ વાત થઈ હોય તેના વિશે મેટા એઆઇને કંઈ પૂછી ન શકે, તેમાંથી કોઈ ઇમેજ બનાવી ન શકે કે એ ચેટની સમરી જનરેટ કરી ન શકે.
એ ચેટને કોઈ રીતે એક્સપોર્ટ કરી ન શકે.
વોટ્સએપ એડવાન્સ્ડ ચેટ પ્રાઇવસીના પેજ પર સ્પષ્ટતા કરે છે તેમ આપણે આ ફીચર ઓન ન કરીએ તો પણ સામેની વ્યક્તિ ચેટમાંની વિગતો આગળ શેર ન કરે ત્યાં સુધી તે ખાનગી જ રહે છે. એડવાન્સ્ટ ચેટ પ્રાઇવસીથી આખી વાત થોડી વધુ ખાનગી બને છે.
હવે વધુ સ્પષ્ટતા
આ ફીચર વિશે લોકોને ગૂંચવણ રહેતી હોવાથી વોટ્સએપે તેને વધુ સ્પષ્ટ બનાવવાની કોશિશ કરી છે. આ માટે ‘રીસ્ટ્રિક્ટેડ ચેટ’ નામે ‘એડવાન્સ્ડ ચેટ પ્રાઇવસી’નું નવું ફીચર આવી રહ્યું છે જે એડવાન્સ્ડ ચેટ પ્રાઇવસીનું સ્થાન લેશે તથા તેમાં કેટલીક નવી સુવિધાઓ ઉમેરશે.
સૌથી મોટો ફેરફાર એ થશે કે આપણે આ રીસ્ટ્રિક્ટેડ ચેટ ફીચર ઓન કરીએ એ પછી સામેની વ્યક્તિ કે ગ્રૂપમાંની વ્યક્તિઓ ફક્ત પોતાના પ્રાઇમરી મોબાઇલ ફોનમાં જ એ ચેટ જોઈ શકશે. લોકોએ પોતાના વોટ્સએપ એકાઉન્ટને વોટ્સએપ વેબ કે અન્ય મોબાઇલ ડિવાઇસમાં પણ લિંક કર્યું હોય તો પણ તેમને અન્ય ડિવાઇસમાં આપણી ચેટ જોવા મળશે નહી.
સામાન્ય રીતે વોટ્સએપ સાથે ઓફિશિયલી કનેક્ટ ન હોય તેવા સોફ્ટવેર અને ટૂલ્સ મોટા ભાગે આપણા પ્રાઇમરી મોબાઇલ ડિવાઇસને બદલે લિંક્ડ ડિવાઇસ મારફત આપણા વોટ્સએપ એકાઉન્ટમાં ઘૂસણખોરી કરતા હોય છે. ક્યારેક આવાં ટૂલ્સ ચેટમાં સામેલ બાબતોને એઆઇ એજન્ટને ફોરવર્ડ કરતાં હોય છે. જે આપણે માટે જોખમી બની શકે છે. વોટ્સએપ ચેટમાં ‘રીસ્ટ્રિક્ટેડ ચેટ’ ફીચર ઓન કર્યા પછી આ જોખમ ઘટી જશે.
એ ખાસ યાદ રાખવા જેવું છે કે હાલના ‘એડવાન્સ્ડ ચેટ પ્રાઇવસી’ ફીચરમાં જે સગવડો મળે છે તે બધી ‘રીસ્ટ્રિક્ટેડ ચેટ’ ફીચરમાં પણ સામેલ રહેશે. એમાં કશું બદલાશે નહીં.
‘એડવાન્સ્ડ ચેટ પ્રાઇવસી’ ફીચર અત્યારે સૌને ઉપલબ્ધ થઈ ગયું છે, જ્યારે ‘રીસ્ટ્રિક્ટેડ ચેટ’ ફીચર થોડા સમયમાં સૌને મળવાનું શરૂ થશે.
આપણે માટે આ જરૂરી છે?
હવે આપણા માટે સૌથી મુદ્દાની વાત - આપણે વ્યક્તિગત ચેટમાં કે પોતે જે ગ્રૂપના એડમિન હોઇએ તેમાં હાલનું ‘એડવાન્સ્ડ ચેટ પ્રાઇવસી’ ફીચર કે નવું ફીચર એક્ટિવેટ કરવું જોઇએ? ટૂંકો જવાબ એ કે તમને સામેની વ્યક્તિ કે ગ્રૂપમાં સામેલ સૌ લોકો પર પૂરતો ભરોસો હોય અને બધુ‘ ચેટિંગ સામાન્ય વાતચીત પૂરતું હોય તો આ ફીચર ઓન ન કરો તો પણ ચાલે.
આ ફીચર ઓન ન કરીએ તો આપણું વોટ્સએપ એકાઉન્ટ ખુલ્લું થઈ જશે કે બેંક એકાઉન્ટ ખાલી થઈ જશે એવી ચિંતા રાખવાની જરૂર નથી. પરંતુ આ ફીચર ઓન કરો તો આપણી વાતચીત વધુ ખાનગી રહેશે.
બીજી પણ એક વાત - વોટ્સએપનો પોતાના મૂળ મોબાઇલ ઉપરાંત વેબ વર્ઝનમાં ઉપયોગ કરવાની સગવડ ખાસ કરીને વોટ્સએપના પ્રોફેશનલ ઉપયોગ માટે વધુ કામની છે. વોટ્સએપનો બિઝનેસ માટે ઉપયોગ કરતા મોટા ભાગના લોકો વોટ્સએપના વેબ વર્ઝનનો વધુ ઉપયોગ કરતા હોય છે. આ નવું ‘રીસ્ટ્રિક્ટેડ ચેટ’ ફીચર ઓન કરવા જતાં તેઓ ચેટને વેબ વર્ઝનમાં એક્સેસ કરી શકશે નહીં.




