Claude Leave ChatGPT Behind: AIની દુનિયામાં હવે યુઝર્સના ઉપયોગના ટ્રેન્ડમાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. હાલના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે Anthropicના Claude ચેટબોટના યુઝર્સમાં નોંધપાત્ર વધારો થયો છે અને તે OpenAIના ChatGPTને પાછળ છોડી રહ્યું છે. Forbesના રિપોર્ટ અનુસાર Claude આ મહિને ડેઇલી યુઝર્સના મામલે ChatGPTથી આગળ નીકળી ગયું છે. આંકડા મુજબ યુઝર્સ Claude પર સરેરાશ અઠવાડિયામાં 38 સેશન કરે છે, જ્યારે ChatGPT પર આ આંકડો માત્ર 18 સેશન છે.
Claudeના યુઝર્સમાં જોરદાર વધારો
આ વર્ષે Claudeના ઉપયોગમાં ભારે વધારો નોંધાયો છે. જાન્યુઆરીની 15ની આસપાસ જ્યાં તેનો ઉપયોગ લગભગ 1100 સેશન હતો, ત્યાં માર્ચના બીજા અઠવાડિયા સુધીમાં તે વધીને 17,000 સેશન સુધી પહોંચી ગયું છે. એટલે કે માત્ર બે મહિનામાં લગભગ 1,487% જેટલો વધારો નોંધાયો છે. ઓફિસમાં પણ આ જ ટ્રેન્ડ જોવા મળ્યો છે. Claudeનો ઉપયોગ ChatGPTની તુલનામાં લગભગ બમણો રહ્યો છે, જે દર્શાવે છે કે ઓફિસ એન્વાયરમેન્ટમાં પણ તેનો ઉપયોગ વધુ થઈ રહ્યો છે.
શું છે QuitGPT ટ્રેન્ડ?
જાન્યુઆરીથી “QuitGPT” નામનો ટ્રેન્ડ પણ ઝડપથી લોકપ્રિય બન્યો છે. અમેરિકાની ટ્રમ્પ સરકાર દ્વારા જ્યારથી Anthropic સાથેની ડીલ કેન્સલ કરવામાં આવી છે ત્યારથી એ ચર્ચામાં છે. Anthropicનો ઉપયોગ હથિયાર માટે પણ કરવાની ડિમાન્ડ કરવામાં આવી હતી જેને કંપનીએ ફગાવી દીધી હતી. આથી ત્યારથી Anthropicની વાહવાહી થઈ રહી છે અને આ ડીલ OpenAI દ્વારા કરવામાં આવતાં એનો વિરોધ થઈ રહ્યો છે.
MIT Technology Review અનુસાર ઘણા યુઝર્સ હવે પોતાના સામાન્ય AI પ્લેટફોર્મના વિકલ્પો શોધી રહ્યા છે. કેટલાક યુઝર્સે OpenAIના ChatGPT સાથે જોડાયેલા રાજકીય અને નૈતિક મુદ્દાઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે. કેટલાક યુઝર્સને Claude પર્ફોર્મન્સમાં વધુ સારું લાગ્યું છે. આથી ઘણાં યુઝર્સ હવે તેમના AIને બદલી રહ્યા છે.
યુઝર્સ હવે એક જ AI પર નિર્ભર નથી
આ ટ્રેન્ડ બતાવે છે કે હવે યુઝર્સ કોઈ એક AI પ્લેટફોર્મ પ્રત્યે વફાદાર રહ્યા નથી. તેઓ અલગ-અલગ કામ માટે અલગ AI ટૂલ્સનો ઉપયોગ કરી રહ્યા છે. એટલે કે યુઝર્સ હવે એકથી વધુ AI સિસ્ટમ વચ્ચે સ્વિચ કરીને તેમની જરૂરિયાત પ્રમાણે શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરી રહ્યા છે. આ બદલાવ કંપનીઓમાં પણ જોવા મળી રહ્યો છે. હવે કંપનીઓ એવા કર્મચારીઓ શોધી રહી છે, જે એક કરતાં વધુ AI ટૂલ્સનો ઉપયોગ કરી શકે. જોબ લિસ્ટિંગ્સમાં હવે AI વર્કફ્લો ઓપ્ટિમાઇઝેશન, AI-નેટિવ ડેવલપમેન્ટ અને vibe-coding જેવી સ્કિલ્સને વધુ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે.


